સિંદબાદની પાંચમી સફર

    ૧૬-જૂન-૨૦૧૭

અરબસ્તાનની સુપ્રસિદ્ધ વાર્તા

મિત્રો, બગદાદમાં મારું જીવન અત્યંત સુખચેનમાં વીતવા માંડ્યું. એવા સુખચેનમાં વીતવા લાગ્યું કે પાછલી સફરોમાં મારા ઉપર પડેલી આપત્તિઓ હું સાવ ભૂલી ગયો. ઘાતકી ઠીંગુજીઓના ટાપુ પર પડેલી આપત્તિઓ પણ ભૂલી ગયો અને છેલ્લે પેલા જંગલી લોકોનો ટાપુમાં દફનખાડામાં પડેલાં દુ:ખો પણ વીસરી ગયો !
ફરી મને મારાં સાહસકર્મો ગમવા માંડ્યાં, ફરી મને દરિયાઈ સફરનું આકર્ષણ થવા લાગ્યું. ફરી મને દરિયો આકર્ષવા લાગ્યો. મારી સફરોમાં મને મળેલી લખલૂટ દોલત મારી નજર સામે તરવરવા લાગી. અજાણ્યા સમુદ્ર અને અજાણી ભોમકા ખૂંદવા માટે મારો મનમોરલો ફરી ડોલી ઊઠ્યો. પછી તો મારું આકર્ષણ એટલું બધુ વધી ગયું કે હું નવી સફર માટેની રીતસરની તૈયારીઓમાં પડી ગયો. પરદેશોમાં ઝટ ખપી જાય તેવો માલ મેં એકઠો કરવા માંડ્યો. પછી એ માલની ગાંસડીઓ સાથે હું બસરા પહોંચી ગયો.
બસરામાં હું એક વાર બંદર પર લટાર મારતો હતો, ત્યારે એક નવું જ બંધાયેલું વહાણ મારી નજરે પડ્યું. વહાણ ખૂબ સરસ હતું, તેના પર મારી નજર પૂરેપૂરી ઠરી. તેના શઢ પણ તદ્દન નવા હતા. દર વખતે ભાડાના વહાણમાં મને ઠીક પડતું નહોતું, એટલે આ વખતે મારું પોતાનું વહાણ ખરીદવા વિચારતો હતો, એટલે મેં આખા વહાણનો સોદો કરી લીધો.
વહાણને ચલાવવા માટે એક અનુભવી કપ્તાન સાથે કસાયેલા ખલાસીઓનો એક કાફલો રોકી લીધો. પછી વહાણમાં મારા ગુલામો અને માલ સૌ પ્રથમ ભરી દીધા.
પહેલેથી જ વહાણનું ભાડું લઈને કેટલાક વેપારીઓને પણ તેમના માલસામાન સાથે મેં આ વહાણમાં સ્થાન આપ્યું.
આ વહાણમાં સફર કરતાં અમે ઊપડ્યા. એક પછી એક ટાપુ વટાવતા અમે આગળ ચાલ્યા. એમ કરતાં અમે એક નિર્જન ટાપુની નજીક આવી પહોંચ્યા.
અમે ઠીક ઠીક દરિયાઈ સફર ખેડી હતી, એટલે અમે જમીનને ઝંખતા હતા. ત્યાં આ ટાપુએ આવી ચડ્યા, એટલે થોડીક વાર વિશ્રાંતિ લેવાના ઇરાદે એ ટાપુ ઉપર અમે ઊતર્યા.
આ ટાપુ ખરેખર સુંદર હતો. એમાં ઘણી જોવા લાયક વસ્તુઓ હતી. પરંતુ એ બધી વસ્તુઓમાં એક નાનાશા ઘુમ્મટના આકારનું એક સ્થાન ખાસ ધ્યાન ખેંચતું હતું.
અમારામાંથી કેટલાક કુતૂહલવૃત્તિથી એ ઘુમટ પાસે જઈ પહોંચ્યા. નજીક ગયા ત્યારે લાગ્યું કે આ ઘુમટ નથી, પરંતુ કંઈક બીજું છે. કદાચ છે ને કોઈ પક્ષીનું ઈંડું હોય એવું લાગ્યું. અમારામાંના કેટલાક ટીખળી હતા.
તેમને ઈંડા પર પથ્થર ફેંકવાની કુમતિ સૂઝી, આથી ઈંડું ફૂટ્યું, અને અંદરથી કોમળ કોમળ બચ્ચાંના ડોકાં બહાર નીકળ્યાં. બચ્ચાંને જોઈ અમુક લોકોની દાઢ સળવળી, એ બચ્ચાંની મિજબાની ઉડાવી જવાનું તેમને મન થયું. તેમણે કેટલાંક બચ્ચાંને બહાર કાઢ્યાં અને તેમને કાચાં ને કાચાં કાપીને ખાઈ ગયા. વહાણમાં આવીને એ લોકોએ પોતાના પરાક્રમની વાત મને કહી.
આ સાંભળી હું તો હેબતાઈ જ ગયો. હું બોલી ઊઠ્યો : ‘અરે, તમે લોકોએ આ શું કર્યું ? હવે આપણું આવી બન્યું સમજો ! બચ્ચાંનાં માતાપિતા આ વાત જ્યારે જાણશે ત્યારે તેઓ રોષે ભરાઈને ચોક્કસ આપણા વહાણનો પીછો પકડશે અને આપણામાંથી કોઈને એ જીવતા નહીં મૂકે !’
હજુ તો આ બોલ મારા મોંમાં જ હતા ત્યાં તો જાણે કોઈ મોટા કાળા વાદળ નીચે સૂરજ છુપાઈ ગયો. અમારી આસપાસની દુનિયા અંધારી થતી ગઈ. જોયું તો રોક પક્ષીઓ ઊંચે આકાશમાં ચડ્યાં હતાં. થોડી વારે એ નીચે ઊતરી ગયાં અને આકાશ ચોખ્ખું થઈ ગયું. એટલે અમે કાંઈક હાશ અનુભવી. અમારું વહાણ અમે ઝપાટાબંધ હંકારવા તાકીદ કરી, પરંતુ થોડી જ વારમાં રોક પક્ષી ફરી આકાશે ચડ્યાં અને અમારી બાજુ આવવા લાગ્યાં ! બરાબર અમારા વહાણ પર આવીને તેમણે અમારા પર એક પછી એક મોટા પથરા ઝીંકવા માંડ્યા. પહેલો પથ્થર પડ્યો, ત્યારે તો અમારા કપ્તાને કુશળતાથી વહાણને ખેસવી દીધું, એથી એ પથ્થર વહાણમાં ન પડતાં, દૂર પાણીમાં જઈને પડ્યો. પરંતુ થોડી જ વારમાં બીજો પથરો આવ્યો અને એ પથરો અમારા માટે ખરેખર ભયંકર પુરવાર થયો. તેણે અમારા વહાણના ચૂરેચૂરા કરી નાખ્યા. અમારું વહાણ અને અમે બધા દરિયાના તળિયે જઈને બેઠા. પાણીની સપાટી પર આવતાં વહાણનું એક પાટિયું મારા હાથમાં આવ્યું. મેં તેને જીવની જેમ પકડી લીધું. હું મારા પગ સતત હલાવવા લાગ્યો. પછી પવન, પાણીનો પ્રવાહ, મારી પોતાની થોડી ઘણી મહેનત અને ખુદાની પૂરેપૂરી રહેમનજરથી એક ટાપુના કિનારે આવી લાગ્યો.
ટાપુના અંદરનાં ભાગમાં હું ગયો. ટાપુ સ્વર્ગના બગીચા જેવો સુંદર હતો. ટાપુનું સમગ્ર વાતાવરણ પ્રસન્ન હતું. વાતાવરણ પંખીઓના મધુર કલવરથી સભર હતું. જ્યાં ત્યાં મને રસાળ ફૂલોનાં ઝાડ નજરે પડતાં. નિર્મળ ઝરણાં પણ રસ્તામાં ઘણાં આવતાં હતાં. સરસ સરસ ફૂલો પણ અહીં જોવા મળતાં હતાં. ફળો ખાઈને તથા પાણી પીને મેં મારું પેટ ભર્યું. રાત પડ્યે હું ઘાસ પર સૂઈ ગયો.
સવારમાં હું વહેલો ઊઠ્યો અને કોઈ એક બગીચા જેવા આ ટાપુના વધુ ઊંડાણના ભાગમાં દાખલ થયો. આ રીતે મેં ઠીક ઠીક ભ્રમણ કર્યું હશે. અંતે એક નાનકડી નદી મારી નજરે પડી. મારા આશ્ર્ચર્ય વચ્ચે મેં જોયું તો નદીના કાંઠે એક વૃદ્ધ માણસ બેઠો હતો. વૃદ્ધ માણસ થાકેલો અને ઉદાસ લાગતો હતો.
મેં ધાર્યું કે આ પણ કોઈ મારા જેવો, વખાનો માર્યો આ ટાપુ પર આવી ચડ્યો હશે. હું તો કાંઈક હરખાઈને તેની પાસે ગયો અને તેને સલામ કરી. તેણે મને વળતી સલામ ન કરી, પરંતુ ઉદાસ ભાવે સંમતિદર્શક માથું હલાવ્યું. મેં તેને પૂછ્યું : ‘કાકા, તમે આ એકાંત ટાપુમાં કેવી રીતે આવી ચડ્યા ? વાંધો ન હોય તો તમારી આપવીતી મને કહો. મારાથી બનતી બધી મદદ હું તમને કરી છૂટીશ.’
પરંતુ વૃદ્ધે મને વળતો કંઈ જવાબ આપ્યો નહીં. એ તો મને ઇશારાથી સમજાવવા લાગ્યો. ઇશારાનો અર્થ હતો. મને તારા ખભા પર ચડાવ અને એ રીતે આ નદી પાર ઉતાર.
વૃદ્ધને મદદ કરવાના ઇરાદાથી મેં તો તેને મારા ખભે ચડાવ્યો અને એમ ખભે બેસાડીને તેને નદી પાર કરાવવા લાગ્યો. નદી પાર કરીને હું સામે કાંઠે પહોંચી ગયો. પછી એ વૃદ્ધ ઊતરી જાય એટલા માટે હું ઊભો રહ્યો.
પરંતુ આ વૃદ્ધ તો જબરો નીકળ્યો. ઊતરવાના બદલે તેણે તો મારા ગળે બરાબરના પગ ભિડાવ્યા. તેના પગની ચામડીની કાળાશ અને બરછટતા હવે મને માલૂમ પડી. તેના પગની ચામડી ભેંસના જેવી કાળી અને બરછટ હતી. મને થયું કે આ તો કોઈ બલા વળગી કે શું ? એ હિસાબે મેં તેને ઉતારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ જેમ જેમ હું એવા પ્રયત્નો કરતો ગયો તેમ તેમ એ મારા ગળામાં વધુ ને વધુ જોશથી ટાંટિયા ભિડાવતો ગયો. પછી તો એણે મારા ગળે એવા જોશથી ટાંટિયા ભિડાવ્યા કે શ્ર્વાસ લેવાનું પણ મારે માટે મુશ્કેલ બન્યું. મને તો આંખે અંધારાં આવી ગયાં અને મોટી ચિચિયારી સાથે હું બેભાન દશામાં ભોંય પર પડી ગયો.
જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે પણ એ વૃદ્ધ રાક્ષસ મારા પર ચડી બેઠેલો જ હતો ! હા, એટલું ખરું કે તેના ટાંટિયાની પકડ કંઈક હળવી બની હતી, જેથી હું નિરાંતે શ્ર્વાસ લઈ શકતો હતો.
રાતે કે દિવસે તે મારી ખાંધ પર ચડેલો જ રહેતો. વધુ તો શું, પણ હું સૂતો હોઉં ત્યારે પણ તે ઊતરતો નહોતો !
મિત્રો, મારી આવી કઢંગી સ્થિતિ જોઈ ઘડીક મને મારી જાત પર હસવું આવતું, તો ઘડીકમાં રડવું આવતું.
મારી ખાંધ પર ચડેલો આ દુષ્ટ ડોસો સવારે મને પેટમાં લાત મારીને ઉઠાડતો અને પછી તેને જે કામ કરાવવું હોય તે મારી પાસે કરાવતો. ઘડીકમાં ફળના ઝાડ પાસે મારે તેને લઈ જવો પડતો, તો ઘડીકમાં નદીકાંઠે પાણી પાવા મારે તેને લઈ જવો પડતો. હું તેનો કાયમનો ઘોડો હોઉં અને તે મારો કાયમનો અસવાર હોય એવો ઘાટ બન્યો હતો.
હવે તો મારી ખાતરી થઈ ગઈ હતી આ ડોસો કોઈ રાક્ષસ જ હોવો જોઈએ. મને તો એમ થતું કે આ દુષ્ટની આવી ગુલામી વેઠવી એ કરતાં ખુદા મોત આપે તો સારું !
આ અરસામાં એક જુદો બનાવ બની ગયો. અમે લોકો જે જગામાં સૂતા’તા, ત્યાં તુંબડાના વેલા પુષ્કળ હતા. મારી નજીકમાં જ બહુ દહાડાનું એક સૂકું તુંબડું પડેલું હતું. સૂરજનાં તાપમાં સૂકાઈને તે ખખ થઈ ગયું હતું. મેં તે હાથમાં લીધું તો માલૂમ પડ્યું કે તુંબડું અંદરથી સાવ પોલું હતું. તેમાં તે આજુબાજુ ઊગેલી દ્રાક્ષનો રસ, દ્રાક્ષને નિચોવી નિચોવીને ભરવા માંડ્યો. રસ પૂરેપૂરો ભરાઈ રહ્યો, એટલે મેં તેને માટીથી છાંદી દીધું. પછી રસને કહોવડાવા માટે તુંબડાને મેં જમીનમાં દાટી દીધું.
થોડા દિવસ પછી એ દુષ્ટ ડોસાને લઈ ફરી હું આ જ જગાએ આવ્યો. પેલું તુંબડું કાઢ્યું. જોયું તો તેમાં તીવ્ર દા‚ તૈયાર હતો. તેમાંથી મેં થોડોક પીધો. એથી મારામાં ઠીક ઠીક માદકતા આવી અને આનંદમાં હું નાચવા લાગ્યો. દા‚ના નશામાં મારા પર ચડી બેઠેલા ડોસાના વજનનું પણ મને ભાન ન રહ્યું.
મારું જોઈને ડોસાએ પણ મારું આવું અદ્ભુત પીણું પીવાનું મન કર્યું. મારે આટલું જ જોઈતું હતું. મેં તો એ આખું યે તુંબડું તેના હાથમાં મૂકી દીધું. ડોસો તો આખું તુંબડું ગટગટાવી ગયો! પછી તો તેને દારૂનો નશો બરાબર ચડવા લાગ્યો. તેના પગની પકડ ઢીલી થવા લાગી. હવે મેં પણ મારું જોર અજમાવ્યું. એક જોરદાર આંચકો મારીને મેં તેને નીચે પાડી દીધો. એ વખતે તે નશામાં ચકચૂર હતો, પોતાની જાતનું જરાયે ભાન તેને નહોતું. એક મોટો પથરો મેં ઉપાડ્યો. મારામાં હતા તેટલા જોરથી તે પથરો તેના માથામાં મારીને મેં ઘણા સમયની મારી દાઝ કાઢી. પથ્થરની ચોટ તેને સખત લાગી. તેની ખોપરી તૂટી ગઈ. આ રીતે મારા પર ચડી બેઠેલી એ બલાનો મેં અંત આણ્યો. ખુદાતાલા તેના આત્માને શાંતિ આપે !
કાયમની આ બલામાંથી મુક્ત થતાં મારા હૃદયે ખૂબ જ આનંદ અનુભવ્યો. પછી તો એ રમણીય બેટમાં ઘણા દિવસો આનંદમાં પસાર કર્યો. મનમાન્યાં ફળો હું ખાતો અને નિર્મળ ઝરણાનું પાણી પીતો. એક દિવસ હું દરિયાકાંઠે બેઠો બેઠો મારા માદરે વતનની મધુર સ્મૃતિને વાગોળતો હતો. એવામાં એક વહાણ આ ટાપુ ભણી જ આવતું મારી નજરે પડ્યું. મારા હર્ષનું તો પૂછવું જ શું ? સડસડાટ એ વહાણ ટાપુએ આવીને ઊભું રહ્યું. હું પણ એ બાજુ દોડ્યો. વહાણના મુસાફરો પોતપોતાનાં વાસણો મીઠા પાણીથી ભરવા માટે ટાપુ પર ઊતરવા લાગ્યા.
મને જોઈને એ લોકોએ ખૂબ જ કુતૂહલ અનુભવ્યું. તેઓ મને ઘેરી વળ્યા અને મારી બધી કથની પૂછવા લાગ્યા. મારી બધી દુ:ખદ કથની મેં તેમને વર્ણવી બતાવી. મારી સાંભળીને તેઓ બોલી ઊઠ્યા : ‘અરે ભાઈ, ખુદાતાલાની તમારા પર રહેમ પૂરેપૂરી છે, એમ માનો ! બાકી તમે વર્ણવો છો એ ડોસો તો ‘દરિયાદાદા’ તરીકે ખૂબ જ જાણીતો છે. એ દરિયાદાદાના પંજામાં જે ફસાયો તે હજુ સુધી બચ્યો નથી. તેના પંજામાંથી એક તમે જ બચવા પામ્યા !’
એ લોકોએ મારા પર ખૂબ પ્રેમ દાખવ્યો અને કપ્તાન પાસે લઈ ગયા. કપ્તાને પણ મારી વાત ઊંડા રસ અને સહાનુભૂતિથી સાંભળી. મને સારું ખાવાપીવાનું પણ મળ્યું અને સૌથી વધુ તો મારા માનવબંધુઓની સોબત મળી.
અમારા વહાણે પોતાની સફર શરૂ કરી.
કેટલાક દિવસોની સફરને અંતે અમે એક બંદર પર આવી ચડ્યા. આ બંદરનું નામ હતું ‘વાનરનગર’. વાનરોની ખૂબ જ વસ્તી અને ત્રાસ હોવાના કારણે આ બંદરનું એવું નામ પડ્યું હતું.
આ વિચિત્ર નગર જોવા હું ઉત્સુક બન્યો. બીજા મુસાફરોની સાથે હું પણ આ બંદરે ઊતર્યો. પરંતુ બીજા મુસાફરો તો કિનારે કિનારે બધું જોઈને વહાણમાં પાછા વળી ગયા, જ્યારે નગરના અંદરના ભાગને જોવાની લાલચને હું રોકી શક્યો નહીં. સારુંયે નગર જોઈને હું પાછો ફર્યો તો ખબર પડી કે મારું વહાણ તો ક્યારનુંયે ઊપડી ગયું હતું !
નગરના એક વેપારી સાથે મારે ઠીક ઠીક દોસ્તી થઈ ગઈ હતી એટલે એની સાથે હું નગરમાં પાછો ફર્યો અને કંઈક કામધંધો શોધવા લાગ્યો. રસ્તામાં અમને માણસોનું એક ટોળું મળ્યું. બધા જ માણસોના ખભે કોથળા હતા. કોથળામાં નાના નાના પથ્થરો ભરેલા હતા.
આ ટોળાને જોઈ મારા પેલા મિત્ર વેપારીએ મને કહ્યું : ભાઈ ! હું યે તમને એક મોટો કોથળો લાવી દઉં છું. આ લોકોની માફક તમે પણ કોથળામાં નાના નાના પથરા ભરી લો. અને પછી કોથળો ખભે કરી આ લોકોની સાથે જંગલમાં જાવ. એ લોકો કરે તેમ તમે પણ કરજો, એથી તમારા પેટિયા જેટલું મળી રહેશે.
મિત્રે મને કોથળો આપ્યો અને તે વિદાય થયો. તેમની સૂચના પ્રમાણે મેં કોથળામાં પથરા ભરી લીધા અને પેલા લોકોની સાથે ચાલ્યો. જતાં જતાં પેલો મિત્ર વેપારી ટોળાના લોકોને મારી આ પ્રમાણે ભલામણ કરતો ગયો હતો : ‘ભાઈઓ ! આપણા ટાપુમાં આ એક અજાણ્યા ભાઈ છે. તેમનું વહાણ ચાલી જવાથી તેઓ આપણે ત્યાં રખડી પડ્યા છે. તેમને તમારાથી બનતી મદદ કરજો, જેથી તેઓ પોતાનું પેટિયું કાઢી શકે. આ તો એક પરોપકારનું કામ છે. આવા કામનો બદલો ખુદા તમને આપશે.’
અમે ઘણું અંતર કાપી નાખ્યું. અંતે અમે એક વિશાળ ખીણમાં આવી ચડ્યા. તેમાં નાળિયેરીનાં ઝાડ પુષ્કળ પ્રમાણમાં હતાં. નાળિયેરીનાં ઝાડ ખૂબ ઊંચા અને સોટા જેવાં સીધાં હતાં. એટલે તેના પર માણસથી ચડી શકાય એમ તો હતું જ નહીં. નજીક જતાં જોયું તો નાળિયેરીનાં એ ઝાડો પર પણ વાનરો ખૂબ જ મોટી સંખ્યામાં હતા. અમને જોતાં ભોય પર બેઠેલા વાનરો પણ હૂપાહૂપ કરતાં ઝાડ પર ચડી ગયા. નાળિયેરી પર નાળિયેરો પણ સારા પ્રમાણમાં બાઝેલાં હતાં.
મારી સાથેના માણસોએ કોથળામાંથી પથરા કાઢીને પેલા વાનરો પર એક પછી એક ફેંકવા માંડ્યા. તેમનું જોઈ મેં પણ તે પ્રમાણે કરવા માંડ્યું. પથ્થરમારાથી વાનરો ખૂબ જ રોષમાં આવી જતા અને અમારા પર તેઓ નાળિયેર તોડીને તેનો મારો ચલાવતા. આમ નાળિયેર અમને મળી જતાં અને તેમને અમે જાળવીને કોથળામાં ભરી લેતા. સૌના કોથળા નાળિયેરથી ભરાઈ રહ્યા એટલે અમે નગરમાં પાછા ફર્યા. એ નાળિયેર અમે બજારમાં વેચીને તેના પૈસા પેદા કર્યા.
એ દિવસથી દરરોજ હું નાળિયેરીના એ વનમાં જવા લાગ્યો અને આ પ્રમાણે મારો જીવનગુજારો ચલાવવા લાગ્યો.
વતન પાછા ફરવા માટે મારો જીવ તલસી રહ્યો હતો. એટલે પેટે પાટા બાંધીને પણ હું પૈસા ભેગા કરવા લાગ્યો. પૂરતા પૈસાની મારી પાસે બચત થઈ, એટલે મારા મિત્ર વેપારીને મેં વાત કરી. બસરા જતા એક વહાણમાં તેણે મારો બંદોબસ્ત કરી આપ્યો. મારી સાથે મેં નાળિયેરનું ભરેલું એક વહાણ પણ લીધું. ઉપરાંત એ ટાપુની બીજી પણ વખાણવા લાયક અને વેપાર કરવા લાયક વસ્તુઓ વહાણમાં ભરી લીધી.
રસ્તામાં અમારું વહાણ ઘણાં બંદરોએ નાગર્યું. ત્યાં નાળિયેર અને બીજી વસ્તુઓને વેચવાથી મને સારો નફો મળ્યો. એમ કરતાં કરતાં અમે ‘કુમારી’ નામના એક બેટમાં આવી પહોંચ્યા. આ બેટમાં પણ મેં સારો વેપાર કર્યો. અહીંથી મેં મરીમસાલા, સીસમનું લાકડું ઇત્યાદિ ખરીદ્યું. આ ટાપુની નજીકના જ દરિયામાં ઘણાં સારાં અને મૂલ્યવાન મોતી મળી આવે છે. એટલે મેં ખાસ મોતીકઢા રોકીને મોતી કઢાવ્યાં. કીમતી મોતીનો સારો સંગ્રહ કરીને અહીંથી હું આગળ વધ્યો.
પછી ફરતો ફરતો, ઘણા ઘણા દિવસોના અંતે, બસરા બંદરે આવી પહોંચ્યો. આ વખતે બસરામાં હું ખાસ રોકાયો નહીં. સાચાં મોતીના કીમતી ખજાના સાથે હું ઝટ ઘરભેગો થઈ ગયો. બગદાદમાં આવી પહોંચ્યો. આટલા લાંબાગાળે મારું વહાલું વતન-બગદાદ જોતાં મારા અંતરે અવર્ણનીય આનંદ અનુભવ્યો.
મારા મિત્રો અને સગાંવહાલાને કીમતી ભેટોથી નવાજ્યા. દાસ-દાસીઓને પણ રાજી કર્યાં. ગરીબગુરબાં ને ફકીરોને પણ દાન દીધાં. અનાથ બાળકો અને ગરીબ વિધવાઓને પણ કંઈ ને કંઈ આપી રાજી કર્યાં.
આ પ્રમાણે છે મારી પાંચમી સફરની કથા.