એન.ડી.એ. શાસનના ત્રણ વર્ષ : આલોચનાઓ વચ્ચે વિકાસની હરણફાળ

    ૦૨-જૂન-૨૦૧૭


 

હિલેરી અને તેનસીંગે હિમાલયની ટોચ પર પહોંચી સફળતા મેળવી તે વિશ્ર્વ માટે અચંબો પમાડે તેવી અને તેમના માટે સુખદ ક્ષણો હતી. આ સિદ્ધિ પછી તેમણે અન્ય પ્રવાસીઓ માટે આદર્શ બનવાનું હતું ? ચૂંટણીઓમાં પ્રચંડ વિજય તથા સફળતા મેળવી શ્રી મોદીને પ્રધાનમંત્રી બની, નિયમ પ્રમાણે ૫ વર્ષમાં ત્યાં જ રહી, સુખદ ક્ષણો ભોગવવાની નહીં. પ્રજાતંત્રમાં, લોકસંગ્રહ માટે અવિરત પ્રયાસો આદરી સુરાજ્ય સ્થાપવા માટે સતત મહેનત કરવાની હતી. આદર્શ પરિવાર તો ખરો જ, છેવાડાના માનવી સુધી સરકાર પહોંચાડી, તેનું જીવનસ્તર ઊંચુ લાવવાનું ભગીરથ કાર્ય કરવા માટેનો જ આ જનમત હતો.
ત્રણ વર્ષ પૂરા થયા. વિપક્ષ, ગેરમાર્ગે દોરાયેલ મીડિયા, પડોશી દેશનો આતંક તથા બીન-ભાજપી રાજ્ય સરકારોની અવળચંડાઈને બાદ કરતાં, ‘મોદી’ની વાહ-વાહ રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રિય ક્ષેત્રે ઉડીને આંખે વળગે તેવી છે. સ્ટ્રેટેજીક પ્લાનીંગ કહો કે ‘મોદી’ને એનકેશ કરવાની ભાજપ દ્વારા વૃત્તિ, રાજ્યોની ચૂંટણી સભાઓ ગજવતાં ‘મોદી’ને લોકોએ ખોબે-ખોબા મત આપી, કોંગ્રેસ પાસેથી ખેરવી લઈ, રાજ્યો ભાજપાને સોંપ્યા છે. ઉત્તરપ્રદેશનું સૌથી વિશાળ રાજ્ય તેનો આદર્શ નમૂનો. હરિયાણા, ઉત્તરાખંડ, આસામ વિ. ગણ્યા ગણાય નહીં તેવી સ્થિતિ રાજકીય હાર પામવાવાળી પ્રાદેશિક કે રાષ્ટ્રિય પાર્ટીઓની છે.
સિત્તેર વર્ષ પછીથી વિપક્ષને મળેલી સ્થિર સરકાર તથા ૩૯% કરતાં વધારે મત મેળવી, લોકસભામાં જંગી બહુમતી સાથે આવેલી સરકાર માટે વિપક્ષોએ ચૂંટણી પહેલાં કે પછીથી કરેલા ધમપછાડા છે માત્ર તેમને થકવ્યા છે. પ્રધાનમંત્રી વગર રજાએ અરનબ ગોસ્વામીની ભાષામાં વડાપ્રધાન સુવે છે ખરા ? ઓછામાં ઓછી ઊંઘ લઈને, વિદેશ પ્રવાસોમાં ટાઈમ મેનેજમેન્ટ એક્સેલ કરીને, મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના સિધ્ધાંતને વરીને, સબકા સાથ સબકા વિકાસના સૂત્રને આગળ વધારતાં, ભારતીયોમાં અનેરા-અદમ્ય ઉત્સાહનું સિંચન કરી આગળ વધી રહ્યાં છે. ચાણક્ય રાહે વિપક્ષોને રાજકીય પછડાટ આપી આગળ વધતા પ્રતિસ્પર્ધી માટે, વિપક્ષ કદી સારું ન બોલી શકે, છતાં પ્રધાનમંત્રીજીએ ‘મન કી બાત’માં આલોચના કરવાવાળા લોકોનો પણ આભાર માની, જરૂર હશે ત્યાં સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે તેમ ખેલદીલીપૂર્વક કહ્યું છે.
૭%થી વધારે જીડીપી ગ્રોથ આંતરરાષ્ટ્રિય સંબંધોમાં સુધારણા સાથે ચોક્કસ નીતિ, આંતરિક સુરક્ષામાં મૂળભૂત બદલાવ, હુલ્લડો તથા કોમી રમખાણોમાં સંપૂર્ણ કાબુ, સ્વચ્છ ભારત અભિયાન દ્વારા દેશમાં બદલાવ, બે કરોડથી વધારે ગ્રામ્ય કુટુંબોને એલપીજીની સવલત જેમાં તેટલા જ લોકોએ સબસીડી છોડી, મેઈક ઈન ઈન્ડિઆ, ડિજીટલ ઈન્ડિઆ દ્વારા ઔદ્યોગિક ક્રાંતિનું નવું સોપાન, કેશલેસ ઈકોનોમી દ્વારા આર્થિક ક્ષેત્રે અનેકવિધ આયામો, સરકારની સ્વચ્છ છબી, ગ્રામ્ય ભારતમાં કૃષિ સિંચાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સુક્ધયા સમૃદ્ધિ યોજના વિ. દ્વારા સૌનું જીવનસ્તર ઉંચુ લાવવાના સઘન પ્રયત્નો વિગેરે સિદ્ધીઓ જનમાનસમાં અને હૃદયમાં વસી છે. ૨૮.૬૩ કરોડ જન ધન ખાતાઓમાં રૂ. ૬૪૩૬૪ કરોડ ‚પિયા જમા થયા, જેના ૨૨ કરોડથી વધારે લાભાર્થીઓ છે. એમએસએમઈના ૩.૬ કરોડ યુનિટ્સમાં ૮ કરોડથી વધુ રોજગારી હાલ મળેલી જ છે.
૧ જુલાઈ, ૨૦૧૭થી સમગ્ર ભારતમાં ગુડ્સ તથા સર્વિસ ટેક્સ લાગુ કરવાથી જીવન જરૂરિયાતની અનેક ચીજોના ભાવ ઘટવાની સંભાવના છે. દેશનું સમગ્ર સંચાલન જોતાં એક્સેલેન્ટનું રેટીંગ જરૂર મળે. જે અન્વયે પ્રધાનમંત્રી પોપ્યુલારીટી રેટીંગ ૮૧% જેટલું છે. એન્ટીઈનકમ્બન્સીની તો વાત જ જુદી, ફારૂક અબ્દુલ્લા જેવા પીઢ રાજનીતિજ્ઞના હિસાબે ૨૦૧૯માં તો ‘મોદી’ જ. ૨૦૨૪ માટે જ વિપક્ષે વિચારવું તેવું યે સ્પષ્ટ જણાવ્યું છે. છતાંય ભારતમાં અનડિકલેર ઈમરજન્સી કહી, મુસ્લિમોને સેકન્ડ ક્લાસ સીટીઝન્સ તરીકેની ફિલિંગ્સ, દલિતોને મુખ્ય પ્રવાહથી અલગ કરવાના પ્રયાસો વિગેરે માટે વિપક્ષ અવારનવાર ચોકઠા ગોઠવે છે અને ‘હાર’થી નિરાશ થયા વગર એકધાર્યા આક્ષેપો કરે છે. લોકતંત્રમાં ન્યાયપાલિકા સહિત અનેક સ્વાયત્ત સંસ્થાઓ, સરકારી કામગીરીને ય આજ નજરે નીહાળી. તેમના પ્રિવ્યુમાં આવતા દરેક પ્રાવધાનોને સંપૂર્ણ ન્યાય આપવા સજ્જ હોય છે. વિપક્ષ પાસે ન તો શેડો કેબિનેટ છે, ન સરકારી અભિગમને કાઉન્ટર કરવા માટેના ઠોસ મુદ્દાઓ. પૂર્વ નાણામંત્રી શ્રી ચિદમ્બરમ્ની કેટલીયે આલોચનાઓમાં ક્યાંક વજુદ હોય તો સરકાર, સરકારી રાહે જ તેને એડ્રેસ કરવામાં સક્ષમ છે પરંતુ સરકારમાં રહી, કુટુંબીજનોને ફાયદો કરાવતા નિર્ણયો કર્યા હોય તેમાં સીબીઆઈ પાછળ પડે ત્યારે, વિક્ટીમ બની સહાનુભૂતિ મેળવવા લખાયેલ મુસદ્દાઓનું વજુદ તદ્દન નહીવત રહે તે ખ્યાલ પણ રાખવો રહ્યો.
દેશભક્તોની સરકાર, માતૃભૂમિની સેવામાં, સમગ્ર પ્રજાજનોના હિત અર્થે જ કામ કરી શકે. આવનારા વર્ષોમાં ગતિ, મતિ, રતિ. એક રહે તે જ અભ્યર્થના.