ગુજરાત રોજગારી સર્જન-સ્કીલ ડેવલપમેન્ટમાં અવ્વલ : યુએનડીપી

    ૦૮-ડિસેમ્બર-૨૦૧૭
 
 
કેન્દ્રમાં ભાજપા સરકાર આવી એ પછી દેશમાં વિકાસ થયો છે કે નહીં એ મુદ્દે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. મૂડીઝ જેવી વૈશ્ર્વિક રીતે ટોચની મનાતી સંસ્થાએ ભારતના રેટિંગમાં સુધારો કર્યો છે. મૂડીઝે ગયા સપ્તાહે આપણા અર્થતંત્રના રેટિંગમાં સુધારો કર્યો ને અગાઉનું રેટિંગ બીએએ૩ હતું તે સુધારીને બીએએ૨ કરી દીધું. મૂડીઝે ૧૩ વર્ષ પછી ભારતના રેટિંગમાં સુધારો કર્યો છે. છેલ્લે મૂડીઝે ૨૦૦૪માં ભારતનું રેટિંગ સુધારીને બીએએ૩ કરેલું. એ પહેલાં આપણું રેટિંગ શું હતું એ ખબર નથી ને આપણને રેટિંગને લાયક ગણવામાં આવતા હતા કે નહીં એ પણ ખબર નથી પણ રેટિંગ અપાતું હશે તો પણ બીએએ૩થી નીચું જ હશે એ કહેવાની જરૂર નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં વિકાસ થયો કે નહીં એ મુદ્દો ખોટો ચગાવીને પાણીમાંથી પોરા કાઢવાનાં ફાંફામાં અટવાઈ રહ્યા છે. ગુજરાતના જ લોકો ગુજરાતના વિકાસ સામે સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (યુએનડીપી) જેવી સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા ગુજરાતના વિકાસને બીજાં રાજ્યો માટે પ્રેરણાસ્રોત માને છે. યુનાઈટેડ નેશન્સ પોતાના સભ્ય દેશોમાં જીવનધોરણ સુધારવા માટે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (યુએનડીપી) ચલાવે છે. ગુજરાતમાં પણ યુએનડીપી હેઠળ અનેક કાર્યક્રમો ચાલે છે અને આ કાર્યક્રમોને સફળ બનાવવા ગુજરાત સરકાર જે પ્રયત્નો કરે છે તેની નોંધ સતત યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (યુએનડીપી) લેતું રહે છે. આ પ્રયત્નોની મુક્ત રીતે પ્રશંસા પણ યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (યુએનડીપી) દ્વારા કરાય જ છે.
યુએનડીપીએ ગુજરાત સરકારે રોજગારી સર્જન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની પ્રશંસા કરી છે. જાન્યુઆરી ૨૦૧૭માં યોજાયેલી આઠમી વાયબ્રન્ટ સમિટ પહેલાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ વિષયક આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં શિક્ષણ, કૌશલ્યવર્ધન અને રોજગાર ક્ષેત્રના તજ્જ્ઞોએ યુવાનોના કૌશલ્યવિકાસ માટે દુનિયાભરમાં અમલમાં મુકાતી શ્રેષ્ઠ પ્રણાલીઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ સેમિનારમાં યુએનડીપી ઇન્ડિયાના ડેપ્યુટી ક્ધટ્રી ડાયરેકટર મરિના વોલ્ટર ઉપસ્થિત રહ્યા હતા.
મરિના વોલ્ટરે ગુજરાત સરકારે સ્કીલ ડેવલપમેન્ટ તથા રોજગારી ઊભી કરવા કરેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી. ગુજરાતમાં ગુજરાતના યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી સરકારે રાજ્યમાં ૧૦૮ પોલિટેકનિક, ૫૦૦ જેટલાં કૌશલ્યવર્ધન કેન્દ્ર, ૧૩૪ એન્જિનિયરીંગ કૉલેજ, ૧૦૫ આઈ-કેવીકે, ૮૦૦ આઈટીઆઈ ઉપરાંત મહિલાઓ માટે અલાયદી ૨૫ આઈટીઆઈ અને દિવ્યાંગો માટે ૨ આઈટીઆઈનું માળખું ઊભું કરાયું છે.. ગુજરાતમાં યુવાનોના સ્કીલ ડેવલપમેન્ટના ઉદ્દેશ્યથી વડોદરા ખાતે સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ છે. આ ઉપરાંત રોજગારલક્ષી અભ્યાસક્રમોને કેન્દ્રસ્થાને રાખીને પેટ્રોલિયમ યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સ્થપાઈ છે અને દેશની સૌપ્રથમ રેલવે યુનિવર્સિટી પણ ગુજરાતમાં આકાર લઈ રહી છે તેનો ઉલ્લેખ કરીને તેમણે ગુજરાતના વિકાસને આવકાર્યો અને સ્વીકાર્યો હતો.
 
વિકસિત દેશોની હરોળમાં ગુજરાત અગ્રસ્થાને
 
રોજગારલક્ષી જ્ઞાનને પ્રાધાન્ય આપવાને કારણે છેલ્લાં ૧૩ વર્ષથી ગુજરાત રોજગારી પ્રદાન કરવાના મામલે દેશભરમાં મોખરે રહ્યું છે, અને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા દેશભરમાં અપાયેલ કુલ રોજગારીના ૮૪% રોજગારી માત્ર ગુજરાત દ્વારા આપવામાં આવી છે. દેશની ૬૫ ટકા વસતી ૩૫ વર્ષથી નીચેની વયજૂથની છે. આ યુવાશક્તિના માધ્યમથી ભારત દુનિયાના વિકસિત દેશોની હરોળમાં અગ્રણી સ્થાને બિરાજમાન થવાની ક્ષમતા ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મેક ઈન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા જેવાં અભિયાનોના પરિણામરૂપે દેશમાં એક નવો માહોલ પેદા થયો છે તેવું પણ તેમણે સ્વીકાર્યું.
 
આરોગ્યમાં ગુજરાતને ઍવોર્ડ
 
ગુજરાત સરકારની ટીમ આરોગ્યને ઓપીડીમાં ગુજરાતને નેશનલ એવોર્ડ મળ્યો છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માતા મૃત્યુદર, બાળમૃત્યુ દર, રસીકરણ, ન્યૂટ્રિશન, સ્ત્રોઓમાં પાંડુ રોગનું પ્રમાણ (એનીમિયા), જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોની વિશેષ કાળજી અને રોગચાળાથી થતાં મૃત્યુ તેમજ મેન્ટર હેલ્થ, જાતિ પ્રમાણમાં સુધારો કરવા, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અને બિનચેપી રોગો એમ ૭ અને ૪ મળી કુલ ૭/૧૧ સૂચકાંકો પર ભાર મૂકીને યુએનડીપીના નિયમ પ્રમાણેનો નીતિ આયોગ દ્વારા સૂચવ્યા પ્રમાણેનો લક્ષ્યાંક પૂર્ણ કરાયો છે. તેની પણ યુએનડીપી દ્વારા પ્રશંસા કરાઈ છે. આ ૧૧ સૂચકાંક-મુદ્દાઓમાં સફળતા મેળવવા ગુજરાત સરકાર સાથે યુનિસેફ, ડબલ્યુએચઓ, યુએનડીપી, શ્રીમદ્ રાજચંદ્ર પરિવાર અને અનેક એનજીઓ પણ જોડાઈ છે. ૨૦૨૨ સુધીમાં ગુજરાતને મેલેરિયામુક્ત કરવાનો લક્ષ્યાંક. ૨૦૩૦ સુધીમાં રાજ્યનો માતામૃત્યુદર એક લાખ જીવિત જન્મે ૪૫થી નીચે અને રાજ્યનો બાળમૃત્યુદર પ્રતિહજાર જીવિત જન્મે ૧૦થી નીચે લઈ જવા રાજ્ય સરકારે કરેલા પ્રયત્નો તથા રાજ્યમાં વર્ષ ૨૦૧૫-૧૬થી કુપોષણમુક્ત ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ કરાયો છે તેની પણ યુએનડીપીએ પ્રશંસા કરી છે.
 
UNDP  અને ચૂંટણી...
 
દેશમાં યોજાયેલી ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સમયે ભારતના ચૂંટણી પંચને ચૂંટણી પ્રક્રિયાના સંચાલનમાં યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) પણ મદદરૂપ થાય અને તેના નેજા હેઠળના એક એક ટેક્નિકલ નિષ્ણાત દેશનાં તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીને ખાસ માર્ગદર્શન અને સહકાર આપવા તહેનાત કરાય તેવો નિર્ણય લેવાયો હતો. યુએનડીપી અને ભારતના ચૂંટણી પંચ વચ્ચે ઓક્ટોબર, ૨૦૧૨માં થયેલા એમઓયુ મુજબ ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન દેશમાં યોજાનારી તમામ ચૂંટણીઓના સંચાલનમાં પોતાના અનુભવ અને નિપુણતાનો ચૂંટણી પંચને પણ લાભ મળે તે હેતુથી આ વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચૂંટણીઓમાં વધુ ને વધુ મતદારોની સહભાગિતા વધે તેવા મુખ્ય આશયથી યુએનડીપીનો સહકાર મેળવવામાં આવ્યો છે. દરેક રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને માર્ગદર્શન અને સહકાર આપવા અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ યુએનડીપીના એક ટેક્નિકલ નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી હતી અને તે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી સાથે જ પોતાની કામગીરી કરી રહ્યા છે.
આ ટેક્નિકલ નિષ્ણાતની મુખ્ય કામગીરી સીઈઓ(મુખ્ય ચૂંટણી અધિકારી)થી માંડી સ્ટર્નિંગ અધિકારી સુધીની કક્ષાએ ચૂંટણી પ્રક્રિયાના સંચાલનમાં ટેક્નોલોજિકલ ટૂલ્સ તૈયાર કરવા, મતદાર જાગૃતિ અને જાણકારી માટે ટેક્નોલોજીનો કેવી રીતે શક્ય એટલો વધુ ઉપયોગ કરી શકાય તેની ચકાસણી કરવી, યુવા મતદારોને કેવી રીતે વધુ ને વધુ મતદાન માટે આકર્ષી શકાય તે માટે ઈન્ફર્મેશન ટેક્નોલોજીના અસરકારક વિકલ્પો શોધવાના વગેરે હતી. ગુજરાત સરકારે આ તમામ ક્ષેત્રે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે તેવું યુએનડીપીએ તેના રિપોર્ટમાં સ્વીકાર્યું છે. હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીમાં પણ આ નિષ્ણાત કામ કરી જ રહ્યા છે.
 
રાષ્ટ્રીય શિબિર
 
ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ પંચાયતી રાજ મંત્રાલય (એમઓપીઆર) અને યુએનડીપી દ્વારા ૧૧થી ૧૫ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ સંયુક્તપણે ’ગ્રામ સ્તરે સહભાગી આયોજન માટે પંચાયત-સ્વ-સહાય જૂથ વચ્ચે સંકલન’ વિષય પર રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરાયું હતું. તેમાં પણ આ દિશામાં સરકારે લીધેલાં પગલાંની પ્રશંસા કરાઈ હતી.
આ તો બહુ થોડાંક ઉદાહરણ આપ્યાં પણ યુએનડીપીએ ગુજરાત સરકારની બીજા અનેક મુદ્દે પણ પ્રશંસા કરીને તેને બિરદાવી છે અને તેને શ્રેષ્ઠતાનું સર્ટિફિકેટ આપ્યું છે. ગુજરાતમાં વિકાસ સામે સવાલ ઉઠાવતાં લોકોને યુએનડીપી જેવી સ્વતંત્ર સંસ્થાએ મારેલો આ મોટો તમાચો છે.