ગુજરાતના મુખ્યમંત્રીશ્રીઓ - પક્ષ કોઈપણ હોય પ્રતિબદ્ધતા એક જ : લોકસેવા

    ૦૯-ડિસેમ્બર-૨૦૧૭

 
ડૉ. જીવરાજ મહેતા
ગાંધીજીની સારવાર કરી હતી
 
૧૯૧૫માં ગાંધીજી આફ્રિકાથી પરત આવી રહ્યા હતા એ વખતે ટિળકને મળવા તેઓ વાયા લંડન થઈને આવી રહ્યા હતા. ઇંગ્લૅન્ડની ઠંડી ગાંધીજીને આકરી લાગી અને બીમાર પડ્યા. એ વખતે ત્યાં હાજર રહેલા ગુજરાતી ડૉક્ટરે ગાંધીજીની સારવાર કરી હતી. એ ગુજરાતી ડૉક્ટર પાછળથી ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બન્યા, ડૉ. જીવરાજ નારાયણ મહેતા.
ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલાં ડૉ. મહેતા મુંબઈ રાજ્યના નાણામંત્રી હતા. તેમને સાદગી પસંદ હતી. એટલે એક દિવસ તેમની ગાડી બંગલે પહોંચી ગઈ હતી. એ વખતે તેઓ ચાલતાં ચાલતાં ઑફિસેથી ઘરે પહોંચ્યા હતા. જીવરાજ મહેતાનાં પત્ની હંસા મહેતા પણ તેમના જેટલાં જ જાણીતાં છે. વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીના તેઓ કુલપતિ હતાં. આજે તેમની યાદમાં ગુજરાત વિધાનસભાનું મુખ્ય મકાન તેમના નામ ડૉ. જીવરાજ મહેતા ભવન તરીકે ઓળખાય છે.
 
શ્રી બળવંતરાય
પાકિસ્તાન સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા મુખ્યમંત્રી
 
બળવંતરાયના વાંચવાના ખૂબ શોખને કારણે નાનપણમાં તેમનું નામ મિત્રોએ "તાર માસ્તર રાખેલું (તત્કાળ સંદેશાઓ માટે એક જમાનામાં તાર એટલે કે ટેલિગ્રામ વપરાતાં હતાં)! નાનપણમાં એક તબક્કે તેઓ ક્ષય રોગનો પણ ભોગ બન્યા હતા. તેમના વ્યક્તિત્વ ઉપર પણ કવિ ન્હાનાલાલની ઘણી અસર હતી. તેમનાં ભાષણોમાં અવાર-નવાર ન્હાનાલાલની પંક્તિઓ ટાંકતા રહેતા. ૧૯૬૬ના યુદ્ધ વખતે તેઓ સરહદની સ્થિતિ તપાસવા ગયા અને ત્યાં પાકિસ્તાન દ્વારા તેમનું વિમાન તોડી પડાયું. વિમાનપ્રવાસે જતાં પહેલાં તેમને કોઈએ કહેલું કે થોડો આરામ કરી લો. ત્યારે બળવંતરાયે જવાબ આપેલો કે હું તો પ્રજાનો સૈનિક છું, મારે વળી આરામ કેવો ?
 
શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
રાજીવ ગાંધી પણ એમને સમયસર જ મળવા આવતા હતા
 
ત્રીજા મુખ્યમંત્રી હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ. સમયપાલનના તેઓ ચુસ્ત આગ્રહી હતા. એટલા બધા આગ્રહી કે ૧૯૮૯માં એક વખત દિલ્હીમાં રાજીવ ગાંધી સાથે મુલાકાત હતી. મુલાકાતના સમયે બધા નેતાઓ રાજીવ ગાંધીના ઘરે પહોંચી ગયા. દસેક મિનિટ થઈ ત્યાં સુધી રાજીવ ગાંધી આવ્યા નહીં. એટલે હિતેન્દ્રભાઈ ત્યાંથી ચાલતા થઈ ગયા હતા. ૧૯૫૪માં સગુણાબહેન સાથે લગ્ન થયાં ત્યારે હિતેન્દ્રભાઈની ઊંમર ૩૯ વર્ષ થઈ ચૂકી હતી. મૂળ તો હિત્ાુભાઈને લગ્ન જ કરવાં ન હતાં, પણ એવામાં સગુણાબહેન સાથે મુલાકાત થઈ અને તેમનો વિચાર બદલાયો. તેમને કોઈ સંતાન ન હતાં. સગુણાબહેનનું મોત સ્તન કેન્સરથી થયેલું એટલે હિતેન્દ્રભાઈએ પોતાની સંપત્તિમાંથી કેન્સર હોસ્પિટલો માટે દાનની જોગવાઈ પણ કરેલી. તેમનું રસોડું ડાહીબહેન નામનાં દલિત મહિલા ચલાવતાં હતાં.
 
શ્રી ઘનશ્યામભાઈ ઓઝા
તેમના નામે કોઈ સ્મારક, રસ્તો કે ચોક કેમ નથી ?
 
ઘનશ્યામ ઓઝાએ એક વખત સંસદમાં કહેલું કે દેશના દરેક યુવાને લશ્કરની તાલીમ ફરજિયાત લેવી જોઈએ. એ વખતે કોઈ વિરોધી સાંસદે કહ્યું કે પહેલાં ઘનશ્યામભાઈને કહો કે પોતાના એકાદ દીકરાને તો લશ્કરમાં મોકલે! હકીકત એ હતી કે ઘનશ્યામદાસે દીકરા રોહિતને પહેલેથી જ લશ્કરમાં મોકલી દીધો હતો.
ગુજરાતના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝાને આ રીતે પ્રસિદ્ધ થવા સાથે સખત અણગમો હતો. એટલે જ તો એમના વતન સુરેન્દ્રનગર કે મોસાળ ઉમરાળા કે કર્મભૂમિ ભાવનગર કે રાજભૂમિ અમદાવાદ-ગાંધીનગરમાં પોતાના નામે એક પણ સ્મારક-રસ્તો-મકાન ન બને એવી કડક સૂચના તેમણે આપી રાખી હતી. આજે ગુજરાતમાં ઘનશ્યામ ઓઝાના નામે કોઈ મકાન કે ચોક કે રસ્તો જોવા મળવો મુશ્કેલ છે.
 
શ્રી ચિમનભાઈ પટેલ
એક વખત વાંચે એ આજીવન યાદ રાખી શકતા
 
ચીમનભાઈનું ગામ ચિખોદ્રા નદીકાંઠે હતું. ચોમાસામાં નદીને કારણે ગામ સાથેનો વાહન-વ્યવહાર ખોરવાઈ જતો. ચિમનભાઈ નાના હતા ત્યારે તેમના પિતાએ જાતે જ પથ્થરો ગોઠવીને પુલ બાંધેલો. વર્ષો પછી ચિમનભાઈ મંત્રીપદે પહોંચતાં તેમણે આ પુલ નવો બનાવડાવ્યો હતો. ચિખોદ્રાની પ્રાથમિક શાળામાં જ તેમણે એકથી ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરેલો જે આજે પણ મોજૂદ છે. ભણવામાં ચિમનભાઈની યાદશક્તિ ઘણી પાવરફૂલ હતી. એક વખત વાંચે તો આજીવન યાદ રાખે. એક વખત શાળામાં માસ્તરે બોર્ડ પર ૨૫ અલગ અલગ શબ્દો લખી વિદ્યાર્થીઓને લખવા કહ્યું. ચિમનભાઈ સિવાય બધાએ એ શબ્દો લખ્યા એટલે માસ્તરે ચિમનભાઈને પૂછ્યું કે તેં શા માટે નથી લખ્યા ? તો ચિમનભાઈએ જવાબ આપ્યો કે મને બધાં નામો યાદ છે, એમ કહી એ તમામ ૨૫ નામો બોલી ગયા.
 
શ્રી બાબુભાઈ પટેલ
એસ.ટી. બસમાં મુસાફરી કરતા રાજનેતા
 
મુખ્યપ્રધાન તો ઠીક સામાન્ય કોર્પોરેટર પણ સરકારી એસ.ટી.બસમાં મુસાફરી કરે એવી કલ્પના થઈ શકે? ૧૯૭૬ની ૧૨મી માર્ચે બાબુભાઈ મુખ્યપ્રધાન પદેથી ઊતર્યા અને બીજા દિવસથી જ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે બસમાં મુસાફરી કરતા થઈ ગયા હતા. પહેલા દિવસે તો તેમને બસમાં ચડેલા જોઈ કંડક્ટર પણ હેબતાઈ ગયેલો. બહોળા વાંચન ઉપરાંત તેમની યાદશક્તિ પણ જબરદસ્ત હતી. ગૃહમાં કોઈ નોંધ કે ચિઠ્ઠી-ચબરખી વગર સડસડાટ આંકડાઓ બોલી જાય. તેની સામે કોઈ વાક્‌યો બોલે તો બાદમાં બાબુભાઈ ભૂલ વગર બધાં જ વાક્‌યો બોલી શકતા! બાબુભાઈએ પ્રજાના હિતમાં મુખ્યમંત્રી બન્યા બાદ નીચી પાયદાન પર આવીને પણ કામ કરી દેખાડેલું. મુખ્યમંત્રી પદ છોડ્યાના દોઢેક દાયકા પછી તેઓ નર્મદા યોજના ખાતાના કેબિનેટ મંત્રી બનેલા. ત્યારે મુખ્યમંત્રી ચિમનભાઈ હતા. એ વખતે તો તેઓ ઘણી વખત પોતાના સહાયકના સ્કૂટર પર બેસીને પણ મુસાફરી કરી લેતા.
 
શ્રી માધવસિંહ
આજે જીવતા હોય એવા સૌથી વયોવૃદ્ધ મુખ્યમંત્રી
 
માધવસિંહ સોલંકીએ એક વખત તો તેમણે બધા મંત્રીઓને અઠવાડિયા સુધી સચિવાલયમાં જ બેસી રહી બધી ફાઈલોનો નિકાલ કરવાની સૂચના આપી હતી. એ વખતે તેઓ પણ એક પછી એક ફાઈલ નિકાલ કરી રહ્યા હતા. પોતાની ફાઈલો પૂરી થઈ અને બીજા મંત્રીઓની બાકી હતી ત્યારે તેમણે કહેલું કે લાવો પેન્ડિંગ ફાઈલો મારી પાસે. હું હવે ફ્રી છું. એમ કરી ફરી ફાઈલોના નિકાલમાં લાગી પડ્યા હતા. વાંચનના શોખીન માધવસિંહે રાજકીય પ્રશ્ર્નોમાં પણ પોતાની વિદ્વત્તાનો ઉપયોગ કર્યો હતો. એક વખત વિધાનસભા વિસ્તરણની માંગણીએ જોર પકડ્યું ત્યારે માધવસિંહે બધા વિધાનસભ્યો માટે "વેઇટિંગ ફોર ગોદો નામના અતિ પ્રચલિત અંગ્રેજી નાટકના શોનું આયોજન કરેલું. ત્યારે કોઈએ પૂછ્યું કે આવું નાટક શા માટે ? તો માધવસિંહે સમજાવેલું કે બધા મંત્રીમંડળના વિસ્તરણની રાહ જુએ છે, એટલે વેઇટિંગ ફોર ગોદો જેવી સ્થિતિ છે..
 
શ્રી અમરસિંહ ચૌધરી
ગુજરાતના પહેલા આદિવાસી મુખ્યમંત્રી
 
અમરસિંહ વડોદરામાં ભણતા ત્યારે તેમની પાસે સારી હૉસ્ટેલમાં રહેવાના પૈસા ન હતા એટલે સસ્તા છાત્રાલયમાં રહેતા. જમવાના પૈસા પણ બાકી રહે. છેક સ્કોલરશિપના પૈસા આવે ત્યારે આખા વર્ષના ભોજનનું બીલ ભરે. કપડાં પણ એ પૈસામાંથી જ ખરીદવાના. જે પછીનું આખું વર્ષ ચાલે. અમરસિંહ ત્રીજા ધોરણમાં ભણતા હતા એ વખતની વાત છે. શાળાની દીવાલની તિરાડમાં એક સાપ ઘુસી ગયો. સાપની પૂંછડી દેખાય ત્યાં સુધી બધાને ડર લાગ્યા કરે. જો સાપ દીવાલમાં જતો રહે તો પણ ત્યાં બેસતાં બીક લાગે. એ વખતે અમરસિંહે ઉપાય અજમાવ્યો. કોઈનીએ પરવા કર્યા વગર તેમણે હાથ વડે સાપની પૂંછડી પકડી સાપને ખેંચી કાઢ્યો. ત્યારે બધા એમની સાહસિકતા માટે આફરીન પોકારી ઊઠ્યા હતા.
 

 
 
 
શ્રી છબિલદાસ મહેતા
બંડી અને બગલથેલાધારી નેતા
 
મહુવા હવે તો જમીન આંદોલન માટે જાણીતું થયું છે. પણ એ મહુવાએ ગુજરાતને એક મુખ્યમંત્રી નામે છબિલદાસ પ્રાગજીભાઈ મહેતા આપ્યા હતા. ખાદીની બંડી અને બગલથેલો એવી તેમની ઓળખ હતી. મહાગુજરાત આંદોલન વખતે તેઓ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેતા થયા અને ત્યારે જ એક સક્ષમ આગેવાન તરીકે બહાર આવ્યા હતા. અત્યંત ઓછો અભ્યાસ કર્યો હોવા છતાં અચાનક મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાનું આવતાં તેમણે પોતાનાથી ચલાવી શકાય એ રીતે સરકાર ચલાવી હતી. છબિલદાસે કદાચ પક્ષના તમામ સભ્યોને ખુશ રાખવા માટે ૪૪ સભ્યોનું તોતિંગ મંત્રીમંડળ બનાવ્યું હતું.
 
શ્રી કેશુભાઈ
જેલમાં જવું પડ્યું એટલે ભણતર પૂરું ન કરી શક્‌યા!
 
કેશુભાઈ ગાંધીજીથી પ્રખ્યાત રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા છે. જોકે ઓલ્ડ એસએસસી વખતે તેઓ આઝાદીની લડતમાં સક્રિય હતા. એટલે પરીક્ષા આપી શકે એ પહેલાં જ જેલમાં જવાનું થયું. બસ ત્યારથી ભણતર સાથેનો તેમનો નાતો છૂટી ગયો. કેશુભાઈના પિતા સવાદાસબાપાને ખેતી ઉપરાંત પથ્થરની ખાણો હતી. એ પછી તેઓ આફ્રિકા ગયા હતા, પણ બીમાર પડ્યા એટલે પરત આવતા રહ્યા. કેશુભાઈએ પણ વર્ષો સુધી ખેતી સંભાળી છે. એ સમયની સુપર બાઈક ગણાતી રાજદૂતમાં બેસી તેઓ ખેતરે જતા હતા.
 
શ્રી સુરેશભાઈ મહેતા
એ સત્યાગ્રહીના કેસ લડ્યા હતા
 
માંડવીના વતની સુરેશચંદ્ર ‚પશંકર મહેતા મૂળ તો વકીલ છે. એમના પિતા ‚પશંકર મહેતા આઝાદીની ચળવળમાં સક્રિય હતા. આઝાદી પછી ‚પશંકર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ વિજેતા થઈ કાર્યરત થયા હતા. એ ગાળામાં જ સુરેશ મહેતા પણ જનસંઘ સાથે ભળી જાહેર જીવનમાં આવ્યા. એમના પિતાની ઇચ્છા જોકે સુરેશભાઈને વકીલ કે ન્યાયાધીશ બનાવવાની હતી, પરિણામે તેમને બી.એ. પછી કાયદામાં પણ સ્નાતક કરાવ્યા.
 
કાયદાના અભ્યાસ પછી એમને કોર્ટમાં નોકરી પણ મળી અને મેજિસ્ટ્રેટ બની એક પછી એક કેસોનો નિકાલ કરવા લાગ્યા. એ વખતે "કચ્છ કી ધરતી દેશ કી ધરતી જેવાં આંદોલનો અને રણ ઉપર થયેલા બીજા સત્યાગ્રહોના કેસ ચલાવવાના હતા. કોઈ જજ એ કેસ લડવા તૈયાર ન હતા. એ વખતે સુરેશ મહેતાએ કહ્યું કે હું કેસ લડવા જઈશ. તેઓ ગયા પણ ખરા અને કેસ લડ્યા પણ ખરા.
 
શ્રી શંકરસિંહ વાઘેલા
વાસણિયાના મહાદેવના પરમ ભક્ત
 
ગાંધીનગર પાસે આવેલું વાસણિયા ગામ શંકરસિંહનું વતન છે. શંકરસિંહ આ વૈજનાથ મહાદેવના પરમ ભક્ત છે. કોઈ પણ કામ કરવાનું હોય અહીં આશીર્વાદ લેવા અચૂક આવે. શંકરસિંહ નાટકના શોખીન. અમદાવાદની એચ.કે. આર્ટ્સ કૉલેજમાં ભણતા ત્યારે તેમણે ઘણાં નાટકોમાં પણ ભાગ લીધો હતો. યુવાનીમાં નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)માં પણ સક્રિય હતા. એનસીસીમાં તો સાહેબ બનવા સુધી પહોંચ્યા હતા. વડોદરામાં ભણતા ત્યારે તેઓ ‚રૂમ રાખીને રહેતા. મેસમાં જમવાનું બિલ ઘણું વધારે આવતું એટલે શંકરસિંહ અને તેમના રૂમ પાર્ટનરે ‚મમાં જ રસોઈ બનાવવાનું નક્કી કર્યું એ વખતે રસોઈ બનાવવાની જવાબદારી શંકરસિંહે ઉપાડી લીધેલી.
 
શ્રી દિલીપભાઈ પરીખ
ધંધુકામાં પગ મૂક્‌યો ત્યારે કોઈ ઓળખતું ન હતું
 
ખેડા પાસેનું માતર દિલીપ પરીખનું મૂળ વતન પણ તેમનો જન્મ તો મુંબઈમાં થયો છે. મુંબઈમાં તેમના પિતા રમણભાઈ પરીખ ચીફ રેસિડેન્સિયલ મેજિસ્ટ્રેટ હતા. શંકરસિંહના આગ્રહથી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. ૧૯૯૦ની ચૂંટણી વખતે તેમને સૂચના અપાઈ કે ધંધ્ાુકા બેઠક પરથી વણિક ઉમેદવાર જ જીતે છે. તમે ત્યાંના ઉમેદવાર છો. પરીખ ધંધ્ાુકા પહોંચ્યા ત્યારે ૯મી ફેબુ્રઆરી હતી. એ વખતે દિલીપ પરીખને ધંધ્ાુકામાં એક પણ વ્યક્તિ ઓળખતો ન હતો. ૧૩મી ફેબુ્રઆરી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. વાયા વાયા કરીને દિલીપભાઈએ સગાં-મિત્રો શોધ્યા, પોતાની બેગ ત્યાં રાખી અને ધંધુકામાં પ્રચાર શરૂ કર્યો. સતત ૧૧ દિવસ ત્યાં રહ્યા અને પછી વિજેતા થઈ ધીમે ધીમે કરતાં ૧૯૯૭માં મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા.
 
શ્રી નરેન્દ્રભાઈ મોદી
વતન વડનગર નથી !
 
એમ કોઈ કહે કે નરેન્દ્ર મોદીનું વતન વડનગર નથી, તો પહેલી નજરે એ વ્યક્તિનું સામાન્ય જ્ઞાન સામાન્યથી પણ ઓછું છે એવું લાગે. પણ વાત સાવ ખોટી નથી. બૌદ્ધ ધર્મ માટે મહત્ત્વનું રહી ચ્ાૂકેલું એ વડનગર આજે મુખ્યમંત્રી મોદીને કારણે વધારે જાણીતું બન્યું છે, કેમ કે એ તેમનું વતન છે. પરંતુ મોદી પરિવાર વડનગરમાં સ્થળાંતરિત થઈને આવ્યો હતો. ૧૯મી સદીના ઉહમહરાર્ધમાં તેમના વડવાઓ બનાસકાંઠાના નામદેવા ગામેથી અહીં સ્થળાંતરિત થયા હતા. મોદીના વડદાદાએ અહીં કરિયાણાની દુકાન કરી હતી જે બાદમાં નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ પણ ચલાવતા હતા.
બાળપણથી જ સેવા, સાહસ અને સંસ્કારનું પ્રતિબિંબ પાડતા નરેન્દ્રભાઈ મોદીના આ ગુણો સંઘના વરિષ્ઠ પ્રચારક લક્ષ્મણરાવ ઈનામદાર એટલે કે વકીલ સાહેબનાં પરિચયમાં આવ્યા અને તેમનાથી પ્રભાવિત થઈ સંઘ કાર્યમાં જોડાયા. ૧૯૬૭માં ગૌરક્ષા આંદોલન અને રાષ્ટ્રવ્યાપી, હસ્તાક્ષર અભિયાનમાં પણ તેઓ સક્રિય રીતે જોડાયા. ૧૯૭૫માં ઇન્દિરા ગાંધી દ્વારા લદાયેલ કટોકટીમાં વિરુદ્ધના આંદોલનમાં પણ તેઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો.
એ ગાળામાં સિદ્ધપુર ખાતે વિશ્ર્વહિન્દુ પરિષદનું સંમેલન યોજાયું. સંમેલનમાં ઘણા રોકડ ફાળો નોંધાવતા હતા. એ ફાળો સાચવવાની જવાબદારી મોદીની હતી. એટલે તેઓ એક ખાડો કરી તેમાં પૈસા મૂકી તેના ઉપર પથારી કરી સૂઈ રહ્યા હતા.
નરેન્દ્રભાઈ ભણતા એ શાળાના પ્રાંગણ ફરતી દીવાલ ન હતી. શાળાને ૨૫ વર્ષ થયાં એ વખતે મોદી અને બધા દોસ્તોએ નક્કી કર્યું કે નાટકોનું આયોજન કરીએ. એમાંથી પૈસા મળે એની દીવાલ બંધાવીએ. એમણે શાળાના પ્રાંગણમાં જ નાટકો કર્યાં અને એમાંથી મળેલા પૈસામાંથી દીવાલ પણ બનાવી. એ નાટ્યપ્રવૃત્તિમાં વડનગરના એ સમયના મોટા કલાકાર ભોગીલાલ ભોજક તેમને મદદ કરતા. કવિતા-વાર્તા સહિતનું લેખનકાર્ય જાણતા મોદીએ ઘણાં પુસ્તકો લખ્યાં છે. કટોકટી વખતની સ્થિતિનું વર્ણન કરતું તેમનું પુસ્તક "સંધર્ષમાં ગુજરાત જાણીતું છે.
 
શ્રીમતી આનંદીબહેન
ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી
 
મહિલા સશક્તિકરણમાં અગ્રેસર ગુજરાત રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે યશસ્વી કામગીરી કરવાનો શ્રેય શ્રીમતી આનંદીબહેન પટેલના ફાળે જાય છે. શિક્ષિકાથી છેક મુખ્યમંત્રી સુધી પહોંચી તેમણે ગુજરાતના રાજકારણમાં એક મોડેલ સેટ કર્યું છે. મહેસાણા જિલ્લાના ખારોડમાં જન્મેલા આનંદીબહેન જ્યારે સ્કૂલમાં ભણવા ગયાં ત્યારે ત્યાં માત્ર ૩ જ વિદ્યાર્થિનીઓ હતી. એ સ્થિતિમાં પણ તેમણે ભણવાનું ચાલુ રાખ્યુ અને એટલે જ એ વખતે તેમને શાળામાં ઉત્તમ કામગીરી બદલ "વીરબાળા’ ઍવોર્ડ મળ્યો હતો.
એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરીએ પોતાના દમ પર ભણી ગણી વિદ્યાર્થિની, માતા, શિક્ષિકા, આચાર્યા, શિક્ષણમંત્રી, મહેસુલમંત્રી જેવી જવાબદારીઓના પડાવ બાદ ગુજરાત રાજ્યનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સુપેરે નિભાવી. શાળા પ્રવેશોત્સવ, ક્ધયા કેળવણી, વિદ્યાસહાયક યોજના, ટ્યુશન પ્રથા પર પ્રતિબંધ, શિક્ષકોની સેન્ટ્રલાઈઝડ બદલી, કલેક્ટરની સત્તા પર કાપ, બાનાખત, જંત્રી વધારી કાળાં નાણાં પર રોક, સાત બારના ઉતારા ઓનલાઈન જેવા મહત્ત્વના કામ તેમના કાર્યક્ષમ વહીવટની સાક્ષી પૂરે છે.
 
શ્રી વિજયભાઈ રૂપાણી
બર્મામાં જન્મેલા ગુજરાતના મુખ્યમંત્રી
 
ભારતના પૂર્વોત્તર છેડે આવેલો દેશ બર્મા અત્યારે તો રોહિંગ્યા મુસલમાનોને હાંકી કાઢવા માટે કુખ્યાત થયો છે. પણ આ દેશે ગુજરાતને એક મુખ્યમંત્રી પણ આપ્યા છે. વર્તમાન મુખ્યમંત્રી ‚પાણીનો જન્મ બર્માના તત્કાલીન પાટનગર રંગૂનમાં થયો હતો. એ વખતે ગુજરાતનો બર્મા સાથે ગાઢ નાતો હતો. અંજલિબહેન સાથે તેમના લગ્ન થયાં છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કામ કરતું બહુ જાણીતું પુજિત ‚પાણી ટ્રસ્ટ વિજયભાઈ ચલાવે છે, કેમ કે પુજિત તેમના દીકરાનું નામ હતું, જેનું યુવાવસ્થાએ અવસાન થતાં આ ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યું હતું.