પુત્રી મરિયમ નવાઝની તાજપોશી કરશે નવાઝ શરીફ ?

    ૦૨-જૂન-૨૦૧૭

પાકિસ્તાનમાં ગમે ત્યારે સત્તા પરિવર્તન થઈ શકે છે. નવાઝ શરીફનું જવું નક્કી છે અને એમની પુત્રી મરિયમની તાજપોશી થાય તો નવાઈ નહીં. પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન નવાઝ શરીફ પનામા પેપર કેસ બાબતે ચારે તરફથી ઘેરાયેલા છે. ભારતીય વેપારી જિંદાલ સાથે તેમની મુલાકાતનું પ્રયોજન શું હતું એ જણાવવું એમના માટે મુશ્કેલ બની રહ્યું છે. પાકિસ્તાનના વકીલોએ સરકાર સામે આંદોલન છેડ્યું છે. નવાઝ શરીફનું સિંહાસન ડામાડોળ થઈ રહ્યું છે. સરકાર અને સેના વચ્ચે વિખવાદ જગાવનારી ડોન લિક્સની કથા ૨૦૧૬ની ૧૬મી ઑક્ટોબરથી શરૂ થઈ. પાકિસ્તાનના અખબાર ડોનમાં સાઈરન અલમિડા દ્વારા પ્રકાશિત એક લેખમાં આખો ઘટનાક્રમ આપવામાં આવ્યો છે કે ૨૦૧૬ની ૧૩મી ઑક્ટોબરે સરકાર અને લશ્કરના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ, જેમાં લશ્કરે સરકાર પર આરોપ લગાડ્યો છે કે કેટલાક સંગઠનો પ્રત્યે સરકારનું વલણ નરમ અને સહાનુભૂતિભર્યું રહ્યું, જેને લીધે પાકિસ્તાનની બદનામી થઈ રહી છે. એથી પાકિસ્તાન વિશ્ર્વમાં એકલું અને નબળું પડી રહ્યું છે. પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ આ પ્રકારનો અહેવાલ સાંખી ન શકાય. એથી પાકિસ્તાનના સમ્માન પર આઘાત થવો સ્વાભાવિક છે. લશ્કરે હવે એને પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવી દીધો છે. નવાઝ શરીફને પૂછવામાં આવ્યું છે કે લશ્કર વિરુદ્ધ આ પ્રકારનો અહેવાલ કેવી રીતે પ્રકાશિત થઈ ગયો ? શરૂઆતમાં નવાઝ શરીફે આ વાત રફેદફે કરવાની ઘણી કોશિશ કરી. નવાઝ શરીફે એ વાતનું ખંડન કર્યું કે એ બનાવટી રિપોર્ટ જાણી જોઈને પ્રકાશિત કરાયો હતો. વાસ્તવમાં તો એમ કહેવાઈ રહ્યું છે કે નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે લશ્કર વિરુદ્ધ આ અહેવાલ પ્રકાશિત કરાવ્યો હતો, કારણ કે મરિયમ નવાઝ વડાપ્રધાન કાર્યાલયમાં મીડિયા સેલની સર્વેસર્વા છે. પોતાની પુત્રીને બચાવવા નવાઝ શરીફે સૂચના પ્રધાન પરવેઝ રશીદને પદભ્રષ્ટ કરી દીધા છે અને તપાસ માટે સાત સભ્યોની તપાસ સમિતિ નીમી આ સમાચાર ડોન અખબારમાં પ્રકાશિત કેવી રીતે થયા અને આ સંપૂર્ણ કિસ્સા માટે જવાબદાર કોણ છે એ જાણવાનો સમિતિનો હેતુ હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ, લશ્કરી ગુપ્તચર અને ઇન્ટેલિજન્સ બ્યુરોના સભ્ય પણ એમાં સામેલ હતા. નવાઝ શરીફે સમિતિ એટલા માટે નીમી હતી કે એનો અહેવાલ આવે ત્યાં સુધીમાં લશ્કરના વડા જનરલ રાહિલ શરીફ એમના પદ પરથી સેવાનિવૃત્ત થઈ જાય. ઉપરોક્ત ઘટના પછી બે વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની અવહેલના કરી પોતાના નિકટવર્તી જનરલ કમર જાવેદને સરસેનાપતિ બનાવી દીધા. નવાઝ શરીફ ભૂલી ગયા કે પાકિસ્તાનના લશ્કરી વડા કોઈના હામી નથી હોતા, બલ્કે લશ્કરના પદને ગરિમા આપનારા અધિકારી હોય છે. સમિતિનો તપાસ અહેવાલ સામે આવ્યો તો એમના દ્વારા પસંદ કરાયેલા અધિકારીઓમાંથી એકને પસંદ કરીને નવાઝ શરીફે પોતાના સહાયક, વિદેશ મંત્રાલયના સાથી તારિક ફાતિમીને એમના પદ પરથી હટાવી દીધા અને પ્રિન્સિપલ ઇન્ફોર્મેશન ઓફિસર રાવ તેહસીનને બદલીને એક નોટિફિકેશન બહાર પાડી દીધું. પરવેઝ રશીદની જેમ તારિક ફાતિમીને પણ બલીનો બકરો બનાવી દેવાયા. નવાઝ શરીફ દરેક મામલે વરિષ્ઠતા અને અનુભવની અવહેલના કરીને પોતાને સાથીઓને બચાવવાની ચિંતામાં લીન છે. એમને એ વાતની કંઈ પડી નથી કે એથી લશ્કરની શાખને કેટલું નુકસાન પહોંચી રહ્યું છે અને જેમની વરિષ્ઠતા દાવ પર લગાડીને તેઓ મનફાવે એમ વર્તી રહ્યા છે એની ઝાળ આગળ જતાં કેટલી જોખમી નીવડી શકે છે. ન્યૂઝ લિક્સના તપાસ અહેવાલ પર નવાઝ શરીફના કાર્યવાહીવાળા નોટિફિકેશનને રદ કરી દેવાયું છે. નવાઝ શરીફ પોતાના સાથીઓને બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ લશ્કરે ન્યૂઝ લિક્સના તપાસ અહેવાલ પર નવાઝ શરીફના નોટિફિકેશન જ રદ કરી દીધું છે. લશ્કરનો આ જવાબ નવાઝ શરીફને મોંઘો પડી શકે છે. નવાઝ શરીફ જો જાહેરાત પાછી લે તો એમની મુસીબત ઓર વધી શકે છે. ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન (આઈએસપીઆર)ના ડી. જી. મેજર જનરલ આસિફ બફૂરે ૨૦૧૭ની ૨૯મી એપ્રિલે નોટિફિકેશન દ્વારા કહ્યું કે પાકિસ્તાનનું લશ્કર ન્યૂઝ લિક્સની તપાસ જાતે કરવા તૈયાર છે. લશ્કરના મતે તપાસ અહેવાલમાં પૂરું સત્ય સામે આવ્યું નથી. લશ્કર પૂર્ણ સત્ય જાણવા માગે છે. કોઈપણ દેશમાં સરકારના નિર્ણય અને આદેશો લશ્કર દ્વારા પડકારવામાં આવતા નથી. પાકિસ્તાની લશ્કરના નિર્ણયો સામે ત્યાંની સરકાર લાચાર છે. જનરલ પરવેઝ મુશર્રફે કારગિલ યુદ્ધ શરૂ કરવા માટે એ સમયે નવાઝ સરકાર પાસેથી ન તો મંજૂરી લીધી હતી અને ન તો સરકારે કારગિલ યુદ્ધ છેડવા માટે કોઈ આદેશ આપ્યો હતો. એટલે કે પાકિસ્તાની લશ્કરના વડા હોવાને નાતે જનરલ પરવેઝ મુશર્રફે પોતાના સંપર્કના બળે કારગિલ યુદ્ધ છેડ્યું હતું. આ રીતે લશ્કરના વડા દ્વારા સરકારની મંજૂરી વગર પાડોશી દેશ સામે યુદ્ધ શરૂ કરવાનું ઉદાહરણ કોઈ અન્ય દેશમાં જોવા નથી મળતું.
આજકાલ પાકિસ્તાનનાં અખબારોમાં એવી અટકળો વ્યક્ત થઈ રહી છે કે નજીકના ભવિષ્યમાં નવાઝ શરીફ પોતાની પુત્રી મરિયમના હાથમાં સત્તાનાં સૂત્ર સોંપી દેવાના છે. નવાઝ શરીફ મરિયમને વડાપ્રધાન પદે નિયુક્ત કરી દેશે તો શું પોતે રાજકીય સંન્યાસ લઈ લેશે ? કારણ કે જો પુત્રીને વડાપ્રધાન પદે નિયુક્ત કરીને પોતે પ્રમુખપદે બિરાજમાન થઈ જાય તો વિશ્ર્વ માટે એ એક હાસ્યાસ્પદ ઘટના હશે. પોતાના પક્ષના અધ્યક્ષ બનીને તેઓ જરૂર કેટલાક દિવસ વીતાવી શકે પરંતુ એમની સ્થિતિ હાસ્યાસ્પદ થઈ જશે. મરિયમ જો બેનઝીરની શૈલીમાં કારભાર ચલાવે તો એ પણ એક પિતાની ગરિમાને યોગ્ય નહીં હોય. એ પછી જો લશ્કર જોરાવર બનીને મરિયમને પદભ્રષ્ટ કરી દે તો એ સ્થિતિ પણ બાપ અને બેટી માટે અનુકૂળ નહીં હોય. મરિયમના હાથમાં સત્તા આવ્યા પછી નવાઝ શરીફ માટે રાજકારણમાંથી સંન્યાસ લેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. મરિયમ જ્યારે નેતાપદ સંભાળશે ત્યારે તેમનું અસલી વ્યક્તિત્વ સામે આવશે. પરંતુ એક વાત નક્કી છે કે હવે નવાઝના પ્રસ્થાનના અને મરિયમના રાજકારણમાં પ્રવેશના પગરવ સંભળાઈ રહ્યા છે.