ચતુર સોદાગર

    ૧૬-જૂન-૨૦૧૭


ઈરાનની સુપ્રસિદ્ધ વાર્તા

એક હતો સોદાગર. તે દેશ-પરદેશમાં નાનો-મોટો વેપાર કરતો, પરંતુ તેને આ વેપારથી સંતોષ નહોતો. તેને વધારે પૈસા કમાવવા હતા. કોઈ જાણકારે તેને કહ્યું કે તહેરાનમાં જઈ ચંદનનાં લાકડાં વેચ. ત્યાં તને અઢળક પૈસા મળશે. સોદાગારને આ વાત ગમી ગઈ. તેણે પોતાની બધી વસ્તુઓ વેચીને ચંદન ખરીદી લીધું. ચંદન લઈને તે તહેરાન ગયો. આટલું બધુ ચંદન જોઈને તહેરાનનો ચંદનનો વેપારી ગભરાયો. તેણે વિચાર્યું, ‘આ સોદાગર અહીં ચંદનનો વેપાર જમાવી દેશે તો મારો વેપાર ચોપટ થઈ જશે.’ તેણે પરદેશી સોદાગરને ફસાવવાની યુક્તિ વિચારી.
ચંદનનાં થોડાં લાકડાં લઈને તે સોદાગરના પડાવની પાસે પહોંચી ગયો. રાતના સમયે તેણે ચંદનનાં લાકડાં સળગાવવાનું શરૂ કર્યું. ચંદનનાં લાકડાંની સુગંધ સોદાગરના પડાવ સુધી પહોંચી. તેણે બહાર આવીને જોયું તો નવાઈ લાગી. તહેરાનનો વેપારી ચંદનનાં લાકડાં સળગાવીને તેના પર રોટલીઓ શેકી રહ્યો હતો. સોદાગર તેની પાસે ગયો અને વિનમ્ર ભાવે કહ્યું, ‘હું ચંદનનો વેપાર કરવા દૂરના દેશથી અહીં આવ્યો છું. મેં સાંભળ્યું છે કે ચંદન અહીં ઊંચી કિંમતે વેચાય છે.’
સોદાગરને દિલાસો આપતાં તહેરાનને વેપારીએ કહ્યું, ‘દોસ્ત, તને કોઈએ ખોટી માહિતી આપી લાગે છે. અહીં તો ચંદન કોડીના મૂલે વેચાય છે, પરંતુ તું તેની ચિંતા કરીશ નહીં. હું તારી મદદ કરીશ આમ પણ તું મારો મહેમાન કહેવાય.’
સોદાગર આ વાત સાંભળી હેરાન-પરેશાન થઈ ગયો. હવે શું કરવું ? તેણે પોતાના નુકસાનનો હિસાબ માંડવાનું શરૂ કર્યું. ત્યાં જ તહેરાનનો વેપારી તેની પાસે આવ્યો. તેણે કહ્યું, ‘જો દોસ્ત, તારી આ હાલત જોઈ હું ખૂબ દુ:ખી છું. તું મારી સાથે ચાલ. તારું બધું ચંદન હું ખરીદી લઈશ. બદલામાં તારે જે ચીજ જોઈએ તે લઈ લેજે. તેના માટે આ કાગળ પર કરાર કરવો પડશે.’
બિચારો સોદાગર બીજું કરે પણ શું? નુકસાન કરવા કરતાં જે મળે તે લઈ લેવું સારું એમ સમજી તેણે કરારનામા પર સહી કરી. બીજા દિવસે બંને તહેરાન પહોંચ્યા. સોદાગર એક મકાનમાં રહેવા લાગ્યો. જ્યારે વેપારી પોતાના ઘરે ચાલ્યો ગયો.
થોડા દિવસો પછી સોદાગરને ખબર પડી કે અહીં તો ચંદનના ભાવ ઘણા ઊંચા છે, પરંતુ તહેરાનના વેપારીએ મારી પાસેથી મફતના
ભાવે ચંદન પડાવી લીધું. પણ હવે થાય શું ?
એક દિવસ સોદાગર ફરતો ફરતો બજારમાં આવ્યો. ત્યાં તેણે જોયું કે કેટલાક લોકો શતરંજની રમત રમી રહ્યા હતા. સોદાગરે તેમની પાસે જઈ કહ્યું, ‘દોસ્તો, હું પરદેશી વેપારી છું. મને પણ શતરંજ રમવાની તક આપો.’
શતરંજ રમતા લોકોએ કહ્યું, ‘કંઈ વાંધો નહીં, તું શતરંજ રમી શકે છે, પરંતુ શરત એટલી કે હારનારે જીતનારની વાત માનવી પડશે.’ સોદાગરે શરત મંજૂર રાખી. સોદાગર શતરંજ રમવા બેઠો, પરંતુ છેવટે તે હારી ગયો. શરત મુજબ જીતવાવાળાઓએ કહ્યું, ‘તું હવે અમારી શરતનું પાલન કર. તું સમુદ્રનું બધુ પાણી પી જા.’ સોદાગર ગભરાયો. ‘અરે ભાઈઓ, તમે ભાનમાં તો છો ને ? ક્યાં સમુદ્રનું પાણી અને ક્યાં મારું પેટ, કંઈક અક્કલવાળી વાત કરો. તમે તો એવી શરત મૂકો છો જે પૂરી જ ન થઈ શકે.’ પરંતુ પેલા વેપારીઓ સોદાગરને શરતનું પાલન કરાવવા મક્કમ હતા. તેમાંથી બોલાચાલી થઈ. લોકોની ભીડ એકઠી થવા લાગી. એમાંથી એક માણસ આગળ આવીને કહેવા લાગ્યો, ‘જુઓ, આ સોદાગર ઠગ અને દગાબાજ છે. તેણે મારી એક આંખ છીનવી લીધી છે. હું કાણો થઈ ગયો છું.’
કાણાની વાત પૂરી પણ થઈ નહોતી ત્યાં બીજો માણસ આગળ આવ્યો. તેણે કહ્યું, ‘આ આદમી મારો પથ્થરનો પાયજામો લઈ ગયો છે તે મને પાછો અપાવો.’
આ સાંભળીને સોદાગર પરેશાન થઈ ગયો. ટોળાંએ તેને ઘેરી લીધો. લોકો તેને મારવાની તૈયારીમાં હતા ત્યાં તેનો મકાનમાલિક ત્યાંથી પસાર થતો હતો. તેણે આ દૃશ્ય જોયું. ત્યાં જઈને તેણે બધી માહિતી મેળવી. મકાનમાલિકની આખા શહેરમાં ભારે ઇજ્જત હતી. તેણે સોદાગરને જામીન પર છોડાવ્યો અને કહ્યું, ‘હું તેને લઈ તમે કહેશો ત્યારે અદાલતમાં હાજર થઈશ.’
જતી વખતે મકાનમાલિકે કહ્યું, ‘જો દોસ્ત, આ આખું શહેર ઠગ અને લૂંટારાઓનું છે. તને નવો નવો સમજીને આ લોકોએ ફસાવ્યો છે. તું ગભરાઈશ નહીં. સાંજ સુધી હું તને બચાવવાની કોશિશ કરીશ.’
આખો દિવસ સોદાગરે ન ખાધું, ન પીધું. પોતાનું શું થશે એમ વિચારતાં સાંજ પડી ગઈ. સાંજે મકાનમાલિક આવ્યો. તેણે કહ્યું, ‘સાંભળ, શહેરના ઠગોનો નેતા બંને આંખે આંધળો છે. રાત પડે એટલે બધા ઠગ તેની પાસે જઈને પોતપોતાનાં કારસ્તાનનું વર્ણન કરે છે. તું એવું કર. ગમે તે રીતે તેના અડ્ડા સુધી પહોંચી જા. તે બધા ઠગો પણ ત્યાં આવશે અને પોતાનાં કરતૂતો સંભળાવશે. તેઓ જે પણ સંભળાવે. તે તું ધ્યાનથી સાંભળજે. તારી મુસીબતો ટળી જશે. સોદાગરને તો પોતાના ધંધામાં થયેલા નુકસાનની ચિંતા હતી. તેણે પોતે ઠગનો વેશ પહેરી લીધો અને સીધો ઠગોના સરદારના અડ્ડે પહોંચી ગયો. બીજા ઠગો ત્યાં આવ્યા તે પહેલાં તે ત્યાં પહોંચી એક ખૂણામાં બેસી ગયો. કોઈનું ધ્યાન તેના તરફ નહોતું.
એક પછી એક ઠગ પોતાના કારસ્તાન સંભળાવવા લાગ્યા. સૌથી પહેલાં ચંદનનો વેપારી આવ્યો. તેણે પોતાનો કિસ્સો સંભળાવ્યો. ઠગોના અંધ સરદારે તેને ધમકાવ્યો. ‘અરે મૂર્ખ, જો સોદાગરે તારી પાસે ચંદનના બદલામાં ભારોભાર પિસ્તાં માગી લીધા હોત તો ?’
તેના પછી શતરંજના ખેલાડીનો વારો આવ્યો. તેણે પણ પોતાનો કિસ્સો સંભળાવ્યો. અંધ સરદારે કહ્યું, ‘તમે બધા હવે ધીમે ધીમે બુદ્ધિ વગરના થતા જાઓ છો. જો સોદાગરે સમુદ્રમાં વહેતી નદીઓનું પાણી રોકવાનું કહી દીધું તો ?’
હવે ત્રીજા ઠગનો વારો આવ્યો. તેણે પોતાની વાત બઢાવી-ચઢાવીને સંભળાવી. સરદારે કહ્યું, ‘અરે મૂર્ખ, સોદાગરે કહ્યું હોત કે પથ્થરનો પાયજામો સીવવા માટે પથ્થરનો દોરો લાવી દે તો તું શું કરત ?’
હવે કાણાનો વારો આવ્યો. તે આગળ આવી પોતાનો કિસ્સો સંભળાવવા લાગ્યો. ખૂણામાં બેઠેલો સોદાગર બધું સાંભળી રહ્યો હતો. કાણાની વાત પૂરી થઈ એટલે ઠગોના સરદારે સંભળાવ્યું. ‘જો સોદાગર ધારે તો તારી બીજી આંખ પણ લઈ શકે. તેણે બીજી આંખ માગી હોત તો તું શું કરત ?’
કાણાના તો હોશ ઊડી ગયા.
છેલ્લે ઠગોના અંધ સરદારે કહ્યું, ‘જુઓ, મેં તમને સાચી વાત સંભળાવી છે. ઠગાઈ એ બુદ્ધિનું કામ છે. કદાચ મૂર્ખ સોદાગર આ બધું ન પણ વિચારી શકે.’
કેટલાક દિવસ પછી મુકદ્દમાની તારીખ આવી. મકાનમાલિક સોદાગરને લઈને ન્યાયની કચેરીએ પહોંચી ગયો. ન્યાયાધીશે સૌથી પહેલાં ચંદનનો મામલો હાથ પર લીધો. તેણે સોદાગરને પૂછ્યું, ‘ચંદનના વજન બરાબર તારે શું જોઈએ છે ?’ સોદાગરે ઠગોની વાત ધ્યાનથી સાંભળી હતી. તેણે કહ્યું, ‘ચંદનનાં લાકડાં બરાબર માટે પિસ્તાં જોઈએ છે.’
તહેરાનનો વેપારી જવાબમાં કશું બોલી શક્યો નહીં. ન્યાયાધીશે પોતાના ફેંસલો સંભળાવ્યો. ‘તું પરદેશી સોદાગરને ઠગવા ઇચ્છતો હતો. એટલે તારે હવે સોદો મંજૂર રાખવો પડશે. સોદાગર જે કિંમતે ચંદન વેચવા માગે તે તારે આપવી પડશે. આ સમયે સોદાગરને તહેરાનના વેપારી પાસેથી બે હજાર સોનામહોર અપાવી.’
બીજો મુકદ્દમો પથ્થરના પાયજામાનો હતો.
કાજીએ સોદાગરને પોતાની વાત રજૂ કરવા કહ્યું.
સોદાગરે કહ્યું, ‘પહેલી વાત તો એ કે પથ્થરનાં કપડાં હોઈ શકે નહીં અને તેમ છતાં જો મને કપડાં સીવવા માટે પથ્થરનો દોરો મળી જાય તો હું આ આદમીનો પાયજામો આપી શકું.’
ન્યાયાધીશે ઠગને પથ્થરનો દોરો લાવવા કહ્યું, પણ પથ્થરનો દોરો હોય તો ઠગ લાવે ને ? ઠગનું મોં પડી ગયું.
ન્યાયાધીશ ઓળખી ગયો કે આ પણ ઠગાઈનો મામલો છે. તેણે ઠગને ભારે દંડ ફટકાર્યો.
હવે કાણાનો વારો આવ્યો. સોદાગરે ન્યાયાધીશને વિનંતી કરી કે ‘જો તમે તેને બીજી આંખ કાઢી આપવાનું કહો તો હું મારી આંખ તેની સાથે તોલીને આપું.’
ન્યાયાધીશને સોદાગરની વાત સાચી લાગી. તેણે તરત જ હુકમ કર્યો કે આંખ કાઢીને સોદાગરને આપવામાં આવે.
કાણાએ જ્યારે આ ચુકાદો સાંભળ્યો ત્યારે તેના હોશ ઊડી ગયા. તે કાલાવાલા કરવા લાગ્યો. ‘સાહેબ, આટલી વખત માફ કરી દો. હવે ફરીથી ક્યારેય આવું નહીં કરું.’
ન્યાયાધીશે તેને વીસ કોરડા અને ત્રણ મહિનાની જેલની સજા ફરમાવી.
છેલ્લે શતરંજનો ખેલાડી ઊભો થયો. સોદાગરે કહ્યું, ન્યાયાધીશ સાહેબ, આ માણસે મને સમુદ્રનું બધું પાણી પીવાનું કહ્યું હતું. જો તે નદીઓનું પાણી સમુદ્રમાં ભળતું રોકી દે તો હું સમુદ્રનું પાણી પીવા તૈયાર છું.
ન્યાયાધીશને સોદાગરની વાત યોગ્ય લાગી. તેણે ઠગને નદીઓનું પાણી રોકવાનું કહ્યું. ઠગ ડરનો માર્યો કાંપવા લાગ્યો. ન્યાયાધીશ તેને કડક સજા કરવાનો હુકમ કરતા હતા ત્યાં જ સોદાગરે વિનંતી કરતાં કહ્યું, ‘સાહેબ, આપનો ન્યાય ખરેખર અદ્ભુત છે. આ લોકોને થોડો ઠપકો આપીને છોડી દેવામાં આવે તો ?’ સોદાગરની વાત સાંભળી ન્યાયાધીશ ખુશ થયા. તેમણે કહ્યું, ‘જેવી તારી મરજી.’
બધા ઠગો સોદાગરના પગ પકડી તેની માફી માગવા લાગ્યા. સોદાગરે તેમને માફ કર્યા.
ઠગોએ હવે પછી ક્યારેય કોઈને નહીં ઠગવાનો અને પ્રમાણિકતાથી જીવવાનો નિર્ણય કર્યો.