શ્રી અમિતભાઈ શાહનું ઉદ્બોધન

    ૦૮-ડિસેમ્બર-૨૦૧૭
  
કોંગ્રેસમાં ન નેતા છે કે ન નીતિ. એક ટોળું સરકાર બનાવવા નીકળ્યું છે. ૨૦૧૭ની આ ચૂંટણી કોઈ સરકાર બનાવવાની ચૂંટણી નથી. ગુજરાતની વિકાસયાત્રાને નિરંતર આગળ વધારવા માટેની ચૂંટણી છે. કેન્દ્રમાં ૧૦ વર્ષ સુધી તમારી સરકાર હતી ત્યારે જવાબ આપો કે તમે ગુજરાત માટે શું કર્યું હતું. તમારી સરકારના તેરમા નાણાપંચના ૬૩૩૪૩ કરોડ રૂપિયા જ મળતા આજે ૧,૫૮,૩૭૭ કરોડ મળે છે. એક સમયે ગુજરાતમાં ૨૪ કલાક વીજળી નહોતી મળતી. ગુજરાતમાં ૨૫૦ દિવસ કરફ્યુ રહેતો હતો. જાતિવાદ વકર્યો હતો. સંસદમાં સરદાર પટેલની તસવીર પણ મૂકવા દેવાઈ ન હતી. ભારતરત્નનું સન્માન આપવામાં પણ અન્યાય કર્યો હતો. કેન્દ્રમાં વાજપાઈજીની સરકાર આવતાં તેમણે સંસદમાં સરદાર વલ્લભભાઈ પટેલનું તૈલીચિત્ર મુકાવ્યું હતું.
અમેઠીમાં ૬૦ વર્ષથી ગાંધી પરિવારે કોઈ વિકાસ કર્યો નથી. અમેઠીમાં તમે ૬૦ વર્ષથી સત્તા ભોગવી છે. તો વીજળી, રસ્તા કેમ ન સુધર્યા ? અમેઠીમાંથી ૧૩,૬૦૦ લોકો ગુજરાતમાં રોજીરોટી કમાવા આવ્યા છે. જે ગુજરાતમાં થવાનું છે તે યુપીમાં થઈ ચૂક્યું છે. રાહુલે વિકાસ જોવા માટે ઈટલીના ચશ્મા ઉતારવા પડશે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં અંધારામાં હતા. કોંગ્રેસ જ્ઞાતિવાદનું ઝેર ફેલાવી રહી છે.
ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીનાં પરિણામો એ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું રિહર્સલ છે. જનતાએ હવે દેશભરમાંથી કોંગ્રેસનું નામું નાખી દેવાનું નક્કી કર્યું છે. ગુજરાતની ચૂંટણીઓ આવી એટલે કોંગ્રેસ અહીં સત્તાનાં સપનાં જોવા માંડી હતી. ગપગોપાળા ચલાવવાની શરૂઆત કરી કે કોંગ્રેસ આવે છે. કોંગ્રેસ આવે છે પણ એમના નેતા રાહુલ ગાંધી અને એમનો પરિવાર જ જે લોકસભાની બેઠકો પર પ્રતિનિધિત્વ કરે છે, એવા ઉત્તર પ્રદેશના અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસ સ્થાનિક ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી. ગુજરાતની જનતા વિકાસવાદને વરેલી છે. કોંગ્રેસ સત્તા માટે વંશવાદ, જાતિવાદ અને સમાજમાં વેરઝેર ફેલાવી રહી છે. ૧૯૯૫ પહેલાના કોંગ્રેસના શાસનમાં ગુજરાતનાં ગામડાંઓમાં પાંચથી સાત કલાક પણ વીજળી મળતી ન હતી. રસ્તાઓનો અભાવ હતો. પીવાના પાણીની તંગી હતી. વારંવાર કોમી દંગલો, કરફ્યુ જેવી સ્થિતિથી વેપાર ધંધા રોજગારને અસર થતી હતી.
વડાપ્રધાન ગુજરાતના સુપુત્ર છે. પોતાની વાતને ગુજરાતી ભાષામાં ગુજરાતીઓ સુધી પહોંચાડે છે અને સાંભળે છે. કોંગ્રેસ-નહેરુ-ગાંધી પરિવારે ગુજરાતનું હંમેશા અપમાન જ કર્યું છે. વિકાસને અવરોધ્યો છે એ સૌ જાણે છે. રાહુલ ગાંધી પાસે જ્ઞાતિવાદ, કોમવાદ, ભાગલા પાડો ને રાજ કરો સિવાય કોઈ મુદ્દા જ નથી. દેશ વિકાસના મુદ્દે આગળ વધવા માગે છે. રાહુલના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં કલેક્ટર કચેરીનું ભૂમિપૂજન મેં કર્યું છે. અમેઠીના ૧૩,૬૭૨ લોકોએ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે, ત્યાં વીજળી પણ નથી ને રાહુલ ગુજરાતમાં આવી વિકાસને ભાંડે છે.