કબ્બૂતો બીક્કણ ફસ

    ૨૯-માર્ચ-૨૦૧૭


નાનું-નાનું ચકલીનું બચ્ચું.
બહુ મજાનું... વ્હાલું લાગે એવું.
એને તો ઊડવું હતું. ઝાડે-ઝાડે જવું હતું. છતાં એની મા કહે... ‘ના હોં, તું હજી નાનું છે. થોડું મોટું થા, પછી જજે, પણ એ બચ્ચાની પાંખો તો થનગનતી હતી. એને તો જોવી હતી બહારની દુનિયા.. પાંખો ફેલાવવી હતી પણ માનો હુકમ ન હતો. બચ્ચું તો રાહ જોઈ-જોઈને થાક્યું. પાછું માને કહેવા લાગ્યું, ‘મા... મા, હું આજે બહાર જાઉં?’
‘જો... આજે તું પેલી લાઇટ સુધી જા. વધારે દૂર નહીં હોં..’
બચ્ચું તો ઊડ્યું, ફરરરર એ તો લાઇટ ઉપર જઈ બેઠું. એનો વિશ્ર્વાસ વધ્યો અને બચ્ચાની માને ધરપત થઈ.
‘મા... મા... મને ઊડતાં આવડે છે.. જો,’ કહેતું એ તો ઊડ્યું... પછી ત્યાંથી પંખા ઉપર જઈને બેઠું.
અં...અં...અં... કરતી ચકલી હરખાઈ ગઈ, ‘શાબાશ બેટા શાબાશ ! હવે-હવે તું બારી પાસે જા..’
‘મા...મા... જો... જો... હું તો બારીએ.’
‘અરે ! તું તો ઘડીકમાં જ બારીએ..’
‘હા, મા, હવે મને ઊડતાં આવડી ગયું. હવે.. હું બારી બહાર જાઉં ?’
‘ના હોં, હમણાં નહીં. હજુ તું નાનું છે. હું કહું પછી જ, હમણાં તો આ ઘરમાં ઉડાઉડ કર. મારું ધ્યાન પણ રહે અને તને પાકું ઊડતાં આવડી જાય.’
પણ.. બચ્ચાનું મન માને ? પાંખો આવી ગઈ હતી. એને તો આકાશ ભણી દોડી જવું હતું. પરંતુ મા જોઈ રહી, એટલે બારીએ બેસી રહ્યું. ડાહ્યુંડમરું થઈને. બારીએ બેઠા-બેઠા બહાર તરફ જોતું હતું. ઓહો..હો બહારની દુનિયા કેટલી મોટી છે.. પણ બહુ મજાની લાગે છે. હોં..
ત્યાં તો એની નજર પડી બીજી બારી પર ‘મા... મા... અહીં બીજી બારી છે... ત્યાં જાઉં ?’
‘ના હોં.’
‘જવા દેને !’
મા સામે જોઈ બચ્ચું સમજી ગયું કે... મા સંમતિ નહીં આપે એટલે એ ત્યાં જ બેસી રહ્યું. સામેની બારીની અંદર પણ કંઈક અવર-જવર હતી. તો બારીની છાજલી ઉપર કંઈક સળવળતું લાગ્યું. એની નજર ગઈ. એકાએક એણે જોયું તો કોઈ મોટું પંખી ગોળ-ગોળ ફરતું હતું. વળી... ગટર ઘુ..ઘુ...ઘુ... એમ કરતું હતું. બચ્ચું તો આ જોઈ ચીસ પાડી ઊઠ્યું. મા...મા... દોડ...દોડ, તું ક્યાં છે ? ચકલી એક શ્ર્વાસે દોડી આવી. ચીં...ચીં... કરતી બચ્ચાને વ્હાલ કરવા લાગી. બચ્ચું તો હતું ડાહ્યુંડમરું. બારીએ જ બેઠું હતું. માનો ગભરાટ થોડો શાંત થયો એની સાથે બચ્ચાએ પૂછવા માંડ્યું... મા...મા... આ ઘુ...ઘુ... કરતું આવડું મોટું શું છે ?
‘બેટા, એ તો છે કબૂતર.’
‘એ આપણને મારે ?’
‘ના, જરાય ના મારે. એનાથી ડરવા જેવું નથી.’
‘તો... તો... મા, હું અહીં બેઠાં-બેઠાં એને જોઉં ? એ ગોળ-ગોળ ફરે છે ને એ જોવાની મજા પડે છે.’
‘હા...હા...જો, પાછું બીજે ક્યાંય ના જતું હોં. હું બીજા બચ્ચાને જોઈ આવું. કહેતી ચકલી ઊડી ને આવી માળા પાસે.’
બચ્ચું તો બારીમાં બેઠું હતું. કબૂતર જોવાની મજા માણતું હતું. ત્યાં તો આવ્યો પવન. એથી કબૂતર ફફડ્યું, ને ઊડી ગયું. ફરરર... એની પાંખોનો ભારે અવાજ હોં... પણ આ શું ? કબૂતર તો થોડીવારમાં જ પાછું આવી ગયું. આવીને એ જ જગ્યાએ બેઠું, ને ગોળ-ગોળ ઘૂમવા લાગ્યું, ત્યાં તો કબૂતરના માથે કંઈક કાંકરી જેવું પડ્યું. એ તો પાછું ફરરર કરતું... એકાદ બે મિનિટમાં તો આવી ગયું, પાછું.. ત્યાં એકાએક સળેકડા જેવું કંઈક હલ્યું ને વળી પાછું ઊડ્યું. ફરરર ચકલીના બચ્ચાને તો ભાઈ મજા પડી ગઈ. બારીમાંથી કોઈકે કાગળના ડૂચા જેવું ફેંક્યું ને કબૂતર ફફડ્યું. એ તો પાછું ઊડ્યું, ફરરર વળી પાછું પોતાની જગ્યાએ આવીને બેઠું. આમ ઊડે ને પાછું ત્યાંનું ત્યાં આવીને બેસે.
બીજા બચ્ચાને સુવરાવી ચકલી આવી પહોંચી. ‘મા... મા... કેટલું મોટું કબૂતર! વળી એ ઊડે ત્યારે ભારે અવાજ કરે છે હો.. પણ તે બહુ બીકણ છે. કબૂતર તો હા..હા.... એ સહુથી ડરે. આપણે એનાથી ના ડરીએ. એવા જેવા બીકણ ના બનીએ.’ ‘મા...મા... કબૂતર તો સાવ બિક્કણ ડૂસ !’
બસ, પછી તો ચકલીના બચ્ચાને મજા પડી ગઈ. એ તો બારીએ બેસે, હિંમતથી. સહેજે ના ડરે.. એ...એ કરતું જાય ને હરખાતું જાય. વળી પેલા કબૂતરને જોઈ અં...અં... કરતું ગાય.
બિક્કણ ફૂસ, બીક્કણ ફૂસ,
કબૂતરો સાવ બીક્કણ ફૂસ
કે નાનું પણ ડરું કદી ના,
મોટું પણ બીક્કણ ડૂસ...બીક્કણ