ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન

    ૧૭-માર્ચ-૨૦૧૭


૨૧મી માર્ચ - ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની જન્મજયંતી નિમિત્તે વિશેષ

સાત શુદ્ધ અને પાંચ કોમળ સ્વર જેમની નમાજ હતા તેવા શહનાઈવાદક

શહેનાઈને દરબારી ડેલી પરથી, નોબત પરથી, લગ્નમંડપમાંથી વિશ્ર્વના મંચ પર લઈ જઈને પ્રતિષ્ઠા અપાવનાર ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને ૯૧ વર્ષના જીવનમાં લગભગ પોણો સો વર્ષ શરણાઈ વગાડી. ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા પરથી રાગ કાફીના સૂરો વહેતા મૂકનાર ઉસ્તાદની શરણાઈ તો ભારતના દરેક સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક દિવસની શાન બની ગઈ હતી. શરણાઈ અને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન એકબીજાના પર્યાય બની ગયા છે. શરણાઈ ઉપર તેમની જાણે મોનોપોલી રહી છે. વાતાવરણને પવિત્ર અને ભાવવાહી બનાવી દેતી શરણાઈના સૂરો છેડવામાં ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનનું કૌશલ્ય જાદુની કક્ષાએ પહોંચ્યું હતું. ૧૯૧૬ની ૨૧મી માર્ચે બિહારની દુમરાંવ નામની નાનકડી રિયાસતમાં જન્મેલા ઉસ્તાદના વડવા રિયાસતના શાહી સંગીતકારો હતા અને મહેલની દોઢીએ બેસીને સંગીત વગાડતા હતા. સૂર અને સંગીત ગળથૂથીમાં લઈને જન્મેલા ઉસ્તાદનું નામ પિતા પૈંગબર ખાન અને માતા મિઠ્ઠને કમ‚દ્દીન પાડ્યું હતું પણ તેમના દાદાએ પૌત્રનું મોં પ્રથમ વખત જોયું ત્યારે તેમના મોંમાંથી ‘બિસ્મિલ્લાહ’ શબ્દો સરી પડ્યા અને કમ‚દ્દીન થઈ ગયો બિસ્મિલ્લાહ.
ઉસ્તાદના કાકા અલીબક્ષ વિલાયતુ બનારસના વિશ્ર્વનાથ મંદિરમાં શરણાઈ વગાડતા હતા. તેમની પાસે બિસ્મિલ્લાહ ખાન શરણાઈ શીખ્યા. પોતાનું તમામ કૌશલ્ય બિસ્મિલ્લાહને શીખવી દીધા પછી અલીબક્ષ વિલાયતુએ તેમને કહ્યું કે હવે વધુ શીખવું હોય તો કાશી વિશ્ર્વનાથ મંદિરમાં સવારે શરણાઈ વગાડ. રોજ સવારે ત્રણ વાગ્યાથી કાશી વિશ્ર્વનાથ મંદિરમાં શરણાઈ વગાડનાર ઉસ્તાદને એક સવારે જાણે શિવનો સાક્ષાત્કાર થયો. તે પછી બિસ્મિલ્લાહ ખાનની જે પ્રગતિ થઈ તે અવર્ણનીય છે. કહેવાય છે કે બિસ્મિલ્લા ખાન જ્યારે મંત્રમુગ્ધ થઈ વહેલી પરોઢે શરણાઈ વગાડતા ત્યારે ખુદ કાશી વિશ્ર્વનાથ મહાદેવ તેમને દર્શન આપતા.
શિયા મુસ્લિમ તરીકે ધર્મમાં અપાર શ્રદ્ધા રાખનાર ઉસ્તાદ મા સરસ્વતીના પણ અનન્ય ઉપાસક હતા. શિયાઓ માટે સંગીત હરામ ગણાય છે. ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને પાકા ધાર્મિક હોવા છતાં આ વાત ક્યારેય સ્વીકારી નહોતી. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તેવું ઇચ્છતા ઉસ્તાદે બનારસમાં બોંબધડાકા વખતે કહ્યું હતું  કે મારી હયાતીમાં બનારસમાં હિન્દુ મુસ્લિમ એકતા નહીં તૂટે. ધર્મના નામે હત્યા કરનારાઓ સાચા મુસ્લિમ કે સાચા હિન્દુ હોઈ શકે નહીં.
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં અનોખું સ્થાન બનાવનાર ઉસ્તાદ વિશ્ર્વના લગભગ દરેક દેશના પાટનગરમાં શરણાઈના સૂર રેલાવી ચૂક્યા છે. પંડિત રવિશંકર અને એમ.એસ. સુબ્બાલક્ષ્મી પછી ભારતરત્નનો ખિતાબ મેળવનાર તેઓ ત્રીજા સંગીતકાર છે. પદ્મશ્રી, પદ્મવિભૂષણ અને ભારતરત્નના ખિતાબો મેળવ્યા છતાં ઉસ્તાદની સાદગી યથાવત્ રહી હતી. બનારસ છોડીને તેઓ ક્યાંય ગયા નહીં અને શરણાઈને સસ્તી થવા દીધી નહીં. ગુંજ ઊઠી શહેનાઈ નામની ફિલ્મમાં તેમણે શરણાઈ વગાડી અને કન્ન્ડ ફિલ્મ સનધી અપન્નામાં સંગીત આપ્યું. તે બંને ફિલ્મો હીટ ગઈ. પણ ફિલ્મ ઉદ્યોગની ઝાકઝમાળ ઉત્સાદને આકર્ષી શકી નહીં. ઉસ્તાદના પાંચ પુત્રો અને ત્રણ પુત્રીઓનાં સંતાનોનો ૬૦ વ્યક્તિનો બહોળો પરિવાર બનારસના જે ઘરમાં રહે છે તે સાવ સાદું મકાન છે. બિસ્મિલ્લાહ ખાનની સાદગીનો પડઘો આ મકાનમાં પડે છે.
થોડા વરસો પહેલા યુ.એસ.નું એક સંગીતપ્રેમી જુથ આવ્યું અને ઊસ્તાદને અમેરિકામાં સ્થાઈ થઈ સંગીતની સાધના કરવા વિનંતી કરી.
ઉસ્તાદે કહ્યું, ‘મેં અપને કાશી વિશ્ર્વનાથ કે સિવા નહીં ગા શકતા. ઉનકા યે ભવ્ય મંદિર ઔર મૂર્તિ મેરી પ્રેરણા હૈ.’
જૂથના આગેવાને કહ્યું, ‘આપ ફિકર મત કિજીએ ! હમ યુ.એસ. મેં ઐસા હી કાશી વિશ્ર્વનાથ કા મંદિર આપકે લિયે બના દેંગે.’
શહનાઈવાદકે હસતા હસતા ગંગાના અફાટ પ્રવાહ તરફ ઇશારો કરતાં કહ્યું, ‘મંદિર તો બના દોગે લેકીન ગંગા કિધર સે લાઓગે ?’
આ લગાવ હતો ઊસ્તાદનો ગંગા અને કાશી વિશ્ર્વનાથ સાથે.
આવો જ એક અન્ય પ્રસંગ પણ છે. એક વખત કાર્યક્રમ બાદ આયોજકે એમને પેમેન્ટ આપી સહી કરવા જણાવ્યું. ઉસ્તાદે સહીને બદલે અંગૂઠો કર્યો. આયોજકે આશ્ર્ચર્યથી કહ્યું, ‘આપ કે જૈસા બડા આદમી ઐસા હો વો મેને કભી નહીં દેખા !’
ઉસ્તાદે મર્માળુ હસતાં કહ્યું, ‘મેરે જૈસા શહનાઈવાદક ભી આપને કભી નહીં દેખા હોગા !’
* * *
આવા સ્વામભિમાની અને સાધકની કક્ષાનાં શહનાઈવાદક ભારતને મળ્યા તે ભારતનું ગૌરવ છે. ઉસ્તાદ જીવનભર સૂરની સાધનામાં જ મસ્ત રહ્યા. તેઓ કહેતા કે સાત શુદ્ધ અને પાંચ કોમળ સૂર મારી નમાજ છે. સંગીત, સૂર અને નમાજ આ ત્રણે સમાન છે, તે પરમતત્ત્વની નજીક લઈ જાય છે. જેનું દિલ સૂર છેડતું હતું તેવા ઓલિયા સંગીતકાર આજે આપણી વચ્ચે નથી. તેમની જન્મજયંતી નિમિત્તે આ શબ્દ-સ્મરણાંજલિ તેમના ચરણોમાં સાદર અર્પણ છે.

 

- સંપાદક મંડળ