ચહેરા પર ૬૦ હજાર મધમાખીઓ

    ૦૨-જૂન-૨૦૧૭

કેરળના ત્રિચૂરમાં નેચર એમ.એસ. નામનો ખરેખરો પ્રકૃતિપ્રેમી યુવાન રહે છે. ૨૧ વર્ષના આ યુવાનને મધમાખીઓમાં જબ્બર રસ છે. એટલે સુધી કે તે પોતાના શરીર પર મધમાખીઓનું ઝુંડ બેસાડી શકે છે. માત્ર પોતાના ચહેરા પર જ તે ૬૦ હજારથી પણ વધુ મધમાખીઓ રાખીને આરામથી પુસ્તક વાંચતો ઊભો રહે છે. એ દરમ્યાન મધમાખીઓ તેને દંશ પણ દેતી નથી. તેના કહેવા પ્રમાણે મધમાખીઓ તેને હળવું કરડે છે, જેમાં તેને મજા પડે છે. દરઅસલ આ યુવાનના પિતા સંજયકુમાર ઍવોર્ડ વિનિંગ બીકીપર અને હનીમેકર છે, એટલે દીકરાને મધમાખીઓ પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યો છે. માત્ર પાંચ જ વર્ષની ઉંમરથી તે મધમાખીઓ સાથે રમતો થઈ ગયેલો. પછી તો તેને એમાં એવી મહારત આવી ગઈ કે તેણે જાહેર સ્ટન્ટ પણ કરવા માંડ્યા. અત્યારે તે એગ્રીકલ્ચરમાં બીકીપીંગના વિષય પર ડૉક્ટરેટ કરવાનું વિચારી રહ્યો છે. સાથોસાથ તેનો પરિવાર મધમાખી ઉછેર કેન્દ્ર પણ ચલાવે છે. તેમની પાસે ૬૦ હજાર મધમાખીઓનું એક એવા ૧૫૦૦ બૉક્સ ભરીને મધમાખીઓ છે.

સ્માર્ટ ફોનની કિંમત ૨.૩ કરોડ : હેલિકોપ્ટર દ્વારા ડિલિવરી

લક્ઝરી ફોન નિર્માતા કંપની વર્તુએ ૨.૩ કરોડ ‚પિયાનો સ્માર્ટફોન લોન્ચ કર્યો. ફોનની બોર્ડર ઉપર કોબ્રા સાપની ડિઝાઇન બનાવાઈ છે. આ ડિઝાઇન ૪૩૯ રૂબીના ટુકડાઓ દ્વારા બનાવાય છે. જ્યારે સાપની આંખોમાં પન્ના ફીટ કરાયા છે. રીપોર્ટ મુજબ ફોનના ૩૮૮ પાર્ટસ યુકેમાં એસેમ્બલ થયા છે, જ્યારે વર્તુએ માત્ર ૮ પાર્ટસ બનાવ્યા છે. આ ફોન ચાઈનીઝ વેબસાઈટ ઉપરથી ૧૪૫ ડૉલરના પ્રી ઑર્ડરથી બુક કરાવી શકાય છે. કુલ પેમેન્ટ બાદ આ ‘વર્તુ સિગ્નેચર કોબ્રા’ ફોનની હેલિકોપ્ટર દ્વારા ડિલિવરી કરાશે.


આ છે વિશ્ર્વનું સૌથી હરિયાળું ફૂટબોલ ગ્રાઉન્ડ

સામાન્ય રીતે ફૂટબોલ ગ્રાઉન્ડ પર લીલું ઘાસ હોય અને આસપાસ સિમેન્ટનું સ્ટેડિયમ હોય, પરંતુ મલેશિયાના સાબાહના જંગલમાં આવેલા એક નાનકડા ફૂટબોલ ગ્રાઉન્ડની વાત તદ્દન અલગ છે. આ ગ્રાઉન્ડની ચારેય બાજુએથી લઈને દૂર-દૂર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી એકદમ ઘટ્ટ લીલોતરી ફેલાયેલી છે. દરઅસલ આ ગ્રાઉન્ડ ચારેય બાજુએ ડુંગરાઓથી ઘેરાયેલું છે. વળી ત્યાંના વિસ્તારમાં વેલા પ્રકારની વનસ્પતિઓ થાય છે જે ફટાફટ વધે છે અને પોતાના માર્ગમાં આવતી તમામ વસ્તુઓને વીંટળાઈ વળે છે. ત્યાંની નજીકની સ્કૂલના વિદ્યાર્થીઓ પંદરેક મીનિટનું ટ્રેકીંગ કરીને આ ગ્રાઉન્ડ સુધી પહોંચી જાય છે, પરંતુ કોઈ નાનકડું વાહન લઈને ત્યાં જવું હોય તો ખાસ્સા ત્રણેક કલાક જાય છે. મોટાં વાહનો તો ત્યાં પહોંચી જ શકતાં નથી, કેમ કે રસ્તા વિનાનો ખડકાળ પ્રદેશ હોવા ઉપરાંત ત્યાં વચ્ચે એક નદી પણ ક્રોસ કરવાની રહે છે. નજીકની સ્કૂલના એક શિક્ષકે ડ્રોનથી લીધેલી આ અનોખા ગ્રાઉન્ડની તસવીર માત્ર બે જ દિવસમાં પ્રચંડ વાઈરલ થઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ એની નોંધ લીધી છે.


૮૦૦ રૂપિયામાં નકલી સમજીને ખરીદેલી વીંટી ૨.૯૩ કરોડની નીકળી

બગાસું ખાતાં પતાસું જ નહીં, આખેઆખું મોંઘુંદાટ ડિઝર્ટ મોંમાં આવીને પડે એ આનું નામ. આજથી ત્રણેક દાયકા પહેલાં લંડનની વેસ્ટ મિડલસેક્સ હૉસ્પિટલમાં જાતભાતની જૂની વસ્તુઓનું એક સેલ લાગેલું. એક દંપતીને એમાં નાનકડી હીરાની વીંટી ગમી ગઈ. એ વીંટી તેમણે દસ પાઉન્ડ એટલે કે અત્યારના લગભગ ૮૦૦ ‚પિયા આપીને ખરીદી લીધી. ત્રીસ વર્ષ સુધી એ વીંટી પહેર્યા બાદ તે બહેનને થયું કે હવે એને વેચીને બીજું કંઈક ખરીદીએ. જ્વેલરી શોપમાં ગયા ત્યારે તેમને ખબર પડી કે આ વીંટીમાં રહેલો હીરો તો સાચો છે અને વીંટીની કિંમત ક્યાંય વધારે છે. ચેકિંગ માટે એને અમેરિકન મેજોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં પણ મોકલવામાં આવી. ત્યાંથી સ્પષ્ટ વાત બહાર આવી કે ૨૬.૨૭ કેરેટનો ઓશીકા આકારનો એ હીરો એકદમ રિયલ છે અને એ છેક ઓગણીસમી સદીમાં કટ કરવામાં આવ્યો હતો. હવે આગામી દિવસોમાં સોધબીઝ ઓક્શન હાઉસ દ્વારા એની હરાજી કરાશે ત્યારે આ હીરો એટલીસ્ટ ૨.૯૩ કરોડ રૂપિયા ખેંચી લાવશે. સલામતીનાં કારણોસર એ દંપતીનું નામ જાહેર નથી કરાયું.

પાંચ વર્ષના ટેણિયાએ ૪.૬૨ લાખની ચલણી નોટ ફાડી નાખી

ચીનના શેનડોંગ પ્રાંતના કિંગડાઓ શહેરમાં રહેતા ગાઓ અટક ધરાવતા પરિવારને પોતાના પરાક્રમી પુત્રનો બરાબરનો પરચો મળી ગયો. બન્યું એવું કે માતા-પિતા પોતાના પાંચ વર્ષના ટેણિયાને ઘરે એકલો મૂકીને થોડી વાર માટે કોઈ કામે બહાર ગયાં. એકલો પડ્યો એટલે ટેણિયાએ પોતાની જેમ્સ બોન્ડગીરી ચાલુ કરી દીધી. ખાંખાંખોળા કરતાં તેને પોતાના પપ્પાએ રાખી મૂકેલી ચલણી નોટો મળી આવી. થોડા સમય પછી જ્યારે માતા-પિતા ઘરે આવ્યાં ત્યારે તેમને આખા જન્મારાનો સૌથી મોટો આઘાત લાગ્યો, કેમ કે તેમના ચિરંજીવીએ બધી જ ચલણી નોટો ફાડી નાખેલી. આ રીતે તેણે પચાસ હજાર યુઆન એટલે કે લગભગ ૪.૬૨ લાખ રૂપિયાની નોટોનું કચુંબર કરી નાખેલું. આ નોટો પિતાએ લીધેલી લોનની રકમ હતી. ફાટેલી નોટો બદલાવવા પિતા બેન્કમાં ગયા તો બેન્કના અધિકારીઓએ કહ્યું કે તેઓ નોટો બદલી આપશે, પરંતુ એ પહેલાં તેમને બધી નોટો જોડી આપવી પડશે. સતત બે દિવસ સુધી પિતાશ્રી સાચકલી નોટોની જિગ્સો પઝલ રમતાં બેઠા પરંતુ અમુક નોટોના ટુકડા એટલા નાના હતા કે જોડવા અશક્ય બની ગયેલા. હવે એ નોટોનું શું થશે એ ઈશ્ર્વર જાણે.

સાઉથ કોરિયામાં યોજાય છે કશું જ ન કરવાની સ્પર્ધા

અમુક ચોક્કસ સમયમાં અથવા તો અન્ય લોકો કરતાં સારી રીતે કશુંક કરી બતાવવાનું હોય એને જ સ્પર્ધા કહેવાય, રાઈટ ? પરંતુ સાઉથ કોરિયાની રાજધાની સોલમાં દર વર્ષે સ્પેસ આઉટ નામની એક સ્પર્ધા યોજાય છે. લેટેસ્ટ આવૃત્તિ હમણાં થોડા દિવસ પહેલાં જ યોજાઈ ગઈ.
એમાં ભાગ લેનારા સ્પર્ધકોએ કશું જ કર્યાં વિના બેસી રહેવાનું કે જાગતા સૂઈ રહેવાનું. નિર્ણાયકો દર પંદર મિનિટે સ્પર્ધકોના હૃદયના ધબકારા ચેક કરે. જેમના ધબકારમાં ફેરફાર થયો હોય અથવા જેઓ અકળાઈ ઊઠ્યા હોય તેઓ આપોઆપ સ્પર્ધમાંથી બાકાત થતા જાય. આ રીતે સ્પર્ધા લગભગ દોઢ કલાક સુધી ચાલે છે. આખી દુનિયામાં ઇન્ટરનેટનો તથા સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ ધરાવતા સાઉથ કોરિયામાં લોકો સ્માર્ટફોનના ભયંકર બંધાણી બની ગયા છે. એમાંથી તેમને છોડાવવા માટે જ આવી અનોખી સ્પર્ધા યોજવાની શ‚આત થઈ છે. સ્પર્ધાને અંતે સૌને કહ્યા વિના એક મેસેજ મળી જાય છે કે દોઢેક કલાક સુધી તમે તમારા ફોનમાં વોટ્સએપ વગેરેના નોટિફિકેશન્સ ચેક નહીં કરો તો કંઈ આકાશ તૂટી પડવાનું નથી.


આ છોકરાના શરીરમાં રબર છે કે હાડકાં ?

સુરતમાં યશ શાહ નામનો ૧૮ વર્ષનો એક યુવાન રહે છે. તેનું શરીર એવી ફ્લેક્સિબિલીટી ધરાવે છે કે એ જોઈને આપણને પહેલો સવાલ એ થાય કે આના શરીરમાં હાડકાં છે કે રબર ? તે પોતાનું માથું અને માથા સાથેનું આખું ધડ ઘુવડની જેમ એકદમ પાછળ ૧૮૦ ડિગ્રીએ ઘુમાવી શકે છે એટલું જ નહીં તે પોતાના પગને આગળની તરફ વાળીને છેક પોતાની છાતીએ અડકાડી શકે છે. આ ઉપરાંત પોતાના પગને પોતાના માથા પરથી પસાર કરી દેવા કે પછી આપણને અરેરાટી થઈ જાય એ રીતે પોતાના પગના બંને અંગુઠાને પૂરેપૂરા બેવડ વાળી દેવા એ યશ માટે રમત વાત છે. તેના આવા પરાક્રમને કારણે તેને યાર-દોસ્તોમાં રબરમેનનું બિરુદ પણ મળી ગયું છે. પોતાના દાદાની પ્રેરણાથી યશે ટીવી અને ઇન્ટરનેટ પરથી શીખી-શીખીને પોતાના શરીરને આ રીતે વળી શકે એમ કેળવ્યું છે. કોન્ટોર્નિઝમ તરીકે ઓળખાતી આ કળામાં માહેર અમેરિકન આર્ટિસ્ટ ડેનિયલ બ્રાઉનિંગ સ્મિથ પાસેથી યશે ભરપૂર પ્રેરણા લીધી છે. કોન્ટોર્નિઝમની કળા અત્યંત જોખમી હોય છે કેમ કે એમાં સ્નાયુઓને પોતાના સ્થાનેથી ઇરાદાપૂર્વક ખસેડવા પડે છે. જો કે યશની ઇચ્છા છે કે તે હજી વધુ મહેનત કરીને વિશ્ર્વનો સૌથી ફ્લેક્સિબલ માણસ બને.

૨૬ કરોડ ‚રૂપિયામાં વેચાશે ચંદ્રની ધૂળ

આગામી દિવસોમાં સોધબીઝ ઓક્શન હાઉસ દ્વારા એક નાનકડી થેલી ભરીને ધૂળ હરાજીમાં મુકાવાની છે. આ ધૂળ એટલીસ્ટ ૨૬ કરોડ રૂપિયા રળી લાવશે એવી આશા રખાઈ રહી છે. એનું કારણ એ છે કે આ ધૂળ પૃથ્વીની નહીં બલકે છે. ૧૯૬૯માં પહેલી સફળ સમાનવ ચંદ્રયાત્રા વખતે ખુદ નીલ આર્મસ્ટ્રોન્ગ આ ધૂળને થેલીમાં ભરીને પૃથ્વી પર લાવ્યા હતા, પરંતુ વિધિની વક્રતા જુઓ. આર્મસ્ટ્રોન્ગે અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસાને આ થેલી આપી દીધી પછી નાસા પોતે પણ દાયકાઓ સુધી એને ભૂલી ગયું. પછી એક વખત અંતરિક્ષને લગતી અન્ય વસ્તુઓની સાથોસાથ એ ધૂળ પણ વેચાઈ ગઈ. નેન્સી કાર્લસન નામે શિકાગોની એક વકીલે આ ધૂળને ૬૪ હજાર રૂપિયા આપીને ખરીદી લીધી. એ પછી નાસાને પોતાની ભૂલ સમજાઈ. એટલે નાસાએ નેન્સી વિરુદ્ધ કોર્ટમાં કેસ કરીને એ ચંદ્રની ધૂળ પાછી માગી. ખાસ્સી કાનૂની લડાઈ પછી હમણાં ફેબ્રુઆરીમાં કોર્ટે નેન્સીની તરફેણમાં ચુકાદો આપ્યો. નાસા જો કે હજી યે આ ધૂળ રાષ્ટ્રની સંપત્તિ હોવાનું કહે છે, પરંતુ નેન્સી હવે નાસાને ડિંગો બતાવીને પ્રચંડ કિંમતે આ ધૂળ વેચશે. અલબત્ત તે એમાંથી અમુક રકમ દાનમાં આપી દેવાની છે.