ગુલીવરની યાત્રાઓ

    ૧૬-જૂન-૨૦૧૭


ઇંગ્લેન્ડની સુપ્રસિદ્ધ વાર્તા

પહેલો અદ્ભુત લોક
મારું પૂરું નામ છે લેમ્યુએલ ગુલીવર. હું ડૉક્ટર છું. મને બચપણથી જ સમુદ્રની યાત્રાઓનો જબરો શોખ રહ્યો છે. હું સમુદ્રની યાત્રાઓની સાથે યાત્રીઓનો ઇલાજ પણ કરતો હતો.
મને મારી આ યાત્રાઓ દરમિયાન ચાર વાર ચાર અદ્ભુત લોકોની સાથે મુસાફરી કરવાનો મોકો મળ્યો. વાસ્તવમાં આ લોક બહુ જ ભયાનક હતા. ઘણીવાર તો હું મરતાં મરતાં બચી ગયેલો. પરંતુ અત્યારે જ્યારે હું તમને આ અદ્ભુત લોકો વિશે વાત કરી રહ્યો છું, ત્યારે મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. તમે વિશ્ર્વાસ કરો કે ન કરો, તેની મને કાંઈ પડી નથી, પણ તમે આખી વાત સાંભળ્યા પછી ખુશ ખુશ થઈ જશો, એની મને ખાતરી છે.
મેં પહેલો જે અદ્ભુત લોક જોયો હતો તેનું નામ ‘લિલીપુટ’ હતું. અહીંનાં લોકો હાથની વચલી આંગળી જેવડા કદના હતા. હું તો તે દેશમાં પહોંચીને ઊંઘી ગયો હતો. હું જાગ્યો ત્યારે મારા હાથ, પગ અને માથાના વાળ દોરાઓથી બાંધેલા હતા, અને મારી આસપાસ કેટલાક માણસો ઊભા હતા. આંગળીના જેવડા કદના સિપાઈઓ પહેરો ભરી રહ્યા હતા. મને ભૂખ લાગી હતી, તેથી મેં તેમને ધમકાવીને તેમની પાસે ખાવાનું મંગાવ્યું. મારો આદેશ સાંભળીને તેઓ બધા ભાગી ગયા.
ત્યાં તો એકાએક મારા હાથોમાં સોયો વાગવા લાગી. પેલા સિપાઈઓ મારા પર પોતાનાં તીર મારી રહ્યા હતા.
છેવટે તેમનો સરદાર આવ્યો. તેની પાસે મેં ખાવાનું માગ્યું. તેણે તરત જ ખાવાનું મંગાવ્યું. સાથે થોડીક નિસરણીઓ પણ મંગાવી અને તે મારી ચારે તરફ ગોઠવી દીધી. સીડીઓ દ્વારા એ ઠિંગુજીઓ મારી છાતી પર ચડ્યા અને મારા મોઢામાં ખાવાનું મૂકવા લાગ્યા. તેમને માટે તો મારું ભોજન રાક્ષસોનાં ભોજન સમાન હતું. તે પછી મને રથ પર બેસાડીને હજારો લોકો તે રથ ખેંચવા લાગ્યા, અને મને તેમના રાજા પાસે લઈ ગયા. રાજા સાથે મારે દોસ્તી થઈ ગઈ. તે પછી હું એ લોકમાં રહ્યો ત્યાં સુધી રાજાનો અતિથિ બનીને રહ્યો અને તેને મદદ કરતો રહ્યો.
બીજો અદ્ભુત લોક
બીજા અદ્ભુત લોકમાં અમે રસ્તો ભૂલીને ભટકતા ભટકતા પહોંચી ગયા હતા. મારા સાથીદારો તો ગમે તેમ કરીને બચીને જતા રહ્યા હતા, પરંતુ હું તે લોક જોવાના લોભમાં ત્યાં ફસાઈ ગયો હતો.
મારા સાથીદારો ત્યાંથી ભાગી રહ્યા હતા, ત્યારે એક વિશાળકાય પ્રાણી તેમનો પીછો કરી રહ્યું હતું. તેઓ પોતાની નાવ સમુદ્રમાં પૂરી શક્તિથી ચલાવી રહ્યા હતા. પાણીમાં તે પ્રાણીના ફક્ત ઘૂંટણો જ ડૂબતા હતા, એટલું તે પ્રાણી મોટું હતું.
હું ગભરાઈને આગળ જઈ શક્યો નહોતો. બચવા માટે હું એક ઊંચા પહાડ પર ચડીને છુપાઈ ગયો હતો.
ત્યાંથી મેં એ વિચિત્ર પ્રદેશને જોયો. ચારે તરફ લીલોતરી છવાયેલી હતી. પાક લહેરાઈ રહ્યા હતા. પરંતુ ત્યાંનું ઘાસ તો આશરે વીસ ફૂટ જેટલું ઊંચું હતું.
ત્યાંથી મેં એક સડક પણ જોઈ. તે ખૂબ જ મોટી હતી, પરંતુ તે દેશમાં જવા માટે તો જુવારના ખેતરમાં થઈને પસાર થતી ફક્ત એક પગદંડી જ હતી.
હું ચુપચાપ ઊતરીને નીચે આવ્યો અને પેલી કેડી પર ચાલવા લાગ્યો. તેની બંને તરફ ગીચ વૃક્ષોને લીધે હું આજુબાજુ કાંઈ જ જોઈ શકતો ન હતો.
તે ખેતર પસાર કરીને બીજા ખેતરમાં જવા માટે એક પટ્ટી બનાવેલી હતી. તેમાં ચાર પગથિયાં હતાં. પગથિયાં ચાર-ચાર ફૂટ ઊંચા હતા. તેથી તે પાર કરીને જવું મારે માટે મુશ્કેલ હતું.
હું આજુબાજુ કોઈ બીજો રસ્તો શોધવા લાગ્યો. એ જ વખતે પહેલાં જેવું જ એક બીજું પ્રાણી મને દેખાયું. બસ, આ જ આ પ્રદેશના નિવાસીઓ હતા. તે મને એકદમ ગિરજાઘરના મિનારા જેવું લાગતું હતું. તે એક ડગલું દસ ગજ જેટલું લાંબુ ભરીને ચાલતું હતું.
હું ગભરાઈ ગયો. એ જ વખતે આકાશમાં ભયંકર ગર્જના થઈ. આ પેલા પ્રાણીની ગર્જના હતી. કદાચ તેણે પોતાના સાથીદારોને બોલાવ્યા હતા. ગર્જના સાંભળતા જ તરત એના જેવડા મોટા સાત બીજા માણસો દોડી આવ્યા હતા.
તે સાતે જણા ખેતરનો પાક કાપવા લાગ્યા. મારે છુપાઈ જવાની કોઈ જગ્યા બચી ન હતી, છતાં હું પહેલા ખેતરના બીજે છેડે જઈને છુપાઈ ગયો.
જે લોકો જેમ જેમ પાક કાપીને આગળ વધતા હતા તેમ તેમ હું મારી છેલ્લી ઘડીઓ ગણી રહ્યો હતો. તેમના પગો નીચે કચડાઈ જવાનો કે તેમના દાતરડાથી મારા બે ટુકડા થઈ જવાનો મને ભય હતો.
ભયને લીધે મારાથી બૂમ પડાઈ ગઈ. પેલા લોકો આમતેમ જોવા લાગ્યા. એક માણસે મને જોઈ લીધો, ને તેણે મને પોતાની હથેળીમાં ઉપાડી લીધો. પછી હું કરડું એવો જીવ છું કે નહીં, તે તપાસવા લાગ્યો. પોતાના સાથીઓને બોલાવીને તે મને તેમને બતાવવા લાગ્યો. પછી તે મને પોતાને ઘેર લઈ ગયો.
એ પછી મેં ત્યાં કેવી-કેવી મુસીબતો વેઠી અને કેવી રીતે મારો જીવ બચાવીને ભાગ્યો, એની વાર્તા તો તમારાં ‚ંવાડા ખડાં કરી દે તેવી છે.
ત્રીજો અદ્ભુત લોક
ત્રીજી વાર હું એક સાધારણ જેવા દેખાતા ટાપુમાં પહોંચી ગયો હતો. ત્યાં પણ મને વિચિત્ર અનુભવો થયા હતા. એક ખીણમાં જઈને દૂર ઊભા રહેલા માણસોને મેં બૂમ પાડી હતી. તેમણે મને જોઈને એકબીજાના કાનમાં કાંઈક કહ્યું હતું.
ત્યાં તો અચાનક તે ખીણ ધ્રૂજી ઊઠી હતી અને સો ગજ જેવડા ચોરસ મેદાનના ‚પમાં ફેરવાઈ ગઈ હતી. થોડીક જ ક્ષણોમાં એ ટાપુના નિવાસીઓએ આવીને મને ઘેરી લીધો હતો. તેમના માથા ડાબી કે જમણી તરફ ઝૂકેલાં હતાં. તેમની એક-એક આંખ અંદર ઊંડી ઊતરેલી હતી, અને બીજી આંખ માથા તરફ ઉપર ચડી ગયેલી હતી. તેમનાં કપડાં સૂર્ય, ચંદ્ર તથા અન્ય તારાઓની આકૃતિઓથી સજાવેલાં હતાં. તેમના હાથોમાં ફુગ્ગાવાળી મોટી-મોટી મુશળો હતી અને ફુગ્ગાઓમાં કાંકરા-પથ્થર વગેરે ભરેલું હતું. હું અજાણ્યો છું, એવું માનીને તેઓ મારી સાથે આદર અને નમ્રતાપૂર્વક હાજર થયા. પછી મને પોતાના રાજાની પાસે લઈ ગયા.
આ ટાપુમાં મને અજબ-ગજબના અનુભવો થયા, અને ત્યાંથી મહામુશ્કેલીથી મુક્તિ મળી.
ચોથો અદ્ભુત લોક
ચોથો અદ્ભુત પ્રદેશ મને મારી એક સાગરયાત્રા દરમિયાન જોવા મળ્યો હતો. અહીંના લોકોનાં માથાં અને છાતીઓ લાંબા-લાંબા કેશથી ઢંકાયેલા હતા. તેમને બકરા જેવી લાંબી-લાંબી દાઢીઓ હતી. તેમની પીઠ ઉપર પણ વાળની એક લાંબી ખીણ બનેલી હતી. બસ, સદ્ભાગ્ય એટલું તેમને પૂંછડી નહોતી. તેઓ ખિસકોલીની જેમ વૃક્ષ પર ચડી શકતા હતા. તેમના હાથના નખ અત્યંત ધારદાર હતા.
મને જોઈને તે લોકો ખૂબ ગભરાઈ ગયા અને દૂર ભાગી ગયા. અતિ સમજાવટ પછી તેમનો ડર ઓછો થયો. ત્યાર પછી હું તેમની પાસે જઈ શક્યો.
આ પ્રદેશ ખૂબ વિચિત્ર અને અનોખો હતો, પરંતુ મારે માટે તો અત્યંત રોચક હતો. આ જ કારણે મેં ત્યાંની દરેક વસ્તુને ખૂબ બારીકીથી જોઈ હતી અને સમજવાનો પ્રયત્ન કર્યો હતો.