છીપલાં

    ૧૬-જૂન-૨૦૧૭


એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન.
બંને ભાઈબહેન બજારમાં ફરવા નીકળ્યાં છે.
નાનો ભાઈ છટાથી આગળ ચાલે છે અને બહેન પાછળ છે.
થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં.
રમકડાની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે.
ભાઈ નજીક આવીને પૂછે છે :
"કેમ, તારે કાંઈ લેવું છે ?
બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું. ભાઈએ બહેનની આંગળી પકડી અને એક વડીલની અદાથી બહેનને એ ઢીંગલી હાથમાં આપી. બહેન ખુબ જ ખુશ થઈ.
કાઉન્ટર પર બેઠેલા વેપારી આ ભાઈબહેનને ધ્યાનથી જોતા હતા અને ભાઈના માસુમ વડપણને નીરખીને મનમાં મુસ્કુરાતા હતા.
કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો, ‘આ ઢીંગલીનું શું છે ?’
"જીવતરને ઘોળીને પી ગયેલા એ વેપારીએ કહ્યું, ‘તમારી પાસે શું છે ?’
બાળકે ચડ્ડીના ખિસ્સામાંથી સમુદ્રનાં છીપલાં કાઢ્યાં અને કાઉન્ટર પર મૂક્યાં. પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દૃષ્ટિ કરી અને જેમ ‚પિયા ગણે એમ છીપલાં ગણ્યાં.
બાળકે કહ્યું, ‘કેમ ઓછાં છે ?’ વેપારી કહે, ‘ના, આમાંથી તો વધશે’
વધેલાં છીપલાં ફરી ખિસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં, પણ એના ગયા પછી વેપારીને એના માણસે પૂછ્યું, ‘આવી કીમતી ઢીંગલી તમે છીપલાના બદલામાં આપી દીધી ?’
વેપારીએ કહ્યું, ‘ભાઈ, આપણે મન આ છીપલાં છે. એને મન તો એની સંપત્તિ છે. અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે ને કે છીપના બદલે આપણે ઢીંગલી લઈ આવેલાં. ત્યારે એ મને યાદ કરશે, અને એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે’