બગીચાની શોભા

    ૨૩-માર્ચ-૨૦૧૭


એક ગામ હતું.
ગામની બહાર તળાવ હતું.
તળાવને કિનારે સરસ મજાનો બગીચો હતો.
બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલ્યાં હતાં.
ગુલાબનાં ફૂલની સુગંધ માણવા લોકો બગીચામાં આવતા. મોગરાની ખુશ્બો લોકોને લલચાવતી. ગલગોટાનો સોનેરી અને પીળો રંગ લોકો મન ભરીને જોતા. સૂરજમુખીની સોનેરી પાંદડીઓ સૂરજ સામે સ્મિત કરતી.
તળાવને કિનારે કિનારે ઘણાં વૃક્ષો હતા. વડવાઈઓનાં મૂળ સાથેનો ઘેઘૂર વડલો હતો. લીમડાની ઘટાટોપ છાયા ઉનાળામાં ઠંડક આપતી હતી. ગુલમહોરની શોભા લાલ-કેસરી ફૂલોથી વધતી જતી. કેસૂડો તો આખા આકાશને કેસરિયા રંગથી ભરી દેતો. જાંબુના ઝાડ પર તો એપ્રિલ મહિનાથી જ જાંબુ આવવાની શ‚આત થઈ જતી હતી. ઉંબરાના ઝાડ પર મીઠાં ફળ ખાવા પક્ષીઓ આવતાં. વૃક્ષો આસપાસના વાતાવરણને ઠંડક અને તાજગી આપતાં હતાં.
જૂનના વરસાદી છાંટણાં થયાં. તલાવડીમાં કમળ ખીલી ઊઠ્યાં. ગુલાબી કમળથી તળાવની શોભા વધતી હતી. તળાવમાં ખીલેલાં કમળ જોઈ વડ ઉદાસ થઈ જતો. વડ કહે : મારે પણ આટલા મોટા અને સુંદર ફૂલ આવતાં હોત તો કેવું સારું હોત !
લીમડો કહે : ‘વડદાદા, તમારે અફસોસ કરવાની જરાય જ‚રૂર નથી. દરેકની પાસે બધું હોતું નથી.’
કમળ આ વાત સાંભળી ગયું. તેને પોતાની સુંદરતાનું અભિમાન થયું. તેણે બગીચામાંથી ઊંચી ડોક કરીને ઊભેલા સૂર્યમુખીને કહ્યું : ‘અહીં આજુબાજુમાં મારા જેટલું કોઈ જ સુંદર નથી.’
સૂર્યમુખીએ પોતાની ગરદન વધારે ઊંચી કરીને કમળને પૂછ્યું, ‘અહીં બગીચામાં તો ઘણાં સુંદર અને સુગંધી ફૂલો છે, તારે હરખાઈ જવાની જરાય જરૂ‚ર નથી. તું પણ અમારી જેમ એક ફૂલ છો. એટલે મારા જેટલું સુંદર કોઈ નથી એવું કેમ કહે છે ?’
‘અરે, સૂર્યમુખી ! તેં આ વડદાદાની વાત સાંભળી ? એ મારાં વખાણ કરતા હતા. તળાવકાંઠે આવે છે, એ લોકો પણ મારાં વખાણ કરે છે. મને સુંદર કહે છે.’ કમળ બોલ્યું, પછી બગીચાની વાડ પર ઊગેલા થોર જોઈને કહે, ‘આ છોડ તો આખેઆખો કાંટાનો જ છે. છી: એને તો અડીએ તોય કાંટા વાગે.’
આ વાત સાંભળી લીમડાએ કમળને કહ્યું : ‘કમળ, આ તમે કેવી વાતો કરો છો ? અમે તો માત્ર સુંદર હોય તેની જ વાત કરીએ છીએ. તું તો પાણીમાં જ રહે છે. કાદવમાં જ ખીલે છે. તને બગીચામાં કે જમીન પર શું હોય એ વાતની શી ખબર પડે ?’
આથી અભિમાની કમળ ગુસ્સે થઈ ગયું. ‘જા, જા, તું તો છે જ કડવો. તને સુંદરતા એટલે શું એની શી ખબર પડે ?’
બધાં વૃક્ષો વિચારવા લાગ્યાં. આ કેવું અભિમાની છે ?
કમળ ધીરે ધીરે પોતાનાં મૂળ કિનારા તરફ ફેલાવવા લાગ્યું અને કહેવા લાગ્યું : ‘આ કાંટાળો થોર તો સાવ નકામો છે.’
થોર એની વાત ક્યારેય મન પર લેતું નહીં. થોર તો એને સમજાવતું હોય એમ કહેતું પણ ખરું : ‘કુદરતમાં દરેક વસ્તુ ઉપયોગી હોય છે. દરેક છોડ એક અથવા બીજા કામમાં આવે જ. લીમડો કડવો હોવા છતાં કેટલો બધો ઉપયોગી છે.’
શિયાળાના દિવસો શ‚રૂ થયા. છતાં કમળનું અભિમાન ઓછું થયું નહીં. પાણી ધીરે ધીરે સુકાવા લાગ્યું. કમળ ધીરે ધીરે કરમાવા લાગ્યું. તેણે જોયું કે મોટાં ઝાડ તો મસ્તીથી ડોલતાં હતાં. હોય, એ તો મોટાં છે તે ડોલે પણ બગીચાની વાડ પર ઊગેલા થોર પણ એવા ને એવા જ હતા. એ તો જરાય કરમાયા નહોતા.
કમળે થોરને પૂછ્યું : ‘તમને તરસ નથી લાગતી ?’
થોર કહે, ‘અમે તો તરસથી ટેવાયેલા. અમે અમારા શરીરમાં પાણીની બચત કરી રાખીએ. એટલે અમને ઉનાળામાં પાણી વગર પણ ચાલે.’
કમળે જોયું કે દરેક પોતાની રીતે આનંદથી રહેતા હતા.
કોઈ એકબીજાનો વાદ કરતા ન હતા. કમળે પણ હવે આનંદથી રહેવાનું નક્કી કરી લીધું. બગીચાની શોભા વધતી જતી હતી.