સસલાની ચતુરાઈ

    ૧૬-જૂન-૨૦૧૭


કથાસરિત્સાગરની સુપ્રસિદ્ધ વાર્તા

એક હતું જંગલ. એમાં એક મોટું તળાવ હતું. તળાવનું નામ હતું ચંદ્રસર. તેના કિનારે સસલાંઓનો મોટો સમૂહ રહેતો હતો. સસલાંના રાજાનું નામ હતું શીલમુખ. બધાં સસલાંઓ આનંદથી હળીમળીને પોતાના દિવસો વીતાવતાં હતાં. પરંતુ એક વરસ વરસાદ આવ્યો નહીં. દુકાળના દિવસો શરૂ થયા. તળાવનું પાણી પણ સુકાવા લાગ્યું. તળાવથી થોડે દૂર જંગલમાં હાથીઓનો રાજા ચતુર્દન તેના મોટા પરિવાર સાથે રહેતો હતો. હાથીઓને ખૂબ તરસ લાગી એટલે તેઓ પાણીની શોધમાં ચંદ્રસર તળાવમાં આવી પહોંચ્યા. તળાવમાં થોડું પાણી જોઈને હાથીઓ આનંદમાં આવી નાચવા લાગ્યા. હાથીઓના પગ નીચે કેટલાંયે સસલાં ચગદાઈને મરી ગયાં.
આ જોઈને સસલાનો રાજા શીલમુક્ત ખૂબ દુ:ખી થયો. તેણે બધાં સસલાંને ભેગાં કર્યાં અને કહ્યું : ‘આ હાથીઓને તળાવના પાણીની ખબર પડી ગઈ છે. તેઓ હવે રોજ અહીં પાણી પીવા આવશે અને કેટલાંયે સસલાં તેના પગ તળે કચડાઈ જશે. આપણે એવી કંઈક યુક્તિ કરવી જોઈએ કે હાથીઓ અહીં આવે જ નહીં.’ આ સભામાં વિજય નામનું એક ચતુર સસલું હતું. મુસીબત વખતે તે જ હંમેશાં કામમાં આવતું. આથી રાજાએ તેને કહ્યું, વિજય, તું હાથીઓના રાજા પાસે જા અને તેમને એવી વાત કર કે તેઓ અહીં પાણી પીવા આવવાનો વિચાર છોડી દે. તું જ આ કામ સારી રીતે કરી શકે એમ છે. જ્યારે જ્યારે પણ આફત આવી છે ત્યારે તેં જ સૌને બચાવ્યાં છે. તું આ કામનું બીડું ઉઠાવીશ તો જરૂર સફળતા મળશે.
રાજાના મોઢેથી આવાં વખાણ સાંભળી વિજય સસલું પ્રસન્ન થયું. રાજાની વિનંતીને માન આપી તે હાથીઓના રાજાને મળવા સંમત થયું. તે હાથીઓના ઝુંડ તરફ જવા લાગ્યું. દૂરથી તેણે જોયું તો હાથીઓનું મોટું ટોળું સામેથી આવી રહ્યું હતું. વિજય સસલું હાથીઓને જોઈ પર્વતના શિખર પર ચઢી ગયું અને ત્યાંથી જ હાથીઓના રાજાને સંબોધીને કહેવા લાગ્યું, હે હાથીઓના રાજા, મારી વાત સાંભળ. હું ભગવાન ચંદ્રદેવનો દૂત છું. તેમણે જ મને તમારી પાસે મોકલ્યો છે. તેમણે કહ્યું છે કે આ ચંદ્રસર તળાવ મોટું છે. હું તેમાં રહું છું. તેની ચારે બાજુ રહેતાં સસલાં મારાં સેવકો છે. હું તેમનો માલિક છું. તેં મારા અનેક સેવકોને મારી નાખ્યા છે અને મારા તળાવને પણ ગંદું કરી નાખ્યું છે.
હાથીઓનો રાજા આ સાંભળીને ડરી ગયો. તેણે પૂછ્યું, ‘હે, ચંદ્રના દૂત, શું ખરેખર ચંદ્રદેવ મારાથી નારાજ છે ? સસલાએ ગંભીર થઈને કહ્યું, ‘હા, નારાજ તો બહુ છે, પરંતુ અમારી પ્રાર્થના સાંભળીને આ વખતે તેમણે તને માફ કરી દીધો છે અને કહ્યું છે કે બીજીવાર આવી ભૂલ થશે તો તેનો ભયંકર દંડ ચૂકવવા તૈયાર રહેવું પડશે.’
આ સાંભળી હાથીના રાજાએ બે પગ ઊંચા કરીને કહ્યું, ‘ભગવાન ચંદ્રદેવ અમારા પૂજનીય દેવતા છે. હું તેમની આજ્ઞાનું પાલન કરીશ. અમારા હાથીઓ તળાવ તરફ ક્યારેય નહીં ફરકે.’
વિજય સસલું પર્વતની ટોચ પરથી નીચે ઊતર્યું અને કહ્યું, ‘ચાલો, હું તમને તમારા ચંદ્રદેવનાં દર્શન કરાવી દઉં છું. તમે જાતે તેની સમક્ષ માફી માંગી લેજો.’
આમ કહીને સસલું હાથીરાજાને તળાવ પાસે લઈ ગયું. તળાવમાં ચંદ્રમાના પડછાયો પડતો હતો. તેને બતાવીને કહ્યું, ‘આ છે ચંદ્ર મહારાજ.’
હાથીઓના રાજાએ બે પગ ઊંચા કરી ચંદ્રદેવને પ્રણામ કર્યાં અને તેમની માફી માંગી. એ પછી ક્યારેય તે તળાવની પાળે ફરક્યા નહીં.
સસલાંના રાજાએ વિજય સસલાનું સન્માન કર્યું અને તેની ચતુરાઈનાં વખાણ કર્યાં. બધા સસલાં ફરીથી આનંદથી તળાવને કિનારે રહેવા લાગ્યાં.