જ્યાં જાદવના કેસમાં ભારતે પાકિસ્તાનને પછડાટ આપી તે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) શું છે ?

    ૦૨-જૂન-૨૦૧૭


આજકાલ કુલભૂષણ જાધવનો મુદ્દો ખાસ્સો ચર્ચામાં છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં આપણે આ કેસ જીતી ચૂક્યા છીએ અને જાધવની ફાંસીની સજા પર હાલ પૂરતો આઈસીજેનો સત્તાવાર સ્ટે ઑર્ડર આવી ગયો છે. આ વિજય તો અપેક્ષિત જ હતો અને મળી પણ ગયો છતાં આ કેસ ચાલતો હતો તે દરમ્યાન જેટલો ન ચર્ચાયો તેટલો તેની જીત સાથેની પૂર્ણાહુતિ પછી ચર્ચાઈ રહ્યો છે તો તેનાં બે ખાસ કારણો છે જે આ કેસને અને તેમાં ભારતે દાખવેલા તટસ્થ છતાં મક્કમ વલણને ભારતના રાજકારણના ઇતિહાસની એક નોંધપાત્ર ઘટના તરીકે પ્રસ્થાપિત કરે છે.
આ સમગ્ર કિસ્સામાં ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસની પણ મહત્ત્વની ભૂમિકા છે. એટલે અહીં તેનો પણ થોડો પરિચય મેળવવો પ્રાસંગિક બની રહેશે.
ભારત અને પાકિસ્તાન બંને દેશોના પ્રસાર માધ્યમોએ આ કિસ્સા તેમજ તેના આખા ઘટનાક્રમની જે રીતે નોંધ લીધી છે, તેમાં એક બાબત કોમન છે કે આઈસીજે માટે આ પ્રકારનો કેસ એ રેરેસ્ટ ઑફ રેર કેટેગરીનો કેસ છે.
ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ વિશે અનેક બાબતો છે કે જે તેને એક ન્યાયાલયની પ્રચલિત માન્યતાથી ઘણી રીતે જુદી તારવે છે. પ્રાથમિક ધોરણે વાત કરીએ તો એવી બે બાબતો છે જે પૈકી પહેલી બાબત એ છે કે આ કોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય કાયદાઓને લગતા કેસો ધ્યાનમાં લે છે, આ પ્રકારના કેસો પર જ ચુકાદાઓ આપે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે તેના ચુકાદાઓ, અન્ય સામાન્ય કોર્ટના ચુકાદાઓની જેમ, તેમના પાલન સંદર્ભે પક્ષકારો માટે બંધનકર્તા હોતા નથી. એનો મતલબ એ છે કે જો કોઈ કેસ સંદર્ભે કોઈ પક્ષકાર આઈસીજેના કોઈ ચુકાદાનું પાલન કરવા ન ઇચ્છતો હોય તો તેમ કરી શકે છે. અગાઉ ઇન્ટરનેશનલ કોર્ટે અમેરિકા વિરુદ્ધ ત્રણ વખત ચુકાદો આપ્યો હતો પરંતુ તેણે માન્ય નહોતો રાખ્યો તે એનું સ્પષ્ટ ઉદાહરણ છે. જો કે કુલભૂષણના કેસમાં તો કેસની ગંભીરતા અને આપણી તે અંગેની મજબૂત રજૂઆતોને ધ્યાનમાં લઈને આઈસીજે દ્વારા ફાંસીની સજા પર સ્ટે ઑર્ડર આપવા સાથે તેના યોગ્ય અમલ અંગે પાકિસ્તાનને તાકીદ પણ કરવામાં આવી છે.
આઈસીજેના કાર્યક્ષેત્ર અને કાર્યપદ્ધતિ અંગે વિગતે વાત કરીએ તો ૧૯૪૫માં યુ.એન. અસ્તિત્વમાં આવી તે પછી તેના જ એક હિસ્સા તરીકે સ્થપાયેલી અને ૧૯૪૬માં સત્તાવાર રીતે પોતાની કામગીરી શ‚ કરનાર આ કોર્ટમાં ૧૬ જજોની ટીમ હોય છે. આ ટીમની મુદત ૯ વર્ષની હોય છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે જાધવના કેસનું હિયરિંગ જજિસની જે ટીમ આગળ થયું તેમાં જે ભારતીય જજ ચર્ચામાં રહ્યા તે દલબીરસિંહ ભંડારી ૨૦૧૨થી આ ટીમના મેમ્બર છે. આ ટીમની પસંદગી યુ.એન. જનરલ એસેમ્બલી અને યુ.એન. સિક્યોરિટી કાઉન્સિલના સભ્યો સંયુક્ત રીતે આંતરિક ચૂંટણીપ્રક્રિયા દ્વારા કરે છે. આમાં દર ૩ વર્ષે ૫ જજો ચૂંટીને કોર્ટની કાર્યવાહીનું સાતત્ય જાળવવા ઉપરાંત કોઈ જજનું ચાલુ ટર્મે અવસાન થાય ત્યારે ખાસ કિસ્સામાં ચૂંટણી કરીને જજ ચૂંટી લઈને ટર્મ પૂરી કરવા સાથે એક દેશના પ્રતિનિધિ તરીકે એક જ જજ હોય એવા કેટલાક અન્ય નિયમો પણ હોય છે. આ ઉપરાંત આ ટીમમાં કોઈ દેશના પ્રતિનિધિ તરીકે કોઈ જજ ન હોય અને તે દેશ પોતાના કેસ આઈસીજેમાં રજૂ કરવા માંગતો હોય તો તેના કોઈ અનુભવી સ્થાનિક જજ આઈસીજેમાં એડહોક જજ તરીકે કામ કરી શકે છે. વળી, આ કોર્ટની સ્થાપનાથી લઈને ત્યારબાદનાં ઘણાં વર્ષો સુધી એવું થતું રહ્યું કે કોઈ કેસની સુનાવણી માટે કોર્ટના તમામ જજો એક સાથે બેસે. પરંતુ છેલ્લા લગભગ ૧૫ વર્ષથી આ કોર્ટમાં એવી પ્રથા અલમાં છે કે ૨થી ૫ જજોનું નાનું જૂથ પણ કેસની સુનાવણી કરે છે. આ કોર્ટની સત્તાવાર પરિભાષામાં આ પ્રકારના જૂથને ચેમ્બર કહે છે. યુ.એન.ના સભ્યપદેથી આપોઆપ આ કોર્ટમાં પક્ષકાર ગણાય છે. યુએનના સભ્ય ન હોય તેવા દેશોએ આ કોર્ટમાં પક્ષકાર બનવા માટે એક લાંબી સત્તાવાર પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. આ કોર્ટનું જ્યુરિસડિકશન નક્કી કરવા અંગે કોઈ ચોક્કસ જોગવાઈ નથી, પણ તે એક સાપેક્ષ બાબત છે. સામાન્ય ધારણા એવી કરાય છે કે જે વિવાદો થકી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જોખમાઈ શકે તેવા કોઈપણ વિવાદની રજૂઆત આ કોર્ટમાં થઈ શકે. આ ઉપરાંત અમુક ખાસ કિસ્સાઓમાં યુ.એન.ની વિવિધ સંસ્થાઓના કાનૂની સલાહકારની ભૂમિકા પણ આ કોર્ટ નિભાવતી હોય છે.
આમ આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવામાં આઈસીજેની ભૂમિકા મહત્ત્વની અને અસરકારક રહી છે. છેવટે કુલભૂષણ જાધવ કેસમાં ભારતની જીત એક અનોખી ઘટના શા માટે છે તેની વાત ટૂંકમાં કરીએ. સૌથી પહેલી વાત એ છે કે લગભગ છેલ્લાં ૪૦ વર્ષમાં પાકિસ્તાન સાથેના કોઈ વિવાદને લઈને ભારત આઈસીજેમાં ગયું છે અને એનાથી પણ મહત્ત્વની વાત એ કે આંતરરાષ્ટ્રીય સ્તરે સશસ્ત્ર સંઘર્ષ હોય કે રાજકીય અથવા કાયદાકીય દાવપેચ, પાકિસ્તાન આપણી સામે કેમેય કરીને જીતવાનું નહીં તે બાબત ફરી એકવાર સાબિત થઈ છે. જોકે ભારત અને પાકિસ્તાન બંનેમાં આ પગલા અંગે આશંકા સેવનારો પણ એક વર્ગ છે. પાકિસ્તાનનો આ વર્ગ કહે છે કે આ કિસ્સામાં પાકિસ્તાને સામે ચાલીને હાર વહોરી લીધી અને ભારતનો આ વર્ગ કહે છે કે આ મુદ્દે આપણે આ રસ્તો લેવો જોઈતો નહોતો. આમ કરવાથી પાકિસ્તાન પણ હવે કાશ્મીર મુદ્દે આઈસીજેમાં જઈ શકે છે. જો આમ થાય તો આ બાબત ‘વાંદરાને નિસરણી’ આપવા જેવી પુરવાર થઈ શકે છે. ટૂંકમાં જીતના જોશમાં આ મુદ્દે ચેતવું રહ્યું.

આ કોર્ટમાં અત્યાર સુધી મુખ્યત્વે સામુદ્રિક અને વ્યાપારી વિવાદો અંગે રજૂઆતો થતી રહી છે. આ ઉપરાંત જે વિવાદો અહીં સુધી પહોંચ્યા છે તે આ મુજબ છે :
૧. ૧૯૮૦નો અમેરિકા અને ઈરાન વિવાદ જેમાં અમેરિકાએ એવો દાવો કરેલો કે તહેરાન ખાતેના અમેરિકન રાજદ્વારીઓને કેદ કરાયેલા.
૨. લિબિયા અને ટ્યુનિશિયા વચ્ચેનો સરહદી વિવાદ.
૩. અમેરિકન નેવીએ ઈરાની એરફોર્સનું વિમાન ગાઈડેડ મિસાઈલથી તોડી પાડ્યું ત્યારે ઈરાને આ અંગે આઈસીજેમાં ફરિયાદ કરી હતી.
૪. યુ.એસ. અને કેનેડા વચ્ચેના ગલ્ફ ઑફ મરિન કહેવાતા વિસ્તારની જળસીમા અંગેનો વિવાદ આઈસીજે સુધી પહોંચ્યો હતો.
૫. ૨૦૦૪માં યુગોસ્લાવિયા અને નાટો જૂથના સભ્ય દેશો વચ્ચે કોસોવો વોર નિમિત્તે થયેલા વિવાદ સંદર્ભે યુગોસ્લવિયાએ આઈસીજેમાં ફરિયાદ તો કરી હતી પણ તે સમયે તે આઈસીજેમાં પક્ષકાર ન હોવાથી તેની ફરિયાદ નકારવામાં આવી હતી.
૬. ૧૯૯૯માં મેસેડોનિયાએ ગ્રીસ વિરુદ્ધ તેમની વચ્ચે ૧૯૯૫માં થયેલી સંધી તોડવા બાબતે આઈસીજેમાં ફરિયાદ કરી હતી જે અંગે ૨૦૧૧માં મેસેડોનિયાના પક્ષમાં ચુકાદો અપાયો હતો.
૭. કોંગો અને યુગાન્ડા વચ્ચેનો સરહદી વિવાદ આઈસીજેમાં પહોંચ્યો હતો, જેનો ચુકાદો કોંગોના પક્ષે આવ્યો હતો.