વીરપ્પનને ઢાળી દેનારા અને નક્સલવાદીઓના દાંત ખાટા કરનારા આઈ.પી.એસ. વિજયકુમારે જ્યારે કલમ ઉપાડી...

    ૦૨-જૂન-૨૦૧૭


કુખ્યાત ચંદનચોર વીરપ્પનનો ખાતમો બોલાવી દેનારા અને હાલમાં નક્સલવાદીઓના ખાત્મા માટે રણનીતિ ઘડવાનું કાર્ય કરી રહેલા IPS અધિકારી શ્રી વિજયકુમારે તાજેતરમાં જ વીરપ્પન આધારિત ઘટનાઓને કેન્દ્રમાં રાખી આત્મકથાત્મક શૈલીમાં એક પુસ્તક લખ્યું છે, ‘વીરપ્પન : ચેઝિંગ ધ બ્રિગેન્ડ’ આ પુસ્તક અને કે. વિજયકુમારની બહાદુરી વિશે કેટલીક વાતો જાણીએ...
જેમ કોઈ ખલનાયક, તેના જોરજુલ્મનો ભોગ બનેલ પીડિત વિના ખલનાયકરૂપે નથી ઉપસતો તેમ નાયક પણ, ખલનાયક વિના નાયક તરીકે ઉપસી શકતો નથી. પોલીસકર્મી તરીકેના પોતાના કાર્યકાળનો મહદંશનો સમય, કુખ્યાત સુખડ-દાણચોર વીરપ્પનનું પગેરું દાબવામાં અને વર્ષોની જહેમત બાદ અંતે ‘ઓપરેશન કોકૂન’ની લશ્કરી કારવાઈમાં ઝડપી લઈ તેનો ઢાળિયો કરી નાખનાર ’૭૫ની બેચના આઈપીએસ ઑફિસર કે. વિજયકુમાર (૬૫) આજે ફરીવાર ચર્ચામાં છે. તેમના દ્વારા પુસ્તક ‘વીરપ્પન : ચેઝિંગ ધ બ્રિગેન્ડ’ અત્યારે ચર્ચાનો વિષય બન્યું છે. આંશિક-આત્મકથા અને આંશિક-જીવનચરિત્ર છે. નિવૃત્તિ બાદ ’૧૨મી તત્કાલીન યુપીએ સરકારે ગૃહ મંત્રાલયમાં સીનિયર સલામતી સલાહકાર તરીકે નિયુક્ત કરેલા વિજયકુમારને એનડીએ સરકારે ય એ જ પદે ચાલુ રાખ્યા છે. તેના ભાગરૂપે છત્તીસગઢના ડાબેરી ઝોકવાળા અંતિમવાદ પર નિગેહબાની રાખવાની સંકુલ કામગીરી બજાવી રહેલા વિજયકુમાર ત્રીસ વર્ષ સુધી બંડખોરી વિરોધી કારવાઈમાં સંકળાયેલા રહ્યા છે. નેશનલ પોલીસ એકેડેમીના વડા, રાજીવ ગાંધી માટેના સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપના કર્મી, કાશ્મીર ખાતે બીએસએફના અને સીઆરપીએફના અફસર તરીકેની કામગીરી બજાવી ચૂક્યા છે.
વીરપ્પનને જેર કરી ચૂકેલા વિજયકુમાર હવે નક્સલવાદીઓ વિરુદ્ધ મેદાને પડ્યા છે. સુકમાના નક્સલવાદીઓનું પીઠબળ તોડવા માટે સરકારે કે. વિજયકુમાર પર પસંદગી ઉતારી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ રહી ચૂકેલા વિજયકુમાર અગાઉ પણ નક્સલવાદીઓ વિરુદ્ધ સફળ જંગ ખેલી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૦માં છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં ૭૬ જવાનો શહીદ થયા હતા ત્યારે વિજયકુમારે બતાવેલ સૂચનાઓનું અનુસરણ માત્ર કરીને નક્સલવાદીઓને સણસણતો જવાબ આપવામાં આવ્યો હતો. તે સમયે તેમણે ટેક્નિકલ ટીમ, ઇન્ટેલિજન્સ વિંગ, લોકલ ઇન્ટેલિજન્સ, ડૉગ સ્કવોડ સહિતની ટીમો વચ્ચે યોગ્ય કો-ઓર્ડિનેશન સાધી નક્સલવાદીઓ વિરુદ્ધ જડબાતોડ ઓપરેશન ચલાવી નક્સલવાદીઓના ઘણા મોટા આગેવાનોનો સફાયો કર્યો હતો.
નક્સલવાદીઓ વિરુદ્ધ આજે પણ તેઓ જંગ ખેલી રહ્યા છે. તેમનો ખાત્મો બોલાવવા રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આવનારા ભવિષ્યમાં તેઓ એ વાત ચોક્કસ લખશે, પરંતુ આવા જ દેશદ્રોહી ચંદનચોર વીરપ્પનનો પણ તેમણે સફાયો કર્યો હતો અને તેના પર તેમણે આત્મકથાત્મક શૈલીમાં પુસ્તક લખ્યું છે તેની વાત ‚ંવાડાં ઊભાં કરી દે તેવી છે.
ત્રણ રાજ્યોને આવરી લેતા ૧૨૦૦ ચો. કિ.મી. ના ક્ષેત્રફળનાં જંગલોમાં સુખડચોરીમાં જેની આણ પ્રવર્તતી અને આશરે સવાસો માનવીઓની હત્યા જેના નામે ચઢી હતી અને જેના શિર સાટે
રૂ. પાંચ કરોડનું ઇનામ જાહેર કરાયું’તું તેવા ખૂંખાર બ્રેન્ડિટને વિષય લઈ લખાયેલા આ પુસ્તકમાં બે વ્યાપક ઘટનાક્રમવાળાં નિ‚પણો સમાવાયાં છે. તેમાં એકની શરૂઆત તમિળનાડુ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)નું વડપણ સંભાળી લેવા સ્વ. જયલલિતાએ ’૦૧ના જૂનમાં કરેલા ફોનની વાતચીતથી થાય છે અને બીજાની શરૂઆત થાય છે ’૯૨ના શરૂના માસના શ્રેણીબદ્ધ ફલેશબેક્સથી, જ્યારે પોતે નામીચા બેન્ડિટ સાથેના ટકરાવ-એન્કાઉન્ટર્સને મનોગત સ્મરે છે કે સાથીકર્મીઓ સાથેની વાતચીતમાં ઉલ્લેખે છે. બેઉ નેરેટીવ્ઝ પુસ્તકમાં પછીથી સંધાઈ જાય છે. સક્રિય પોલીસકર્મીઓ, ઝડપાયેલા બેન્ડિટ્સ, શાતીર ખબરીઓના કથનો-એનેકડોટ્સ તેમાં છે. ઉપરાંત ‘યોગી ઈન કેમોફ્લેજ’ તરીકે ઓળખાવાયેલા ઇન્સ્પેક્ટર કુરુપસામી પાસે કેવી કેવી ઘટનાના સરવાળે વીરપ્પન બેન્ડિટ બન્યો તેની અને તેના માનસમાં ડોકિયું કરતી અનેક વાતો લેખકને જાણવા મળી.
શંકા-વહેમથી અલિપ્ત રહેલા લેખક, બેશક શ્રદ્ધાળુ છે. કૉલેજમાં શેક્સપિયર, મિલ્ટન, થોમસ હાર્ડી ભણતા તે દિવસોથી લોર્ડ અયપ્પાની નાનીશી તસવીર વોલેટમાં હંમેશા રાખતા વિજયકુમાર આશરે પાંત્રીસેક વાર સબરીમાલાનાં દર્શનાર્થે જઈ આવેલા છે અને અયપ્પાના ચુસ્ત ભક્ત હોઈ દર્શન જવા પૂર્વે કડક શિસ્ત પાળતા આવ્યા છે. તે દિવસોમાં ડ્રિન્ક લેવું ટાળે છે. વીરપ્પનને પોઢાડી દીધાની ખુશાલીના નિમિત્તે સુધ્ધાં બે માસ સુધી ડ્રિન્કથી દૂર રહેલા. પ્રતીકાત્મક મહત્ત્વ ધરાવતી બીજી તસવીરની વાત (અયપ્પાની તસવીર પેઠે) તેઓ વીરપ્પનની ય તસવીર જોડે હંમેશા રાખતા, તેને જીવતો યા મૂઓ જેર કરવાના મિશનની યાદ અપાવવા અને છેવટે બેન્ડિટને ખત્મ કરવા સાથે તે ફેંકી દઈ રાહતનો દમ લીધો, અન્યથા એ તસવીર તેમના માટે આલ્બેટ્રોસ સમી વધુ ને વધુ બની રહી હતી. એ ભારેખમ તસવીર ફંગોળી દીધી તેમ ’૦૪ના ૧૮ ઑક્ટોબરે વિજયકુમારે બેન્ડિટને લગતી ફાઈલ પણ ક્લોઝ કરી નાખી, પણ તેનો ખાત્મો કરવાની પળોનું ફલેશ બેક જોઈએ તો, તે દિવસે રાતે ૧૦ કલાક ૫૦ મિનિટના સુમારે, ધરમપુરથી ૧૨ કિ.મી. દૂર પાડી ખાતે જંગલ વિસ્તારમાંથી વીરપ્પન અને તેના ૩ સાથીઓને જંગલમાંથી પ્રલોભિત કરી કિલ એરીઆમાં ખેંચી લાવ્યા બાદ, વીસ મિનિટ ચાલેલી ગોળીવર્ષામાં ૨૪ પોલીસકર્મીઓએ વીરપ્પન અને ૩ સાથીઓને લઈ જતા વાહન ઉપર કુલ ૩૩૮ બુલેટ્સ છોડી હતી, પણ તેમાંની ત્રણ જ વીરપ્પનને પકડી શકી એમ બેલિસ્ટિક નિષ્ણાતો જણાવે છે. તે ઘટના પછી ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે તે વેળા બાવનની વયનો વીરપ્પન પચીસની વયના યુવા જેવું સ્ફૂર્તિલું શરીર ધરાવતો હતો !
બેન્ડિટના માથે અલબત્ત પાંચ કરોડનું ઇનામ જાહેર હતું પણ તેના વિશે બાતમી મેળવવા મામલે મળતી હતાશાની એક ઝાંખી એક સંવાદમાં જોવા મળે છે. પોલીસ અફસર એક ગ્રામજન પાસેથી બેન્ડિટ વિશે બાતમી ઓકાવવા દાણા નાખે છે. વીરપ્પનના માથે ‚રૂ. પાંચ કરોડનું ઇનામ છે, તેને શોધી આપવામાં મદદ કરો, તમને ય પૈસા મળશે. રૂ. પાંચ કરોડની રકમનો તાગ ન મેળવી શકતો. અભણ પશુપાલક બકરીના સંદર્ભમાં સમજાવતાં કર્મી તેને કહે એક બકરી ‚રૂ. અઢી હજારની થાય, આટલાં નાણાંમાં વીસ હજાર બકરીઓ ખરીદી શકાય. પેલો ગ્રામજન કહે આટલી બધી બકરીઓનું હું શું કરું ? સંભાળી ય ન શકું, ના ભાઈ ના. આ મારું કામ નહીં ! તેઓ કહે છે વીરપ્પન ગેરિલા પ્રયુક્તિઓ અપનાવતો છતાં તેને માઓવાદી સાથે ન સરખાવી શકાય. એક તબક્કે તો પ્રજાનો તેની તરફનો ઝુકાવ એ હદનો કે (અમારું કામ કઢાવવા) તેઓનાં મન જીતવા પડે. વીરપ્પન જેવાને જંગલમાંની તેની બોડમાં ખોળવો એ ઘાસની ગંજીમાંથી સોય ખોળવા જેવું અત્યંત જટીલ મિશન હોઈ, એસટીએફને હંમેશા જોઈતો સપોર્ટ ન મળી શકવા બાબતેના તેમના આક્રોશ અને ખિન્નતા અછત નથી રહેતાં. એક જગ્યાએ તેઓ લખે છે ફોર્સને ઘણે મોડે સુધી હેલિકોપ્ટર યુક્ત સહયોગ ન મળ્યો, જો એસટીએફ અને હેલિકોપ્ટરો અને ડ્રોનનું બેકઅપ હોત તો બોડામલાઈના પટ્ટામાં જ બેન્ડિટની આગેકૂચ રોકી દઈ શકાઈ હોત અને સંખ્યાબંધ મોત નિવારી શકાયાં હોત. ’૦૧માં, રૂ. ૭૦ લાખના ખર્ચવાળી એસટીએફની હેલિકોપ્ટર ઓપરેશનવાળી કારવાઈ, તુમારશાહીના વાંકે ક્લીઅરન્સ ન મળી શકતાં સાકાર ન થઈ શકી. એ સંદર્ભે તેઓ લખે છે કે તાલીમ માટે હેલિકોપ્ટર ઉડાડવા મેળવવું સરળ, પણ (દળના) ઓપરેશન માટે મંજૂરી મેળવવા લાંબો અને કડાકૂટભર્યો રુટ લેવાનું જ‚રી રહેતું.
વિજયકુમારે આમુખમાં જ લખ્યું છે કે ઓપરેશનલ ગુપ્તતા જાળવવા અને સંવેદનશીલ મિશનોમાં સંકળાયેલાઓની ઓળખ રક્ષણ મેં ઇરાદાપૂર્વક જ ઘટનાક્રમને ધૂંધળો-બ્લર્ડ-બનાવ્યો છે, વિગતો ગોપિત રાખી છે અને ટાઈમલાઈનને ગૂંચવી મારી છે. જો કે અમુક ફેરફાર તદ્દન બારીક છદ્મતાભર્યા છે. દા.ત. પુસ્તકમાં ધાર્મિક કટ્ટરવાદી જૂથના આગેવાન દામાનીનો ઉલ્લેખ કરાયો છે, જેની મદદ વીરપ્પનની ગેંગમાં પેસવાને લેવાઈ હતી. આ ‘દામાની’, દક્ષિણ ભારતનાં કેટલાંક શહેરોમાં બોમ્બધડાકા કરવા સબબ કોઈમ્બતૂર સેન્ટ્રલ જેલમાં કેદ હતો. આ દામાનીને, તે જ જેલમાં કેદ વીરપ્પનના મોટા ભાઈ મધૈયનને એમ કહેવા જણાવાયું હતું કે વીરપ્પનની ગેંગને મદદરૂપ થવાને થોડા ખૂંખાર શખ્સો તે મોકલે. નબળા સ્નાયુઓ અને હાડકાની બીમારીથી પીડાતા મૌદાનીની જેમ ‘દામાની’ને પણ આ બીમારીથી પીડાતો બતાવાયો છે. (જો કે એ અરસામાં જેલમાં અબ્દુલ નસીર મૌદાની બંદી હોવાના સમાચારથી વાકેફ વાચકો મૌદાની અને ‘દામાની’નાં નામો વચ્ચેના આ શબ્દચાતુર્યથી સામ્ય પામી જશે.)
આ છે વિરપ્પનને ઝેર કરનારા વીર અધિકારીની કહાની. નકસલવાદ વિરુદ્ધની લડાઈમાં પણ વિજયકુમારનો વિજય થાય તેવી શુભેચ્છા...