મન કી બાત કાર્યક્રમે મને હિન્દુસ્તાનના દરેક પરિવારનો એક સભ્ય બનાવી દીધો છે

    ૦૨-જૂન-૨૦૧૭

રમઝાનની શુભકામના

રમઝાનના પવિત્ર મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રમઝાનના પવિત્ર મહિનાના આગમન પર હું ભારત અને વિશ્ર્વભરના લોકોને, વિશેષ રૂપે મુસ્લિમ સમુદાયને, આ પવિત્ર મહિનાની હાર્દિક શુભકામનાઓ આપું છું.

નવયુવાનો કંઈક નવું કરો

ગયા વખતે હું જ્યારે મનની વાત કરી રહ્યો હતો ત્યારે મેં એક શબ્દ પ્રયોગ કર્યો હતો અને ખાસ કરીને નવયુવાનોને કહ્યું હતું કે કંઈક નવું કરો, કમ્ફર્ટ ઝોનની બહાર આવો. નવા અનુભવો લો, અને આ જ ઉંમર હોય છે જ્યારે જિંદગીને આ રીતે જીવી શકાય, થોડું જોખમ લઈ શકાય, મુશ્કેલીઓને આમંત્રી શકાય. મને આનંદ થઈ રહ્યો છે કે ઘણા બધા લોકોએ મને પ્રતિભાવ આપ્યો છે. કોઈએ સંગીત શીખવાનો પ્રયાસ કર્યો છે તો કોઈ નવા વાદ્ય પર હાથ અજમાવી રહ્યા છે, કેટલાક લોકો યૂટ્યૂબનો ઉપયોગ કરીને કંઈક નવું શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો કેટલાક નવી ભાષા શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક લોકો રસોઈ બનાવવાનું શીખી રહ્યા છે. તો કેટલાક નૃત્ય શીખી રહ્યા છે. કેટલાક નાટક શીખે છે તો કેટલાક લોકોએ લખ્યું છે કે અમે હવે કવિતાઓ લખવાની શરૂ કરી છે. પ્રકૃતિને જાણવી, જીવવી, સમજવી, તે દિશામાં પ્રયાસો કરી રહ્યા છે.

પાંચ જૂન એક વિશેષ દિવસ

પાંચ જૂન એક વિશેષ દિવસ છે કેમ કે વિશ્ર્વ પર્યાવરણ દિવસના રૂપમાં તેને મનાવાય છે અને આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસનો થીમ રાખ્યો છે- Connecting people to nature. બીજા શબ્દોમાં કહીએ તો, બેક ટૂ બેઝિક્સ (મૂળિયાં તરફ પાછા ફરવું) અને નેચર સાથે જોડાવાનો અર્થ શું છે? મારી દૃષ્ટિમાં અર્થ છે- સ્વયં સાથે જોડાવું. પોતાની સાથે કનેક્ટ થવું. નેચર સાથે જોડાવાનો અર્થ છે- વધુ સારા ગ્રહને પોષવો. અને આ વાતને મહાત્મા ગાંધીથી વધુ સારી રીતે કોણ કહી શકે છે. મહાત્મા ગાંધીજી ઘણી વાર કહેતા હતા  One must care about a world one will not see. અર્થાત્ આપણે જે દુનિયા નહીં જોઈએ, આપણું કર્તવ્ય છે કે તેની પણ ચિંતા કરીએ, આપણે તેની પણ કાળજી લઈએ. અને પ્રકૃતિની એક તાકાત હોય છે. પર્યાવરણની રક્ષા આપણા પૂર્વજોએ કરી તેનો કંઈક લાભ આપણને મળી રહ્યો છે. જો આપણે રક્ષા કરીશું તો આપણી આવનારી પેઢીઓને લાભ મળશે. આ વખતે આ વર્ષા ઋતુમાં વૃક્ષારોપણના આ કામને ઉત્તેજન આપીએ, તેમાં યોગદાન આપીએ.

પરિવારની ત્રણ પેઢીઓ એક સાથે યોગ કરે

બહુ ઓછા સમયમાં, ૨૧ જૂનનો વિશ્ર્વ યોગ દિવસ દરેક ખૂણામાં ફેલાઈ ચૂક્યો છે, તે લોકોને જોડી રહ્યો છે. યોગ એ વિશ્ર્વને ભારતની બહુ મોટી ભેટ છે. યોગ દ્વારા વિશ્ર્વને એક સૂત્રમાં આપણે જોડી દીધું છે. તણાવમુક્ત જીવન જીવવા માટે યોગની ભૂમિકા મહત્ત્વની છે. મને એક સૂચન મળ્યું છે. સૂચન છે કે આ ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને મને કહ્યું કે આપ અપીલ કરો કે આ વખતે ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક જ પરિવારની ત્રણ પેઢીઓ એક સાથે યોગ કરે. દાદા-દાદી હોય કે નાના-નાની હોય, માતાપિતા હોય કે દીકરા-દીકરી હોય, ત્રણેય પેઢી એક સાથે યોગ કરે અને તેની તસવીર અપલોડ કરે. ગઈ કાલ, આજ અને આવતી કાલનો આવો સુભગ સંયોગ થશે તો યોગને એક નવો આયામ મળશે. આ ત્રણ પેઢીની યોગ કરતી તસવીરો દેશ અને દુનિયા માટે જરૂર કૌતુક જગાડશે. તમે જરૂર NarendraModiApp પર, MyGov પર ત્રણ-ત્રણ પેઢી જ્યાં જ્યાં યોગ કરતી હોય, ત્રણેય પેઢીના લોકો એક સાથે મને તસવીર મોકલે. ગઈ કાલ, આજ અને આવતીકાલની આ તસવીર હશે, જે સોનેરી આવતીકાલની ગેરંટી હશે.

એક મોટું મહત્વપૂર્ણ અભિયાન

ભારત સરકારે રાજ્ય સરકારોની મદદની સાથે-સાથે શહેરોના જનપ્રતિનિધિઓની મદદથી વેસ્ટ મેનેજમન્ટનું એક મોટું મહત્વપૂર્ણ અભિયાન શ‚ કરવાનું નક્કી કર્યું છે. ૫ જૂન, વિશ્ર્વ પર્યાવરણ દિવસે દેશના લગભગ ૪ હજાર શહેરોમાં સોલીડ વેસ્ટ અને લિક્વીડ વેસ્ટને ભેગો કરવા માટેના સાધન ઉપલબ્ધ થવાના છે. બે પ્રકારની કચરાપેટી ઉપલબ્ધ થશે, એક લીલા રંગની, બીજી વાદળી રંગની. બે પ્રકારનો કચરો નિકળે છે  એક લિકવીડ વેસ્ટ અને બીજો ડ્રાય વેસ્ટ. જો આપણે અનુશાસનમાં રહીને, એ ચાર હજાર શહેરોમાં જ્યાં કચરાપેટી મૂકાવાની છે ત્યાં, સૂકો કચરો વાદળી કચરાપેટીમાં નાખીએ અને ભીનો કચરો લીલી કચરાપેટીમાં નાખીએ, જેમ રસોડામાંથી જે કચરો નિકળે છે, શાકભાજીના છોંતરા, બગાડ થયેલો ખોરાક, ઇંડાનાં છોતરાં હોય કે, ઝાડનાં પાંદડાં આદિ હોય, એ બધો જ ભીનો કચરો છે અને તેને લીલી કચરાપેટીમાં નાખીએ. આ સંપૂર્ણ ક્રિયા એવી છે જે ખેતરોમાં કામ આવી શકે છે. ખેતરોનો રંગ લીલો હોય છે, એટલું યાદ રાખશો તો લીલી કચરાપેટીમાં કયો કચરો નાખવાનો છે એ યાદ રહી જશે. અને બાકીનો કચરો જેવો કે, રદ્દી કાગળ, કાર્ડબોર્ડ, લોખંડ, કાચ, કપડા, પ્લાસ્ટિક, પોલીથીન, તૂટેલા ડબ્બા, રબર, ધાતુ, બીજી કેટલીય નકામી વસ્તુઓ હશે  એ તમામ વસ્તુઓ એક પ્રકારનો સૂકો કચરો કહેવાય. જેને મશીનમાં નાખીને રિસાઇકલ કરવો પડે છે. જોકે, એ ક્યારેય ઉપયોગમાં નથી આવી શકતો. તેને વાદળી કચરાપેટીમાં નાખવાનો છે. મને વિશ્ર્વાસ છે કે આપણે એક નવી પરંપરા પાડીશું.

ચોખ્ખો ચણાક વર્સોવા બિચ

થોડાં દિવસો પહેલાં જ તમે એક સમાચાર સાંભળ્યા હશે કે, મુંબઇમાં ગંદો માનવામાં આવતો વર્સોવા બિચ આજે એક સુંદર ચોખ્ખો ચણાક વર્સોવા બિચ બની ગયો છે. આ કાર્ય અચાનક નથી થયું. લગભગ ૮૦-૯૦ અઠવાડિયા સુધી નાગરિકોએ સતત મહેનત કરીને વર્સોવા બિચની કાયાપલટ કરી છે. ત્યાંથી હજારો ટન કૂડો-કચરો કઢાયો અને ત્યાર પછી આજે વર્સોવા બિચ સાફ અને સુંદર બની ગયો છે. તેની સંપૂર્ણ જવાબદારી વર્સોવા રેસીડન્સ વોલનટીયર (વીઆરવી) એ સંભાળી હતી. એક સજ્જન શ્રીમાન અફરોઝ શાહ ઓક્ટોબર ૨૦૧૫થી, દિલથી આ કાર્યમાં લાગી ગયા. ધીરે-ધીરે કાફલો વધતો ગયો. જન-આંદોલનમાં બદલાઇ ગયો. અને આ કાર્ય માટે શ્રીમાન અફરોઝ શાહને યૂનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે (યૂએનઇપી) ખૂબ મોટો એવોર્ડ આપ્યો. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ મેળવવાવાળા એ પ્રથમ ભારતીય બન્યા

વર્તમાન સરકારના ૩ વર્ષના હિસાબ-કિતાબ

મારા પ્રિય દેશવાસીઓ, પાછલા ૧૫ દિવસ, મહિનાથી, છાપું હોય, ટીવી હોય કે સોશ્યિલ મિડીયા હોય એ તમામમાં સતત વર્તમાન સરકારના ૩ વર્ષના હિસાબ-કિતાબ ચાલી રહ્યાં છે. ૩ વર્ષ પહેલા તમે મને પ્રધાન સેવકની જવાબદારી આપી હતી. ઢગલાબંધ સર્વે થયા છે, ઢગલાબંધ ઓપિનીયન પોલ આવ્યાં છે, હું આ દરેક પ્રક્રિયાને ખૂબ જ હકારાત્મક સંકેત તરીકે જોઉં છું. દરેક કસોટી પર આ ૩ વર્ષના કાર્યકાળને આંકવામાં આવ્યો છે. સમાજના દરેક તબક્કાના લોકોએ તેની સમીક્ષા કરી છે. લોકતંત્રમાં આ એક ઉત્તમ પ્રક્રિયા છે. મારું સ્પષ્ટપણે માનવું છે કે લોકતંત્રમાં સરકારોએ જવાબદાર હોવું જ જોઇએ, જનતા-જનાર્દનને પોતાના કાર્યનો હિસાબ આપવો જ જોઇએ. હું એ દરેક લોકોનો ધન્યવાદ માનું છું, જેમણે સમય કાઢીને અમારા કાર્યનું ઊંડાણપૂર્વક વિવેચન કર્યું છે, ક્યાંક વખાણાયું, ક્યાંક સમર્થન મળ્યું, ક્યાંક ઊણપ કઢાઇ, હું આ દરેક વાતોનું ખૂબ મહત્વ સમજું છું. હું એ લોકોને પણ ધન્યવાદ પાઠવું છું કે જેમણે ટીકા અને મહત્વના પ્રતિભાવો આપ્યા છે. જે ઊણપ હોય છે, કમી હોય છે, તે પણ ઉજાગર થાય, તો તેનાથી પણ સુધારાની તક મળે છે. વાત સારી હોય, ઓછી સારી હોય, ખરાબ હોય, જે પણ હોય, તેમાંથી જ શીખવાનું છે અને તેના આધારે જ આગળ વધવાનું છે. રચનાત્મક ટીકાઓ લોકતંત્રને બળ પૂરું પાડે છે. એક જાગૃત રાષ્ટ્ર માટે, એક ચૈતન્યપૂર્ણ રાષ્ટ્ર માટે, આ મંથન ખૂબ જ આવશ્યક હોય છે.

હું પણ એક સામાન્ય નાગરિક છું

મેં જ્યારે મન કી બાત શરૂ કરી ત્યારે મેં પણ વિચાર્યું નહોતું કે મન કી બાત કાર્યક્રમ મને હિન્દુસ્તાનના દરેક પરિવારનો એક સભ્ય બનાવી દેશે. એવું લાગે છે જેમ હું પરિવારની વચ્ચે જ ઘરમાં બેસીને ઘરની વાતો કરું છું. મારા પ્રિય દેશવાસીઓ, હવે જ્યારે મળીશું ત્યાં સુધીમાં તો દેશના દરેક ખૂણામાં વરસાદનું આગમન થઇ ગયું હશે, વાતાવરણ બદલાઇ ગયું હશે, પરીક્ષાઓના પરિણામ આવી ચૂક્યા હશે, નવેસરથી વિદ્યાજીવનનો શુભારંભ થવાનો હશે, અને વરસાદ આવતાની સાથે જ એક નવીન ખુશનુમા વાતાવરણમાં નવીન મહેંક, નવીન સુવાસ ફેલાઇ હશે. આવો આપણે બધા આ વાતાવરણમાં પ્રકૃતિને પ્રેમ કરતા-કરતા આગળ વધીએ. તમને બધાને મારા તરફથી ખૂબ સારી શુભકામનાઓ છે. ધન્યવાદ.