બે્રમનના રાજગવૈયા

    ૧૬-જૂન-૨૦૧૭


જર્મનીની સુપ્રસિદ્ધ વાર્તા


એક માણસની પાસે એક ગધેડો હતો. તે બોજો ઉપાડતાં ઉપાડતાં ઘરડો થઈ ગયો હતો. તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. હવે તે બોજો ઉપાડવા યોગ્ય રહ્યો નહોતો, તેથી તેના માલિકે તેને ખોરાક ન આપવાનો ફેંસલો કર્યો.
ગધેડાને આ વાતની ખબર પડી ગઈ, એટલે તે ચેતી ગયો અને મનમાં વિચાર્યું : ‘હું બ્રેમન નગરમાં ચાલ્યો જાઉં, તો ત્યાં મને રાજગવૈયો બનવાની તક મળશે.’
આવું વિચારીને તે ચાલ્યો. આગળ જતાં રસ્તામાં તેને એક શિકારી કૂતરો મળ્યો. તે થાક્યો-પાક્યો આડો પડ્યો હતો. મોઢું બગાડીને તેણે કહ્યું : ‘હવે હું બુઢ્ઢો થઈ ગયો છું, તેથી શિકારમાં માલિકને મદદરૂપ થઈ શકતો નથી. માલિક હવે મને મારી નાંખશે, એવી બીકમાં ભાગીને આવ્યો છું. હવે મારું શું થશે ?’
ગધેડાએ કહ્યું : ‘હું રાજગવૈયો બનવા માટે બ્રેમન જઈ રહ્યો છું, એ તું જાણે છે. તારી ઇચ્છા હોય તો તું મારો સાથીદાર બનીને આવી શકે છે. ત્યાં આપણે રાજગવૈયા બનીશું.’
કૂતરો અતિ પ્રસન્ન થઈને તેની સાથે ચાલ્યો.
તેઓ થોડુંક ચાલ્યા ત્યાં તો રસ્તામાં તેમને એક બિલાડી મળી. તે પણ બહુ દુ:ખી દેખાતી હતી.
‘તારે શું દુ:ખ છે, બિલ્લીબહેન ?’
તે બોલી : ‘ઓહ ! હું કેવી રીતે ખુશ રહું ? હું ઘરડી થવા આવી છું અને મારા દાંત ઘસાઈ ગયા છે, તેથી મારી માલિકણ મને પાણીમાં ડુબાડીને મારી નાંખવાનું વિચારે છે, હું ભાગીને તો આવી છું પરંતુ હવે જાઉં ક્યાં ?’
‘ચાલ, અમારી સાથે બ્રેમન આવ !’ ગધેડાએ કહ્યું - ‘ત્યાં તું મારી સાથે રાજગવૈયણ બની શકે છે.’
બિલાડી પણ અતિ પ્રસન્ન થઈને તેની સાથે ચાલી.
તેઓ થોડુંક ચાલ્યાં ત્યાં તેમણે એક ઘરના ફાટક પર એક પાલતું મુરઘો જોયો. તે પોતાની પૂરી તાકાતથી મોટે અવાજે બાંગ પોકારી રહ્યો હતો : ‘કૂકડું... કું ઉઉઉ!’
‘કેમ બૂમો પાડી રહ્યો છે, મુરઘાભાઈ ? શો ઇરાદો છે તારો ?’ ગધેડાએ પૂછ્યું.
મુરઘાએ કહ્યું : ‘મેં આજ સુધી વફાદારીથી મોસમની સૂચના આપ્યા કરી છે. કાલે જમવા માટે મહેમાનો આવવાના છે, તેથી મારી માલિકણે મારો સૂપ બનાવવાનો હુકમ આપી દીધો છે. કોઈ મારી મદદ કરે એટલા માટે હું બાંગ પોકારી રહ્યો છું.’
ગધેડાએ કહ્યું : ‘તું અમારી સાથે બ્રેમન ચાલે તો બચી જઈશ. તારો અવાજ પણ સુરીલો છે, તેથી તું અમારી સાથે તાલ બેસાડી શકીશ.’
તેઓ ચારેયે સાથે મળીને બેમન તરફ પ્રયાણ શરૂ કર્યું.
ચાલતાં ચાલતાં સાંજે તેઓ એક જંગલમાં પહોંચ્યા. અહીં રાત્રે તેમણે આરામ કરવાનો વિચાર કર્યો. કૂતરો અને ગધેડો વૃક્ષની નીચે સૂઈ ગયા. બિલાડી વૃક્ષની ડાળી પર ચઢી ગઈ. મુરઘો ઊડીને વૃક્ષની ટોચ પર જઈને બેઠો. તે ડોક નીચે કરીને પાંખ ફેલાવવા જાય છે, ત્યાં તેણે દૂરની એક બારીમાંથી આવતો પ્રકાશ જોયો. તરત જ તેણે પોતાના સાથીદારોને જગાડી દીધા. પ્રકાશ સ્પષ્ટ દેખાતો હતો, એટલે જગ્યા બહુ દૂર નહોતી. તેઓ બધા પ્રકાશ તરફ ચાલ્યાં. ત્યાં તેઓ આરામથી રાત વિતાવી શકતા હતા. કદાચ ખાવાનું પણ કાંઈક મળી જાય.
તે ડાકુઓનો અડ્ડો હતો. ત્યાં પહોંચીને, સૌથી ઊંચા ગધેડાએ, પોતાના આગળના બે પગ બારી પર ટેકવી દીધા. કૂતરો ગધેડાની પીઠ પર ચડી ગયો. બિલાડી કૂતરાની પીઠ પર ચડી ગઈ, અને મુરઘો ઊડીને બિલાડીના માથા પર બેસી ગયો. પછી બધા બારીમાં ડોકું લંબાવીને ગાવા લાગ્યાં. ગધેડો ભૂંકવા લાગ્યો. કૂતરો ભોં-ભોં કરવા લાગ્યો. બિલાડીએ મ્યાઉં-મ્યાઉં કર્યું અને મુરઘાએ કૂકડું... કૂંઉંઉંઉં કરીને પોકાર કર્યો. પછી બધાએ બારીને ધક્કો મારી, ખોલી નાંખી અને અંદર ઘૂસી ગયાં અને બારી ખટખટાવવા લાગ્યાં. બધાની બૂમોનો અવાજ સાંભળી ડાકુ જાગી ગયા ને ભયથી ચીસો પાડી ઊઠ્યા : ‘ભૂત... ભૂત...!’ અને ડરીને જંગલમાં જતા રહ્યા.
હવે ચારે મિત્રો બેઠા અને મેજ પર સ્વાદિષ્ટ ભોજન વધેલું પડ્યું હતું તે આનંદથી ખાધું. ભૂખ્યાડાંસ હોય તેમ બધાએ ઠાંસી-ઠાંસીને ખાધું. ખાઈ રહ્યા પછી તેમણે પ્રકાશ બંધ કરી દીધો અને દરેકે આરામથી ઊંઘવાની જગ્યા શોધી લીધી. બિલાડી રાખમાં સૂઈ ગઈ. કૂતરો બારણાની પાછળ ઊંઘ્યો. મુરઘો ઊડીને મુરઘીઓના ઘર પર ચડી ગયો, અને ગધેડો કૂડા પર જઈને આળોટવા લાગ્યો. ચાલવાથી બધાં ખૂબ થાકી ગયાં હતાં, તેથી પડતાં વેંત જ બધાને નીંદર આવી ગઈ.
હવે મધરાત થઈ ગઈ હતી. ડાકુઓને દૂરથી જોયું. પ્રકાશ બંધ હતો અને એકદમ શાંતિ હતી. ડાકુઓના સરદારે કહ્યું : ‘આપણે ખોટા ગભરાઈ ગયા. એકદમ ગભરાઈને તરત ભગવાની જરૂર નહોતી !’
પછી તેણે એક ડાકુને તપાસ કરવા માટે મોકલ્યો. ડાકુએ ત્યાં બિલકુલ શાંતિ જોઈ, એટલે તે રસોડામાં બત્તી સળગાવવા માટે ગયો. તેણે બિલાડીની ચમકતી આંખો જોઈ. તે સળગતા અંગારા છે એમ સમજીને, તે લાકડી વડે તેને ફેંદવા ગયો. ત્યાં તો બિલાડીએ ઊછળીને તેના મોં પર બચકું ભરી લીધું.
ગભરાઈને ડાકુ પાછળના દરવાજેથી ભાગવા ગયો ત્યાં દરવાજામાં બેઠેલા કૂતરાએ તેના પગમાં બચકું ભરી લીધું. ત્યાંથી કૂડામાં થઈને તે ભાગવા ગયો, તો ગધેડાએ તેને જોરથી લાત મારી દીધી. અવાજથી મુરઘો પણ જાગી ગયો હતો. તેણે પણ જોશથી બાંગ શ‚ કરી દીધી : ‘કૂકડું.. કૂં! કૂકડું...કૂ...’
ડાકુ પૂરી તાકાતથી ભાગતો ભાગતો સરદારની પાસે પહોંચી ગયો, અને હાંફતાં હાંફતાં કહેવા લાગ્યો : ‘ઘરમાં એક ભયંકર ચૂડેલ છે, તેણે મારા મોં પર નખ વડે ઉઝરડા પાડ્યા. દરવાજામાં એક માણસે મારા પગમાં ચપ્પુ માર્યું. આંગણામાં એક રાક્ષસે મને ગદાથી ફટકાર્યો, અને છત પર જજ બેઠો હતો. તે કહેતો હતો કે આ બદમાશને મારી પાસે લાવો અને હું મૂઠીઓ વાળી, ભાગતો અહીં આવી ગયો.’
હવે ડાકુઓને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે ત્યાં દુરાત્માઓએ નિવાસ કરી લીધો છે. પછી તેઓ ત્યાંથી ભાગી ગયા. બ્રેમનના આ ચારેય ગવૈયાઓને આ ઘર ખૂબ જ ગમી ગયું. પછી તો તેમણે ત્યાં જ પોતાના ડેરા-તંબુ જમાવી દીધા.