કામચોરી ભારે પડી

    ૧૬-જૂન-૨૦૧૭


એક જાતક કથા છે. જે મદદ કરવાના મહત્વ પર કેન્દ્રિત છે. મોહન એક દયાળુ માણસ હતો. ખાસ કરીને પ્રાણીઓ પ્રત્યે તેના મનમાં ઘણો દયાભાવ હતો. મોહને એક ગાય પાળી હતી. જેનું નામ ધેનુ હતું. આ ગાય તેને ખૂબ જ ગમતી હતી. એક દિવસ સાંજે રોજની જેમ ધેનુ અને તેનો વાછરડો ચરીને પાછાં ફર્યાં નહીં. આથી મોહન અને તેની પત્ની ચિંતિત થઈ ગયાં. મોહને પોતાના બે નોકરોને ગાય અને વાછરડાંને શોધી લાવવા માટે કહ્યું. તે નોકરો પાલખી ઊંચકનારા હતા અને કામચોર પણ. તેમણે મોહનની વાત ન માની અને બહાનું બતાવતાં કહ્યું કે અમે તો પાલખીવાળા છીએ, ભરવાડ નથી. આથી અમે ગાયને શોધવા માટે નહીં જઈએ. મોહનને તેમની વાત સાંભળીને ઘણો ગુસ્સો આવ્યો અને તેમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તે તરત જ બહાર જઈને પાલખીમાં બેસી ગયો અને જયાં સુધી ગાય અને વાછરડું ન મળે ત્યાં સુધી બંનેને પાલખી ઊંચકવાનું કહ્યું. આ રીતે પાલખીવાળા નોકરોને શેઠની મદદ ન કરવાની સજા મળી ગઈ. મૂળ વાત એ છે કે, બીજાને મદદ કરવાથી દૂર ભાગનારા કામચોરોને ક્યારેક બમણું કામ કરવું પડે છે અને તે સમયે તેમની મદદ માટે કોઈ આગળ નથી આવતું. આથી જીવનમાં હંમેશા બીજાની મદદ માટે તૈયાર રહેવું જોઈએ અને કામચોરીથી બચવું જોઈએ. બીજાની મદદ કરવાથી એક પ્રકારનો સુખદ અનુભવ થતો હોય છે અને તેનું ફળ પણ અવશ્ય મળે છે.

વડીલોના અનુભવને માન આપો
એક જાતક કથા છે જે આપણને એક જીવનની મહત્વની બાબત અને દૃષ્ટિથી પરિચિત કરાવે છે. એક સ્થળે બે કરચલા રહેતા હતા, એક માતા અને એક દીકરો. માતા કાયમ પોતાના અનુભવોના આધારે તેના દીકરાને શીખામણ આપતી અને દીકરો પણ તેને આત્મીયતાથી ગ્રહણ કરતો. પરંતુ ધીરે ધીરે બાળ કરચલાને લાગ્યું કે તે હવે મોટો થઈ ગયો છે અને તે પણ માતાને શીખામણ આપી શકે છે. એક વખતની વાત છે, વાતાવરણ ત્યારે ખુશનુમા હતું. દીકરાને ઇચ્છા થઈ કે બહાર ફરવા માટે જઈએ. તેની માતા પણ તેના માટે તૈયાર થઈ ગઈ. બંને ઘરેથી ફરવા માટે નીકળ્યાં. તેમનું ઘર નદીની ખીણમાં હતું, તેણે જોયું કે તેની માતા એક લાઈનમાં નથી ચાલતી, તેથી તે બોલ્યો કે મા તમે યોગ્ય રીતે નથી ચાલતાં. એકદમ સીધાં ચાલો. આમતેમ લથડાતાં ન ચાલશો. તમારે તમારાં શરીરને એકદમ સીધા ચાલવાની આદત પાડવી જોઈએ. અનુભવહીન દીકરાની વાત માતાને યોગ્ય ન લાગી, તે જાણતી હતી કે કરચલાના શરીરની બનાવટ જ એવી છે કે તે સીધો ન ચાલી શકે. હકીકતમાં તો તેમના પગ અલગ અલગ હોય છે અને તેથી તે સીધા ચાલી શકતા નથી. તેથી માતાએ દીકરાને કહ્યું કે બેટા મને તો સીધા ચાલતાં નથી આવડતું. તુ જ મને સીધા ચાલતા શીખવ. બાળ કરચલાએ સીધા ચાલવાના અનેક પ્રયત્નો કર્યા પણ તે ચાલી જ ન શક્યો. તેને તેની માતાની વાત સમજાઈ ગઈ અને તેની માતાના અનુભવને વંદન કરી તેને અનુસરવાનું પ્રણ લીધું.