ભારતીય વિચાર મંચ દ્વારા વસાહતવાદી માનસિકતાથી ભારતની મુક્તિ પર સેમિનાર યોજાયો

    ૨૦-એપ્રિલ-૨૦૧૭

 

 

દેશભરમાંથી પધારેલા ૧૪ વિદ્વાન વક્તાઓએ વિચારો રજૂ કર્યા.
સમગ્ર દેશમાંથી ૭૦૦ લોકોની ઉપસ્થિતિ

૧૯૪૭માં રાજકીય સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયા પછી તત્કાલીન દેશનું શિક્ષણ, ભાષા, સાહિત્ય, કલા, ન્યાયતંત્ર, શાસનતંત્ર, રાજનીતિ, સામાજિક વ્યવસ્થાઓ વગેરે બાબતોના ભારતીય સમાજજીવન પદ્ધતિ, સંસ્કૃતિ અને મૂલ્યો આધારિત વિકાસ કરવાને બદલે ગુલામીના વારસા તરીકે પરતંત્ર માનસિકતા અપનાવી લીધી હતી. મહાત્મા ગાંધીના ‘હિંદ સ્વરાજ્ય’ને બિલ્કુલ નકારીને સમાજજીવનનાં તમામ ક્ષેત્રોનું ઉપનિવેશીકરણ (colonisation) કર્યું હતું. કોઈ પણ સ્વતંત્ર સાર્વભૌમ દેશમાં તેની વ્યવસ્થાઓ અને રચનાઓ જે તે દેશની પ્રકૃતિ અને આવશ્યકતાઓ અનુસાર હોય એ સ્વાતંત્ર્યની પ્રથમ શરત છે. દેશને સાચા અર્થમાં સ્વતંત્ર અને સાર્વભૌમ બનાવવા સર્વક્ષેત્રે ઘર કરી ગયેલી પરાધિનતાની માનસિકતાને ઉખેડી નાખવાની પ્રક્રિયા એટલે જ ડી-કૉલૉનિઝેશન. માટે જ જીવનના સર્વ ક્ષેત્રોમાં તમામ વ્યવસ્થાઓનું આજના પરિપ્રેક્ષ્યમાં ભારતીયકરણ અનિવાર્ય છે.
સર્વ વ્યવસ્થાઓના ભારતીયકરણની આ પ્રક્રિયામાં દેશમાં અનેક સામાજિક સંસ્થાઓ કાર્યરત છે અને અનેક પ્રકારે આ કાર્ય કરી રહી છે. ભારતીય વિચાર મંચ પણ વ્યક્તિ, પરિવાર સમાજ ત્રણે સ્તર પર આ વ્યવસ્થાઓમાં પરિવર્તન માટે અનેક ઉપક્રમોના માધ્યમથી જનપ્રબોધન માટે કાર્યરત છે. આ વિષયને લઈને ગત ૧૫ અને ૧૬ એપ્રિલના રોજ કર્ણાવતીની પ્રકાશ હાઈસ્કૂલ ખાતે એક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં દેશનાં ૨૫ જિલ્લા અને આશરે ૨૨ જેટલાં રાજ્યોમાંથી ૭૦૦થી વધુ અભ્યાસુઓ ભાગ લીધો હતો.
ભાષા, શિક્ષણ, કલા, સામાજિક પરિવેશ, રાજનીતિ, પ્રશાસન વ્યવસ્થા જેવા અનેક આયામો પર વિચાર પ્રસ્તુતિ માટે જે. એન. યુ.ના પ્રોફે. મકરંદ પરાંજપે, જે.એન.યુ.ના ભૂતપૂર્વ ઉપકુલપતિ ડૉ. કપિલ કપૂર, પ્રસિદ્ધ ચિંતક ડૉ. રાકેશ સિંહા, લોકપ્રિય દિગ્દર્શક અને અભિનેતા ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહ શ્રી સુરેશજી સોની સહિત લગભગ ૧૪ વિદ્વાનોએ વિવિધ આયામો પર વિચારો પ્રસ્તુત કર્યા હતા. સ્વાસ્થ્યના કારણોથી જાણીતા નૃત્ય નિર્દેશક, પદ્મવિભૂષણ ડૉ. સોનલ માનસિંહ ઉપસ્થિત રહી શક્યા ન હતા. રા. સ્વ. સંઘના પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી ડૉ. મોહનજી ભાગવતના માર્ગદર્શન સાથે આ સંગોષ્ઠિનું સમાપન થયું હતું. ભાગવતજીનાં ઉદ્બોધનનાં અંશો અહીં પ્રસ્તુત છે...

 

પ.પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતનું ઉદ્બોધન
વૈચારિક સંઘર્ષમાં આપણે સંગઠિત થઈને સંઘર્ષ કરવાનો છે

પરિસંવાદના સમાપન સત્રમાં સંબોધન કરતાં ભાગવતજીએ જણાવ્યું હતું કે, ઘણા કાર્યકર્તાઓને પ્રશ્ર્ન થાય છે કે આ પરિસંવાદ તો પૂર્ણ થયો, હવે શું ? આ પ્રશ્ર્નનો એક સરળ ઉત્તર છે કે આ સંવાદને આગળ ધપાવવો. ગુજરાતના સૌ કાર્યકર્તાઓએ પોતપોતાના સ્થાનો ઉપર માસમાં એકવાર પ્રબૂદ્ધ લોકોને એકત્રિત કરીને તેમનું પ્રબોધન કરવું જોઈએ. આ માટે આપણે સૌએ આ વિષયો સારી રીતે તૈયાર કરીને સમાજ સમક્ષ પ્રસ્તુત
કરવા પડશે. આપણા દેશની વિડંબણા એ છે કે જેમ વ્યક્તિ વધુ શિક્ષિત તેમ તેનું માનસ વધુ ને વધુ ગુલામી વૃત્તિવાળું બનતું જાય છે.
ગુજરાત બહારના પ્રાંતોમાંથી અહીં આવેલા કાર્યકર્તાઓએ તેમના રાજ્યોમાં પણ આ વિષય લઈને પરિસંવાદોનું આયોજન કરવું જોઈએ, અને એ રીતે આ સંવાદને આગળ વધારવો જોઈએ.
સંગોષ્ઠિમાં વિષય પ્રસ્તુતિ કરનારા વિદ્વાનોની પ્રશંસા કરતાં ભાગવતજીએ કહ્યું હતું કે, અહીં જે વિદ્વાન વક્તાઓએ વિચારો પ્રસ્તુત કર્યા તે માત્ર બુદ્ધિગમ્ય જ હતાં તેવું નથી. તેમના એ વિચારો અંત:કરણમાંથી સ્ફૂરિત થયા છે. તેમણે ગહન અભ્યાસ કરીને જે તે વિષયો તૈયાર કર્યા છે. તેમના આ વિચારો માટે તેમને ઘણું સહન પણ કરવું પડ્યું છે. આમ છતાં અનેક વિષમતાઓને સહન કરીને પણ તેઓ તેમના વિચારો અંગે દ્રઢ રહ્યા છે. દેશમાં ચાલી રહેલા આ વૈચારિક સંઘર્ષમાં આપણે એકાકી બનીને નહીં પરંતુ સામૂહિક રીતે, સંગઠીત થઈને સંઘર્ષ કરવાનો છે. આ વક્તાઓ સામૂહિક રીતે આપણા વૈચારિક સંઘર્ષને આગળ ધપાવી રહ્યા છે.
ભાગવતજીએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ વૈચારિક સંઘર્ષમાં આપણો વિજય તો નિશ્ર્ચિત જ છે. આપણો આત્મવિશ્ર્વાસ અભિમાનમાં પરિણમવો જોઈએ નહીં. સંત જ્ઞાનેશ્ર્વરની પંક્તિઓ ટાંકીને ભાગવતજીએ જણાવ્યું હતું કે, અધિક જ્ઞાનીને અહંકાર કામ કરી શકતો નથી. આપણા કાર્યકર્તાએ અહંકારથી દૂર રહીને સૌને સાથે રાખીને કાર્ય કરવાનું છે તેમ તેમણે સંત નાનકદેવની ‘એકને કહી, દૂસરેને માની, નાનક કહે દોનો જ્ઞાની’ એ પંક્તિ ટાંકીને સ્પષ્ટ કર્યું હતું.
કાર્યકર્તાઓની સજ્જતા કેવી હોવી જોઈએ તેની છણાવટ ભાગવતજીએ દુર્ગામાતાના દૃષ્ટાંતથી કરી હતી. મહિષાસુર સાથેના સંગ્રામમાં દુર્ગામાતાને સૌ દેવી-દેવતાઓએ અનેક પ્રકારના શાસ્ત્રાસ્ત્રો અને શક્તિઓ પ્રદાન કર્યા હતા. અસુરોના બહુઆયામી આક્રમણને ખાળવા તે પ્રકારના જ આયુધો-ઉપાયોની આવશ્યકતા હતી, તેથી દુર્ગામાતાને દેવોએ આપેલી શક્તિઓ ઉપયોગી નીવડી. આજના વૈચારિક યુદ્ધમાં પણ આસુરી શક્તિઓ અનેક સ્તરોએ અનેક પ્રકારના આક્રમણો આપણી સામે કરી રહ્યા છે. તેને ખાળવા માટે પણ આપણી પાસે સર્વ પ્રકારની વૈચારિક સજ્જતા હોવી અનિવાર્ય છે.
વક્તવ્યના અંતમાં, કાર્યકર્તાઓની બૌદ્ધિક સજ્જતા કેવી હોવી જોઈએ. તે વાત એક રમુજી દૃષ્ટાંત કથા દ્વારા સ્પષ્ટ કરીને ભાગવતજીએ વિજયનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે, ‘આપણો વિજય નિશ્ર્ચિત જ છે કેમ કે જો આપણો વિજય નહીં થાય તો બીજો વિકલ્પ છે સર્વનાશનો.’ ભાગવતજીએ જણાવ્યું હતું કે આપણા આ સંઘર્ષમાં આપણો વિજય નિશ્ર્ચિત છે કેમ કે અહીં ભગવાને જે ઊટખ મુક્યાં છે તે બધા જ આપણા પક્ષે ટેમ્પર્ડ (છેડછાડ થયેલા) છે. આમ છતાં આપણે ‘સર્વેષામ્ અવિરોધેન’ વૃત્તિથી સાથે મળીને વિજીગિશુ ભાવ સાથે આ સંઘર્ષમાં વિજય પ્રાપ્ત કરવાનો છે.