ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય

    ૦૮-ડિસેમ્બર-૨૦૧૭
 
 
 
રાજનૈતિક પંડિતો મુજબ, ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે બોલાવેલા સપાટાની સૌથી મોટી અસર આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી પર પડી શકે છે. રાજયમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને હાર્દિક-અલ્પેશ-જીજ્ઞેશ આ ત્રણથી ઘેરાયેલા ભાજપ માટે, આ જીત નવો ઉત્સાહ ભરશે. ગુજરાતમાં ભાજપના પ્રચારને આ ભવ્ય જીતથી બમણો ટેકો મળશે તે નક્કી છે.
ચૂંટણી પરિણામો મુજબ ૧૬ પૈકી ૧૪ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભગવો લહેરાયો છે. આ સાથે જ ફરી એકવાર કેસરિયા પાર્ટી લોકપ્રિયતાની પરીક્ષામાં પાસ થઈ છે. તેમજ પાછલાં બે વર્ષોમાં દેશનાં જે પણ રાજયોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે તેમાં ભાજપનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેમજ ઓડિશા અને બેંગલુરુમાં ખાતે પણ ભાજપ સારું પ્રદર્શન કરી શકયો છે. તો બીજી બાજુ કોંગ્રેસનું પ્રદર્શન વધુ ને વધુ કથળી રહ્યું છે, સિવાય કે પંજાબ વિધાનસભા ચૂંટણી આ તરફ ઉત્તર પ્રદેશમાં આ વખતે ગાંધી-નહેરુ પરિવારના પરંપરાગત વિધાનસભા ક્ષેત્ર અમેઠીમાં પણ હાલની નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસે કારમી હાર મેળવી છે.
યૂપી ચૂંટણીનાં હાલનાં પરિણામોથી પ્રોત્સાહિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘અમેઠીમાં હારનારા ગુજરાત જીતવાનું સપનું જુવે છે.’
ઉત્તર પ્રદેશ નગર નિગમોની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ ખુદ મોદીજીએ યોગી આદિત્યનાથને આ વિજય માટે શુભકામનાઓ આપી છે. નગર પાલિકાઓની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ પીએમએ ટ્વિટર કરતાં લખ્યું કે, "વિકાસની આ દેશમાં એકવાર ફરીથી જીત થઈ છે. ઉત્તર પ્રદેશ નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે પ્રદેશની જનતાનો ખૂબ-ખૂબ ધન્યવાદ. મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી અને પાર્ટીના દરેક કાર્યકર્તાઓને ખૂબ શુભકામનાઓ. આ જીત અમને જનકલ્યાણની દિશામાં હજુ વધારે મહેનત કરવા માટે પ્રેરિત કરશે. જો કે વિપક્ષે તેની પરંપરાગત આદત મુજબ ઈવીએમ મશીનને દોષ આપ્યો છે. બસપ સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓના પરિણામો અમારી તરફી છે અને હજુ વધારે સકારાત્મક આવી શકત, પરંતુ ભાજપે ઈવીએમમાં છેડછાડ કરી પરિણામો પોતાનો પક્ષે કરી લીધા છે.
સમાજવાદી પાર્ટીએ પોતાના કારમા પરાજય સ્વીકારતાં કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી ભલે મેયરની કોઈ બેઠક જીતી નથી શકી, પરંતુ નગરપાલિકા પરિષદ અને નગર પંચાયતમાં પાર્ટીએ ઘણી બેઠકો મેળવી છે. જો ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હોત તો પરિણામ અલગ હોત.
જ્યારે કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સ્થાનિક ચૂંટણીઓ સ્થાનિક મુદ્દાના આધારે લડાતાં હોય છે અને પરિણામોમાં એક પક્ષને વધુ સફળતા મળે છે. જે પક્ષની સરકાર હોય. અમે આ પરિણામોનું વિશ્ર્લેષણ કરીશું અને પક્ષ જ્યાં હાર્યો છે તેની જવાબદારી સ્વીકારીશું.
રાજનૈતિક પંડિતો કહે છે કે, યુપીમાં મળેલી આ જીતને લીધે ભાજપ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ પોતાની ભવ્ય જીત માટે વધુ આશાવાદી બની રહ્યો છે. તો દેશની અર્થવ્યવસ્થામાં આવેલા સુધાર અને જીડીપી વધવાને પણ સારો સંકેત મનાઈ રહ્યું છે. રાજકીય પંડિતોનું એમ પણ માનવું છે કે અર્થતંત્રમાં આવેલ સ્થિરતા અને પ્રગતિ ફરી એકવાર ગુજરાતમાં પણ ભાજપને પોતાનો વિકાસમાં મુદ્દો સાચો ઠેરવવાની તક આપશે અને પાટીદાર તથા દલિત આંદોલનો છતાં ભાજપાના વિજય-પથને પ્રશસ્ત કરશે...
ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને મળેલ ભવ્ય વિજયથી ગુજરાતના ભાજપી કાર્યકર્તાઓમાં પ્રચંડ ઉત્સાહ અને નવું જોમ ઊભરાઈ જાય એ સ્વાભાવિક છે.
યુપીના આ જ્વલંત વિજયથી, ગુજરાત ભાજપાના સહસ્ત્રાબ્ધી કાર્યકર્તાઓમાં અને સમર્થકોમાં ઉત્સાહની લહેર ઊઠી છે. ગુજરાતની ગલી-ગલી અને ચૌરે-ચૌટે ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં એક નવું સૂત્ર વહેતું થયું છે... "આજે યુપી, કાલે ગુજરાત..
કોંગ્રેસી અપપ્રચારના કીચડમાં
સર્વત્ર કમળ ખીલી ઊઠશે !