બગલો અને કરચલો

    ૧૬-જૂન-૨૦૧૭

એક હતું તળાવ. તેમાં અનેક જીવજંતુ રહેતા હતા. તળાવમાં માછલીઓનો તો કોઈ પાર નહીં. તળાવને કિનારે એક બગલો પણ રહેતો હતો. તે દરરોજ તળાવમાં જઈ માછલીઓનો શિકાર કરતો. ધીરે ધીરે બગલો વૃદ્ધ થઈ ગયો. હવે તેનામાં માછલીઓનો શિકાર કરવાની શક્તિ રહી નહીં. એટલે તેને ભૂખ્યા રહેવાના દિવસો આવી ગયા. તેનું શરીર ઓગળવા લાગ્યું. તેણે વિચાર્યું. આમ ને આમ ખોરાક વિના તો એક દિવસ મરવાનો વારો આવશે. એના કરતાં છળકપટ કરીને પણ માછલીઓનો શિકાર તો કરવો જોઈએ.

બગલાએ જૂઠો પ્રચાર કરવાનું શરૂ કર્યું. તે માછલીઓને કહેવા લાગ્યો ‘આ તળાવ તો થોડા દિવસોમાં સુકાઈ જવાનું છે અને તેમાં રહેતા બધા જીવ મરી જશે. જો તમારે જીવતા રહેવું હોય તો થોડે દૂર આવેલા વિશાળ સરોવરમાં જતું રહેવું જોઈએ.’ તેનો આવો પ્રચાર સાંભળી માછલીઓ સહિત બધા જીવજંતુ ગભરાઈ ગયાં અને વહેલામાં વહેલી તકે તળાવમાંથી બીજે જવાનું વિચારવા લાગ્યાં. કાચબા જેવા કેટલાક જીવજંતુઓ તો તળાવ છોડીને બીજે ચાલ્યાં ગયાં. એકલી માછલીઓ જ તળાવમાં રહી ગઈ. તેમણે ભેગાં મળી બગલાને વિનંતી કરતાં કહ્યું, ‘હે, બગલાજી, તમે બતાવ્યા પ્રમાણે બીજા જીવો તો તળાવ છોડીને જતા રહ્યા પરંતુ અમે જળની બહાર કેવી રીતે નીકળીએ ? અમને તો ચાલતાં પણ નથી આવડતું તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેથી અમારા પ્રાણ બચી જાય.’
બગલાએ કહ્યું, ‘ઉપાય તો છે, પરંતુ તમારે મારા પર વિશ્ર્વાસ કરવો પડશે. હું એક એક માછલીને મારી પીઠ પર બેસાડીને ઝડપથી ઊડીને તમને સરોવર સુધી પહોંચાડી દઈશ. એમ કરતાં કરતાં થોડા દિવસોમાં જ બધી માછલીઓ સરોવરમાં પહોંચી જશો અને તમારો જીવ બચી જશે અને આમ કરવાથી મને પણ મારાં કરેલાં પાપોનું પ્રાયશ્ર્ચિત્ત થશે.’
આમ તો બગલો માછલીઓનો સ્વાભાવિક દુશ્મન હતો, પરંતુ આવી કટોકટીની પળમાં તેના પર વિશ્ર્વાસ કર્યા સિવાય છૂટકો નહોતો.
બગલો દરરોજ એક માછલીને પોતાની પીઠ પર બેસાડીને ઊડતો અને રસ્તામાં જ તેનો શિકાર કરી જતો. બગલાના ઉપવાસ પૂરા થયા. હવે તેનામાં શક્તિ આવવા લાગી. બીજી માછલીઓ પણ રાહ જોવા લાગી. ક્યારે આ તળાવ સુકાઈ જાય તેનો ભરોસો નહીં. જલદી બીજા સરોવરમાં પહોંચી જઈએ તો સારું. માછલીઓ પણ બગલાને પહેલાં લઈ જવા કરવા લાગી.
એક દિવસ બગલાએ તળાવમાં એક કરચલો જોયો. બગલાએ વિચાર્યું. દરરોજ માછલીઓ ખાઈખાઈને કંટાળી ગયો છું. આજે કરચલાનો શિકાર કરીને જુદા જ સ્વાદની મજા લેવી જોઈએ. તેણે કરચલાને કહ્યું, ‘ચાલ, આજ તને સરોવર સુધી પહોંચાડી દઉં.’
કરચલો ખુશ થઈને બગલાની પીઠ પર બેસી ગયો. થોડે દૂર ગયા એટલે કરચલાને પૂછ્યું, ‘હવે, સરોવર કેટલે દૂર છે ?’
બગલાએ પોતાનું પોત પ્રકાશતાં કહ્યું, ‘અહીં કોઈ સરોવર-બરોબર નથી. આ તો મારી વૃદ્ધાવસ્થાને લીધે માછલીઓને અહીંથી લઈ જઈને રસ્તામાં અધવચ્ચે પથ્થર પર પટકીને મારી નાખીને મારું પેટ ભરું છું. માછલીઓ ખાઈ ખાઈને કંટાળી ગયો હતો એટલે આજે તારો શિકાર કરવાનું મન થયું. એટલે તને લઈ આવ્યો.’
કરચલાએ કહ્યું, ‘બગલા ભગત, તમે માછલીઓને મારીને ઘણાં પાપ કર્યાર્ં છે. હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે યમલોકમાં જવાની તૈયારી કરો.’
આટલું કહેતાંની સાથે જ કરચલાએ પોતાના ધારદાર દાંતો વડે બગલાની સુંવાળી ગરદન દબાવી. બગલો લોહીલુહાણ થઈને નીચે પડ્યો. તેના પ્રાણપંખેરું ઊડી ગયા. બગલાની ટૂટેલી ડોક લઈને કરચલો પાછો તળાવકિનારે આવ્યો અને બાકી રહેલી માછલીઓને કહેવા લાગ્યો, ‘જુઓ, આ બગલાએ તમારી માછલીઓને પ્રપંચથી મારી ખાધી છે. ત્યાં કોઈ તળાવ પણ નથી અને આ તળાવ સુકાવાનું પણ નથી. તમતમારે નિરાંતે અહીં રહો. હા, પરંતુ ક્યારેય દુશ્મનનાં મીઠાં-મીઠાં વચનો પર વિશ્ર્વાસ કરતાં નહીં. નહીં તો તમારી હાલત પણ પેલી માછલીઓ જેવી થશે.’