દાદાજીનાં ચશ્માં

    ૦૨-માર્ચ-૨૦૧૭


હમણાંથી દાદાજીને આંખે ઓછું દેખાતું હતું. મંદિરે જવું હોય તો શ્રવણ લઈ જાય. વડીલોના ઓટલે બેસવા માટે શ્રવણ મૂકી આવે ને લઈ
આવે. દાદાને પુસ્તકો વાંચવાનો શોખ હતો, પરંતુ હમણાંથી અક્ષરો કીડીઓ દોડતી હોય તેવા દેખાતા હતા. છાપું પણ છેક આંખોની નજીક
લાવે ત્યારે તેનાં હેડિંગો ઝાંખાં ઝાંખાં દેખાતાં હતાં, ઘરમાં બધાને દાદાની આંખોની ચિંતા થવા લાગી હતી.
ડૉક્ટરે દાદાની આંખો તપાસીને કહ્યું, "નંબરો આવ્યા છે. ડાબી આંખમાં ચાર નંબર છે અને જમણી આંખમાં પાંચ નંબર છે. આંખોના
પડદાઓને ઘસારો લાગ્યો છે. ચશ્માં કઢાવવાં પડશે.
એટલું કહીને ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું અને ફાઈલના છેલ્લા કવરમાં છાપેલાં ખાનામાં આંખના નંબરો લખી આપ્યા.
પ્રિસ્ક્રિપ્શન જોતાં જોતાં શ્રવણે કહ્યું, ‘ચાલો પપ્પા, ચશ્માંવાળાની દુકાને, દાદાજીના ચશ્માં લઈ આવીએ !’
દવાખાનાની સામે જ ચશ્માંની બે દુકાનો હતી. પહેલી દુકાનમાં બે પગથિયાં ચડી, પાટલી પર બેસી, દુકાનદાર સામે ફાઈલ ધરીને
પપ્પાએ કહ્યું, ‘આ દાદાનાં ચશ્મા કઢાવવા છે !’
ચશ્માવાળાએ ફાઈલ લીધી, પ્રિસ્ક્રિપ્શન વાંચ્યું, ખાનામાં લખેલા નંબરો જોયા, પછી પોતાના ચોપડામાં દાદાનું નામ અને નંબરો લખીને
ફાઈલ પાછી આપતાં કહ્યું, ‘પાંચસો રૂ‚પિયા થશે. સિલ્વર ફ્રેમ આવશે. ગોલ્ડન ફ્રેમ લેવી હોય તો સો વધારે..!’
વચ્ચે જ શ્રવણે કહ્યું, ‘ગોલ્ડન રાખો !’
ત્યાં તો શ્રવણના પપ્પા એકાએક બોલી પડ્યા, ‘ના-ના ના, હમણાં નહીં, પછી હું કહી જઈશ. અત્યારે રહેવા દો, અત્યારે પૈસાની થોડી
ખેંચાખેંચી ચાલે છે.’
શ્રવણના પપ્પા એક પુસ્તક-પ્રકાશને ત્યાં નોકરી કરતા હતા. ટૂંકા પગારમાં પાંચ જણાનું ગુજરાન ચલાવવાનું હતું. એમાંય શ્રવણ અને
ક્ધિનરી તો ભણતાં હતાં. શ્રવણ સાતમા ધોરણમાં હતો અને ક્ધિનરી પાંચમામાં. ભણતરના ખર્ચા ભારે હતા. ફી, પુસ્તકો, નોટબુકો,
યુનિફોર્મ, પ્રવાસ, ઉત્સવ-ઉજવણી અને એવા બીજા ઘણા ખર્ચાઓ દર મહિને આવતા હતા.
આજે નોટિસ બોર્ડ પર એક જાહેરાત મૂકી હતી. સ્કૂલમાંથી આવતા મહિનાની પહેલી તારીખે રાજસ્થાનનો પ્રવાસ ગોઠવાયો હતો. ચાર
દિવસનો પ્રવાસ હતો અને છસો ‚પિયા ભરવાના હતા. પ્રવાસનું નામ સાંભળીને બાળકો ખુશમિજાજમાં આવી ગયાં હતાં.
રિસેસમાં શ્રવણના બધા મિત્રો મળ્યો હતા. તે બધા પ્રવાસમાં જવા માટે નામ લખાવવાના હતા. શ્રવણને ચૂપ જોઈને તે બધા કહે, ‘તું પણ
નામ લખાવી દેજે, મજા આવશે.’
શ્રવણે કહ્યું હતું, ‘હું મારા પપ્પાને પૂછીને લખાવીશ.’
પ્રાર્થનામાં શિક્ષકોએ જોવા લાયક સ્થળોનાં સુંદર સુંદર વર્ણનો કર્યાં હતાં. જયપુરનો એ હવા મહેલ, ગુલાબી નગરી જયપુર, મહારાણા
પ્રતાપનો એ ચિત્તોડગઢ, એ કીર્તિસ્તંભ, એ ચેતક ઘોડો,, હલ્દીઘાટીનું એ રક્તરંગી મેદાન, સરોવરનું નગર ઉદેપુર અને રાજાઓના ભવ્ય
પેલેસો. એની શૌર્યકથાઓ સાંભળીને બાળકો રોમાંચ અનુભવી રહ્યા હતા. ગમે તેવા અરસિકને પણ જોવાનું મન થાય તેવાં અદ્ભુત એ
વર્ણનો હતાં.
ઘેર આવીને શ્રવણે મમ્મીને પ્રવાસની વાત કહી હતી. મમ્મીએ તો કહી દીધું હતું, ‘તું નામ લખાવી દેજે, પૈસાની વ્યવસ્થા હું કરાવી દઈશ.’
રાત્રે શ્રવણે પૂછ્યું, ‘પપ્પા ! એક વાત કરવી છે !’
‘હા, કહે.’
‘અમારી સ્કૂલમાંથી રાજસ્થાનનો પ્રવાસ ગોઠવાયો છે !’
‘તારે જવું છે ?’ પપ્પાએ પૂછ્યું,
‘હા પપ્પા ! મારી ઇચ્છા તો છે. મારા બધા મિત્રો પણ જવાના છે.’
‘તો તું પણ નામ લખાવી દે. કેટલા પૈસા ભરવાના છે ?’
શ્રવણે કહ્યું, ‘છસો રૂપિયા.’
આજે જ પગાર થયો હતો. પપ્પાએ છસો રૂપિયા કાઢીને શ્રવણને આપી દીધા. પૈસા લઈને શ્રવણ તો રાજી રાજી થઈ ગયો.
શ્રવણ ખુશ હતો. સ્કૂલમાં આવીને જે મિત્ર મળે તેને શ્રવણ કહેતો, ‘પ્રવાસમાં હું પણ નામ લખાવવાનો છું. પપ્પાએ રજા આપી દીધી છે
અને પૈસા પણ આપી દીધા છે. મજા પડશે પ્રવાસમાં.’
હમણાંથી તો સ્કૂલમાં પ્રવાસની જ વાતો થતી હતી. પ્રાર્થનામાં, વર્ગમાં, રિસેસમાં, મેદાનમાં બધે જ પ્રવાસ, પ્રવાસ ને પ્રવાસ. છેલ્લે બોર્ડ
પર નોટિસ પણ મુકાઈ ગઈ હતી, ‘એક બસની સંખ્યા પૂરી થઈ ગઈ છે. હવે કોઈ વિદ્યાર્થીનું નવું નામ લખવામાં આવશે નહીં.’
નોટિસ વાંચીને કેટલાક વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા હતા. તેઓ પ્રવાસ માટે નામ લખાવવા માગતા હતા, પરંતુ તેમનાં માતા-પિતા
પ્રવાસ માટે પૈસા આપી શક્યાં ન હતાં. તો કેટલાક શારીરિક અશક્તિને કારણે નામ લખાવી શક્યા નહોતા, પરંતુ એકંદરે વિદ્યાર્થીગણમાં
ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જામ્યું હતું.
અને પહેલી તારીખ પણ આવી ગઈ. આજે રાજસ્થાનનો પ્રવાસ ઊપડવાનો હતો. કલાક પહેલાં બસ આવી ગઈ હતી અને તે નવ વાગ્યે
ઊપડવાની હતી. પ્રવાસી વિદ્યાર્થીઓ એક પછી એક આવી રહ્યા હતા. કોઈની સાથે મમ્મી આવી હતી તો કોઈની સાથે પપ્પા આવ્યા હતા.
વળી કોઈકને તો મમ્મી-પપ્પા બંને મૂકવા માટે આવ્યાં હતા. શ્રવણનાં મમ્મી-પપ્પા બંને આવ્યાં હતા.
ત્યાં પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓનું લિસ્ટ લઈને વ્યાયામ શિક્ષક આવ્યા. તેમણે કહ્યું, ‘જે વિદ્યાર્થીનું નામ બોલાય તે બસમાં પોતાનો નંબર
જોઈને બેસી જાય..!’
નામ બોલાય તે પહેલાં શ્રવણે ઊભા થઈને કહ્યું, ‘પપ્પા, તમે નામ સાંભળતા રહેજો, હું આવું છું, એક જ મિનિટમાં.’
પૂરાં નામ બોલાઈ ગયાં અને પૂરી બસ ભરાઈ ગઈ, પરંતુ એમાં શ્રવણનું નામ આવ્યું નહોતું. મિત્રો શ્રવણને શોધી રહ્યા હતા, પરંતુ
લિસ્ટમાં તો તેનું નામ જ ન હતું ! તેનાં મમ્મી-પપ્પા તો હબક ખાઈ ગયાં હતાં. તેમણે થોડીક વાર તેની રાહ જોઈ. પછી તેમને થયું કે તે
કદાચ ઘેર જતો રહ્યો હતો કે પછી આગળ તેઓ વિચારી શક્યા નહીં.
થાકી-હારી, નિરાશ થઈ તેઓ ઘેર આવ્યાં. બહારથી જ તેમણે બૂમાબૂમ કરી મૂકી, ‘શ્રવણ...! એ શ્રવણ !? શ્રવણ, તું ક્યાં છે ?’
ડ્રોઇંગ ‚મમાં દાખલ થયા પછી પણ તેમની આક્રંદ ભરી ચીસો ચાલુ જ હતી : ‘શ્રવણ ! ઓ શ્રવણ, તું ઘેર આવ્યો છે કે નહીં !’
માતા-પિતાના બંનેના બૂમબરાડા સાંભળ્યા પછી દાદાએ પોતાના ‚મમાંથી પૂછ્યું, ‘અરે ભાઈ ! કેમ બૂમો પાડો છો? શ્રવણને શોધો છો ?
શ્રવણ તો આ બેઠો મારા ‚મમાં.’
શ્રવણનાં મમ્મી-પપ્પા દોડતાં દાદાજીના ‚મમાં આવ્યા. આવીને તેમણે શું જોયું ? દાદાજીની સામે શ્રવણ આરામથી બેઠેલો છે.. અને
દાદાની આંખો પર ચશ્માં ચડાવેલાં છે અને દાદાના હાથમાં આજનું છાપું છે અને...
‘આ ચશ્માં ?’ શ્રવણના પપ્પા નવાઈ પામીને પૂછે છે.
શ્રવણ તો ચૂપ જ હતો.
અને દાદા પણ ચૂપ રહે છે, પરંતુ તેમની નજર શ્રવણ ઉપર મંડાય છે, અને મંડાયેલી જ રહે છે, મંડાયેલી જ રહે છે.