દત્તપીઠ હિન્દુઓને સોંપે કર્ણાટક સરકાર : વિહિપ

    ૦૨-જૂન-૨૦૧૭


હિન્દુઓનું પવિત્ર ધર્મસ્થળ દત્તપીઠ હિન્દુઓને સોંપી દેવાની કર્ણાટકમાં જોરદાર માંગણી થઈ રહી છે. આ માંગણીને લઈ તાજેતરમાં વિશ્ર્વ હિન્દુ પરિષદનું એક પ્રતિનિધિમંડળે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાની મુલાકાત કરી હતી અને માંગણી કરી હતી કે કર્ણાટક સરકાર તત્કાળ ચિકમંગલૂર સ્થિત દત્તપીઠમાં સ્થાપી રૂપે પૂજારી નિયુક્ત કરી દૈનિક પૂજાની વ્યવસ્થા કરે.

 

કેનેડા સરકારે શીખ ધાર્મિક પ્રતીકવાળા સિક્કા બહાર પાડ્યા

કેનેડા સરકાર દ્વારા કેનેડાના વિકાસમાં શીખો દ્વારા અપાયેલા યોગદાનના માનમાં શીખ ધાર્મિક પ્રતીકવાળા સોના-ચાંદીના સિક્કા બહાર પાડ્યા છે. આ સિક્કામાં એક તરફ શીખોના પવિત્ર ચિહ્ન ખેડા અને બીજી તરફ એક ઓંકાર કોતરાયેલો છે. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં શીખોની વસ્તી નોંધપાત્ર છે અને અહીંની સરકારમાં પંજાબી મૂળના ચાર મંત્રી છે.

 

ડૉ. કલામને નાસાનું સન્માન : બેક્ટેરિયાનું નામ રખાયું ‘કલામી’

નાસાના વિજ્ઞાનીઓએ તેમના દ્વારા શોધાયેલા એક નવા જીવાણુને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિજ્ઞાની એપીજે અબ્દુલ કલામનું નામ આપ્યું છે. આ નવા જીવાણુ માત્ર આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર જોવા મળે છે. તે પૃથ્વી પર જોવા મળતા નથી.
નાસાની પ્રયોગશાળાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના ફિલ્ટર્સમાં આ નવા જીવાણુને શોધી કાઢ્યા છે અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ કલામના સન્માનમાં તેને સોલીબૈકિકલસ કલામી નામ આપ્યું છે. ૧૯૬૩માં કલામે પ્રારંભિક તાલીમ નાસામાં લીધી હતી. જેપીએલમાં બાયોટેક્નોલોજીના વરિષ્ઠ રિસર્ચ વિજ્ઞાની ડૉક્ટર કસ્તૂરી વેંકટસ્વર્ણે કહ્યું હતું કે ‘બેક્ટેરિયાનું નામ સોલીબૈક્લિસ કલામી છે. આ પ્રજાતિનું નામ ડૉ. અબ્દુલ કલામના નામ પર રાખવામાં આવ્યું છે અને તેના જનીનનું નામ સોલીબૈક્લિસ છે.’ આ બેક્ટેરિયા એક એવા ફિલ્ટર પર જોવા મળ્યા હતા જે આઈએસએસમાં ૪૦ મહિના સુધી રહ્યા હતા.

મધ્યપ્રદેશમાં ૭૧ આદિવાસી બાળકોને ખ્રિસ્તી બનાવવાનો પ્રયાસ કરનારા ૧૦ સામે કેસ

મધ્યપ્રદેશના ઝાબુઆ અને અલિરાપુરના આદિવાસી બાળકોનું ધર્માંતરણ કરાવવાના પ્રયાસ કરતા ૧૦ લોકોની મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી. તમામ ૭૧ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે મધ્યપ્રદેશના ધાર્મિક આઝાદીના કાયદા ૧૯૬૮ અંતર્ગત પકડાયેલા ૧૦ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ૭૧માંથી ૬૦ બાળકો સગીર હતા જેમાં ૩૨ છોકરા અને ૨૮ છોકરીઓનો સમાવેશ થાય છે. અન્ય ૧૧માં સાત છોકરા અને ચાર છોકરીઓ હતી જેઓને રતલામ જીઆરપીએ બચાવ્યા હતા. આ તમામ બાળકોને ઇન્દોરના છોટી ગ્વોલટોલી પોલીસ સ્ટેશન નજીકથી બચાવવામાં આવ્યા હતા. રતલામ જીઆરપી અને પોલીસ દ્વારા ઝાબુઆ અને અલિપુરાનાં બાળકોનાં માતા-પિતાએ પણ એવો દાવો કર્યો હતો કે, આ લોકોને નાગપુર લઈ જવાતા હતા અને તેમને પોતાને પણ ખ્રિસ્તી બનવા દબાણ કરાયું હતું.

પીઓકેમાં પાકિસ્તાન વિરુદ્ધ ફરી પ્રદર્શન

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ફરી એક વખત લોકો પાકિસ્તાન વિરુદ્ધ સડકો પર ઊતરી આવ્યા છે. અહીંના રાવણકોટ, મુઝફ્ફરાબાદ કોટલી સહિતના વિસ્તારોમાં પીઓકેના નેતા બાબાજાનની મુક્તિ માટે સોતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બાબાજાન પાકિસ્તાન સામે અહીં મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે, જેને કારણે બે વર્ષ પહેલાં પાકિસ્તાનની સૈન્ય કોર્ટે તેમને ૧૪ વર્ષની સજા કરી હતી. વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવાયા હતા.

કેરલમાં કૉંગ્રેસીઓએ સરેઆમ ગોહત્યા કરી

કેન્દ્ર સરકાર દ્વારા દૂધાળું પશુઓની હત્યા પર લગાવાયેલાં પ્રતિબંધનાં વિરોધમાં કેરલનાં યૂથ કૉંગ્રેસ દ્વારા સરેઆમ ગોહત્યા કરતાં ચારેય તરફથી કૉંગ્રેસ પર ફિટકાર વરસી રહ્યો છે. દિલ્હી ભાજપનાં પ્રવક્તા તેજંદિર પાલસિંહ બગ્ગાએ યૂથ કૉંગ્રેસનો એક વીડિયો ટ્વિટર પર શૅર કર્યો હતો, જેમાં યૂથ કૉંગ્રેસ નેતા રિઝીલ મુફ્તી સહિત ઘણા બધા લોકો સરેઆમ ગોહત્યા કરી રહ્યાં હતાં.


નારદ જયંતિ નિમિત્તે ગુજરાતનાં પત્રકારોનું સન્માન

ગત તા. ૨૮ મે ના રોજ કર્ણાવતી ખાતે સ્થિત નવજીવન પ્રેસ ટ્રસ્ટ સંકુલમાં દેવર્ષિ નારદ જયંતીની સ્મૃતિમાં પત્રકાર સન્માનનું આયોજન થયું હતું. વિશ્ર્વસંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં જાણીતા કટાર લેખક ભવેનભાઈ કચ્છી, કટાર લેખિકા જ્યોતિબહેન ઉનડકટ, એ.બી.પી. અસ્મિતાના બ્રિજેશકુમાર સિંગ, ટી.વી.-૯નાં વિકાસ ઉપાધ્યાયને અને રેડિયો જૉકી આરતી બોરિયાને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પધારેલ મુખ્ય વક્તા શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ કહ્યું હતું કે, ૨૧મી સદીમાં વિણાધારક નારદનો આદર્ષ રાખવો એ કૌતુક પેદા કરે છે, તેઓ સકલ બ્રહ્માંડની જાણકારી રાખતા હતાં. આજનું આ સન્માન પત્રકારોનું સન્માન નથી શબ્દોનું સન્માન છે. લેખકને શબ્દો થકી જ વિશ્ર્વભરમાં સન્માન મળે છે. પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા અને ડિઝિટલ મીડિયા સાથે મળીને મોટું પરિવર્તન લાવી શકે છે. પત્રકારો પ્રત્યે સમાજને વિશેષ અપેક્ષાઓ છે, કારણ કે સાચું કહેવું એ પત્રકારોનો ધર્મ છે.
સમારોહનાં પ્રારંભે - મુખ્ય અતિથી શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતનાં પ્રાંતસંઘચાલક શ્રી મુકેશભાઈ મલકાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી પત્રકારોને રાષ્ટ્ર સેવા કરવાનું આહ્વાન કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રાંતનાં પ્રાંત કાર્યવાહ શ્રી યશવંતભાઈ ચૌધરી, ગુજરાત પ્રાંતનાં સહપ્રાંત કાર્યવાહ શ્રી શૈલેશભાઈ પટેલ, રા. સ્વ. સંઘ ગુજરાતનાં પ્રાંત પ્રચારક શ્રી વિજયભાઈ ઠાકર, સહપ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ મોજિંદ્રા સહિત પત્રકાર અને ગણમાન્ય નાગરિકો હાજર રહ્યાં હતાં.


શ્રીમતી સ. યુ. અને શેઠ ડૉ. મા. સાર્વજનિક હૉસ્પિટલ - ગોઝારિયા દ્વારા લોકહિતકારી સેવાઓનું લોકાર્પણ

દિનાંક : ૨૮ મે, ૨૦૧૭નાં રોજ મહેસાણા જિલ્લાનાં ગોઝારિયા ખાતે આવેલી શ્રીમતી સ. યુ. અને શેઠ ડૉ. મા. સાર્વજનિક હૉસ્પિટલ ખાતે એક લોકહિતકારી કાર્યક્રમ યોજાઈ ગયો. કર્ણાવતીનાં ડૉ. હિતેનભાઈ અમીનનાં પિતાજી સ્વ. ડૉ. શાંતિલાલ એલ. અમીન કિડની ડાયાલિસીસ સેન્ટરનું ઉદ્ઘાટન થયું તથા નવીન ઍમ્બ્યુલન્સનાં લોકાર્પણનો શુભારંભ થયો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, મહેસાણાના સાંસદ શ્રીમતી જયશ્રીબહેન પટેલ, કાંકરોલી-યુવરાજ શ્રી ડૉ. વાગિશકુમાર મહોદયનાં વરદ્ હસ્તે આ સેવાઓને જાહેરજનતાનાં લાભાર્થે ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

એનિમલ વેલ્ફેર બોર્ડના ડાયરેક્ટર તરીકે ડૉ. શ્રી હિતેશભાઈ જાનીની નિયુક્તિ

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પંચકર્મ વિભાગ - યુ.જી.ના વડા ડૉ. શ્રી હિતેશભાઈ જાનીને ભારત સરકાર ‘એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઈન્ડિયા’ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. ડૉ. શ્રી હિતેશભાઈ જાનીના ગૌવિજ્ઞાન રિસર્ચ અને આયુર્વેદ પંચગવ્ય ચિકિત્સા ક્ષેત્રે યોગદાનના સંદર્ભમાં તેઓની નિયુક્તિ થયેલ છે. આયુર્વેદ
અને પંચગવ્ય ક્ષેત્રે સમગ્ર દેશમાં શ્રી ડૉ. હિતેશભાઈ જાનીની નિયુક્તિના કારણે સમગ્ર ગૌપ્રેમીઓ તથા ગૌશાળા પાંજરાપોળના સંચાલકો અને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતા સર્વે વૈજ્ઞાનિકોએ એમની નિયુક્તિને વધાવી છે.

આયર્લેન્ડના PM પદની રેસમાં મહારાષ્ટ્રીયન

આયર્લેન્ડના વડાપ્રધાન પદની રેસમાં મહારાષ્ટ્રના સિંધુદુર્ગના વરાડ ગામના મૂળ રહેવાસી લિયો વરાડકર પણ છે. અશોક વરાડકર અને મરિયમના તેઓ પુત્ર છે. લિયો હાલમાં આયર્લેન્ડના સામાજિક સંરક્ષણ મંત્રી છે. ડબલીનની ટ્રિનિટી કૉલેજમાંથી ૨૦૦૩માં તેમણે મેડિકલની ડિગ્રી મેળવી છે. આ પછી ફાઈન ગેલ નામે ક્રિશ્ર્ચિયન ડેમોક્રેટિક પોલિટિકલ પાર્ટી તરફથી તેઓ રાજકારણમાં આવ્યા હતા. ૨૦૧૧થી ૨૦૧૩માં તેમણે પરિવહન, પર્યટન અને રમતગમત મંત્રીપદ શોભાવ્યાં છે. ૨૦૧૪થી ૨૦૧૬માં તેઓ આયર્લેન્ડના આરોગ્ય મંત્રી હતા.