તિલકનું સાહસ

    ૧૬-જૂન-૨૦૧૭

બાલગંધાધર તિલકજીના શાળાકીય જીવનનો એક યાદગાર પ્રસંગ છે. એક દિવસ તેમના વર્ગખંડના કોઈ વિદ્યાર્થીએ મગફળી ખાઈ તેનાં ફોતરાં વર્ગખંડમાં જ નાખી દીધાં. તેથી વર્ગખંડ ગંદો થઈ ગયો. જ્યારે તેમના શિક્ષકે આ જોયું તો તમામ બાળકોને શિક્ષા કરવાનું નક્કી કર્યું. શિક્ષક તમામ બાળકોને વારાફરતી ઊભા કરી હાથ પર બબ્બે સોટી ફટકારતા જ્યારે તિલકનો વારો આવ્યો તો તેમણે પોતાના હાથ આગળ કરવાની ના પાડતાં કહ્યું. ‘ગુરુજી, મેં વર્ગખંડ ગંદો કર્યો જ નથી. તો સજા શું કામ ભોગવું ?’ તેમની વાત સાંભળી શિક્ષક ગુસ્સે થઈ ગયા અને આચાર્યને ફરિયાદ કરી અને વાત તિલકના ઘર સુધી પહોંચી. તિલકના પિતા શાળામાં આવ્યા અને આચાર્યને કહ્યું. તિલક પાસે મગફળી ખરીદવાના પૈસા જ ન હતા. તે કેવી રીતે મગફળી ખાવાનો ? મારો દીકરો અન્યાય સામે ક્યારેય નહીં ઝૂકે. બાળમિત્રો, તે દિવસે જો તિલકજી શાળામાં શિક્ષકનો માર ખાઈ લેત તો તેમની અંદરનું સાહસ બાળપણમાં જ દબાઈ જાત.
જો તમારી ભૂલ હોય તો તેનો સ્વીકાર કરો. પરંતુ જે ભૂલ તમે કરી જ નથી તેની સજા ભોગવી લો છો, ત્યારે એવું સાબિત થઈ જાય છે કે, તમે પણ એ ભૂલમાં ભાગીદાર છો અને વારંવાર આમ થવાથી તમારી અન્યાય સામે અવાજ ઉઠાવવાની ક્ષમતા દબાઈ જાય છે.