હવે ઈસાઈઓ પણ પાકિસ્તાનને અલવિદા કરી રહ્યા છે

    ૦૨-જૂન-૨૦૧૭

પાકિસ્તાન લઘુમતી હિન્દુઓ અને ઈસાઈઓ માટે કબ્રસ્તાન બની ગયું છે. ત્યાંના કટ્ટરવાદીઓના પ્રથમ નિશાન હિન્દુઓ હતા, હવે ઈસાઈઓ છે. પરિણામે જીવ બચાવવા અહીંના ઈસાઈઓ પાકિસ્તાન છોડી શ્રીલંકા અને થાઈલેન્ડ તરફ ભાગી રહ્યા છે. પ્રસ્તુત છે આ અંગે વિશેષ અહેવાલ...
તમે આઝાદ છો. પાકિસ્તાનના રાજમાં પોતાના મંદિરે જવા માટે, પોતાની મસ્જિદમાં જવા માટે કે પછી પોતાના કોઈપણ ધર્મસ્થળમાં જવા માટે તમે કોઈપણ મજહબ, જાતિ કે વિશ્ર્વાસ સાથે સંબંધ ધરાવો છો. તેનાથી પાકિસ્તાનને કોઈ જ ફરક પડતો નથી. આ શબ્દો હતા ૧૧ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ પાકિસ્તાની સંવિધાન સભાને સંબોધતા મોહમ્મદ અલી જીણાના. આ ભાષણ પરથી એટલું તો કહી શકાય કે તેઓ ભલે અલગ પાકિસ્તાન ઇચ્છતા હતા, પરંતુ તેમનાં સ્વપ્નોનું પાકિસ્તાન એક બિનસાંપ્રદાયિક પાકિસ્તાન હતું. જ્યાં દરેક વ્યક્તિ પોતાનાં ધર્મ, આસ્થા મુજબ જીવવા માટે સ્વતંત્ર હોય, પરંતુ થોડાક જ સમયમાં તમામ લઘુમતીઓને અપાયેલ આ વચન માત્ર ફરેબ સાબિત થયું. આઝાદી તો દૂર પાકિસ્તાન ત્યાંના લઘુમતીઓ માટે સાક્ષાત્ નરક સાબિત થયું. જ્યાં ઇસ્લામ સિવાય બાકીના તમામનું જીવવું દોજખ સમાન બની ગયું. લોકો કહેવા લાગ્યા પાકિસ્તાન બિનમુસ્લિમો માટે કબ્રસ્તાન બની રહ્યું છે. પહેલાં મુસ્લિમોના જુલ્મોને કારણે હજારો હિન્દુ ભારતમાં શરણ લેવા મજબૂર બન્યા અને હવે વધી રહેલા અત્યાચાર અને ભેદભાવને કારણે ઈસાઈઓ પણ પાકિસ્તાન છોડવા મજબૂર બન્યા છે. પાકિસ્તાનના ઈસાઈઓ હવે વહેલામાં વહેલી તકે પાકિસ્તાન છોડી થાઈલેન્ડ, શ્રીલંકા જેવા દેશોમાં વસી જવા માંગે છે, કારણ કે અહીંના કટ્ટરવાદીઓ ઈશનિંદાનો ઉપયોગ કરી તેમનું નામો-નિશાન મિટાવી દેવા માંગે છે. ગત વર્ષે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના ગઢ ગણાતા લાહોરમાં એક બગીચામાં આત્મઘાતી હુમલો થયો, જ્યાં ઈસાઈ તહેવાર ઈસ્ટરની રજા માણી રહેલા ૭૨ લોકોના ફુરચા બોલાઈ ગયા. જો કે તેમાં માત્ર ૧૪ ઈસાઈનાં મૃત્યુ થયાં. બાકીના તમામ મુસ્લિમો હતા. ડિસેમ્બર ૨૦૧૪ બાદ પાકિસ્તાનમાં થયેલો આ સૌથી મોટો હુમલો હતો. તેમાં મરનાર ભલે મુસ્લિમો વધુ હતા, પરંતુ નિશાન તો ઈસાઈઓ જ હતા.
પાકિસ્તાની તાલિબાનની એક પાંખ એવા જમાતઉલ અહરારે હુમલાની જવાબદારી સ્વીકારતાં કહ્યું હતું કે, અમારું નિશાન માત્ર ઈસાઈઓ જ હતા અને પ્રધાનમંત્રી નવાઝ શરીફને સંદેશો આપવા માંગતા હતા કે અમે લાહોર સુધી પહોંચી ગયા છીએ. પાકિસ્તાનમાં ઈસાઈઓ પર આ પ્રકારનો આત્મઘાતી હુમલો નવો નથી. હાલનાં વર્ષોમાં ઈસાઈઓને નિશાન બનાવી અનેક હુમલાઓની ઘટનાઓ બની છે. માર્ચ ૨૦૧૫માં જ લાહોરના અનેક ચર્ચમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં ૧૪ લોકો માર્યા ગયા હતા અને ૭૦ ઘાયલ થયા હતા, ૨૦૧૩માં પેશાવરમાં થયેલા બે આત્મઘાતી હુમલામાં ૮૦ ઈસાઈઓ માર્યા ગયા હતા. ૨૦૦૯માં પંજાબના ગોઝરા વિસ્તારમાં મુસલમાન ટોળાએ ઈસાઈઓનાં ૪૦ ઘરોને ભડકે બાળ્યાં હતાં, જેમાં આઠ ઈસાઈઓ ભડથું બની ગયા હતા. આ સિવાય પણ ઈસાઈઓ પર નાના-મોટા હુમલાઓ થતા જ રહે છે.
જાણકારો મુજબ પાકિસ્તાનમાં ઈસાઈઓને પશ્ર્ચિમના સમર્થક માનવામાં આવે છે અને પશ્ર્ચિમના દેશોની ઇસ્લામ સામેની કોઈપણ પ્રકારની કાર્યવાહીનો બદલો અહીંના ઈસાઈઓ પર હુમલા કરી લેવામાં આવે છે. વિશ્ર્લેષકો માને છે કે ૧૧ સપ્ટેમ્બર અને ત્યાર બાદ ઈસાઈઓ પર હુમલા વધ્યા છે. અગાઉ ઈસાઈઓ પર હુમલા થતા હતા, પરંતુ એકલદોકલ અને એ પણ વ્યક્તિગત. ઉપરથી અહીંના ઈશનિંદા કાયદાએ અહીંના લઘુમતીઓનું જીવવું હરામ કરી નાખ્યું છે. જિયા ઉલ હકે આ કાયદામાં સંશોધન કરી મોતની સજાની જોગવાઈ કરી દેવામાં આવી હતી. હવે આ કાયદાને એક હથિયાર તરીકે લઘુમતીઓ ખાસ કરીને ઈસાઈઓ સામે મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ કાયદામાં અનેક ખામીઓનો છે જ પરંતુ મોટી સમસ્યા એ છે કે, જેના પર સાચી ખોટી રીતે આ કાયદો લાગી જાય તેના વિરુદ્ધ સામાજિક ભાવના એ હદે ભડકી ઊઠે છે કે નિર્દોષ સાબિત થવા છતાં તેના પર સતત કટ્ટરવાદી વિચારધારા મૂળિયાં સુધી પ્રસરી ચૂકી છે. ૧૯૯૦ બાદ અનેક ઈસાઈઓને કુરાનનું અપમાન અને પેંગમ્બરની નિંદા કરવાના આરોપ હેઠળ સજા થઈ ચૂકી છે.
૨૦૦૫માં કુરાન સળગાવવાની અફવા બાદ પાકિસ્તાનના ફૈસલાબાદના ઈસાઈઓને પોતાનાં ઘરબાર છોડી ભાગવું પડ્યું હતું. હિંસક ટોળાએ ઈસાઈઓના પ્રાર્થનાસ્થળ અને શિક્ષણ સંસ્થાઓને આગને હવાલે કરી દીધી હતી. નોંધપાત્ર વાત એ છે કે, ઈસાઈઓ સામે ઈશનિંદાના આરોપો વ્યક્તિગત નફરત પ્રેરિત હતા. ૨૦૧૨માં રિશ્મા મશીહ નામની એક ઈસાઈ વિદ્યાર્થિનીને સૌપ્રથમ વખત ઇશનિંદાના આરોપમાં નિર્દોષ જાહેર કરાઈ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, એક સ્થાનિક મૌલવીએ તેને ખોટી રીતે ઈશનિંદાના કાયદામાં ફસાવી હતી. આ બધામાં સૌથી ચર્ચિત દાખલો આયશા બીબીનો છે ૨૦૧૦માં કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા બહેસ દરમિયાન તેને ઈશનિંદાના આરોપમાં ફસાવી દેવામાં આવી હતી. પંજાબનાં તત્કાલીન ગવર્નરે પણ સ્વીકાર્યું હતું કે આયશાને ખોટી રીતે ફસાવવામાં આવી છે. તેમની આ વાત કટ્ટરવાદીઓને પચી નહીં અને તેમના જ અંગરક્ષક મુમતાજ કાદરીએ તેમને ગોળી મારી હત્યા કરી દીધી. કાદરીને આ આરોપ હેઠળ જ્યારે ફાંસી થઈ તો ૩૦થી ૪૦ હજારનાં ટોળા સડકો પર ઊતરી આવ્યાં હતાં અને મુમતાજ કાદરીને શહીદ જાહેર કરી તેનું સ્મારક બનાવવાની માંગણી કરી હતી. પાકિસ્તાનમાં ઈશનિંદા કાનૂનનો જેટલો દુરુપયોગ થયો છે તેટલો દુરુપયોગ અન્ય કોઈ જ દેશમાં થયો નથી. સલમાન તાસિર આ કાયદાને બદલવા માંગતા હતા અને તેમણે પીડિત મહિલાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ પાકિસ્તાનમાં કોઈ સલમાન તાસીરને શહીદ જાહેર કરી તેમનું સ્મારક બનાવવાની વાત કરતું નથી.
ઈશનિંદાના આરોપોનો શિકાર માત્ર હિન્દુ-ઈસાઈઓ જ નહીં મુસ્લિમો પણ થાય છે. પાકિસ્તાનના લઘુમતી બાબતોના પૂર્વ મંત્રી અને ઈસાઈ નેતા શાહબાઝ ભટ્ટીની તાલિબાન દ્વારા ઈશનિંદાના કાયદાનો વિરોધ કરવાને લઈને જ ૨૦૧૧માં હત્યા કરી દીધી હતી પાકિસ્તાનમાં લઘુમતીઓને કેટલી હદે અપમાનિત કરવામાં આવે છે. તેનો દાખલો ખૈબરપખ્તુન્વા વિસ્તારમાં સફાઈકર્મીઓ માટેની નોકરીની જાહેરાત છે. આ જાહેરખબરમાં ૧૦૦ ટકા જગ્યાઓ લઘુમતીઓ માટે આરક્ષિત કરવાની વાત કરાઈ હતી. ઇશારો સ્પષ્ટ છે કે પાકિસ્તાનના લઘુમતીઓએ પોતાને ગંદકી સાફ કરવા પૂરતા જ સીમિત રાખવાના છે. આ બાબત લઘુમતીઓ પ્રત્યે ત્યાંના સમાજનું વલણ સ્પષ્ટ કરે છે. આવી જ રીતે આ વર્ષે સ્થાનિક નિગમની ચૂંટણીમાં ઇસ્લામાબાદની એક આખી ઈસાઈ વસ્તીને હટાવી દેવાઈ, કારણ કે પ્રશાસનને ડર હતો કે ત્યાં રહેતા ઈસાઈ સમાજના લોકો મુસ્લિમ વિસ્તારોનું વસ્તી સંતુલન બગાડી દેશે. કમનસીબ વાત એ છે કે, લઘુમતીઓ પરના પારાવાર અત્યાચાર છતાં ત્યાં ન તો કોઈ આની વિરુદ્ધ મોં ખોલે છે કે ન તો અવાજ ઉઠાવે છે.
પાકિસ્તાનના ઈસાઈઓ જીવ બચાવવા થાઈલેન્ડ ભાગી રહ્યા છે. જ્યાં તેઓને જેલમાં પૂરી દેવાય છે. એક બિન સરકારી સંગઠન ચર્ચ વર્લ્ડ સર્વિસનું માનીએ તો સેકડો પાકિસ્તાની ઈસાઈઓએ થાઈલેન્ડ અને શ્રીલંકામાં શરણ માટે અરજી કરી છે. પાકિસ્તાન સરકાર અહીંના કટ્ટરવાદી જનમાનસ સામે એટલી તો લાચાર છે કે તે લઘુમતીઓને ન્યાય અપાવવા માટેનાં પ્રભાવી પગલાં ભરવામાં સદંતર નિષ્ફળ રહી છે. એવામાં ઈસાઈઓ પાસે પાકિસ્તાન છોડ્યા સિવાય અન્ય કોઈ જ વિકલ્પ બચ્યો નથી.