કઠિયારો અને જળદેવતા

    ૧૬-જૂન-૨૦૧૭

 

ગ્રીસની સુપ્રસિદ્ધ વાર્તા

એક હતો કઠિયારો. જંગલનાં લાકડાં કાપીને પોતાનું ગુજરાન ચલાવે. એકવાર તે જંગલમાં લાકડાં કાપવા ગયો. નદીકિનારે એક ઝાડ ઉપર તે લાકડાં કાપવા ચઢ્યો. થોડાંક લાકડાં કાપ્યાં હશે ત્યાં તેની કુહાડી હાથમાંથી છટકી ગઈ. સીધી જઈને પડી નદીના પાણીમાં. નદીનું પાણી ઊંડું હતું. કઠિયારો તેમાં જઈ શકે તેમ નહોતો. તેની રોજીરોટીનું એકમાત્ર સાધન કુહાડી નદીમાં પડી જવાથી તે ખૂબ દુ:ખી થયો. તે વિચારવા લાગ્યો, ‘કુહાડી તો મારી જીવનદોરી છે. હવે હું મારા ઘરનાં લોકોનું ભરણપોષણ કેવી રીતે કરીશ ?’
તેણે બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, ગમે તેમ કરીને મારી કુહાડી મને પાછી અપાવી દે.
કઠિયારાની પ્રાર્થના સાંભળી જલદેવતા પ્રસન્ન થયા. તે પાણીમાંથી બહાર આવ્યા. તેમના હાથમાં કઠિયારાની કુહાડી હતી, પરંતુ તે સાવ સોનાની હતી.
જલદેવતાએ પૂછ્યું, ‘શું આ તારી જ કુહાડી છે ?’
કઠિયારાએ કહ્યું ‘ના, ભગવાન, આ કુહાડી મારી નથી.’
જલદેવતા નદીના પાણીમાં અદૃશ્ય થઈ ગયા. થોડીવાર પછી તે બીજી કુહાડી લઈને આવ્યા. આ કુહાડી ચાંદીની હતી.
તેમણે પૂછ્યું, ‘લે, આ તારી કુહાડી રાખી લે.’
કઠિયારે કહ્યું, ‘ના, મહારાજ, આ મારી કુહાડી નથી.’
જલદેવતા ફરીથી પાણીમાં અદૃશ્ય થઈ ગયા. થોડીવાર પછી તેઓ બીજી કુહાડી લઈને આવ્યા. આ કુહાડી લોખંડની હતી, જે કઠિયારો વાપરતો હતો.
તેમણે કઠિયારાને પૂછ્યું, ‘લે, આ તારી કુહાડી રાખી લે.’
કઠિયારો પોતાની કુહાડી જોઈ રાજી થયો. તેણે તે પોતાની પાસે રાખી લીધી.
કઠિયારાની પરીક્ષા કરવા જ જલદેવતા સોના-ચાંદીની કુહાડી લઈને આવ્યા હતા. કઠિયારો તેમની કસોટીમાંથી પાર ઊતર્યો એટલે જલદેવતાએ પ્રસન્ન થઈ તેને અઢળક સોના-મહોરો આપી. સાથે સોના અને ચાંદીની કુહાડી પણ ભેટમાં આપી.
કઠિયારાના આનંદનો કોઈ પાર રહ્યો નથી. તેણે ગામમાં આવીને આ વાત સહુને કરી. તેની વાત સાંભળીને ગામના લોકોને નવાઈ લાગી. એમાંથી એક માણસને થયું. મારે પણ જલદેવતાનો લાભ લેવો જોઈએ. તે જંગલમાં ગયો જે ઝાડ નીચે જલદેવતા પ્રસન્ન થયા હતા. તે ઝાડ પર જઈને તે કુહાડીથી લાકડાં કાપવા લાગ્યો. થોડીવાર થઈ એટલે તેણે જાણી જોઈને પોતાની કુહાડી નદીના પાણીમાં ફેંકી દીધી અને જોર જોરથી જલદેવતાને વિનંતી કરવા લાગ્યો. જલદેવતા નદીમાંથી બહાર આવ્યા. તેમના હાથમાં સોનાની કુહાડી હતી.
તેમણે કઠિયારાને કહ્યું, ‘શું આ તારી જ કુહાડી છે ?’ પેલો લોભી કઠિયારો કહેવા લાગ્યો, ‘હા...હા... ભગવાન આ મારી જ કુહાડી છે.’
તેણે સોનાની કુહાડી લેવા માટે જલદેવતા તરફ હાથ લાંબો કર્યો. જલદેવતા લોભી અને ધૂર્ત કઠિયારાની દાનતને પારખી ગયા. તરત જ તે સોનાની કુહાડી સાથે અદૃશ્ય થઈ ગયા. પેલો બનાવટી કઠિયારો ફાટી આંખે જોતો જ રહી ગયો. તેણે સોનાની કુહાડીની લાલચમાં પોતાની પાસેની કુહાડી પણ ખોઈ.