બોલતી રજાઈ

    ૧૬-જૂન-૨૦૧૭


જાપાનની સુપ્રસિદ્ધ વાર્તા

‘ઓય ઓય ઓય કેટલી બધી ભીડ છે ! કોઈ જગ્યાએ રાતવાસો રહેવાની જગ્યા મળશે કે નહીં મળે ?’ આવું વિચારતો વિચારતો એ યાત્રાળુ એક સાધારણ જેવી હોટલ દ્વાર પાસે આવીને ઊભો રહ્યો. સદ્ભાગ્યે ત્યાં યાત્રાળુઓની ખાસ ભીડ નહોતી.
દરવાજાની અંદર આવતાં જ હોટલના માલિકે યાત્રાળુને આવકાર આપીને કહ્યું : ‘આવો, આવો, મહાશય ! અહીં રોકાવામાં આપને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. આ બાજુ આવો, આ ‚મમાં આપનો સામાન મુકાવું છું, ત્યાં આપને બધી રીતે ફાવી જશે.’
હોટલ તો તદ્દન સામાન્ય કક્ષાની હતી, પરંતુ તેમાં જરૂરી ફર્નિચર વસાવેલું હતું, તે ગમી જાય તેવું હતું.
‘ચાલો, આજે તો અહીં જ ઠીક છે. પછીથી, તકલીફ પડશે તો જોયું જશે.’ એવું વિચારીને યાત્રાળુએ ત્યાં એ જ હોટલમાં મુકામ કર્યો.
રૂમના પશ્ર્ચિમ ભાગમાં બે બારીઓ હતી. તેમાંથી બહાર વૃક્ષોની લાંબી હારમાળા દેખાતી હતી. થોડેક દૂર નદીકિનારો પણ હતો. જો કે આ હોટલ ગીચ વસ્તીથી સારી એવી દૂર હતી. એટલે અવાજ વગરની શાંતિ હતી. આ યાત્રાળુને તો આવું જ એકાંત સ્થળ પસંદ હતું.
આખા દિવસની મુસાફરીને લીધે યાત્રાળુને થાક તો લાગ્યો જ હતો, એટલે તેણે રાતનું ભોજન પતાવીને પથારીમાં લંબાવ્યું. ઊંઘ લાવવા માટે તેણે કાંઈક વાંચવાનું શરૂ કર્યું. બહારથી હવાની ઝાપટો આવી રહી હતી, હવામાં ઠંડક હતી અને વાતાવરણમાં ભીનાશ હતી. હવે આંખો મીંચાઈ રહી હતી, તેથી તેણે બારીબારણાં બંધ કરીને, પથારીમાં મૂકેલી રજાઈ ઓઢી ઊંઘવાની કોશિશ કરી.
લગભગ મધરાત થવા આવી હતી. ચારે બાજુ બધું શાંત થઈ ગયું હતું. ફક્ત બહાર રસ્તા પરના દીવા જ ટમટમતા હતા. બરાબર એ જ વખતે યાત્રાળુ પથારીમાંથી સફાળો જાગી ગયો.
તેને પોતાના ‚મમાં કોઈના બોલવાનો અવાજ સંભળાતો હતો. પહેલાં તો તે ભ્રમણા છે એવું તેને લાગ્યું. અડધી રાતે તો વળી કોણ જાગવાનું હતું, તે બોલે ? પણ અવાજ આવતો હતો.
કાન માંડીને તેણે સાંભળવા માંડ્યું. નાનાં બાળકોનો અવાજ હોય એમ લાગ્યું. તેણે કાન વધુ સરવા કર્યા. એક બાળક બોલતો હતો : ‘ઓ ભાઈ, તને ઠંડી લાગે છે ?’
બીજા બાળકે જવાબ આપતાં કહ્યું : ‘અને ભાઈ, તને શું ઠંડી નહીં લાગતી હોય ?’
યાત્રાળુએ વિચાર્યું કે કદાચ હોટલ-માલિકનાં બાળકો રમતાં રમતાં મારા રૂમ પાસે આવી ગયાં હશે. જાપાનની હોટલોમાં બારણાં જ હોતાં નથી. યાત્રાળુઓ પથારીમાં સૂતાં સૂતાં જ કહ્યું : ‘બેટા, આ તમારો ‚મ નથી, તમે રૂમ ભૂલી ગયાં લાગો છો.’
એ પછી થોડીક વાર શાંતિ છવાયેલી રહી. પરંતુ ફરીથી પાછા એ જ અવાજો સંભળાવા લાગ્યા : ‘ઓ ભાઈ, તને ઠંડી લાગે છે ?’
‘અને ભાઈ, તને શું ઠંડી નહીં લાગતી હોય ?’ બીજો ભાઈ બોલ્યો.
આ વખતે તો યાત્રાળુ ખરેખરો ગભરાયો. તે એકદમ રજાઈ હટાવીને બેઠો થઈ ગયો. તેણે એક મીણબત્તી સળગાવી અને આખા ‚મના ખૂણેખૂણામાં ફરીને તપાસ કરી લીધી, પરંતુ કોઈ જ દેખાયું નહીં. આખો રૂમ ખાલીખટ હતો. નવાઈ ! હવે ? મીણબત્તી સળગતી રાખીને તે પથારીમાં આડો પડ્યો. થોડીક વાર થઈ ને પાછો તેનો તે જ અવાજ સંભળાવા લાગ્યો.
આ વખતે તો તે પૂરેપૂરો સજાગ થઈ ગયો હતો. અવાજ ક્યાંથી આવે છે અને કોણ બોલે છે, તે શોધી કાઢવાનો તેણે નિશ્ર્ચય કરી લીધો હતો. એકચિત્તે પૂરેપૂરા ધ્યાનથી તે સાંભળવા લાગ્યો. અવાજ દૂરથી નહોતો આવતો, તેની નજીકમાંથી જ આવતો હતો અને પછી તેને ખાતરી થઈ ગઈ કે આ અવાજ તો તેણે પોતે ઓઢેલી રજાઈમાંથી જ આવી રહ્યો છે.
અને એકદમ તેણે રજાઈને જમીન પર નીચે ફેંકી દીધી. પછી ઝટપટ પોતાનો સામાન ભેગો કરીને બાંધવા લાગ્યો. હવે તે આ રૂમમાં એક મિનિટ પણ રોકાવા માગતો ન હતો, એટલે પોતાનો સામાન લઈને તે હોટલના માલિક પાસે આવ્યો, અને પેલા બે છોકરાની વાતચીતના અવાજથી ઘટના કહી સંભળાવી.
માલિક તો આવી અઘટિત વાત સાંભળતાં જ ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો : ‘અરે ભાઈ ! તમે રાતે ખૂબ પીધો લાગે છે, તેથી તમે પાગલ જેવી વાત કરો છો. શું રજાઈ તે વળી કદી બોલતી હશે ? તમે ભાનમાં તો છો ને ? જાઓ, આરામથી સૂઈ જાઓ !’
પરંતુ યાત્રાળુએ તો પૂરેપૂરી ખાતરી કરી લીધી હતી કે રજાઈ જ બોલે છે. એટલે તે મક્કમ હતો. તેણે કહ્યું : ‘શેઠજી, તમે માનો કે ન માનો, પરંતુ મને તો પૂરેપૂરી ખાતરી છે કે રજાઈ જ બોલે છે. હવે હું એક ક્ષણ પણ અહીં રહેવા માગતો નથી. લો, આ તમારા રૂમ-ભાડાનાં પૈસા. હું જાઉં છું.’
એટલું કહીને તે ચાલતો થઈ ગયો.
વળી બીજે દિવસે એક બીજો યાત્રાળુ આવ્યો. તે પણ આ જ હોટલમાં રોકાયો. મધરાતે તે પણ ઊંઘમાંથી સફાળો જાગી ગયો. તેને પણ બાળકોના એ જ અવાજો સંભળાયા.
અડધી રાતે તે પણ દોડતો દોડતો હોટલમાલિક પાસે પહોંચી ગયો અને ગભરાટમાં કહ્યું : ‘શેઠ સાહેબ, તમે આપેલી રજાઈમાંથી કોઈના બોલવાના અવાજ સંભળાય છે. બે બાળકો વાતચીત કરતા હોય તેવા અવાજો આવે છે.’
હોટલમાલિક ગ્રાહકોની આવી અઘટિત વાતથી ગુસ્સે થયેલો હતો. તેણે કહ્યું : ‘તમે કેવા ડરપોક માણસો છો ? તમારી આટલી સરભરા કરી તેનો આવો બદલો આપો છો ? જાઓ, ખોટો વહેમ રાખ્યા વગર શાંતિથી સૂઈ જાઓ.’
ગ્રાહકે કહ્યું : ‘અરે શેઠિયા ! હું સોગંદપૂર્વક કહું છું કે મેં ખરેખર એ અવાજો સાંભળ્યા છે, હું સાચું કહું છું. રજાઈમાંથી બે બાળકો એકબીજાની સાથે વાતચીત કરતાં મેં સાંભળ્યાં છે. તમે ન માનો તો કંઈ નહીં, પણ હવે હું તમારી હોટલમાં એક મિનિટ પણ રહેવાનો નથી.’
આમ બધા ગ્રાહકો અસંતોષી થઈને હોટલ છોડી દેતા હતા, તેથી હોટલમાલિકને ચિંતા થવા લાગી. તેણે જાતે આ ઘટનાની તપાસ કરવાનો નિર્ણય કર્યો. રજાઈવાળા રૂમમાં જઈને માલિકે બધી રજાઈઓની તપાસ કરવા માંડી. એક પછી એક રજાઈ તપાસતાં એક રજાઈ તેના હાથમાં આવી. તે રજાઈ બોલતી હતી. બે બાળકો વાતચીત કરતાં હોય તેવો અવાજ તેને સંભળાયો.
પહેલો બાળક : ‘ઓ ભાઈ, તને ઠંડી લાગે છે ?’
બીજો બાળક : ‘અને ભાઈ, તને શું ઠંડી નહીં લાગતી હોય ?’
હોટલમાલિકે તે રજાઈ લઈ લીધી અને સૂવા માટે પોતાના ‚મમાં ચાલ્યો ગયો. એ આખી રાત તેણે બે બાળકો વચ્ચે થતી વાતચીત સાંભળ્યા કરી.
સવારે તે રજાઈ લઈને બજારમાં ગયો. જે દુકાનેથી એ રજાઈ ખરીદી હતી, તે દુકાને જઈને તેણે દુકાનદારને પૂછ્યું : ‘આ રજાઈ તમે ક્યાંથી ખરીદી લાવ્યા હતા, તે તમને યાદ છે ?’
દુકાનદારે પૂછ્યું : ‘કેમ, શું થયું છે ?’
‘પહેલાં તમે કહો તો ખરા કે આ રજાઈ તમે ક્યાંથી લીધી હતી ?’
દુકાનદારે કહ્યું : ‘જુઓ, પેલી સામેની દુકાનેથી મેં તે લીધી હતી.’
હોટલમાલિક તે દુકાને ગયો. તે દુકાનદારે વળી બીજી દુકાન બતાવી. આમ બધે તપાસ કરતો કરતો હોટલમાલિક એક મકાનમાલિકની પાસે પહોંચી ગયો.
મકાનમાલિકે કહ્યું : ‘અમારા મકાનમાં એક ભાડૂઆત રહેતો હતો તેનાં બે બાળકો પાસેથી આ રજાઈ મેં લીધી હતી. એ બાળકો ભાડું તો આપી શકે તેમ નહોતાં. એટલે મેં આ રજાઈ તેમની પાસેથી લઈ લીધી હતી.’
‘’અમારા ભાડૂઆતનું ચાર માણસોનું કુટુંબ હતું. બે બાળકો અને પતિ-પત્ની બે. પતિ લગભગ બેકાર જેવો હતો, એટલે તે પોતાનું અને પોતાના કુટુંબનું પૂરું કરી શકતો ન હતો.
‘એક દિવસે પુષ્કળ ઠંડી પડી. બાળકોનો પિતા બીમાર પડ્યો અને મરી ગયો. તેની પાછળ તેની પત્ની પણ થોડા દિવસ રહીને ગુજરી ગઈ. હવે ઘરમાં રહ્યાં બે બાળકો. તે અનાથ થઈ ગયા. મોટાની ઉંમર આઠ વર્ષની અને નાનાની ઉંમર છ વર્ષની હતી. તેમની સારસંભાળ રાખે તેવું કોઈ સગુંવહાલું પણ તેમને નહોતું. પેટ ભરવા માટે તેમણે ઘરની એક પછી એક વસ્તુઓ વેચવા માંડી. છેવટે એક રજાઈ જ તેમની પાસે રહી હતી. બંને ભાઈઓ આ રજાઈમાં એકબીજાના ઓથે સૂઈ રહેતા હતા. મોટો ભાઈ નાના ભાઈને પૂછતો : ઓ ભાઈ, તને ઠંડી લાગે છે ?’
‘નાનો ભાઈ કહેતો : અને ભાઈ, તને શું ઠંડી નહીં લાગતી હોય ?’
‘બે ભાઈઓનો આ સંવાદ ચાલતો હતો, બરાબર એ જ વખતે હું મકાન માલિક ભાડું લેવા માટે ગયો. મેં બંને બાળકોને ખૂબ હચમચાવીને કહ્યું : ‘મારું ભાડું અત્યારે જ આપી દો.’
‘મોટા ભાઈએ કરગરીને કહ્યું : અમારી પાસે આ રજાઈ સિવાય બીજું કશું જ નથી.’
‘કશું હોય કે ન હોય, એ મારે જોવાનું નથી. કાં તો મને ભાડું આપો નહીં, તો ઘર ખાલી કરો. અને સાંભળો, જ્યાં સુધી તમે ભાડું નહીં આપો ત્યાં સુધી આ રજાઈ હું મારી પાસે રાખું છું.’
‘મારી મકાનમાલિકની વાત સાંભળીને બંને ભાઈઓ ચોંકી ગયા, અને હાથ જોડીને મને કાલાવાલા કરવા લાગ્યા : શેઠ-સાહેબ, અમારા પર દયા કરો. આવી કડકડતી ઠંડીમાં અમે રજાઈ વગર કેવી રીતે રહી શકીએ ? મહેરબાન, દયા કરો.’
‘નહીં, દયા-બયા કાંઈ નહીં ! બસ, અત્યારે જ ઘરની બહાર નીકળી જાઓ, નહીં તો પછી મારે તમને ઘસડીને બહાર ફેંકી દેવા પડશે.’
‘બિચારાં બેઉ અનાથ બાળકો ઘરની બહાર નીકળી ગયાં. તે બંનેના શરીર પર માત્ર એક એક પહેરણ પહેરેલું હતું, તે પણ ઠેકઠેકાણેથી ફાટેલાં હતાં. બહાર તો હાડ થિજાવી દેતી ઠંડી હતી. આવી કડકડતી ઠંડીમાં બાળકો ચાલતાં ચાલતાં મકાનની પાછળના ભાગમાં આવ્યા, અને બરફ જેવી ઠંડી દીવાલની પાસે જમીન પર બેસી ગયા.’
‘બરફ તો વરસતો જ હતો. ધીરે ધીરે બંને બાળકોનાં શરીર પર બરફના થર જામતા ગયા. જામતા ગયા, અને બાળકો ઠરીને બરફ થઈ ગયાં. હવે તેમને ઠંડીનો ભય રહ્યો ન હતો.’
‘સવાર પડતાં આવતા-જતાં વટેમાર્ગુઓની નજર બંને ભાઈઓનાં મૃત શરીરો પર પડી. મૃત શરીરોને પ્રેમની દેવીના મંદિરમાં લઈ જવામાં આવ્યાં. જાપાનમાં પ્રેમની દેવીના મંદિરનું ખાસ મહત્ત્વ છે.’
હોટલમાલિક દોડતો દોડતો મંદિરમાં આવ્યો, અને તેણે રજાઈમાંથી આવતા અવાજની કહાની પૂજારીને કહી સંભળાવી. પછી બોલતી રજાઈ પૂજારીને સોંપી દીધી.
બેઉ અનાથ બાળકોની મૃત્યુની વાત સાંભળીને પૂજારી તથા અન્ય શ્રોતાઓની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.
એ બંને ભાઈઓ મરીને, ભૂખ અને લાચારીનો એક અમર સંદેશો આખી દુનિયાને આપતા ગયા.
એ પછી રજાઈમાંથી આવતા અવાજો બંધ થઈ ગયા હતા.