બાળકોમાં શ્રેષ્ઠ સાહિત્યનું સિંચન કરી શ્રેષ્ઠ ભારતનું સર્જન કરીએ !

    ૧૬-જૂન-૨૦૧૭


રવિવારનાં દિવસે નોકરી જઈ રહેલાં પિતાને પાંચ વર્ષના પુત્રએ પોતાનો ગલ્લો તોડી પાંચસો રૂપિયા આપતાં કહ્યું, ‘પપ્પા, તમને રવિવારે નોકરી કરવાનાં જે પૈસા મળે છે. તે આ લઈ લો ! પણ તમે ઘરે રહી મારી સાથે રમો !’

પિતાની આંખો ભીની થઈ ગઈ. આ પ્રસંગે સૂચવે છે કે, બાળકના ઘડતર માટે શિક્ષણ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે બાળક સાથે સમય વિતાવવો, તેની સાથે રમવું, એને ગમે તેવી વાર્તાઓ કહેવી, તેને ગમે તેવી પ્રવૃતિઓ સાથે તેનામાં સંસ્કારોનું સિંચન કરવું.
મજાનું વેકેશન પૂરું થયું અને બાળકોની શાળાઓ શરૂ થઈ ગઈ છે. નવા યુનિફોર્મ, નવાં પુસ્તકો, નવો ક્લાસ, નવો કંપાસ અને શિક્ષકો પણ નવા. જૂની ડાળી પર નવું ફૂલ બેસે એમ જ બાળકો એ જ શાળામાં નવા ક્લાસમાં બેસશે. વાલીઓએ પણ બાળક જેમ જ દોડધામ કરી મૂકી હશે. સ્કૂલનું એડ્મિશન, ટ્યૂશન, સ્કૂલ ફી, વાન કે રિક્ષા જેવી અનેક બાબતોમાં વાલીઓ મસ્ત અને વ્યસ્ત રહેતાં હશે, પણ વાલીઓની દોડધામ અને ચિંતા માત્ર શાળા, ટ્યૂશન, શિક્ષણ પૂરતી જ સિમિત ન રહે તે જરૂરી છે. શિક્ષણ સાથે મા-બાપની હૂંફ, અન્ય જ્ઞાન પણ જરૂરી છે. તેમાં એક છે શ્રેષ્ઠ સાહિત્યનું વાંચન. શિક્ષણથી જેટલો વિકાસ થાય છે એટલો જ વિકાસ થાય છે સાહિત્યથી. સાહિત્યનું વાંચન બાળકના મનની ક્ષિતિજોને વિસ્તારે છે. બાળકની સમજનું ઘડતર કરે. સાહિત્ય, વાર્તાઓ, કવિતાઓ દ્વારા કલ્પનાશક્તિ વધે છે. વૈચારિક સક્ષમતા તેજ બને, બુદ્ધિમતાનો વધારો થાય. તેથી બાળકને વિકાસના શિખરે પહોંચતાં કોઈ જ ના રોકી શકે ! આજના જમાનામાં બુદ્ધિશાળી માણસ દુનિયાની કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે.
સાહિત્ય દ્વારા બાળકોનો વિકાસ કરવાની પરંપરા છેલ્લાં ઘણાં વરસોથી ‘સાધના’ નિભાવી રહ્યું છે. ભૂતકાળમાં ‘મોટા જ્યારે નાના હતાં.’ વિશેષાંક પ્રકાશિત કરી મહાનુભાવોના બાળપણની વાત પીરસી ‘સાધના’એ બાળકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ પછી ભારતીય પરંપરાગત દાદીમાની જુની વાર્તાઓથી બાળકોને વધાવ્યાં. તો ક્યારેક શ્રી ગણેશ, શ્રીકૃષ્ણ અને શ્રી રામ જેવાં પૌરાણિક પાત્રોનો પરિચય કરાવ્યો.
આ વર્ષે ‘સાધના’ એ જ પરંપરા પર આગળ વધી ‘બાળ વિશેષાંક’ પ્રકાશિત કરી રહ્યું છે. બાળઘડતરના એક આવશ્યક આયામને અનુરૂપ આ વિશેષાંકનું સર્જન થયું છે. ‘નહીં માપ નીચુ નિશાન’ એ કહેવત અનુસાર આ વખતે સમગ્ર વિશ્ર્વ પર નજર દોડાવી છે. ભારતીય પરંપરાની વાર્તાઓથી ‘સાધના’ના બાળવાચકો માહિતગાર છે જ પણ આ વખતે તેમને સમગ્ર વિશ્ર્વમાં ડોકિયું કરાવવાના આશયે વિશ્ર્વ સાહિત્યની ઉત્તમ બાળવાર્તાઓ આ અંકમાં પ્રકાશિત કરી છે.
યુનાનની શ્રેષ્ઠ વાર્તા લોભી રાજા, અરબસ્તાનીની પ્રસિદ્ધ વાર્તા સિંદબાદની સફર, ઇંગ્લેન્ડના લેખક જોનાથન સ્વિફ્ટની ઉત્તમ કૃતિ ગુલીવરની યાત્રાઓ, રશિયાની સુપ્રસિદ્ધ વાર્તા દડો ઉપરાંત જાપાન, ફ્રાન્સ, જર્મની, ઈરાન, ડેન્માર્ક જેવા વિશ્ર્વના જુદા જુદા દેશની ઉત્તમ સાહિત્યિક બાળકથાઓ આ અંકમાં પ્રકાશિત કરી છે. આ વાર્તાઓ રોમાંચ સાથે સમજ આપનારી છે. બાળકની કલ્પનાશક્તિને વિકસાવનારી અને સંસ્કાર આપનારી છે. વિશ્ર્વની શ્રેષ્ઠ વાર્તાઓ ઉપરાંત હિતોપદેશ, કથાસરિત્સાગર, પંચતંત્ર, જાતકકથાઓની શ્રેષ્ઠ ભારતીય વાર્તાઓ પણ સમાવિષ્ટ કરી છે.
આ વિશેષાંકનું પ્રકાશન બાળકોના પથને જ‚ર પ્રકાશિત કરશે તેવી આશા અને શુભેચ્છાઓ. વાલીઓ આવા સાહિત્યનું વાંચન કરી બાળકોને સંભળાવે, વાંચીને જીવનમાં ઉતારવા આગ્રહ કરે તેવો આગ્રહ રાખું છું. બાળકો કાચી માટીના હોય છે, એને કેવો ઘાટ આપવો એ મા-બાપના હાથમાં હોય છે. જે રીતે કુંભાર ચાકડો ફેરવીને માટલા ઘડે છે એમ મા-બાપ જીવનના ચાકડાં પર બાળકનું ઘડતર કરતાં હોય છે. બાળક‚પી કાચી માટીને એવો ઘાટ આપીએ કે એ ગંગાઘાટ બની રહે. આજના બાળકનો વિકાસ એટલે આપણા આવતીકાલના ભારતનો વિકાસ. ચાલો આપણે સૌ બાળકો થકી શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ.