લોભી રાજા મિડાસ

    ૧૬-જૂન-૨૦૧૭


યુનાનની સુપ્રસિદ્ધ લોકકથા

પ્રાચીન સમયની વાત છે.
યુનાનમાં એક રાજા થઈ ગયો. તેનું નામ મિડાસ. આ મિડાસ લોભી અને લાલચુ હતો. તેને સોનું ભેગું કરવાનો જબરો મોહ હતો. તેના ખજાનામાં એક ઓરડો ભરીને સોનાની ઈંટો હતી, પરંતુ તેને એટલા સોનાથી પણ સંતોષ નહોતો. તે દરરોજ આ ઓરડામાં જતો, સોનાની ઈંટો જોતો અને પ્રાર્થના કરતો : ‘હે ભગવાન ! મારી ઇચ્છા પૂરી કરો.’
એક દિવસે ઓરડામાં મિડાસ પ્રાર્થના કરતો હતો એ વખતે એક દેવદૂત આવ્યો. તેણે કહ્યું : ‘મિડાસ, તમારી પાસે તો ખૂબ સોનું છે. તમે ધનવાન રાજા છો. હું ભગવાનનો દૂત છું. તમારી ઇચ્છા પૂરી કરવા માટે મને ભગવાને મોકલ્યો છે. બોલો, તમારી શી ઇચ્છા છે ?’
મિડાસને બે જ વસ્તુઓ પર અત્યંત પ્રેમ હતો. એક પોતાની નાની પુત્રી અને બીજું સોનું. તેણે હાથ જોડીને દેવદૂતને કહ્યું : "મારે પુષ્કળ સોનું જોઈએ છે. તમે મને એવું વરદાન આપો કે હું મારા હાથ વડે જે વસ્તુને સ્પર્શ કરું તે સોનાની થઈ જાય.
દેવદૂતે કહ્યું : ‘તથાસ્તુ. કાલે સૂર્યોદય થયા પછી તમે જે વસ્તુને સ્પર્શ કરશો તે સોનાની થઈ જશે.’
તે રાત્રે રાજાને ઊંઘ ન આવી. સવાર પડવાની અને સૂર્યોદય થવાની તે પ્રતીક્ષા કરવા લાગ્યો. ઝટપટ નાહી-ધોઈને તે તૈયાર થઈ ગયો. પ્રાચીમાં લાલિમા ફૂટી રહી હતી.
રાજાએ સૌથી પહેલાં સુખડના સિંહાસન પર હાથ મૂક્યો અને ચમત્કાર થયો. સિંહાસન સોનાનું થઈને ઝગમગી રહ્યું હતું. રાજા તો આનંદમાં આવી ગયો અને નાચવા-કૂદવા લાગ્યો અને ઈશ્ર્વરનો આભાર માનવા લાગ્યો.
હવે રાજા મિડાસ ઉત્સાહમાં આવી ગયો હતો. તેને જલદી જલદી સોનું બનાવીને તેનો પહાડ બનાવવાની ઇચ્છા થઈ રહી હતી. તે મહેલમાં દોડવા લાગ્યો અને એક પછી એક વસ્તુને સ્પર્શ કરીને તેને સોનાની બનાવવા લાગ્યો. મહેલમાં પલંગ, કબાટ, ટેબલ ખુરશી વગેરે સોનાનાં બની ગયાં એટલે તે દોડતો બગીચામાં ગયો. ત્યાં પાગલની જેમ તે દોડી રહ્યો હતો અને વૃક્ષોને, ફૂલોને, છોડવાઓને, કુંડાંઓને વગેરે જે વસ્તુ દેખાય તેને સ્પર્શ કરી રહ્યો હતો. સ્પર્શથી તે વસ્તુ સોનાની બની જતી હતી એ જોઈને તે ખુશ થઈને બમણા વેગથી આગળ વધતો હતો. બપોર થતાં સુધીમાં તો તેની પાસે સોનાની વસ્તુઓનો પાર ન રહ્યો.
હવે તે થાક્યો હતો, તરસ લાગી હતી અને ભૂખ્યો પણ થયો હતો, એટલે મહેલમાં આવીને તે એક ખુરશી પર બેઠો. હાથનો સ્પર્શ થવાથી તેનાં પહેરેલાં કપડાં પણ સોનાનાં થઈ ગયાં હતાં. તેના ભારથી તેને થોડી પરેશાની થઈ રહી હતી, પણ તેની પાસે અપાર સોનાનો ભંડાર થયો હતો એટલે તે ખુશ હતો.
સેવકે ટેબલ પર રાજાને માટે ખાવાનું મૂકી દીધું. મિષ્ટાન્ન, રોટલી, શાક, દાળ, ભાત વગેરેની મીઠી સુગંધ આવી રહી હતી. રાજા જે જે વસ્તુને સ્પર્શ કરતો હતો તે વસ્તુ સોનાની થઈ જતી હતી. રોટલી સોનાની, ભાત સોનાના, મિષ્ટાન્ન સોનાનું... રાજા ખાય તો શું ખાય ? સોનાનું ખાણું ચાવે કેવી રીતે ? થાકીને તેણે પાણીનો ગ્લાસ ઉઠાવ્યો. તો ગ્લાસ પણ સોનાનો, તેમાંનું પાણી પણ સોનાનું ! ભૂખ્યો-તરસ્યો મિડાસ પરેશાન થઈ ગયો.
ત્યાં તેની નાની પુત્રી આવીને તેના ખોળામાં બેસી ગઈ. વહાલથી રાજાએ તેનો સ્પર્શ કર્યો, તો પુત્રી પણ સોનાની બની ગઈ ! સોનાની મૂર્તિ બોલે પણ કેવી રીતે ?
રાજા રોવા લાગ્યો. હવે તેને સમજાઈ ગયું હતું કે જીવવા માટે એક ગ્લાસ પાણીની જરૂર છે. એક ટુકડો રોટલાની જરૂર છે, જીવતા માણસની જરૂર છે, સોનાની જરૂર નથી. સોનું ખાઈ શકાતું નથી, પી શકાતું નથી, સોનાનો ચળકાટ પેટની આગ ઠારી શકતો નથી.
રાજા મિડાસે ફરીથી પ્રાર્થના કરી : ‘હે ભગવાન ! મારે સોનું જોઈતું નથી. તમારું વરદાન પાછું લઈ લો.’
ફરીથી ભગવાનનો દૂત આવીને ઊભો રહ્યો. સ્મિત કરીને બોલ્યો : ‘હે રાજા મિડાસ, હું ભગવાનનો દૂત છું. તમારી ઇચ્છા પૂરી કરવા માટે મને ભગવાને મોકલ્યો છે, બોલો, તમારી શી ઇચ્છા છે ?’
મિડાસે આ વખતે શું માગ્યું તે તમે જાણો છો, ખરું ને ? તેણે પોતાને મળેલું વરદાન ભગવાનને પાછું આપી દીધું હતું.