સૈનિક વિનાની બંદૂક

    ૧૮-મે-૨૦૧૭


વાત છે ગંગા કિનારાવાલા છોરાની. એસ.એસ.સી.માં ફેઇલ બબ્બેવાર. એચ.એસ.સી.માં ફેઇલ, બેવાર. છતાં તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે વારાણસીની મુલાકાત વખતે સામેથી આ સુપર ફેઇલ્યોર બોય શ્યામ ચૌરસિયાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એવું તો શું છે આ શ્યામ ચૌરસિયામાં ? એનામાં સામાન્ય વિદ્યાર્થી કે યુવાનથી અલગ વિચારસરણી છે. એની સરખામણી થ્રી ઇડિયટ્સમાં આમિર ખાને ભજવેલા પાત્ર રણછોડદાસ શામળદાસ ચાંચડ ઉર્ફે ફુનસુક વાંગડુ સાથે થઈ શકે. આપણો શ્યામ ચૌરસિયા તો ચાંચડથીય આગળ છે કારણ કે તે પોતાના જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ માત્ર દેશ અને સૈનિકોની સલામતી માટે કરે છે.

હોલીવૂડની ફિલ્મો કે જેમ્સ બોન્ડની નવલકથામાં જોવા મળે એવાં અફલાતૂન સાધનો શ્યામ ચૌરસિયાએ વિકસાવ્યાં છે. સોલાર સ્પાઇડર સેફ્ટી ગન, હેલમેટ ગન, ફેસબુક ગન, સેંસર ગન, સેફ્ટી ટીશર્ટ વગેરે. આ બધા વિષે સ્થાનિક અખબારોમાં આવેલા સમાચાર અને ચૌરસિયાના ઇન્ટરવ્યૂ વાંચ્યા બાદ કલામસાહેબે એને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પણ અકસ્માતને લીધે હોસ્પિટલ ભેગો થઈ ગયેલો શ્યામ એ તક ચૂકી ગયો. અત્યારે સરહદ પર પાકિસ્તાનીઓની ઘૂસણખોરી, આતંકવાદીઓની ભાંગફોડ અને નક્સલીઓના ઉપાડા વચ્ચે શ્યામ ચૌરસિયાએ વિકસાવેલાં સાધનો ભારતીય જવાનોના જીવ બચાવવામાં અને દુશ્મનોનો ખાતમો બોલાવવામાં ખૂબ ઉપયોગી થઈ શકે એમ છે.

શ્યામ ચૌરસિયા જણાવે છે, "સુકમા એટેક બાદ દેશના જવાનોની રક્ષા માટે મેં સોલાર સ્પાઇડર સેફ્ટી ગન વિકસાવી છે. આની પાછળ માત્ર ‚રૂ. ૩૫૦૦/-નો ખર્ચ થયો છે. એક ખાનગી ઇન્સ્ટિટયૂટના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેડ ચૌરસિયાએ પોતાની શોધની વિગત આપતાં જણાવ્યું કે આ ગન સૌર ઊર્જાથી ચાલશે. સંપૂર્ણપણે રેડિયો ફ્રિકવન્સીથી ઓપરેટ થશે. સરહદ પર એકસો મીટરની રેન્જમાં કોઈ નજર આવે તો આ ડિવાઇસ આપોઆપ એનો ફોટો ક્લિક કરીને ક્ધટ્રોલ ‚મને મોકલી દે. ક્ધટ્રોલ ‚મના ઇશારે આ ગન ફાયરિંગ કરીને દુશ્મનને ખતમ કરી નાખે અથવા પાછા ભગાડી શકે.

આની વધુ ટેક્નિકલ વિગતો સમજાવતાં શ્યામ કહે છે કે આ સંપૂર્ણ ડિવાઇસ રમકડાં અને વોકીટોકી સેંસરના સ્પેરપાર્ટસમાંથી બની છે. આને લશ્કરી થાણાના વૃક્ષ પર ગોઠવી શકાય અને સૈનિકોને નાહકના મરતા બચાવી શકાય.

વેદના અને ઉત્સાહ-મિશ્રિત અવાજમાં શ્યામ વધુ માહિતી આપે છે કે "હું ઘણા સમયથી આ ડિવાઇસ પર મારી અનુકૂળતાએ કામ કરી રહ્યો હતો. પરંતુ સુકમામાં નક્સલવાદીઓએ આપણા ૨૪ જવાનોને મારી નાખ્યા એનાથી હું એકદમ હચમચી ગયો. હું સતત ૪૮ કલાક મથામણ કરતો રહ્યો અને બાકીનું ૩૦ ટકા કામ પૂરું કરીને ડિવાઇસ બનાવી લીધી હતી.

સામાન્ય માણસોને આ ડિવાઇસ વિશે કેવી રીતે સમજાય ? શ્યામ કહે છે કે આ ગનમાં એન્ડ્રોઇડ ફોનની સર્કિટ લગાડેલી છે. જેની મદદથી સામે આવનારાનો ફોટો આપોઆપ પડી જશે. તે ફ્રિકવન્સી મારફતે ક્ધટ્રોલ ‚મમાં પહોંચી જશે. કંટ્રોલ રૂમનો ઓપરેટર જવાન આગંતુકને અનિચ્છનીય માને અને ગોળી મારવા ઇચ્છે તો કોમ્પ્યુટરનું એક બટન દબાવીને ફ્રિકવન્સી મારફતે ગોળી છોડી શકશે. આપણા જવાનને જોખમથી દૂર રાખતી આ શ્યામની ડિવાઇસથી ઘણાં આઇઆઇટી નિષ્ણાતો ખુશ છે. આ તો એક મોડલ માત્ર છે. આના પર કેન્દ્ર સરકારનું ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ધ્યાન આપે તો કંઇક વધુ નક્કર અને વધુ ઉપયોગી હાથ આવી શકે.

સામાન્ય સમજ સાથે આ ઉપકરણમાં કંઈક ત્રુટી નજરે પડે છે. સૌર ઊર્જાથી ચાલે તો રાતે શું ? આના પર મોસમની અસર થાય ? રેન્જમાં દુશ્મનને બદલે પશુ કે પંખી આવતાં રહે તો નાહકનું કામ ન વધી જાય ?

આ બધી બાબતો સંશોધન, સુધારણા અને બહેતર ગુણવત્તાની થઈ. મોટો અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે શ્યામ એક સામાન્ય દુકાનદાર પિતાનો પુત્ર. એમાંય ૧૪ વર્ષની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠો. નાનપણથી જ કંઇક કરવાની ધગશ, વિશેષ ધ્યાન દેશ અને જવાનો માટે કંઇક કરવા પર આપે.

એ.પી.જે. અબ્દુલ કલામ બનારસની વિશ્ર્વ હિન્દુ વિદ્યાપીઠમાં આવ્યા, ત્યારે શ્યામે પોતે બનાવેલી ઓટોમેટિક મશીનગન બતાવવા માટે મોકલી હતી. ત્યારે અકસ્માતને લીધે મુલાકાત શક્ય ન બની પણ પછી પત્ર લખીને શ્યામ એમને મળવા ગયો હતો. કલામસાહેબે શ્યામ ચૌરસિયાની ધગશ અને ટેલેન્ટને પારખીને અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટના નેશનલ ઇન્વેન્શન ફાઉન્ડેશનમાંથી સ્કોલરશિપ અપાવી હતી.

શ્યામ ચૌરસિયા માને છે કે ભલે આપણે વેપારી પ્રજા હોઇએ પણ જવાનોની સલામતી વિશે તો વિચારવું જ પડે. ભારત સલામતીનાં સાધનો પરદેશથી આયાત કરે છે, પણ એને બદલે ઘરઆંગણે વિકસાવવાને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

આજે ૨૮ વર્ષની ઉંમરે ખાનગી ટેક્નોલોજી ઇન્સ્ટિટયૂટમાં વિદ્યાર્થીની સાથોસાથ ગાઇડની ભૂમિકા ભજવતા શ્યામના સપના જેવી થોડી અવનવી શોધની અલપઝલપ જાણકારી મેળવવા જેવી છે. ફેસબુક ગન થકી વર્ચ્યુઅલ સૈનિકને પેશ કરવાની કલ્પના છે. તેણે સૌ પ્રથમ ગન બનાવવાની સર્કિટની સમજ મેળવી અને પછી એને સોશ્યલ નેટવર્કિંગ સાથે જોડી કે જેનાથી એક માનવરહિત ગન બની. આને ચલાવવા માટે કોઇ માણસની જરૂર ન પડે એવી શ્યામની કલ્પના, પણ એને વાસ્તવિક સ્વરૂપ આપવાનું આસાન નહોતું. સર્કિટ થકી ગનને ફેસબુક સાથે કનેક્ટ તો કરી દીધી પણ કોઇ દુશ્મન સરહદ પર ઘૂસી રહ્યો છે એની ખબર પડે કેવી રીતે? આ સમસ્યાના ઉકેલરૂપે શ્યામે ગન પર કેમેરો લગાવ્યો. જરા પણ હરકત કે અવાજ થવાથી કેમેરો ઓન થઇ જાય અને દૂર દૂર ફેસબુક પર બેસેલી વ્યક્તિને ઑફિસમાં આ ફોટો મોકલીને કમાન્ડ મેળવી શકાય. આમાં મોબાઇલ સિગ્નલનો પ્રોબ્લેમ આવી શકે. જો કે આ ગન દુશ્મનના હાથમાં જવાથી નકામી થઈ જાય એ માટે એમાં બાયોમેટ્રિક પાસવર્ડ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાથી પ્રભાવિત થઇને શ્યામે જવાનો માટે ઓટોમેટિક હેલમેટ ગન બનાવી. આ ગન આતંકવાદીઓ પર ગોળી છોડે, મુસીબતમાં ફસાયેલા જવાનનું લોકેશન હેડક્વાર્ટર કે સાથીઓને પણ મોકલીને મદદને ઝડપી બનાવે. આ હેલમેટ ગન ‚રૂ.પાંચ હજારમાં બની હતી.

પોલીસને મદદરૂપ થવા માટેય શ્યામે કંઇક વિચાર્યું છે. એકવાર પોલીસના હાથમાં આવ્યા બાદ ભાગી જતા ગુનેગારોને રોકવા માટે ખાસ હાથકડી વિકસાવી છે. આ હાથકડી કોઈ ખોટો માણસ એટલે કે કેદી ખોલવા જાય તો એને એક હજાર વોલ્ટનો વીજળીનો આંચકો લાગે. ત્રણ મહિનાની મહેનતથી તેણે આ હાથકડી બનાવી હતી. આ હાથકડીને જી.પી.એસ.થી જોડાયેલી છે, જેથી કેદીનું લોકેશન મળી રહે. આ હાથકડી ટ્રાન્સમીટર, બેટરી અને કરંટના આંચકા આપનારી આઇ.સી.થી કામ કરે છે. કેદીને હાથકડી પહેરાવતી વખતે તેને લઈ જનારા સિપાહીના મોબાઇલના બ્લુટુથથી કનેક્ટ કરાશે. જો કેદી ભાગવાની કોશિશ કરે તો હાથકડીમાં જ લાગેલી બેટરીમાંથી એક હજાર વોલ્ટનો વીજળીનો આંચકો લાગે. સિમ કાર્ડના પ્રતાપે કેદીની વાતચીત અને ચીસાચીસ પણ રેકોર્ડ થઇ જાય. ખર્ચ માત્ર સાડા ત્રણ હજાર રૂપિયા.

શ્યામ ચૌરસિયાનું સપનું શું ? હું ન તો સરકાર પાસે નોકરી માંગુ છું, ન પૈસા. પણ મને એક મોકો આપો તો દેશના જવાનો માટે કંઈક કરી છૂટવાનું સપનું છે.

ભારત દેશમાં સેંકડો સાંસદો હજારો વિધાનસભ્ય અને લાખો નગરસેવકને બદલે પાંચ-દસ હજાર શ્યામ ચૌરસિયા આગળ આવે તો ? કલ્પના માત્ર ખુશીથી ‚રૂંવાડાં ઊભા કરી દેનારી છે.