રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – ગુજરાત પ્રાંત - પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગ સમાપન સમારોહ...

    ૦૨-જૂન-૨૦૧૭


હિંમતનગર અને ભાવનગર ખાતે સંપન્ન

હિંમતનગર સંઘ શિક્ષાવર્ગ સમારોપમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સહ પ્રાન્ત કાર્યવાહ શ્રી કિશોરભાઈ મુંગલપરાનું ઉદ્બોધન


સંઘ દ્વારા સજ્જનશક્તિને સક્રિય કરવાનું કામ થઈ રહ્યું છે

હાલનાં સમયે માત્ર ગુજરાતના જ ૧,૦૦૦ જેટલાં શિક્ષાર્થીઓ આ પ્રકારનું પ્રશિક્ષણ લઈ રહ્યાં છે. સંઘકાર્યની શરૂઆત થયે ૯ દાયકાઓ પસાર થઈ ગયાં છે ત્યારે સ્વાભાવિક છે કે, જેમ વ્યક્તિ યુવાન થાય અને પરિવાર તેની પાસે જે પ્રકારની અપેક્ષાઓ રાખે તેમજ સમાજ પણ સંઘ પાસે અપેક્ષાઓ રાખી રહ્યો છે. સંઘનાં પ્રારંભકાળની એવી સ્થિતિ હતી કે, હિન્દુ - હિન્દુ એક થઈ જ ન શકે. હિન્દુઓ માટે કહેવાતું કે, પાંચ હિન્દુઓ એક સાથે ત્યારે જ ચાલે જ્યારે પાંચમો તેમનાં ખભા પર સૂતેલો હોય. નાગપુરમાં જ્યારે સંઘકાર્યનો પ્રારંભ થયો ત્યારે પૂનામાં જ લોકો કહેતા કે નાગપુરનાં સંતરા અહીં નહીં વેચાય, પરંતુ ધીમે ધીમે સંઘકાર્ય વિસ્તરતું ગયું અને દેશભરમાં નાના-નાના સ્વ‚પની અંદર તેનો પ્રારંભ થતો ગયો અને સંઘશક્તિ વધતી ગઈ. દેશમાં સ્વતંત્રતા મળી અને દેશનું વિભાજન થયું ત્યારે દેશના સીમાંત પ્રાંતોની અંદર જે અત્યાચારો શ‚ થયાં ત્યારે સંઘના રાહત કૅમ્પો, સેવા અને સહાયતાને કારણે જનમાનસ પર સંઘની એક વિશિષ્ટ છાપ ઉપસી. પરિણામે રાજકીય ક્ષેત્રમાં રહેલા લોકોનાં મનમાં ડર ઉત્પન્ન થયો કે રખેને રા. સ્વ. સંઘ રાજનીતિમાં આવી ગયો તો તેમની સ્થિતિ કફોડી બની જશે પરિણામે સંઘ પર વિવિધ આક્ષેપોની પરંપરા ચાલી. સંઘ પર પુરાણપંથી, કોમવાદી મુસ્લિમ વિરોધી હોવાના આરોપ લગાવાયાં. આપણા શાસ્ત્રોમાં અનેક વખત ઉલ્લેખ આવે છે કે, જ્યારે કોઈ ઋષિની તપસ્યાથી ઈન્દ્રનું ઈન્દ્રાસન ભયમાં મૂકાયું છે, ત્યારે ઈન્દ્ર દ્વારા તેમની તપસ્યા ભંગ કરવાનાં પ્રયાસો થયા છે. સંઘની બાબતે પણ આમ જ થયું, છતાં સંઘ દેશભક્તિ નાગરિકોનાં નિર્માણ અને હિન્દુઓને સંગઠિત કરવાનાં પોતાનાં લક્ષ્યને વળગી રહ્યો. પરિણામે સંઘ ધીમે-ધીમે સમાજમાં પ્રસ્થાપિત, સ્વીકૃત થતો ગયો અને સમાજ જીવનનાં દરેક ક્ષેત્રમાં સંઘનાં સ્વયંસેવકો કાર્ય કરતાં થયાં. કિસાન ક્ષેત્ર હોય, આરોગ્ય, રાજકીય ક્ષેત્રથી માંડી આધ્યાત્મિકક્ષેત્ર સુધી દરેક ક્ષેત્રે હિન્દુ સંસ્કૃતિનાં વિચારને કેન્દ્રમાં રાખી કાર્ય શરૂ કર્યું આજે આ સંગઠનો સમાજમાં શીર્ષસ્થાને છે. સંઘ આનાથી પણ આગળ વિચારી રહ્યો છે. સંઘ માને છે કે જ્યાં સુધી આ પ્રકારનાં કાર્યોને સમાજ તરફથી સ્વિકાર્યતા મળતી નથી ત્યાં સુધી તેમાં સંપૂર્ણ સફળતા મળી શકતી નથી. એ જ વિચાર સનાતન સંસ્કૃતિનો વિચાર છે, તેને આધારે જ સંઘકાર્ય ચાલી રહ્યું છે. આપણા એ જ સનાતન સંસ્કૃતિનાં વિચારને ધ્યાનમાં રાખી સંઘે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય શરૂ કર્યું વ્યસનમુક્તિ, ગોસેવા, ગોસંરક્ષણ, સામાજિક સમરસતા, ગ્રામવિકાસ અને ધર્મજાગરણની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે અને સંઘના આ કાર્યોનો કોઈ જ વિરોધ ન કરી શકે. પછી ભલે તે કોઈ પણ પરમાત્મામાં માનતો ન હોય !
એક સમયે દેશમાં કેટલીક ચોક્કસ વિચારધારાના લોકો ખુદને પ્રગતિશીલ તરીકે ઓળખાવતાં, જ્યારે હિન્દુ-સનાતન સંસ્કૃતિને પુરાણપંથી ‚ઢિવાદી ગણી ઉતારી પાડતાં, પરંતુ ડાર્વિને કહ્યું છે તેમ, ‘જે સમયાનુસાર હશે તે ટકશે, નહીં હોય તે નાશ પામશે. બરોબર એ જ પ્રમાણે આજે જે લોકો એક સમયે પોતાને પ્રગતિવાદી ગણાવતાં હતાં તે લોકો જ દેશમાંથી અને દુનિયામાંથી ધીરે ધીરે નષ્ટ થઈ રહ્યાં છે, જ્યારે આજે આપણી હિન્દુ શાશ્ર્વત વિચારધારા વધુને વધુ મજબૂત બની રહી છે, તેના મૂળમાં આપણી એ વિચારધારાનું શાશ્ર્વત હોવું છે. આપણી એ વિચારધારા સનાતન કાળથી આપણાં લોહીમાં વણાયેલી છે. ત્યાગીને ભોગવવાની આપણી પરંપરા શાશ્ર્વત છે.’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે આ શાશ્ર્વત સ્વરૂપનું કામ કરી રહ્યો છે, જેમ સૂર્યનારાયણ પોતાના સૂર્યપ્રકાશ થકી સૃષ્ટિને ચેતનવંતી બનાવે છે બરોબર એ જ રીતે સંઘ દ્વારા પોતાના પ્રકલ્પો થકી સમાજને ચેતનવંતો બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે. હાલ દેશભરમાં સંઘ દ્વારા પોણા બે લાખ જેટલા વિવિધ સેવાપ્રકલ્પો ચાલી રહ્યાં છે. સ્વાવલંબન, મહિલા ઉત્થાન, શિક્ષણ, રોજગારી, સંસ્કારકેન્દ્રો, આરોગ્યકેન્દ્રો, સુરક્ષા સહિતના અનેક ક્ષેત્રે સંઘકાર્ય થઈ રહ્યું છે અને આ સંઘકાર્યોનો આધાર સ્વયંસેવકોની કાર્યશક્તિ છે.
રા. સ્વ. સંઘને અલગ-અલગ નજરે જોવાની મૂલવવાની લોકોને આદત છે. સંઘને વારંવાર મુસ્લિમવિરોધી તરીકે ચિતરવાના પ્રયાસો થાય છે, પરંતુ હકીકત તો એ છે કે, સંઘમાં પ્રારંભથી માંડી આજદિન સુધી કોઈનો વિરોધ કે દુશ્મનાવટને સ્થાન નથી. હિન્દુ સમાજને સંગઠિત બનાવી હિન્દુ શક્તિ નિર્માણ કરવી એ જ સંઘનો એક માત્ર ઉદ્દેશ્ય રહ્યો છે.
સંઘને લઈ અહીં આપણે મુસ્લિમ માનસિકતા સમજવાની જ‚ર છે. એક સમયે દેશમાં મુસ્લિમોનું રાજ હતું. દેશને સ્વતંત્રતા મળ્યા બાદ ભારતમાં લોકશાહી રાજ આવ્યું, પરિણામે કેટલાક લોકોએ મુસ્લિમોને લાગ્યું કે, હવે હિન્દુઓ આપણાં પર રાજ કરશે અને ગુલામ બનાવશે. પરિણામે મુસ્લિમોમાં અલગાવવાદ ભડક્યો. આ જ અલગાવવાદમાં મુસ્લિમ સમાજ આજે પણ જીવી રહ્યો છે. પરિણામે દેશમાં આતંકવાદ, સીમા ભંગ, લવજેહાદ સહિત વિવિધ સ્વરૂપે આતંકવાદ ફેલાયેલો છે. આ અલગાવવાદ ભારતને દારુલ હરબમાંથી દારુલ-ઈસ્લામમાં ફેરવવા માંગે છે.
બીજી તરફ દેશમાં માઓવાદ-નક્સલવાદી વિચારધારા પણ ઠીક-ઠીક પ્રમાણમાં શક્તિશાળી બની છે. નેપાળના પશુપતિનાથથી માંડી આંધ્રપ્રદેશ સુધી રેડબેલ્ટ ઊભો કર્યો છે, તો સામ્યવાદી ચીન પણ સિલ્ક‚ટ જેવી યોજના થકી ભારત માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. દેશના અનેક વિસ્તારોમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા સેવાના સફેદ અંચળા હેઠળ મતાંતરણના કુટિલ પ્રયાસો થઈ રહ્યાં છે અને મતાંતરણ દ્વારાં રાષ્ટ્રાંતરણનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. સંઘ દ્વારા દેશની આ વર્તમાન પરિસ્થિતિને સમજીને જ સમાજજાગરણ-સેવાજાગરણના કાર્યો થઈ રહ્યાં છે.
સંઘની આ નિર્દોષ સેવાભાવના અંગે દેશના તમામ રાજકીય પક્ષો જાણે છે, પરંતુ ક્યારેક ક્યારેક તેમના રાજકીય અસ્તિત્વ સામે જોખમ જણાતાં તેઓ સંઘને નિશાન બનાવી તેનો વિરોધ કરે છે, પરંતુ તેમનો આ વિરોધ ભ્રામક અને પાયાવિહોણો સાબિત થયો છે, કારણ કે સંઘનો વિચાર એ સ્વામી વિવેકાનંદજીનો વિચાર છે. સંઘના આ કાર્યની સમજ દેશની સજ્જન શક્તિની સમજમાં આવે. દેશનું માર્ગદર્શન કરનાર બૌદ્ધિકોની સમજમાં આવે. જાતિબિરાદરીનાં આગેવાનો અને સંતસમાજને સમજમાં આવે અને સંઘના સ્વયંસેવકો અને કાર્યકર્તાઓની સમજમાં પણ આવે તો જ તેનું નિશ્ર્ચિત પરિણામ મેળવી શકાશે.
બાબાસાહેબ આંબેડકરે સ્વતંત્રતા, સમતા અને બંધુતાની વાત કરી છે. સ્વતંત્રતા આવવી ત્યારે જ શક્ય છે જ્યારે સમતા પેદા થાય અને સમતા હોય તો જ સ્વતંત્રતા ટકે, પરંતુ સ્વતંત્રતા અને સમતાને ટકાવી રાખવા માટે બંધુતા જ‚રી છે અને આ બંધુતા નિર્માણ કરવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા થઈ રહ્યું છે. સમાજની અંદર સમતા ઉત્પન્ન થવી તે ખૂબ જ જરૂરી છે. મહારાણા પ્રતાપ જ્યારે અરવલ્લીની પહાડીઓમાં ઈસ્લામિક ત્રાસમાંથી દેશની જનતાને મુક્તિ અપાવવા યુદ્ધે ચડ્યાં હતાં ત્યારે તેમને સહયોગ તુળજાભીલ નામના એક વનવાસીએ કર્યો હતો અને આ વાત કેટલાક સેંકડો વર્ષ પહેલાની જ છે. ભગવાન શ્રીરામે વનવાસીઓ, કેવટો અને ભીલોને સાથે રાખીને પુન: રામ રાજ્યની સ્થાપના કરી હતી. આમ સમતા એ તો આપણા લોહીમાં, ધર્મનાં વણાયેલી છે અને રા. સ્વ. સંઘ પણ આ જ કાર્ય કરી રહ્યો છે. ‘સર્વે હિન્દુ સહોદરા’ અને ‘ન હિન્દુ પતિતો ભવેત્’ના આધારે નિર્માણ કાર્ય સંઘ દ્વારા થઈ રહ્યું છે.
સંઘ પ્રત્યે વિવિધ ભ્રમો પેદા કરી દેશમાં-સમાજમાં અલગાવવાદ નિર્માણ કરવાની સમસ્યાનો ઉકેલ તૃષ્ટિકરણ વગરની લોકશાહીના રક્ષણ થકી જ શક્ય છે, પરંતુ દુ:ખની વાત એ છે કે, આ સમસ્યાઓનો ઉકેલ લઈ આપણને એક કુટેવ પડી ગઈ છે. સમાજમાં આ સમસ્યાઓને દૂર કરવા કામ કરે છે તેને ભગવાનતુલ્ય ગણાવી તેને સમાજસુધારકનો ઠેકો આપી દઈ બેસી રહીએ છીએ. ભ્રષ્ટાચારથી પીડિત પણ અવસર મળતા ભ્રષ્ટાચાર તો કરી જ લે છે, ત્યારે માત્ર કાયદો બનાવી દેવાથી આ પ્રકારના દૂષણોનો અંત આવી જવાનો નથી, તેના માટે મૂલ્યનિષ્ઠ બનવું પડશે, તો જ આ સમસ્યામાંથી આપણે બહાર નીકળી શકીશું. મહિલાઓ પ્રત્યે અત્યાચારો વધ્યા છે, તેમાં પણ સમાજનો દૃષ્ટિકોણ જ જવાબદાર છે. આપણે ત્યાં સ્વામી વિવેકાનંદ, શિવાજી સહિતના અમરચરિત્રોએ પોતાના આચરણ થકી આપણી સમક્ષ ઉદાહરણો આપ્યા જ છે, જરૂર છે પરિવાર થકી પ્રત્યેકમાં તેના ઘડતરની હાલ પારિવારિક સંસ્કાર ઘડતરનું કામ લગભગ બંધ થઈ ગયું છે, તેના જ પરિણામે મહિલા અત્યાચાર સહિતની સમસ્યાઓ પેદા થઈ છે. પરિવાર એ સામાજિક સુરક્ષાનું માધ્યમ છે, તેના થકી જ આપણામાં પૂર્વજોનાં ઇતિહાસ, પરાક્રમો સાંભળવા મળે છે, જેના થકી આપણામાં સામાજિક વ્યવહારનું જ્ઞાનસિંચન થાય છે.
ભારતની આ કૌટુંબિક ભાવના હવે વિદેશોમાં પણ જાગૃત થઈ રહી છે અને ધીરે-ધીરે હિન્દુ સંસ્કૃતિનું પ્રચલન વધી રહ્યું છે. વિદેશોમાં પણ હિન્દુ સંસ્કૃતિના પાઠ ભણાવવામાં આવી રહ્યાં છે, ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. આપણે તમામે સાવચેત રહેવાની જરૂર છે.
મહાત્મા ગાંધીજીએ સાત સામાજિક પાપોની વાત કરી છે. તથ્યહીન રાજનીતિ, નીતિહીન વ્યાપાર, મહેનત વગરની સંપત્તિ, ચારિત્ર્ય વગરનું જ્ઞાન, માનવતા વગરનું વિજ્ઞાન, વિવેક વગરનો ઉપયોગ અને સમર્પણ વગરની પૂજા. આ સાત સામાજિક પાપોમાંથી જો આપણે બચીશું તો આપણને આપણી સાચી સંસ્કૃતિનાં દર્શન થશે. આ સાત પાપોથી બચવા માટે દેશની સજ્જન શક્તિને સક્રિય થવાની જ‚ર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ જ દિશામાં કાર્ય કરી રહ્યો છે.
વર્તમાન સમયમાં દેશના લોકોમાં પરિવર્તનનો અનુભવ થઈ રહ્યો છે. લોકો અસંતોષની પીડામાંથી બહાર આવી રહ્યાં છે. આ અનુભવ નવોત્થાનનો પ્રારંભ છે અને આ અનુભવ સજ્જન શક્તિની સક્રિયતાને કારણે થઈ રહ્યો છે. રા. સ્વ. સંઘ તેનાં આ કાર્યમાં સંપૂર્ણ સમાજના સહયોગની અપેક્ષા રાખે છે અને તમામને આ કાર્યમાં સાંકળવાં પ્રયત્નો કરે છે. આપણે તમામ એક સાથે મળીને આ કાર્ય કરીશું તો તેમાં આપણને યશપ્રાપ્તિ થવી નિશ્ર્ચિત છે.


સ્વામી વિવેકાનંદજીનું અધૂરું કાર્ય રા. સ્વ. સંઘ દ્વારા પૂર્ણ થઈ રહ્યું છે : શ્રી મનહરભાઈ શંકરભાઈ પટેલ

સ્વામી વિવેકાનંદજીનું અધૂરું કાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પૂર્ણ થઈ રહ્યું છે. સ્વામીજીએ કહ્યું હતું કે મને ૧,૦૦૦ યોગ્ય યુવાનો મળે તો સમગ્ર દેશને બદલી નાખું, ત્યારે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હજ્જારો એવા યુવાનોનું નિર્ણાણ કરી રાષ્ટ્ર નિર્માણ અને સેવા કાર્ય કરી રહ્યો છે. અહીં આવતાં નાના-નાના બાળકો પોતાની ફી માટે પોતાનાં વાલીઓ પર નિર્ભર ન રહેતાં જાતે જ કમાઈને અહીં આવ્યાં છે. આજે દેશમાં મહારાણા પ્રતાપ, દયાનંદ સરસ્વતીજી જેવા મહાનુભાવોની જ‚ર છે અને આ પ્રકારની મહાન પ્રતિભા-વિભૂતિઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાંથી જ નિર્માણ પામશે. હાલ સમગ્ર યુવા પેઢી પર વ્યસનનો ખતરો મંડરાઈ રહ્યો છે. વર્લ્ડ સ્વાસ્થ્ય સંગઠનનાં આંકડા મુજબ રોજનાં ૩૦થી નાની વયનાં ૧,૦૦૦ યુવાનો તમાકુનાં વ્યસનથી મૃત્યુ પામે છે, ત્યારે સમાજ સામે એ યુવાનોને વ્યસન મુક્ત બનાવવાનો પડકાર છે. આપણે આપણા યુવાધનને વ્યસનમુક્ત બનાવવા સામૂહિક પ્રયાસો કરવાં પડશે.
(અમદાવાદ ઉપ ઝોન, ગાયત્રી શક્તિપીઠ અને યુગશિલ્પી ગાયત્રી શક્તિપીઠ બાયડ)

૯,૫૦૦ પરિવારો દ્વારા રોટલી-ભાખરી પૂરી પડાઈ

સંઘશિક્ષાવર્ગના ૨૦ દિવસ દરમિયાન હિંમતનગરની કુલ વસ્તીમાંથી ૪,૫૦૦ પરિવાર અને આજુબાજુના ૨૧ ગામડાંઓમાંથી ૫,૦૦૦ પરિવાર એમ મળીને કુલ ૯,૫૦૦ પરિવારો દ્વારા સવાર સાંજ રોટલી અને ભાખરી પૂરી પાડવામાં આવી હતી.


સામાન્ય વ્યવસાયીથી માંડી તબીબ ઈજનેર સુધીના સ્વયંસેવકોએ અહીં પ્રશિક્ષણ મેળવ્યું છે : 

શ્રી મહેશભાઈ પરીખ (વર્ગાધિકારી)

સંઘ શિક્ષાવર્ગ એ સહજીવનનો એક અનુભવ છે. જેમાં સવારે સવાચાર વાગ્યાથી લઈ રાતના સાડા દસ વાગ્યા સુધી શાખા, બૌદ્ધિક ચર્ચા, સેવા જેવા કાર્યોની સતત વ્યસ્તતા રહે છે. અહીં તમામ શિક્ષાર્થીઓએ ૨૦ દિવસ સુધી પરિવારને ભૂલી સાધના પરિશ્રમ કર્યો છે. એકબીજા સાથે આત્મીય વ્યવહારની અનુભૂતિ કરી છે. અને અહીં જે શિક્ષણ મળ્યું છે તે વ્યવહારિક જીવનમાં, પરિવાર સાથે સામાજિક સંબંધોમાં, રાષ્ટ્રીય કાર્યોથી માંડી વ્યક્તિગત વ્યવસાય સુધી તમામ સ્તરે ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આ બાબત એ દેશ અને સમાજના હિતમાં છે. આ વર્ગમાં ડાંગ, આહવા, વ્યારા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં સ્વયંસેવકો આવ્યા છે. ત્યારે તે તમામ લોકો અહીં મેળવેલ જ્ઞાનની છેક આંતરિયાળક્ષેત્રે સુવાસ ફેલાવશે. બીજું, અહીં સામાન્ય વ્યવસાયીથી માંડી તબીબ અને ઈજનેર સુધીના સ્વયંસેવકોએ બંધુભાવપૂર્વક એકબીજા સાથે ભાગ લીધો છે.

કેટલાય પોતાના પરિવારમાં નાના-મોટા પ્રસંગો છોડી આ રાષ્ટ્રકર્મ માટેના વર્ગમાં આવ્યા છે :શ્રી પરેશભાઈ વ્યાસ (વર્ગ કાર્યવાહ)

રા.સ્વ.સંઘ ગુજરાત પ્રાંત સંઘ શિક્ષાવગર્ર્ પ્રથમ વર્ષ અહીં હિંમતનગરમાં પ્રશિક્ષણ માટે ઉત્તર - દક્ષિણ ગુજરાતના નગરવાસી, ગીરીવાસી, રણવાસી એટલેકે ઉમરગામથી અંબાજી, સંતરામપુર સુધીના આંતરીયાળ ગામડાઓ તેમજ નાના મોટા નગરોમાંથી કુલ ૨૮૬ શિક્ષાર્થીઓ હાજર રહ્યાં હતાં. જેમાં સામાન્ય કર્મચારીથી માંડી તબીબ, ઇજનેર સુધીના તમામ શિક્ષાર્થીઓ સમરસતા ભાવથી રહ્યા હતાં. ખાસ કરીને વર્તમાન સમયમાં મોબાઈલ વગર એક ક્ષણ પણ રહી શકાતું નથી ત્યારે અહીં આવનાર તમામ શિક્ષાર્થીઓ ૨૦ દિવસ સુધી મોબાઈલ વિના સાધના કરી છે. શારીરિકની સાથે સાથે સંઘના અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર માર્ગદર્શન મળ્યાં. શ્રમ સાધના દ્વારા સેવાકાર્ય તેમજ પંચગવ્ય આધારિત ગોનાઈલ, ધૂપબત્તી, જૈવિક ખાદ્ય બનાવવાનું કૌશલ્યજ્ઞાન પણ આપવામાં આવ્યું. અહીં આવનાર કેટલાક શિક્ષાર્થીઓ તો વર્ગ પૂર્વે પોતાના ખર્ચની વ્યવસ્થા પોતાની જાતે સામાન્ય મજૂરી કરી છે. તો કેટલાય પોતાના પરિવારમાં નાના-મોટા પ્રસંગો છોડી આ રાષ્ટ્રકર્મ માટેના વર્ગમાં આવ્યા છે.

હિંમતનગર સંઘ શિક્ષા વર્ગના શિક્ષાર્થીઓના અભિપ્રાયો...

સમગ્ર સંઘશિક્ષા વર્ગ દરમિયાન ખૂબ જ સરસ અનુભવો થયા. નવા નવા મિત્રો, પ્રાંત અધિકારીઓના બૌદ્ધિકો સાંભળવા મળ્યાં. વિશેષ કરીને આ દિવસો દરમિયાન જે અનુશાસન શીખવા મળ્યું તે સામાજિક જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અહીં રા.સ્વ.સંઘને વધુ નજીકથી જાણવાનો અવસર મળ્યો.


- જીતેન્દ્ર ભીખાભાઈ કથીરિયા (સુરત)


સંઘ શિક્ષા વર્ગ દરમિયાન ૨૮૫ જેટલા શિક્ષાર્થી બંધુઓ સાથે મળીને રહ્યા છીએ ત્યારે અમે તમામ એકબીજા સાથે એવી આત્મીયતાથી જોડાઈ ગયા છીએ કે એમાના ૭૦થી ૮૦ શિક્ષાર્થી બંધુઓને તો હું નામ સાથે ઓળખું છું. અહીં સંઘ અધિકારીઓની સાથે ભારતીય પરંપરા મુજબ જમીન પર એક સાથે બસીને ભોજન, બૌદ્ધિક અને જે પ્રકારની હૂંફ અહીં મને મળી છે તે મારા જીવનનું કાયમી સંભારણું બની રહેશે.


- સંજય રાયચંદભાઈ પટેલ (પાટણ)


સંઘ શિક્ષાવર્ગમાં એની સાથે એક પંગતમાં બેસી ભોજન કરવાથી એકમેકમાં એક પ્રકારની આત્મીયતા કેળવાય છે. શિક્ષક, વર્ગાધિકારી સાથે ભોજન કરવું - ચર્ચા કરવી એક લ્હાવો છે. વિશેષ પ્રકારે જુદા જુદા વિષયો પરના બૌદ્ધિકોથી જ્ઞાનમાં ખૂબ જ વધારો થયો છે. અખિલ ભારતીય અધિકારીઓ સાથે આમને-સામને વાત કરવાનું મા‚ સ્વપ્ન આ સંઘ શિક્ષાવર્ગમાં પૂર્ણ થયું છે.

- ગણેશ દત્તુભાઈ પાટીલ (સુરત)

આ સંઘ શિક્ષાવર્ગમાં સમયપાલન, અનુશાસન, સંગઠિત રહેવાનું શીખવા મળ્યું. તમામને માનથી જ બોલાવવાની વાત હૃદયની સ્પર્શી ગઈ છે. અહીંથી સૌથી શ્રેષ્ઠ શીખ મળી હોય તો તે સંગઠિત રહેવાની છે. આમ સમગ્ર સંઘ શિક્ષાવર્ગમાં જિંદગીનો એક અલગ જ અનુભવ સાબિત થયો છે.

- મેહુલસિંહ તંવર (સુરત)


ખૂબ જ સુંદર અનુભવ. અહીં તમને દરેક ક્ષણે કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. દંડ ફેરવવા સહિતના સુરક્ષાના દાવ, જાહેરમાં કેવી રીતે વર્તવનું, એકબીજા સાથે બંધુતાપૂર્વક કેવી રીતે વર્તવું તે તમને અહીં જ શીખવા મળી શકે છે. ત્રણ વર્ષથી સંઘ સાથે જોડાયેલ છું. પ્રથમવાર પ્રબંધકનો અનુભવ મેળવવા છેક સુરતથી એકલો આવ્યો છું.


- હિંમત લાલજીભાઈ પટેલ (સુરત)


ત્રણ વર્ષ પ્રબંધક બાદ મેં પ્રાથમિક વર્ગ કર્યો. જેમાં મને સંઘ વિશે ઘણું બધું જાણવા મળ્યું. પ્રથમ વર્ષે શિક્ષિત વર્ગ મે ભૂજમાં કર્યો હતો. બાદમાં હું પ્રથમવર્ગમાં પ્રબંધક તરીકે આવવાનો અવસર મળ્યો. હવે વારંવાર શિક્ષાર્થી થવાની ખૂબ જ ઈચ્છા થાય છે. કારણ કે અહીં જે શીખવા મળે છે. તે અન્ય કોઈ જ જગ્યાએ શીખવા મળતું નથી.


- વિશાલભાઈ વિક્રમભાઈ લખવારા (વડાલી)


ભરૂચ ખાતે પ્રથમ વર્ષ વિશેષ વર્ગ

ભરૂચ ખાતે નર્મદા સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજના સંકુલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - ગુજરાત પ્રાંતના પ્રથમ વર્ષ વિશેષનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં ૪૦ થી ૬૫ વર્ષની આયુનાં શિક્ષાર્થીઓએ પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ વિશેષ વર્ગમાં ગુજરાત પ્રાંતના ૧૨ વિભાગનાં ૪૯ જિલ્લામાંથી ૧૪૬ શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો.
વિશેષ વર્ગમાં વર્ગકાર્યવાહ તરીકે શ્રી ધર્મેશભાઈ મહેતા તથા વર્ગાધિકારી તરીકે શ્રી દત્તાજી સાળુંકેએ જવાબદારી નિભાવી હતી. વર્ગનાં વાલી તરીકે શ્રી જગદીશભાઈ ચાવડા હતાં. આ વર્ગનો સમારોપ સમારોહ ૨ જૂન, ૨૦૧૭ને શુક્રવારનાં રોજ યોજાયો.
આ વિશેષ વર્ગમાં સંઘના વિવિધ સ્તરના અધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કર્યાં હતા. બૌધિક વિભાગ દ્વારા શિક્ષાર્થીઓને વિવિધ વિષયોમાં પારંગત કરવા માટે બૌધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન મનોરંજક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શારીરિક વિભાગ દ્વારા સંઘની આચાર પદ્ધતિ, રાષ્ટ્રીય રમતો અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી શિક્ષાર્થીઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.
ભરૂચ ખાતે આયોજન પામેલ વિશેષ વર્ગની વિશેષતા એ હતી કે ભ‚ચ નગરમાં ૧૩ સ્થાનો ઉપર શિક્ષાર્થીઓ તથા સંઘના પુસ્તકોનો પરિચય કરી વેચાણ કરવામાં આવ્યું હતું. સંઘના સંપર્ક વિભાગના જિલ્લા સંયોજક ડૉ. કૌશલભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર સમાજને સંઘ સાથે જોડવા માટે વિવિધ વ્યવસાયમાં જોડાયેલા અગ્રણીઓને શ્રેણી બેઠકમાં બોલાવી સંપર્ક કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં સંઘ દ્વારા ચાલતા સેવા કાર્યને પ્રત્યક્ષ નિહાળવાનો લ્હાવો શિક્ષાર્થીઓને મળ્યો હતો.
તા. ૨૮/૦૫/૨૦૧૭ના રોજ ભરૂચ જિલ્લાના વિવિધ વિભાગોમાં કામ કરતા કાર્યકર્તાઓએ શિક્ષાર્થીઓ માટે ટિફિન લાવી સાથે ભોજન લીધું હતું, જેમાં ૮૦ પરિવારોએ ભાગ લીધો હતો.
ભોજનની વ્યવસ્થામાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહેતા સ્વયંસેવકના ઘરેથી દરરોજ રોટલીઓ એકત્ર કરી વર્ગમાં લાવવામાં આવી હતી. આશરે દરરોજ ૨,૪૦૦ રોટલીઓ એકત્ર કરવામાં આવતી હતી, જે ભરૂચ જિલ્લાના સ્વયંસેવકો માટે ગૌરવની વાત છે.

ભાવનગર સંઘ શિક્ષાવર્ગ સમારોપમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રા.સ્વ.સંઘ ગુજરાત પ્રાંતના સહસંપર્ક પ્રમુખ શ્રી ડૉ. સુનીલભાઈ બોરીસાનું ઉદ્બોધન

રા.સ્વ.સંઘ વિશ્ર્વકલ્યાણનું કામ કરે છે

વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ એ આપણી સંસ્કૃતિની પરંપરા રહેલી છે. તે જ પરંપરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના વ્યવહારમાં મુકેલ છે. તેના ભાગરૂપે જ છેલ્લાં ૯૦ વર્ષથી આ વર્ગ અને સમારોપ કાર્યક્રમો યોજાય છે. સમાજ અને રાષ્ટ્રને માર્ગદર્શન પૂરૂ પાડનારા સંઘના કાર્યકર્તાઓના પ્રશિક્ષણ માટે આ પ્રકારના વર્ગોનુ આયોજન થાય છે. આજે સૌરાષ્ટ્ર વિભાગ, કચ્છ વિભાગ અને કર્ણાવતીના સ્વયંસેવકો માટે ભાવનગરની ભૂમિ પર યોજાયેલા પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગના સમાપન પ્રસંગે સૌનું અભિવાન અને સ્વાગત કરું છું.
આપણા સંતો મહંતો ઉદાહરણ આપીને દૃષ્ટાંતોથી શિષ્યોને જ્ઞાન આપતા હતા. એક ગુરુ‚એ એક દિવસ તેમના શિષ્યને પૂછ્‌યુ, ‘વત્સ, મને કહે કે સૌથી મોટુ કોણ?
‘પૃથ્વી સૌથી મોટી ગુરુ‚જી!’ શિષ્ય એ જવાબ આપ્યો.
ગુરુ‚જી કહે, ‘પણ પૃથ્વી તો શેષનાગ્ાના માથા પર ટકેલી છે!’
‘તો શેષનાગ સૌથી મોટો!’
‘એ તો ભગવાન શિવના ગળામાં બેઠા છે!’
‘એમનો નિવાસ તો કૈલાસમાં છે!’
‘તો કૈલાસ મોટો!’
‘કૈલાસને તો રાવણે ઉંચકયો હતો!’
‘ગુરુ‚જી, તો તો પછી સૌથી મોટો રાવણ થયો!’ શિષ્ય મુંઝાયો હતો.
‘રાવણનો વધ રામે કર્યો હતો બેટા!’
‘તો રામ મોટા!’ શિષ્ય બોલ્યો
‘પણ રામ તો આપણા સૌના મનમા છે ને!’ ગુરુ‚જીએ હસતા હસતા કહ્યું. શિષ્ય આશ્ર્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, ‘ગુરુજી, તો તો આપણું મન સૌથી મોટુ કહેવાય!’
ગુરુજી હસ્યા, ‘હા, બેટા! માનવીનું મન જ સૌથી મોટુ છે. માટે જ મનને કદી વિચલિત ના થવા દઈશ! મન પર વિજય પ્રાપ્ત કરજે.’
શિષ્ય અને ગુરુ‚નું આ દ્રષ્ટાંત આપણને શીખવે છે કે મન સંસ્કારી હોવું જોઈએ. અને મનને સંસ્કારી કરવાનું, સુદૃઢ કરવાનું કામ સંઘ દ્વારા આવા પ્રશિક્ષણ વર્ગો થકી વરસોથી આપવામાં આવે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ ટ્રેનીંગ જે ભણાવવામાં નથી આવતું તે છે હાર્ટ એટલે કે મનની ટ્રેનીંગ, હૃદયની ટ્રેનીંગ. જ્યાં હેન્ડ અને હેડની ટ્રેનીંગમાં હાર્ટ આવે છે , એટલે કે હાથ અને મગજની ટ્રેનીંગમાં મન-હૃદય આવે છે ત્યારે ખરૂં વ્યકિત નિર્માણ થાય છે. સંઘ આ કાર્ય કરે હૃદયપૂર્વક કરે છે.
સંઘ શું કાર્ય કરે છે તે જગજાહેર છે. તેમ છતાં કેટલાંક લોકો પૂછતાં હોય છે કે, ‘સંઘ શું કરવા માંગે છે?’
જવાબ એ છે કે, ‘સંઘ વિશ્ર્વકલ્યાણનું કામ કરે છે અને એ જ કરવા માંગે છે.’
રામાયણમાં ભગવાન શ્રી રામને વનવાસ થયો. તેમની સાથે લક્ષ્મણ અને સીતા પણ વનવાસે નીકળ્યા. ભગવાન શ્રી રામે આભુષણો અને રેશમી વસ્ત્રો દુર કરીને વલ્કલ ધારણ કર્યા છે. ભગવા વસ્ત્રો સિવાય માત્ર ધનુષ અને બાણ તેમણે તેમની સાથે લીધું હતું. આ જોઈ સીતાજી તેમને પૂછે છે કે, ‘ભગવાન આપે બધું જ ત્યજી દીધું છે ત્યારે તમારે ધનૂષ અને બાણ શું કરવા છે સાથે?’
શ્રી રામ કહે છે કે, ‘ધર્મનું અને મારા ભકતોનું રક્ષણ કરવા માટે મારે ધનૂષ અને બાણ સાથે લેવા જરૂરી છે.’
એ જ રીતે મહાભારતમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ આજ વાત કરે છે. તેઓ અર્જુનને વચન આપતા કહે છે કે, ‘જ્યારે જ્યારે ધર્મ ક્ષીણ અને દુર્બળ થાય છે ત્યારે અધર્મના ક્ષય માટે હું પુન: જન્મ ધારણ કરું છું. આ રીતે હું સાધુ, સજ્જનોની સુરક્ષા માટે યુગે યુગે પ્રગટ થાઉ છું.’ મહાભારતમાં ‘સંઘશક્તિ કલૈયુગે’ કહેવાયું છે. અર્થાત્ કળિયુગમાં સંઘ-શક્તિનો જ વિજય થશે.
સંઘનું મુળ સુત્ર છે સૌનો સમાવેશ. કોઈનો વિરોધ નહીં પરંતું બધા સાથે મિત્રતા એ જ સંઘનો મુળ મંત્ર છે.
એક વખત કોઈ વ્યકિતએ ગુરુજીની મુલાકાત લીધી. તેણે તેમને પ્રશ્ર્ન કર્યો કે, ‘ગુરુજી, એક વખત હિટલરને પૂછવામાં આવ્યુ હતું કે તમારી અપ્રતિમ સફળતાનું રહસ્ય શું છે? ત્યારે તેણે કહ્યું હતું કે એકસ્ટ્રીમ હેઈટ , એટલે કે અતિશય ધૃણા મારી સફળતાનું રહસ્ય છે. હું તમને એ જ પ્રશ્ર્ન પૂછું છુ કે તમારી સફળતાનું રહસ્ય શું છે?’
ગુરુ‚જી મર્માળુ હસ્યા અને તરત જ જવાબ આપ્યો, ‘એકસ્ટ્રીમ લવ...! સમાજ પ્રત્યેનો અમારો અવિરત પ્રેમ અમારી સફળતાનું રહસ્ય છે. આ પ્રેમ આજે પણ એ જ રીતે અવિરત વહી રહ્યો છે.
સંઘના કાર્ય સાથે સાથે શ્રી સુનિલભાઈએ વર્તમાન સમસ્યાઓ વિશે પણ વાત કરી હતી. કેરલમાં હિન્દુઓ પર અને ખાસ કરીને સંઘના સ્વયંસેવકો પર થઈ રહેલા ઘાતકી હુમલાઓની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ‘આપણા રાષ્ટ્રને તોડવા માટે આજકાલ અનેક શકિતઓ કામ કરી રહી છે. જેમાં નકસલવાદ, ઘુસણખોરી, બંગાળ અને કેરલ જેવા વિસ્તારોમાં સાંસ્કૃતિક સંગઠનો પર હુમલા, અત્યાચારો જેવી અનેક રાષ્ટ્રવિરોધી શકિતઓ દેશને તોડવાના પ્રયત્નો કરી રહી છે. કેરલ જેવા વિસ્તારોમાં સ્વયંસેવકોની હત્યાઓ થઈ રહી છે. તેમ છતાં સંઘના સ્વયંસેવકો દૃઢ નિશ્ર્ચયથી સંઘના રાષ્ટ્રકાર્યમાં જોતરાયેલા રહે છે. મૃત્યુ માથે ગાજતું હોય તો પણ તેઓ સંઘકાર્ય બંધ નથી કરતાં. હિંમત પૂર્વક દુશ્મનોનો સામનો કરીને દેશની ઉન્નતિ માટે કાર્ય કરતાં રહે છે.
બંગ્ાાળમાં દિવસને ને દિવસે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. હિદુત્વવાદી કાર્યક્રમોમાં વિઘ્ન ઉભુ કરવામાં આવે છે. બંગાળમાં ૨૪૦૦૦ ગામો છે. જેમાં ૮૦૦૦ તો એવા છે જ્યાં એક પણ હિન્દુ ઘર નથી. દુશ્મનોના ત્રાસને લીધે હિન્દુઓએ ગામ છોડી દેવા પડ્યા છે. ત્યાં હિન્દુઓની વસ્તી ઝીરો ટકા છે. આ વિસ્તારોમાં ઘુસણખોરી, મતાંતરણ, મુસ્લિમ તુષ્ટીકરણ જેવી અનેક સમસ્યાઓ છે. સંઘના સ્વયંસેવકો તન,મન અને ધનથી આ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે અને રાષ્ટ્ર કાર્યની જ્યોત પ્રજ્જવલિત રાખી રહ્યાં છે.
વિરોધીઓની આ માનસિકતા સામે સંઘ તો હંમેશ મુજબ સમરસતાથી કામ કરવા જ ધારે છે. કર્ણાવતીના એક મૌલવીએ હમણા જ કહ્યું કે, ‘હિન્દુઓ જેટલું બધાનું ધ્યાન રાખે છે તેટલું કોઈ નથી રાખતા. જ્યાં આખા ગામમાં માત્ર એક જ મુસ્લિમ ઘર હોય ત્યાં પણ એ મુસ્લિમ બંધુ સરપંચ બન્યા છે. એ હિન્દુની માનસિકતાનું જીવંત ઉદાહરણ છે.’
મહાત્મા ગાંધી વરસો પહેલાં સંઘ શિક્ષા વર્ગમાં આવ્યા હતા ત્યારે તેમણે શિક્ષાર્થીઓને તેમની જ્ઞાતિ વિશે પૂછ્યુ હતું. પણ કોઈએ હાથ ઉંચો નહોતો કર્યો. બધાએ કહ્યું હતું કે અમે હિન્દુ છીએ. સંઘ આ સમરસતામાં માને છે.
શ્રી સુનીલભાઈ બોરીસાએ આ પ્રસંગે મહાન વ્યક્તિઓને પણ યાદ કર્યા. જેમનું સહસ્ત્રાબ્દી વર્ષ ચાલે છે તેવા
પૂ. શ્રી રામાનુજાચાર્ય, ગુરુ ગોવિંદસિંહનું ૩૫૦મું પ્રકાશવર્ષ, ભગિની નિવેદીતાનું ૧૫૦મું જન્મ જયંતિ વર્ષ અને જેમનું જન્મશતી વર્ષ ચાલે તે પંડિત દિનદયાલ ઉપાધ્યાયના સ્મરણ સાથે શ્રી સુનીલભાઈએ જણાવ્યુ કે, આ મહાન વ્યકિતઓના જીવનની સર્વ સામાન્ય વાત છે સમરસતા અને એકાત્મભાવ. આ સૌના પથ પર દેશ આજે આગળ વધી રહ્યો છે.
આ પ્રસંગે શ્રી સુનીલભાઈએ સંઘ દ્વારા ચાલતા કુટુંબપ્રબોધન જેવા રાષ્ટ્રકાર્યોની પણ વિગતો આપી હતી અને જણાવ્યુ હતું કે, ‘આજે ભાવનગરમાં ૮૦૦૦ જેટલાં પરિવારોમાંથી જે રોટલી અને ભાખરીની વ્યવસ્થા કરવામાં આવી છે તે હિન્દુ સમાજનો સંઘ માટેનો તેમનો પ્રેમ છે. આવનારા દિવસોમાં આ પરિવાર દ્વારા યોગ, રક્ષાબંધન, વૃક્ષારોપણ થાય. આવી બધી બાબતોની સંઘને સમાજ પાસે અપેક્ષા હોય છે. જેથી સમાજ સમરસ બને અને રાષ્ટ્રોન્નતિ થાય.
વિશ્ર્વ શાંતિની શ‚આત કુટુંબ પ્રબોધનથી થાય છે. સાથે બેસવું, સાથે જમવું, સંવાદ કરવો એ સમાજજીવન માટે પ્રેરક છે. આપણી કુટુંબ વ્યવસ્થા સમગ્ર વિશ્ર્વને ભારતની ભેંટ છે. સમાજમાં એકતા, બંધુતા રાષ્ટ્રની પ્રગ્ાતિ માટે અનિવાર્ય છે. અને તે સમરસતાથી જ શકય બનશે. આપણે સૌ આપણા વિસ્તારમાં એકાત્મભાવને જાગ્રત કરીએ અને સમરસતા કેળવીએ. સંઘને પ્રાસંગિક સહયોગ કરીને અને સાથે સાથે દૈનંદિન શાખાને પુષ્ટ કરીએ. સંઘ વિચારને સર્વ સુધી લઈ જઈએ.
અહીંના શિક્ષાર્થીઓ બહાર જઈને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરવા માટે જોતરાવાના છે. સૌને શુભેચ્છાઓ અને અભિનંદન.

સંઘનું શિસ્ત, અનુશાસન અને આદર પ્રેમની લાગણી મને ખૂબ જ ગમે છે : પ.પૂ. શ્રી વિષ્ણુસ્વામીજી

આ સંસ્થામાં વીસ વીસ દિવસથી પ્રશિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને જોઈને મને મા‚ બાળપણ યાદ આવી ગયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજાયેલા આ સંઘ શિક્ષા વર્ગના કાર્યક્રમથી મને ખૂબ આનંદ થયો. ખાસ કરીને અહીં આવેલા શિક્ષાર્થીઓને જોઈને વધારે ખૂશી થઈ. કારણ કે આ જમાનો મોબાઈલ, કોમ્પ્યુટરનો છે. ૧૦માં અને ૧૨માં ધોરણનું આ વેકેશન છે. વિદ્યાર્થીઓ આખુ વર્ષ તનતોડ મહેનત કરી હોય. ઉજાગરા કર્યા હોય અને માંડ આ ટૂંકા વેકેશનમાં આરામ અને આનંદ કરવાનો હોય. તે ત્યજીને વિદ્યાર્થીઓ અહીં આવ્યા એ બહું જ આનંદની વાત છે. આ બધું છોડીને અહીં આવવું, વહેલાં ઉઠી પ્રશિક્ષણ મેળવવું એ ખૂબ જ અઘરી બાબત છે. આ એક પ્રકારની સાધના છે.આ સાધનામાં જોડાવું એ ઈશ્ર્વર કૃપા અને માતા-પિતાના આશિર્વાદ વિના શકય ના બને. સારા સંસ્કારો હોય તો જ આવું કરી શકાય. અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓ આ સાધના કરી શકયા છે. ઘણા જ જોમ અને જુસ્સાથી જીવન ઘડતર અને રાષ્ટ્રઘડતરના પાઠ ભણ્યા છે. આવા કારમા ઉનાળાના તાપમાં શિસ્તબદ્ધતાથી સૌ શીક્ષાર્થીઓએ પ્રશિક્ષણ મેળવ્યુ. એમાં ઉતીર્ણ પણ થયા. એ બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આશિર્વાદ આપુ છું. આવું સુંદર આયોજન કરવા બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ બિરદાવું છું. સંઘની શિસ્ત, અનુશાસન અને આદર પ્રેમની લાગણી મને ખૂબ જ ગમે છે. સંઘના શિક્ષાર્થીઓ અમારી સંસ્થામાં આટલા દિવસ રહ્યાં , સંસ્થાને પોતાની ગણી સાચવી. કાલે સૌ અહીંથી ચાલ્યા જશે. જાણે એક ખાલીપો લાગશે. તેજ ઓછું થઈ જશે. હું સૌના કલ્યાણની મનોકામના અને શુભેચ્છાઓ વ્યકત કરૂં છું.

R.S.S.ની તાલિમ 3D છે : શ્રી મહેશભાઈ ગાંધી

ભાવનગરના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી મહેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા અહીં જે પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે તે જોઈને મને ત્રણ વસ્તુની યાદ આવે છે. સંઘની આ તાલીમમાં મને 3D દેખાય છે. પહેલો D ડિસીપ્લીનનો, બીજો D ડેડિકેશનનો અને ત્રીજો D ડિટરમિનેશનનો.
અહીંના શિક્ષાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે તેમની તાલિમ લીધી અને શિસ્તબદ્ધ રીતે તેનું પ્રદર્શન કર્યુ. સંઘ તેની શિક્ષા અને તાલમી માટે ખૂબ જ સુંદર કામગીરી કરે છે. એ જ તેનો આત્મા છે. આજે એ આત્માના મને તાદૃશ દર્શન થયા.
બીજુ છે સંઘ સાથે જોડાયેલા એક એક માણસનું ડેડિકેશન. આજના યુગ્ામાં મોબાઈલ, ટીવી, આનંદ, પ્રવાસ બધુ છોડીને વીસ વીસ દિવસથી અધિકારીશ્રીઓ અને શિક્ષાર્થીઓ અહીં ડેડિકેશનથી કાર્ય કરી રહ્યાં છે તેનો મને ખૂબ જ આનંદ છે.
ત્રીજુ છે ડિટરમિનેશન. સંઘના એક એક અધિકારી, કાર્યકર્તા, સ્વયંસેવક, શિક્ષાર્થી બધામાં મને સુદૃઢ નિશ્ર્ચય શકિતના દર્શન થાય છે.
આમ આપ સૌ વ્યકિત નિર્માણ થકી રાષ્ટ્રનિર્માણનું જે ભગીરથ કાર્ય કરી રહ્યાં છો એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સંઘ શિક્ષા વર્ગમાં વિદ્યાર્થીઓને શારિરીક, બૌધિક અને સેવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. જેમાં દંડયુદ્ધ, નિયુદ્ધ, ઉપરાંત યોગ પણ શીખવવામાં આવે છે. માનસિક રીતે સક્ષમ બનાવવા માટે બૌધિકો, ચર્ચા અને સંવાદના સત્રોનું આયોજન કરવામાં આવ્યુ હતું. સાથે સાથે વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યે સંવેદના જાગે તે માટે સેવાકાર્યોનું પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું. સફાઈ જેવા શ્રમકાર્યોના અનુભવો અને વસ્તુઓના નિર્માણનું શિક્ષણ પણ આપવામાં આવ્યુ છે.


જયંતીભાઈ નાથાણી (વર્ગકાર્યવાહ)

૮૦૦૦ પરિવારોએ રોટલીની વ્યવસ્થા કરી..

સંઘ શિક્ષા વર્ગની વિશેષ વાત એ રહી કે અહીં ૨૦ દિવસ વર્ગ ચાલ્યો પરંતું એક પણ દિવસ રોટલી કે ભાખરી બનાવવામાં આવી નથી. બપોરે અને સાંજે બે સમયના ભોજન માટે ભાવનગરના હિન્દુ સમાજના ૮૦૦૦ જેટલાં પરિવારોના ઘરેથી રોટલી મેળવવામાં આવી અને આ રીતે અનોખી રીતે સમરસતા અને એકતાની જ્યોત જલાવવામાં આવી. એવું કહેવાય છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા. આ કહેવતને સાર્થક કરતાં આટલા વિશાળ પરિવારમાંથી આવેલું ભોજન સાથે કરીને સૌ સમાજ સાથે એકરસ થઈ થયા.

ભાવનગર સંઘ શિક્ષા વર્ગના શિક્ષાર્થીઓના અભિપ્રાયો...

અહીં સંઘ શિક્ષા વર્ગમાં આવીને મને અનેક નવી નવી રમતો વિશે જાણવા મળ્યુ. આપણી ભારતીય સંસ્કૃતિની આ રમતો ખરેખર સ્વાસ્થ્ય અને સુદૃઢતા આપે તેવી છે. હું રત્નાલનો પ્રવાસી કાર્યકર્તા છું. નવી શાખાઓ માટે અહીંથી શીખેલી રમતો ખૂબ જ ઉપયોગ્ાી થશે.

લક્ષ્મણભાઈ કાનજીભાઈ જાટીયા (પૂર્વ કચ્છ - રત્નાલ - ગામ મમુઆરા)

મેં સંઘના પ્રાથમિક વર્ગનું શિક્ષણ લીધેલું છે. અહીં પ્રથમ વર્ષના વર્ગમાં નિયુદ્ધ અને દંડયુદ્ધના નવા નવા અનેક પ્રયોગો શીખવા અને જાણવા મળ્યા. અમારી પરીક્ષાઓ પણ લેવાઈ. જે શીખ્યા તેનો લાભ મળ્યો. શારીરિક સાથે અહીં માનસિક કસરત પણ ઘણી મળી, અનેક અધિકારીશ્રીઓના બૌધિકો પ્રાપ્ત થયા. ખાસ કરીને માનનીય શ્રી મહેશભાઈ જીવાણીનુ પુણ્ય ભૂમી ભારત પરનું બૌધિક ખૂબ જ ગમ્યુ.


જયવીરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ધોરણ ૧૦ના વિદ્યાર્થી) (માધાપર - કચ્છ)

હું અહીં પ્રબંધક તરીકે જવાબદારી નિભાવું છું. વર્ગની આ જવાબદારી નિભાવતા નિભાવતા પણ મને ઘણું બધું નવું શીખવા મળ્યું. પ્રબંધનમાં સંપૂર્ણ સચોટતા કેવી રીતે લાવવી વગેરે. આ પ્રબંધનની જવાબદારી વખતે જે શીખવા મળ્યુ છે તે જીવનના એક એક ક્ષેત્રમાં દરેક તબક્કે ઉપયોગી નીવડે તેવું છે.


દીપકભાઈ સોલંકી (કચ્છ)


આ સંઘ શિક્ષા વર્ગમાં અમોને ભારતનો ભવ્ય અને દિવ્ય ઈતિહાસ, ભારતીય સંસ્કૃતિનું મહત્વ, ભારતની વર્તમાન સ્થિતીના લેખાજોખા જેવા અપૂર્વ અને અદ્ભુત વિષયોનું સાચુ અને ઉંડું જ્ઞાન મળ્યુ એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. આવું જ્ઞાન બીજે કયાંયથી પ્રાપ્ત થતું નથી.


કિશન નીલેશભાઈ ગોરવાડીયા (ધોરણ - ૧૨ના વિદ્યાર્થી) (મોરબી)

 

સંઘ શિક્ષા વર્ગમાં પ્રાપ્ત થયેલા બૌધિકોથી અમારા જ્ઞાનની નવી દિશાઓ ખુલી છે. અહીં જે શારીરિક કસરતો શીખી તેથી અમારા વ્યકિતત્વમાં અનોખો નિખાર આવી ગયો. અહીં આવીને અમારા આત્મવિશ્ર્વાસ અને જ્ઞાનમાં ખૂબ જ વધારો થયો છે.

પ્રસાદ વલ્લભભાઈ ઘોડાસરા (ધોરણ ૧૦ના વિદ્યાર્થી) (જુનાગઢ)

પહેલાં ઘરે આઠ વાગ્યે માંડ માંડ ઉઠતા હતા. પરિવારવાળા પરાણે ઉઠાતા હતા. અહીં સવારે ચાર વાગ્યે ઉઠી જવાનું હતું. પણ ખૂબ મજા આવી. સવારે વહેલાં ઉઠવાથી અને નિયમિત કસરત કરવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. વળી તેની સાથે સાથે અહીં ભાઈચારો, સમરસતા, મિત્રતા, જેવા અનેક પ્રકારના જીવન પ્રબોધનના પાઠ પણ ભણવા મળ્યા. અહીં આવી અમા‚ વ્યકિતત્વ બદલાઈ ગયું છે. નિયમિતતા અને શિસ્ત શીખવા મળી છે. આ નિયમિતતા અને શિસ્તતા અમે જાળવી રાખીશુ.


રવીભાઈ સંજયભાઈ જોટંગીયા (માણાવદર)