પાક.ની ૭ કરોડની ફી સામે ભારતનો એક રૂપિયો જીત્યો

    ૨૭-મે-૨૦૧૭

પાકિસ્તાનની ICJમાં કારમી હાર પછી આખું પાકિસ્તાન વકીલો પર ફિટકાર વરસાવી રહ્યું છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ કેસ લડવા વકીલોને ફી પેટે ‚ રૂા. ૭ કરોડનો જંગી ખર્ચ કર્યો હતો. જ્યારે ભારતના વકીલ હરીશ સાલ્વેએ ટોકન ફી તરીકે ફક્ત ૧ રૂપિયો લીધો હતો. આમ પાક.ના ૭ કરોડ સામે ભારતના ૧ રૂપિયાનો વિજય થયો હતો. પાકિસ્તાની ટીવી ચેનલો પર પેનલિસ્ટો વકીલો પર તૂટી પડ્યા હતા. પાક.ની દલીલો નબળી હોવાનો તેમણે દાવો કર્યો હતો. પાકિસ્તાની વકીલ ખાવર કુરેશી પાસે દલીલો કરવા ૯૦ મિનિટ હતી પણ તેમણે ૩૦ મિનિટમાં દલીલો પૂરી કરી હતી. કેસ લડવા તેમણે પૂરી તૈયારી કરી જ નહોતી.

કેરલમાં દરરોજ થાય છે એક હિન્દુની હત્યા

કેરલના ત્યાંના હિન્દુઓ માટે બીજું કાશ્મીર બની રહ્યું છે. હિન્દુઓ પર હિંસક હુમલા અહીં રોજની વાત બની ગઈ છે. જે પણ હિન્દુઓ આ અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેમની હત્યા કરી દેવામાં આવે છે. તાજેતરમાં અહીંનો બીજુ નામનો રા. સ્વ. સંઘનો સ્વયંસેવક વામપંથીઓની બર્બરતાનો શિકાર બન્યો. વામપંથીઓએ તેને ઘેરીને ધારદાર હથિયારોના ઉપરાછાપરી ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, કેરલમાં પાછલા એક વર્ષમાં ૨૯૪ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે.


ભારતીય મૂળનો પ્રણય સ્પેલિંગ બી સ્પર્ધા જીત્યો

અમેરિકામાં ૫૦,૦૦૦ ડૉલરની નેશનલ જ્યોગ્રાફીની સ્પેલિંગ બી હરીફાઈમાં ૧૪ વર્ષના ભારતીય-અમેરિકી વિદ્યાર્થી પ્રણય વરદાનો વિજય થયો છે. આ સાથે જ આ પ્રતિષ્ઠિત અમેરિકી હરીફાઈમાં ભારતીય સમુદાયનો દબદબો જળવાઈ રહ્યો છે.

ટેકસાસના આઠમા ધોરણમાં ભણતા પ્રણયે આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં મેદાન માર્યા બાદ કહ્યું કે મને ગળા સુધીની ખાતરી છે કે હું આ પડકાર ઝીલી શકું એમ છું. વિજય બાદ મને ખૂબ સંતોષ અને આનંદ લાગે છે. તે ગયા વર્ષે બીજે ક્રમાંકે આવ્યો હતો. તિબેટના પાઠાર, તકલીમાકન રણપ્રદેશ તેમજ કૂન્લૂન પહાડી વિસ્તાર શ્રેણી સંબંધિત સવાલનો તેણે એકદમ યોગ્ય ઉત્તર આપ્યો હતો. આથી તેને વિજેતા ઘોષિત કરતાં શિષ્યવૃત્તિ અને અન્ય ઇનામો આપ્યાં હતાં.


અરમાન અલીએ ઠુકરાવી, શંભુએ અપનાવી

અફસાનાને તેના પતિ અરમાને જ્યારે ત્રણ તલાક આપી બેસહારા કરી ત્યારે અફસાનાએ વિચાર્યું પણ નહોતું કે, તેને એવો કોઈ સહારો મળી જશે, જે તેની સાથે સાત જન્મો સુધી સાથે રહેવાનું વચન આપશે. બિહારના ચંપારણ જિલ્લામાં બલુહર ગામની અફસાનાના નિકાહ અરમાન અલી સાથે થયા હતા. નિકાહ પછી તરત જ અરમાન અલી તેને મારતો, ઝૂડતો અને એક દિવસ તેને ત્રણ તલાક આપી, ઘરની બહાર ધક્કા મારી કાઢી મૂકી. તેવામાં જ અફસાનાની મુલાકાત ચંપારણના શંભુ સાથે થઈ, જેણે અફસાનાને સહારો આપી સાત જન્મ સુધી સાથ નિભાવવાનું વચન આપી વૈદિક રીતરિવાજથી લગ્ન કરી લીધાં. અફસાનાના પરિવાર, અરમાનની અનેક ધાકધમકીઓ છતાં ન તો શંભુ કે ન અફસાના ટસનાં મસ થયાં. કોર્ટે પણ તેમના લગ્નજીવનને માન્યતા આપી છે.

 

એચઆઈવીગ્રસ્ત પાદરીનો ૩૦ બાળકીઓ પર બળાત્કાર : ચર્ચની માફી

રોમના વેટિકન સિટી ચર્ચે એક પાદરીને ૫થી ૧૦ વર્ષની ૩૦ બાળકીઓના બળાત્કારના આરોપમાં માફી આપી દીધી છે. જોસ ગાર્સિયા અલ્તાફો નામનો આ પાદરી એઈડ્સ  પીડિત છે અને તેને આની અસર પણ હતી, છતાં તેણે બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવી. આમ છતાં વેટિકન ચર્ચ તરફથી તેની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થઈ નથી. પીડિત બાળકીઓમાંથી એકની માતાએ પત્ર લખી વેટિકન સિટીના પોપને આ મામલે કાર્યવાહી કરવાની અરજ કરી તો પોપે તે મહિલાને મળવા પણ ઇનકાર કરી દીધો હતો.

રાજસ્થાનમાં વિદ્યાર્થીઓને વાર્તાઓ સંભળાવવા દાદીઓને ક્લાસ લેવા બોલાવાશે

બાળકોને મૌખિક રીતે આદર્શ વાર્તાઓ દ્વારા કંઈક સારું શીખવવાના ઉદ્દેશ્ય સાથે સ્કૂલો દ્વારા હવે દાદીઓને ક્લાસ લેવા આમંત્રણ આપવામાં આવશે. હવે રાજસ્થાનના શિક્ષણ વિભાગે સરકારી સ્કૂલો માટે એવો નિર્ણય કર્યો છે કે તેઓ બાળકોની દાદીઓને ક્લાસમાં બાળકોને અવનવી વાર્તાઓ દ્વારા પ્રેરિત કરવા આમંત્રણ આપવામાં આવશે. સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આદેશ પ્રમાણે ધોરણ ૧થી ૫નાં બાળકોને પ્રેરિત કરવા માટે સ્કૂલો દ્વારા સ્ટોરી ટેલિંગ સેશનનું આયોજન કરવામાં આવે અને આ સેશન અટેન્ડ કરવા માટે તેમનાં જ દાદી-દાદાને બોલાવવામાં આવે. સેક્ધડરી એજ્યુકેશન બોર્ડના ડેપ્યુટી ડિરેક્ટર અરુણકુમાર શર્માએ જણાવ્યું કે સ્ટોરી ટેલિંગ સેશન એક બાળસભા તરીકે આયોજિત કરાશે અને દર શનિવારે સ્કૂલોમાં આવી બાળસભાનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

સાયબર એટેકથી બચવા આ દેશે કર્યો ‘પવિત્ર જળ’નો ઉપયોગ

હાલના સમયમાં જ્યારે વિશ્ર્વના અનેક દેશો સાયબર એટેક રેન્સમવેરથી પ્રભાવિત થયા છે, જેનાથી અનેક દેશોમાં મેડિકલ સહિતની અનેક સેવાઓ ખોરવાઈ છે ત્યારે તેનાથી બચવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે રશિયામાં આ માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપાય ધર્મ સાથે જોડાયેલો છે.

રશિયામાં ચર્ચના પાદરીએ સરકારી કોમ્પ્યુટર્સ અને સર્વર રુમને વાયરસના એટેકથી બચાવવા પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જેથી કોમ્પ્યુટર્સ અને સર્વર રુમને રેન્સવેરના એટેકેથી બચાવી શકાય. લંડનમાં પણ સાયબર એટેકે બાદ આંતરિક મામલાના મંત્રાલયે ચર્ચના પાદરીને બોલાવ્યા અને કોમ્પ્યુટર્સ અને સર્વર રુમને વાયરસના એટેકથી બચાવવા તેમાં પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

 

સોશિયલ મીડિયા પર કુરાનની આયતો પોસ્ટ કરતાં ચીની મુસ્લિમ મહિલાની ધરપકડ

ચીનમાં જીજીયાંગ પ્રાંતના અધિકારીએ કોરલાની રહેવાની ૨૬ વર્ષીય ઉઈધુર એક મુસ્લિમ મહિલાની સામાજિક નેટવર્ક ટ્વિટર પર કુરઆનની આયતો અને ધાર્મિક સામગ્રી પોસ્ટ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મળતા અહેવાલો અનુસાર ૮ મેના રોજ આ મહિલાની ધરપકડ કરવામાં આવી અને તે ધાર્મિક વિચારણાને પ્રોત્સાહન આપવાને કારણે જેલમાં છે. આ પ્રદેશમાં કુરાનની કોઈપણ આયત કે અલ્લાહ વિશે વાત કરવી પણ કાયદાનું ઉલ્લંઘન કરવું મનાય છે તથા અહીંના બુકસ્ટોર્સમાં કુરઆનના વેચાણ પર પણ પ્રતિબંધ છે.