ડાકણ અને ગરીબ છોકરી

    ૧૬-જૂન-૨૦૧૭

જર્મનીની સુપ્રસિદ્ધ વાર્તા

એક ગરીબ નોકરાણી છોકરી હતી. તે પોતાની નાની ગાડી લઈ જંગલમાંથી જઈ રહી હતી. ત્યાં અચાનક તે ભયંકર ડાકુઓથી ઘેરાઈ ગઈ. ડાકુઓ ઝાડીમાં સંતાઈ રહેલા. તે અચાનક બહાર આવ્યા. છોકરી ગભરાઈને તેની ગાડીમાંથી કૂદી પડી અને ઝાડીમાં સંતાઈ ગઈ.
ડાકુઓ તેની ગાડીમાંથી સામાન ચોરીને જતા રહ્યા. છોકરી બહાર આવી અને પોતાના બદનસીબને રડવા લાગી. તે રડતી જાય અને જાતને કોસતી જાય. ‘અરેરે ! હું હવે શું કરું ? જંગલમાંથી કઈ રીતે બહાર નીકળું ? રસ્તો નહીં જડે તો હું ભૂખે-તરસે મરી જઈશ.’
તે જંગલની બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગી. પરંતુ તેને રસ્તો ન જડ્યો. આમ ને આમ સાંજ પડી ગઈ. તે નિરાશ થઈ એક ઝાડ નીચે બેસી ગઈ. તે ભગવાનને યાદ કરવા લાગી.
એટલામાં એક સફેદ કબૂતર ત્યાં આવ્યું. તેની ચાંચમાં એક નાની સોનાની ચાવી હતી. તે ચાવી છોકરીને હાથમાં આપી કહે, ‘સામે પેલું મોટું ઝાડ દેખાય છે ને ? તેની અંદર એક કબાટ છે તે આ ચાવીથી ઊઘડશે. એમાંથી તને ખાવાનું મળશે.’
છોકરી ઊભી થઈ. તે ઝાડ પાસે ગઈ. ચાવી વડે કબાટ ઉઘાડ્યું. જોયું તો અંદર દૂધની તપેલી અને રોટલીઓ હતી. તેણે પેટ ભરીને ખાધું. ખાધા પછી તે બોલી, ‘અરે મરઘીઓ પણ ઊંઘવા જતી રહી હશે. મારે પણ ઊંઘવું છે. પણ ક્યાં સૂઈ જાઉં ?’
તરત કબૂતર ઊડ્યું અને બીજી સોનાની ચાવી લાવીને બોલ્યું, ‘સામેનું પેલું ઝાડ જો, એનું કબાટ ઉઘાડ’.
છોકરી ચાવી લઈ ઝાડ પાસે ગઈ. કબાટ ઉઘાડ્યું. તો અંદરથી ઓઢવા-પાથરવાનાં ગોદડાં મળી ગયાં. તે પથારી કરીને ઊંઘી ગઈ.
સવાર પડી. છોકરી જાગી. ત્યાં પેલું કબૂતર ત્રીજી સોનાની ચાવી લઈને આવ્યું અને બોલ્યું, ‘લે આ ચાવી. સામેના ઝાડમાં કબાટમાં કપડાં અને ઘરેણાં છે. તે તું પહેરી લે.’ છોકરીએ ઝાડ પાસે જઈ કબાટ ખોલ્યું. અંદર કીમતી કપડાં અને ઘરેણાં હતાં. તેણે તે પહેર્યાં. હવે તે રાજકુમારી જેવી લાગતી હતી.
આમ તે જંગલમાં થોડા દિવસ રહી. કબૂતર તેને જે જોઈએ તે વસ્તુઓ લાવી આપતું હતું. અહીં તે શાંતિથી રહેતી હતી.
એક દિવસ કબૂતર આવ્યું અને બોલ્યું, ‘છોકરી, તું મને પ્રેમ કરે છે ?’ છોકરી કહે, ‘હા, કબૂતર. આ જંગલમાં તું જ તો મારો સહારો છે. તું મને ગમે છે.’ આ સાંભળી કબૂતર રાજી થયું. તે કહે, ‘તો પછી હું કહું એમ કર. એમ કરવાથી તારું ને મારું બંનેનું ભલું થશે.’ આમ કહી કબૂતર તેને દૂર આવેલ એક નાની ઝૂંપડી પાસે લાવ્યું.
પછી સમજાવતાં કહે, ‘જો સાંભળ, હવે તારે આ ઝૂંપડીની અંદર જવાનું છે. અંદર એક ઘરડી બાઈ છે. તને ‘નમસ્તે’ કહેશે, પણ તારે કશું બોલવાનું નથી. એને જે બોલવું હોય તે બોલવા દેજે. તારે મૌન જ રહેવું. એના ડાબા હાથ તરફ જજે. ત્યાં તને એક દરવાજો દેખાશે. એને તું ખોલજે અને અંદર જજે. ત્યાં ટેબલ પર ઘણી વીંટીઓ પડી હશે. મોટા ભાગની રત્નજડિત હશે. પણ તું એ ના લેતી. એમાં એક વીંટી સાવ સાદી હશે. તે તું ઉઠાવી લેજે ને તરત જ ઝૂંપડીની બહાર આવી જજે. સમજી ગઈ ને ?’
છોકરીએ માથું હલાવી હા પાડી. પછી તે ઝૂંપડી પાસે ગઈ અને બોલ્યા વગર અંદર ગઈ. અંદર એક ઘરડી બાઈ બેઠી હતી. છોકરીને આવેલી જોતાં એ બાઈએ પોતાનો ચહેરો કદ‚પો બનાવ્યો, જેથી પેલી છોકરી ગભરાઈ જાય. તે બાઈ કર્કશ અવાજે બોલી, ‘નમસ્તે, આવ.’ પણ છોકરી મૌન રહી. તે છોકરી બાઈની સામુંય જોયા વગર ડાબી તરફ ગઈ. તે ઓરડો ખોલી અંદર ગઈ. ટેબલ પર ઘણી રત્નજડિત વીંટીઓ પડી હતી.
છોકરીને ઓરડામાં જતી જોઈ પેલી બાઈ છંછેડાઈ ગઈ. તે ગમે તેમ બકવા લાગી, ‘આમ ક્યાં જાય છે ? આ મારું ઘર છે. મને પૂછ્યા વગર તું કેમ આવી ?’ આમ કહી છોકરીના કપડાને પાછળથી પકડ્યું, પણ છોકરીએ ચૂપ રહી તે છોડાવી લીધું.
અંદર જઈ છોકરી સાદી વીંટી શોધવા લાગી, પણ તે ના જડી. છોકરી નિરાશ થઈ. એટલામાં પેલી બાઈ અંદર આવી. સામે એક પાંજરું લટકતું હતું. તે ઉઠાવી પેલી બાઈ ભાગવા ગઈ. છોકરીએ જોયું તો પાંજરામાં એક સાદી વીંટી પડી હતી. છોકરીએ ઝાપટ મારી તેમાંથી પેલી વીંટી લઈ લીધી. પછી તે ઝડપથી બહાર દોડી ગઈ.
તે બહાર આવી પેલા કબૂતરની શોધ કરવા લાગી, પણ ત્યાં કબૂતર ન દેખાયું. પાસેના ઝાડના થડનો ટેકો લઈ તે કબૂતરની રાહ જોવા લાગી.
ત્યાં જાદુ થયો. ઝાડની ડાળીઓ નીચે નમવા લાગી. બે ડાળીઓ એની આસપાસ વીંટળાઈ અને તે તરત જ હાથ બની ગઈ. છોકરીએ ગભરાઈને પાછળ જોયું તો તેને અડકીને કોઈ યુવાન ઊભો હતો. છોકરી નવાઈ પામી.
યુવાન કહે, ‘ગભરાઈશ નહીં. હું તારું કબૂતર જ છું. આ ઝૂંપડીમાં તને જે બાઈ મળી હતી તે ડાકણ હતી. હું એક રાજકુમાર છું. ડાકણે મને ઝાડ બનાવી દીધો હતો. પરંતુ રોજ હું થોડો સમય સફેદ કબૂતર બની શકતો હતો. તેણે મારા હાથની વીંટી લઈ લીધી હતી. એ વીંટી જ્યાં સુધી તેની પાસેથી છીનવી ન લેવાય ત્યાં સુધી એનો જાદુ ચાલતો હતો. પણ તેં મારા કહેવા મુજબ કર્યું. મને વીંટી પાછી અપાવી. ને હું ફરી રાજકુમાર થઈ શક્યો.’
આ સાંભળી છોકરી રાજી થઈ. પછી તો રાજકુમારનો ઘોડો પણ જાદુમાંથી મુક્ત થયો. તે ફરી ઘોડો બની ગયો. રાજકુમાર કહે, ‘તને હું મારા રાજ્યમાં લઈ જઈશ. ને હું તારી સાથે લગ્ન કરીશ.’ ગરીબ છોકરી ખુશ થઈ. તે હવે ગરીબ રહી ન હતી. પછી રાજકુમાર તે છોકરીને ઘોડા પર બેસાડી પોતાના રાજ્યમાં પાછો ફર્યો. લગ્ન પછી બંનેએ ખાધું, પીધું ને રાજ કર્યું.