દડો

    ૧૬-જૂન-૨૦૧૭


રશિયાની સુપ્રસિદ્ધ વાર્તા

એક દિવસે આન્ડરસ માતાની સાથે બજારમાં વસ્તુઓ ખરીદવા ગયો. ઘેર પાછા વળતાં રસ્તામાં તેની માતાએ તેને એક સુંદર દડો લઈ આપ્યો. આન્ડરસે એ દડો લઈને આખો દિવસ રમ્યા કર્યું.
એની ઘરની બહાર એક ખુલ્લું મેદાન હતું. આન્ડરસ વારે-વારે દડાને દીવાલ પર ફેંકતો હતો અને દડો જમીન પર પડે તે પહેલાં તેને કેચ કરી લેતો હતો. પણ આ વખતે તે દડાને કેચ કરી ન શક્યો, એટલે દડો ગબડતો ગબડતો નજીકના મેદાનમાં જતો રહ્યો.
આન્ડરસ દડાની પાછળ દોડ્યો. મેદાનમાં મોટી મોટી ઝાડીઓ હતી. તેમાં તેણે દડાને બહુ શોધ્યો પણ તે ન મળ્યો.
‘આન્ડરસ, અંધારું થવા આવ્યું છે. અંદર આવી જા !’ માએ કહ્યું,
‘હું મારો દડો શોધી રહ્યો છું.’ આન્ડરસે ઉત્તર આપ્યો.
‘સવારે શોધી લેજે !’ માતાએ કહ્યું.
આન્ડરસ ઘરમાં ગયો અને ખાઈને બિછાનામાં સૂઈ ગયો, પણ નીંદ તો વેરી થઈ હતી. તેને ઘરના દરવાજાની બહાર એક સુંદર ચમકતો દડો દેખાઈ રહ્યો હતો. તેને તે એકીટસે નિહાળી રહ્યો હતો. આ દડો આસમાનમાં ચમકી રહેલો ચંદ્ર હતો. તે દડાના જેવો જ ગોળ હતો.
આન્ડરસને દડો ખોવાઈ જવાનો ભારે અફસોસ થઈ રહ્યો હતો. તેને વિચાર આવી ગયો : ‘મારો દડો ક્યાં પડ્યો છે, તેની જો મને ખબર હોત તો...!’
બીજે દિવસે કચરો લઈ જનારો આવ્યો. સૌથી પહેલાં આન્ડરસના દડા પર તેની નજર પડી. દડો દરવાજાની નજીકમાં જ ઝાડીઓમાં પડ્યો હતો. તેણે જોરથી એક ઠોકર મારી. દડો દૂર જઈને પડ્યો. એ જ વખતે પાડોશના ઘરમાંથી એક નાની છોકરી બહાર આવી. તેણે પોતાના ઘરની બહાર પડેલો દડો જોયો.
‘અરે ! કેવો સુંદર દડો છે !’ તેણે દડો ઉપાડી લીધો. પછી તે દડા સાથે રમવા લાગી.
એટલામાં છોકરીની મા બહાર આવી. તે બાગમાં ફરવા માટે જઈ રહી હતી. છોકરી પણ દડાને ઉછાળતી ઉછાળતી માની સાથે ચાલવા લાગી. તેની માના હાથમાં એક ઠેલાગાડી હતી. એ ઠેલાગાડીમાં તે છોકરીનો નાનો ભાઈ બેઠો હતો. છોકરી આખે રસ્તે દડા સાથે રમતી રમતી ચાલી રહી હતી.
તેની સ્કૂલનો સમય થઈ ગયો હતો. ભણવા માટે તેને જવાનું હતું. તે બોલી : ‘નાના ભૈયા ! તું મારા દડા સાથે રમજે !’
તેણે નાના મુન્નાના હાથમાં દડો પકડાવી દીધો. નાના ભૈયાએ કિલકારી મારીને, દડાને ઉઠાવી બાબાગાડીની બહાર ફેંકી દીધો. દડો એક ઢોળાવ પરથી ગબડતો એક તળાવમાં જઈને પડ્યો.
તળાવમાં એક બતક પોતાનાં નાનાં નાનાં બચ્ચાં સાથે તરી રહી હતી. બતક સમજી કે પાણીમાં એક ઈંડું આવી પડ્યું. તેણે આજ સુધી આવું ઈંડું જોયું નહોતું. તેથી તે આ કયા પક્ષીનું ઈંડું હોઈ શકે તેવા વિચારમાં પડી ગઈ.
એકાએક ‘ગુર્રુર્રુર્રુ’ કરતો લાંબા લાંબા વાળવાળો એક કૂતરો આવ્યો. તે ખૂબ તરસ્યો હતો. તે જલદી જલદી પાણી પીવા લાગ્યો.
એ દરમિયાન તેને પાણીમાં તરતો પેલો દડો દેખાયો. અચાનક તે ઊછળ્યો. તળાવમાં જઈને તેણે દડાને મોઢામાં પકડી લીધો. આ કૂતરો એક નાના બાળકનો હતો : ‘ક્યાંથી મળ્યો તને આ દડો ?’ તેણે કૂતરાને પૂછ્યું.
કૂતરાએ ગરદન હલાવી દીધી. નજીકમાં જ બાળકના દોસ્તો રમતા હતા. તે બાળકે બૂમ પાડીને પોતાના દોસ્તોને બોલાવ્યા અને કહ્યું : ‘અરે, દોસ્તો ! મારા કૂતરાને આ દડો મળ્યો છે. આવો, આપણે બધા સાથે મળીને રમીએ !’
દડો જોઈને બાળકો ખુશ થયા. પછી બધા સાથે મળીને દડા વડે રમવા લાગ્યા.
દડો કોઈક વાર દૂર જતો રહેતો હતો, ત્યારે કૂતરો તેની પાછળ દોડતો જતો અને તેને મોઢામાં દબાવીને લઈ આવતો.
કૂતરાને પણ ખૂબ મજા પડી રહી હતી. એક વાર દડો હવામાં ખૂબ ઊંચે ઊછળ્યો, જેથી કૂતરો પણ તેને પકડી શક્યો નહીં. દડો સામેના ઘરની બારી પર ફટાક દઈને અથડાયો હતો.
‘કેવાં તોફાની બાળકો છે !’ ઘરની અંદરથી એક સ્ત્રી જોર જોરથી બૂમો પાડતી બહાર આવી. તેણે બાળકોને ધમકાવ્યાં અને દડાને લઈને જોશથી બારીની બહાર ફેંકી દીધો.
દડો ગબડતો ગબડતો એક ઘરની બહાર જઈને પડ્યો. એ જ સમયે ઘરનો દરવાજો ઊઘડ્યો અને એક નાનો છોકરો તેના પપ્પાની સાથે દાદરો ઊતરીને નીચે આવ્યો.
જાણો છો, આ છોકરો કોણ હતો ? આ છોકરો પેલો આન્ડરસ જ હતો.
‘હું અહીં રમી રહ્યો હતો, પપ્પા !’ તેણે પપ્પાને કહ્યું, પછી તેણે ચારે બાજુ કાંઈક શોધવાનો પ્રયત્ન કરવા માંડ્યો : ‘અરે ! આ તો અહીંયાં જ પડ્યો છે ! આ જ છે મારો દડો !’ તે આનંદથી દડા તરફ દોડ્યો.
‘અજબ જેવી વાત છે ને ! કાલે રાતે તો આ દડો અહીંયાં નહોતો !’ તે બબડ્યો.
દડો મળી જવાથી તેને અત્યંત ખુશી થઈ રહી હતી. તેણે દડો લઈને છાતીસરસો લગાવી દીધો. છેવટે તેને પોતાનો દડો મળી ગયો હતો.