ગંગાસ્નાન અને પાપમુક્તિ

    ૦૨-જૂન-૨૦૧૭


એક દિવસ કાશીમાં એક મોટા તપસ્વી શાંતાશ્રમ સ્વામીનો બ્રહ્મ ચૈતન્ય ગોદવલેકરજી મહારાજ સાથે સંવાદ થયો. સ્વામીએ કહ્યું, મહારાજ, આટલા બધા લોકો ગંગાસ્નાન કરે છે, છતાં તે પાવન કેમ નથી થતા ? ગોદવલેકરજી મહારાજે કહ્યું, કારણ કે તેમનામાં સાચી શ્રદ્ધા જ નથી હોતી. સ્વામીએ ફરી પૂછ્યું તમે એ કેવી રીતે કહી શકો ? ગોદવેલકરજી એ સ્વામીને બીજા દિવસે ગંગાકિનારે આવવા કહ્યું, તેઓએ શાન્તાશ્રમ સ્વામીના હાથ પગ ચીંથરીઓથી બાંધી તેમને મહારોગી જેવા બનાવી દીધા અને ગંગાતટ નજીક તેમને લઈ બેસી ગયા. તેઓએ ગંગાસ્નાન કરી બહાર આવતા લોકોને કહ્યું. આ મહારોગી મારો ભાઈ છે. આનો રોગ મટાડવા અમે બન્નેએ ભગવાન વિશ્ર્વનાથની ઘોર તપસ્યા કરી હતી. તેઓ તરફથી અમને વરદાન મળ્યું છે કે જે તીર્થયાત્રી ગંગાસ્નાન કરી તમામ પાપોમાંથી મુક્ત થયો છે તે આને આલિંગન આપશે તો મારો ભાઈ રોગમુક્ત બનશે. તેમની વાત સાંભળી કેટલાક લોકો આગળ ચાલ્યા. પરંતુ ગોદવલેકરજીએ તેમને રોકતાં કહ્યું, પરંતુ વિશ્ર્વનાથ ભગવાને એમ પણ કહ્યું હતું કે તેને આલિંગન આપનારને આ મહારોગ લાગુ પડશે. જો તે ફરી સાચા મનથી ગંગામાં સ્નાન કરશે તો તેનો રોગ નષ્ટ થશે. આ સાંભળી પેલા થોડા ઘણા જે લોકો પણ શાન્તાશ્રમ સ્વામીની મદદ માટે આગળ આવ્યા હતા તેઓ પણ હાથ જોડી ચાલતા થયા. શાન્તાશ્રમ સ્વામીએ ગોદવલેકરજીને કહ્યું, પ્રભુ, હવે મને સમજાઈ ગયું કે ગંગામાં સ્નાન કરવા છતાં પણ લોકો પાપમુક્ત અને પવિત્ર કેમ નથી બની શકતા.