કલ્લુનો કૂતરો

    ૧૬-જૂન-૨૦૧૭

ફ્રાન્સની સુપ્રસિદ્ધ વાર્તા

એક હતો છોકરો. નામ હતું એનું કલ્લુ. એ કાળો કલેડા જેવો હતો. એનું તન જેટલું કાળું હતું એનાથી એનું મન વધારે કાળું હતું.
શેતાનીમાં પણ એ શેતાનોથી આગળ વધી જાય એવો હતો. એ ચકલીઓના માળા ફેંકી દેતો. પતંગિયાને પગે દોરી બાંધીને તેમને ઉડાડતો, અને ઊડતાં કબૂતરોને ગુલેલ વડે મારી નીચે પાડવાં, એ તો એને માટે રમત વાત હતી.
કલ્લુએ એક કૂતરો પાળેલો હતો. નામ હતું એનું બલ્લુ. એ પણ કાળો અને લાંબા-લાંબા વિખરાયેલા વાળવાળો હતો. કલ્લુ એને કદી પેટ ભરીને ખાવાનું આપતો ન હતો અને કોઈ વાર નવડાવતો પણ ન હતો. જ્યારે ને ત્યારે એ તેને માર્યા કરતો હતો.
એક દિવસે કલ્લુ સરોવરમાં મગ્ન થઈને ‘તરતી-રકાબી’ની રમત રમી રહ્યો હતો. ઠીકરાના સપાટ ટુકડાને એ પાણી ઉપર ફેંકતો હતો. ઠીકરું સરરર કરતું તરતું-તરતું આગળ જતું હતું. એ જોઈને તે ખુશખુશાલ થઈ જતો હતો.
પરંતુ કોઈ-કોઈ વાર ‘હસવું’નું ‘ખસવું’ થઈ જતું હોય છે. રમતમાં લીન થયેલા કલ્લુનો પગ એકાએક લપસી ગયો. ધમ્મ દઈને એ પડ્યો અને પાણીમાં ડૂબકીઓ ખાવા લાગ્યો.
બલ્લુ નજીકમાં જ બેઠો હતો અને શરીર પર બેસતી નાખીઓને પૂંછડી હલાવીને ઉડાડી રહ્યો હતો. તેણે તરત જ પાણીમાં છલાંગ મારી અને કલ્લુના પહેરણનો કોલર પોતાના દાંતોથી પકડી લીધો. પછી તે કલ્લુને ખેંચીને બહાર લઈ આવ્યો.
આમ છતાં કલ્લુમાં અક્કલ ન આવી. તે ઊભો થયો, અને તેણે જરાય દયા રાખ્યા વગર બલ્લુને ત્રણ-ચાર લાતો ચોડી દીધી. હજુ તેને સંતોષ થયો નહીં, એટલે તેણે બલ્લુને ધક્કો મારીને સરોવરના પાણીમાં ફેંકી દીધો.
બલ્લુ તરતો-તરતો સામેના કિનારે ગયો. ત્યાં એક ભૂખ્યું વરુ સંતાઈને બેઠું હતું. તેણે દાંત બતાવીને કહ્યું : ‘બલ્લુભાઈ ! તેં કલ્લુનો જીવ બચાવ્યો, છતાં એણે તારી સાથે કેવું ખરાબ વર્તન કર્યંુ ? હું એ બદમાશને કાચો ને કાચો ખાઈ જઈશ !’
પછી એ ભૂખ્યું વરું બલ્લુનો કોઈ જવાબ સાંભળ્યા વગર જ ઝડપથી કલ્લુ તરફ દોડ્યું. બલ્લુએ વરુની પાછળ પડીને તેને વધારે ઝડપથી દોડાવ્યું. થોડી જ વારમાં બલ્લુ વરુને પહોંચી ગયો અને પોતાના અણીદાર દાંત વરુના પાછલા પગમાં ઘુસાડી દીધા. ભૂખ્યું વરુ ગભરાઈને ભાગી ગયું.
કલ્લુ એક વૃક્ષની પાછળ છુપાઈને આ બધું જોઈ રહ્યો હતો. તેણે બૂમ પાડી : ‘બલ્લુ ! ઓ બલ્લુ !’
તરત જ બલ્લુ ‘ભોં-ભોં’ કરતો કલ્લુની પાસે આવીને પૂંછડી પટપટાવવા લાગ્યો. એને જોતાં જ કલ્લુ દુષ્ટ બની ગયો. ઝાડની એક પાતળી ડાળી લાવીને તે બલ્લુને ફટાફટ મારવા લાગ્યો.
બિચારો બલ્લુ ‘ઊંહ-ઊંહ’ કરતો ઘર તરફ ભાગવા લાગ્યો. એની પાછળ-પાછળ કલ્લુ પણ દોડ્યો. રસ્તામાં કલમી આંબાની વાડી આવી. પાકી કેરીઓની મીઠી-મીઠી સુગંધથી કલ્લુનું મન લલચાઈ ગયું. તે વાડીમાં ગયો. બલ્લુ પણ તેની પાછળ-પાછળ ગયો.
આ વાડી એક શાહુકારની હતી. તે ભારે ઝઘડાખોર હતો. વાત-વાતમાં તે ગોળીબાર કરી દેતો હતો. પાડોશીઓ એનાથી બહુ ડરતા હતા. અભાગી કલ્લુ આંબા ઉપર ચડ્યો,
એ જ વખતે શાહુકારે બંદૂકની નળી કલ્લુ તરફ તાકી હવામાં એક ગોળી છોડી. કલ્લુને પરસેવો છૂટી ગયો. હડબડાટમાં તે જમીન પર આવીને પટકાયો. તેણે હિંમત ભેગી કરીને બૂમ પાડી : ‘બલ્લુ ! બલ્લુ !!’
કલ્લુનો અવાજ સાંભળતાં જ બલ્લુ દોડતો આવી ગયો. એને જોતાં જ શાહુકારનું ધ્યાન એ તરફ ગયું. એ તકનો લાભ લઈને, કલ્લુ જીવ લઈને નાઠો. એ જોઈ શાહુકારના મગજનો પારો આસમાને ચડી ગયો.
‘સનન....’ કરતી તેણે એક ગોળી છોડી. એ જ વખતે બલ્લુ કૂદકો મારીને કલ્લુની વચમાં આવી ગયો. ગોળી બલ્લુના શરીરમાં ઘૂસી ગઈ અને તે સદાને માટે ઢળી પડ્યો. એ દરમિયાન કલ્લુ ભાગીને ઘર ભેગો થઈ ગયો હતો.
એક કૂતરાની આવી વફાદારી જોઈને, નિર્દય શાહુકારની આંખોમાંથી પણ ખર-ખર કરતાં આંસુ વહેવા લાગ્યાં.