ઇસ્લામી નાટો : આતંકવાદની સામે કે સાથે ?

    ૧૨-મે-૨૦૧૭

આતંકવાદ વિરુદ્ધ લડવા માટે સાઉદી અરબે નાટોની રાહે એક સૈન્ય ગઠબંધન બનાવવાની જાહેરાત કરી છે. તેનું નેતૃત્વ સાઉદી અરબ કરશે, જે ખુદ આતંકવાદનો સૌથી મોટો સ્રોત માનવામાં આવે છે. ઉપરથી આતંકવાદ મુદ્દે સૌથી વધુ અવિશ્ર્વસનીય એવા પાકિસ્તાનના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ રાહીલ શરીફને આ સૈન્ય અભિયાનની કમાન સોંપવામાં આવી છે. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ...

હિન્દીમાં કહેવત છે, ‘ખુદ મિયાં મુસીબત, ઔરોં કો દે નસીહત’. આતંકવાદ વિરુદ્ધ બનેલું મુસ્લિમ દેશોનું સંગઠન ‘ઇસ્લામિક મિલિટ્રી એલાયન્સ ટૂ ફાઈટ ટેરરિઝમ’ (આઈએમએએફટી)ને લઈને પણ કંઈક આવું જ વર્તાઈ રહ્યું છે. આ સૈન્ય ગઠબંધન નાટોની રાહે બનાવવામાં આવ્યું છે. ૨૦૧૫માં સઉદી અરબે એલાન કર્યું હતું કે, તે ૩૯ ઇસ્લામિક દેશોની ઇસ્લામી સેના તૈયાર કરશે, જેનો હેતુ આ તમામ દેશોની સુરક્ષા બાબતો પર સહયોગ, સૈન્ય પ્રશિક્ષણ, હથિયારોની આપ-લે વગેરે છે. એટલે કે તેને ઇસ્લામિક ‘નાટો’ પણ કહી શકાય.
ધારી લો કે કોઈ એક દેશ પર આતંકવાદી હુમલો થાય છે, તો તે આતંકવાદી સંગઠનને ખતમ કરવા ગઠબંધનના તમામ દેશોના સંસાધનોનો ઉપયોગ થશે, જેમાં સૈનિક સહયોગ પણ સામેલ છે. બધા જ દેશો સાથે મળીને વિચારશે કે, આતંકવાદ વિરુદ્ધ ઉલેમાઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે. કહેવાઈ તો એવું પણ રહ્યું છે કે, આ ગઠબંધનનો હેતુ ‘આઈએસઆઈએસ’ના વિરુદ્ધ જંગ છેડવાનું છે. આમ જોઈએ તો તે આતંકવાદ વિરોધી એક સૈનિક ગઠબંધન છે, જેમાં ઇસ્લામિક જગતના મધ્યપૂર્વથી માંડી બાંગ્લાદેશ સુધીના મુસ્લિમ દેશો સામેલ હશે, પરંતુ આ સંગઠનનો અસલી ચહેરો હવે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. ૨૦૧૬માં પાકિસ્તાની સેનાના જનરલ રાહિલ શરીફ પોતાના પદેથી નિવૃત્ત થયા. તેમને આ ઇસ્લામી સૈનિક ગઠબંધનની કમાન સોંપવામાં આવી છે અને તેમની નિમણૂક સઉદી અરબમાં થશે. છે ને આશ્ર્ચર્યની વાત ? આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડવા એ જ સઉદી અરેબિયા ઇસ્લામી સેના ઊભી કરે છે જે વિશ્ર્વભરમાં આતંકવાદનું સૌથી મોટું નિકાસકર્તા છે. જ્યારથી સઉદી અરબનાં રેગિસ્તાનમાં પેટ્રો ડોલર્સનું પૂર આવ્યું છે ત્યારથી વિશ્ર્વભરમાં ઇસ્લામની સૌથી કટ્ટર વિચારધારા ‘વહાબિયત’નો પૂરજોશમાં પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. તેની પાછળ અધધ નાણાં ફૂંકવામાં આવી રહ્યાં છે. આ પૈસાથી વિશ્ર્વભરમાં આતંકવાદી સંગઠનો પેદા થઈ ગયાં છે. અલકાયદા, આઈએસઆઈએસ, બોકોહરામ, તાલિબાન, અલ-શબાબ, લશ્કર-એ-તૈયબા, જૈસ-એ-મહંમદ, હિઝબુલ મુજાહિદ્દીન જેવાં મોટાં અને ખતરનાક આતંકવાદી સંગઠનો વહાબી વિચારધારાની જ દેન છે. આ તમામના પાલન પોષણ પાછળ ક્યાંક ને ક્યાંક સઉદી અરબના પૈસા જ છે. આ સિવાય આતંકવાદ મુદ્દે સૌથી વધુ અવિશ્ર્વસનીય એવા પાકિસ્તાનના પૂર્વ સૈન્યપ્રમુખને કમાન સોંપવી એ પણ ઇસ્લામી સૈન્યના ઇરાદાઓ પર શંકા ઉપજાવે છે, કારણ કે વિશ્ર્વ જાણે છે કે પાકિસ્તાન એ આતંકવાદનું એક એવું અજાયબ ઘર છે જ્યાં દરેક પ્રકારનો આતંકવાદ હાજર છે. એ બાબત હવે જગજાહેર છે કે, આતંકવાદ મુદ્દે પાકિસ્તાન બેવડાં ધોરણો અપનાવી રહ્યું છે. એક તરફ તે આતંકવાદ વિરુદ્ધ અમેરિકા જંગનો ભાગ બની અરબો ‚પિયાની સૈન્ય સહાયતા ઓહિયા કરી જાય છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય આતંકવાદના મહાખલનાયક ઓસામા બિન લાદેનને છુપાવવા માટે પોતાના દેશમાં સુરક્ષિત ઠેકાણું પૂરું પાડે છે. માટે જ વિશ્ર્વ આખામાં પાકિસ્તાનની છાપ આતંકવાદની જનેતાની છે. પાકિસ્તાનની આ બેવડી નીતિના કારણે તે પોતાની વિશ્ર્વસનીયતા ગુમાવી રહ્યું છે. સતત બેકાબૂ બની રહેલા આતંકવાદને કારણે તેની ગણના હવે વિશ્ર્વના અસફળ દેશોમાં થવા લાગી છે. આતંકવાદ પાકિસ્તાનના અસ્તિત્વ માટે ખતરો બની ચૂક્યો છે. તેવો દેશ આતંકવાદ વિરુદ્ધના યુદ્ધનું નેતૃત્વ કેવી રીતે કરી શકવાનો ?
સઉદી અરબ દ્વારા જ્યારે આ ઇસ્લામી ગઠબંધન બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે પાકિસ્તાનની મંજૂરી વગર જ આમાં સામેલ કરી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાન ખુદ મધ્ય-પૂર્વીય દેશોની રાજનૈતિક રસ્સા-કસ્સીને કારણે આમાં સામેલ થવું કે નહીં એ બાબતે અવઢવમાં હતું, પરંતુ છેવટે સઉદી અરબનું દબાણ કામ આવ્યું અને નવાઝ શરીફે તેમાં સામેલ થવાની મંજૂરી આપી દીધી. તે વખતે પાકિસ્તાન ખુદને પણ ખબર ન હતી કે પાકિસ્તાનના એક સેવાનિવૃત્ત જનરલને આ ગઠબંધન સૈન્યના પ્રમુખનું સ્થાન મળશે. આ નિમણૂકથી એક વાત નક્કી છે કે, પાકિસ્તાન-સઉદી અરબના સબંધો વધુ પ્રગાઢ બનશે. જે ભારતની વિદેશનીતિ માટે તો યોગ્ય નથી જ. ભારત કૂટનીતિથી એવો માહોલ બનાવવામાં સફળ રહ્યું છે કે, આ સંગઠનમાં સામેલ મોટાભાગના દેશો ભારતની સાથે છે. માટે પાકિસ્તાને આ તમામ દેશોની નજીક આવવા ગઠબંધન સેનામાં સામેલ થઈ વિદેશી રણનીતિમાં માસ્ટર સ્ટ્રોક માર્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની સઉદી યાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે આતંકવાદ પર સમજૂતી સધાઈ હતી. ત્યારબાદ સઉદી અરબે પાકિસ્તાનના બે આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ હવે સઉદી અરબ ખુદ આતંકવાદની સૌથી મોટી ફેક્ટરી ગણાતા દેશના સેવાનિવૃત્ત જનરલને આતંકવાદ વિરુદ્ધ લડાઈની જવાબદારી સોંપે છે તે હેરાન કરનારી બાબત છે. સેના જેવી સંવેદનશીલ બાબતોમાં વિશ્ર્વાસપાત્ર વ્યક્તિને જ કમાન સોંપાવી જોઈએ.
આ નિમણૂક પરથી એક વાત સ્પષ્ટ છે કે, પાકિસ્તાન સઉદી અરબની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. હાલ આ મુસ્લિમ નાટોના માળખાને લઈને વધુ બાબતો તો બહાર આવી નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, આ સંગઠન એક સુન્ની સંગઠન માત્ર જ બની રહેવાનું છે આ મુદ્દો ખુદ પાકિસ્તાનની અંદર જ વિવાદનો મુદ્દો બની ચૂક્યું છે. આ સંગઠનની છાપ એક મુસ્લિમ ગઠબંધનની નહીં એક સુન્ની સંગઠનની બની રહી છે. માટે પાકિસ્તાની શિયા આબાદી આ સંગઠનમાં સામેલ થવાનો જબરજસ્ત વિરોધ કરી રહી છે. પાકિસ્તાનની આબાદીમાં શિયા આબાદી ૨૦ ટકા છે. ઉલ્લેખનીય છે કે ૧૯૬૦ના દાયકાથી જ પાકિસ્તાની સેનાની એક ટુકડી સઉદી અરબની રાજાશાહીની સુરક્ષામાં લાગેલી છે. પરિણામે તેને સુન્ની ઇસ્લામની દુનિયામાં એક વિશેષ દરજ્જો મળેલો છે. ભારત માટે જનરલ શરીફની નિયુક્તિ ચિંતાનો વિષય છે જ એ સ્વીકારવું રહ્યું.
જનરલ શરીફની ગણના પાકિસ્તાનના સૌથી પ્રતિષ્ઠિત જનરલોમાં થાય છે. પેશાવરમાં સેનાની એક શાળા પર આતંકી હુમલા બાદ તેમના પાકિસ્તાની તાલિબાન પર લગામ લગાવવાના કેટલેક અંશે સફળ પ્રયાસોને લીધે તેમનું નામ પાકિસ્તાનમાં સમ્માનપૂર્વક લેવામાં આવે છે. પરંતુ ભારત માટે જનરલ શરીફ પણ પાકિસ્તાનના પૂર્વ જનરલો જેવા જ સાબિત થયા છે. તેઓએ પણ ભારત વિરોધી પાકિસ્તાનની પરંપરાગત રણનીતિને જ આગળ ધપાવી છે. કાશ્મીરમાં ઉરીમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ભારતીય સેનાના મુખ્યાલય પરનો હુમલો તેનો દાખલો છે. સઉદી અરબની મદદ થકી તેમની આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડવી એટલે કે, પોતાના જ દાંતોથી પોતાના જ આંગળાં કરડવા સમાન છે.
વિશ્ર્વના તમામ આતંકવાદી સંગઠન વહાબી છે અને જે પાકિસ્તાન ખુદ પોતાના જ દેશની જમીન પર આતંકવાદ વિરુદ્ધ લડવામાં અસફળ રહ્યું છે, તે અન્ય દેશોમાં શું ઉકાળી શકવાનું છે ? હાલ સમગ્ર વિશ્ર્વ ઇસ્લામિક આતંકવાદની ઝપટમાં છે. તો પછી ‘આઈએમએએફટી’નો મતલબ શું છે? આ સવાલનો જવાબ ખૂબ જ ટૂંકા ગાળામાં મળી જશે. આ ગઠબંધનની સૌથી કમજોર બાજુ એ છે કે, તેનો તમામ ખર્ચ માત્ર સઉદી અરબ જ ઉઠાવશે. માટે સ્વાભાવિક રીતે જ તેમાં સઉદી અરબનો જ કક્કો સાચો રહેવાનો છે. બાકી દેશોનો નામ માત્રના જ સદસ્યો રહેશે. ‘આઈએએમએફટી’માં સઉદી અરબ અને પાકિસ્તાન સિવાય તુર્કી, સંયુક્ત અરબ અમીરાત, ઓમાન, બાંગ્લાદેશ અને નાઈજીરિયા જેવા દેશો પણ સામેલ થશે.
ભારત માટે આ ઘટના એટલા માટે ચિંતાજનક છે કે, પાકિસ્તાનનો સઉદી અરબના મુખ્યાલયમાં પ્રવેશ ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદિત મુદ્દાઓમાં પાકિસ્તાન પ્રત્યે સુન્ની મુસ્લિમ દેશોના સમર્થનનું કારણ બની શકે છે. આમ એક વાત સ્પષ્ટ છે કે, આ સંગઠન આતંકવાદ વિરુદ્ધ લડવાને બહાને ઇસ્લામિક દેશોનું આગવું સૈન્ય ગઠબંધન બનાવવાનો પ્રયાસ છે. અત્યાર સુધી ધર્મના આધારે કોઈ જ સૈન્ય ગઠબંધન બન્યું નથી. એવામાં નાટોની રાહે ઇસ્લામી સૈન્ય ગઠબંધન બનાવવાની કોશિશ એ સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપવા સમાન છે.