સંકલ્પશક્તિનો વિકાસ

    ૧૬-જૂન-૨૦૧૭

બાલ દોસ્તો,
તમારે જે બનવું હશે એ બની જ શકાશે
વ્હાલાં બાળકો, જો તમારામાં સંકલ્પશક્તિ હોય તો તમારા જીવનમાં તમે જે ઇચ્છો તે કરી શકશો. સંકલ્પશક્તિને બળવાન કેવી રીતે બનાવી શકાય ? જો તમે એમ વિચાર કરો કે : ‘મારી ડૉક્ટર થવાની ઇચ્છા છે.’ પણ ફક્ત ઇચ્છા પ્રદર્શિત કરવાથી સફળતા મળતી નથી. સૌ પ્રથમ તમારે ‘ઇચ્છા’ ‘શતવ’ અને ‘સંકલ્પ’ ‘શહહ’ વચ્ચેનો તફાવત સમજવો જ‚રી છે. ‘મારી ડૉક્ટર બનવાની ઇચ્છા છે’ અને ‘હું ડૉક્ટર બનીશ જ.’ આ બે વાક્યોમાં ઘણો મોટો તફાવત છે. ‘ઇચ્છા’ને બદલે ‘સંકલ્પ’ મૂકો અને તમે તમારા ડૉક્ટર બનવાના પથ પર ચઢી જશો.
‘હું ડૉક્ટર બનીશ જ’ આ પ્રકારનાં સૂચનોનો ત્રણ મહિના અભ્યાસ કરો. તમને આંતરિક શક્તિ મળશે. જે વસ્તુઓ મુશ્કેલ લાગતી હતી તે સહેલી લાગશે. તમારું મન સ્વસ્થ બનશે. જે ચિંતા થતી હતી તેની અસર ઓછી થશે. તમે આશ્ર્ચર્યચકિત થઈ જાઓ તેટલું પુષ્કળ કામ સરળતાથી થાક્યા વગર કરી શકશો. તમારી ચાલ આકર્ષક બનશે. તમારી વાણી શક્તિશાળી બનશે. તમે બદલાયેલી વ્યક્તિ બની જશો. તમારા ચહેરા પર તેજ આવશે અને સ્મિતમાં મોહકતા આવશે. તમે બીજા પર અસર પાડી શકશો. તમે શાંતિ અને આનંદનો અનુભવ કરશો.
આપણા બધામાં આ સંકલ્પશક્તિને વાપરવાની ઓછીવત્તી ક્ષમતા હોય છે. જે લોકો તેને ખૂબ અસરકારક રીતે અને ચોક્કસ સફળતા મળે તે રીતે વાપરી શકે છે તેઓ પ્રબળ સંકલ્પશાળી કહેવાય છે અને જે લોકો ઓછા પ્રમાણમાં વાપરી શકે છે તે નિર્બળ સંકલ્પવાળા કહેવાય છે.
તો પછી કેટલાકની સંકલ્પશક્તિ બળવાન હોય અને કેટલાકની નિર્બળ હોય એવું કેમ બને ? આનો જવાબ વ્યક્તિની ઇચ્છાઓની સંખ્યા પર આધાર રાખે છે. જ્યારે આપણી ઇચ્છાઓ મોટી સંખ્યામાં હોય છે ત્યારે આપણો સંકલ્પ નિર્બળ બને છે. જો આપણી ઇચ્છાઓ ઓછી હોય તો આપણો સંકલ્પ બળવાન બને છે. આવું કેમ બને છે તે જોઈએ.
સંકલ્પશક્તિ એ ઈશ્ર્વરીય શક્તિ છે. એની શક્તિ અસીમિત અને અનંત છે. પણ આપણે તેનો ઉપયોગ આપણા પોતાની વૈયક્તિક, સીમિત અને સ્વાર્થી કામનાઓ માટે જ કરીએ છીએ, તેથી તે નિર્બળ બને છે. જ્યારે સંકલ્પ શુદ્ધ અને બળવાન હોય છે ત્યારે તે આશ્ર્ચર્યજનક કાર્ય કરી શકે છે. પ્રબળ સંકલ્પવાળા મનુષ્ય માટે કંઈ પણ કરવું અશક્ય નથી. આ સંસારમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી વસ્તુઓ ત્યાગવી પડે છે. સંકલ્પને બળવાન બનાવવા માટે ઘણી ઇચ્છા છોડવી પડે છે. ઘણી સુખસગવડોનો ત્યાગ કરી લાંબા સમય માટે કામ કરવું પડે છે. આમ કરવાથી કેન્દ્રસ્થ મહત્ત્વાકાંક્ષા વધુ ને વધુ તીવ્ર બને છે અને આગળ વધતાં તે સફળતાને વરે છે.
સંકલ્પના યોગ્ય વિકાસ માટે આપણી ઇચ્છાઓ ઘટાડવી જોઈએ -
‘જેમ ઇચ્છાઓ ઓછી, તેમ સંકલ્પ વધુ પ્રબળ’- આ સૂત્રને સતત યાદ રાખી તેને ફરી ફરીને જેટલી બને તેટલી વખત મનમાં બોલો. આ સૂત્ર પ્રબળ સંકલ્પબળના વિકાસ માટે ચાવીરૂપ છે.
સંકલ્પશક્તિના વિકાસ માટે સવારે વહેલા ઊઠો અને તમને અનુકૂળ હોય તેવા આસનમાં બેસો. સવારના આ સમયે મન ખૂબ મૃદુ અને શાંત હોય છે. મનને તાલીમ આપી આપણી ઇચ્છા પ્રમાણે કેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે. વહેલી સવારના આ મૂલ્યવાન કલાકો દરમિયાન આપણે મનને શક્તિશાળી નિશ્ર્ચયાત્મક કથનોથી ભરી દઈ શકીએ છીએ અને તેની મન ઉપર ઊંડી અસર થશે.