રામજન્મ ભૂમિ અને બાબરી માળખુ

    ૦૨-જૂન-૨૦૧૭


દેશના ઇતિહાસમાં છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ને એક યાદગાર અને ભવિષ્યને જબરજસ્ત વળાંક આપનાર દિન તરીકે સ્થપાયો છે. આજથી ૨૪ વર્ષ પહેલાં હિન્દુઓના વિવિધ ઉગ્ર વિચારધારા ધરાવતાં સંગઠનોના કાર સેવકોએ ૧૬મી સદીમાં ૧૫૨૮-૨૯માં પ્રથમ મુગલ બાદશાહ બાબરના હુકમથી મીર બાકીએ રામજન્મ સ્થળ મંદિર તોડીને એક ત્રણ ગુંબજવાળી મસ્જિદનું નિર્માણ કર્યું અયોધ્યામાં આવેલી આ નાની ટેકરી રામકોટ (રામના કિલ્લા) તરીકે જાણીતો છે. મસ્જિદના નિર્માણ બાદ નજીકની ત્રણ જગ્યાઓની ઓળખ ‘સીતાની રસોઈ, હનુમાન ગઢી અને રામ ચબૂતરા’ તરીકે ચાલતી આવી છે.
આ અયોધ્યા વિવાદનો પહેલો મુદ્દો એ છે કે આ સ્થળે રામમંદિર હતું કે કેમ ? વાલ્મીકિ રામાયણથી શરૂ કરીને અનેક હિન્દુ ધર્મગ્રંથોમાં સરયૂ નદીના તીરે વસેલા આ અયોધ્યાને રામની જન્મભૂમિ - રાજધાની તરીકે ઓળખવામાં આવી છે. હિન્દુ પરંપરામાં ઇતિહાસ અલગથી લખીને જાળવવાનું મહત્ત્વ ન હોવાથી રામજન્મભૂમિના લેખિત પુરાવાઓ મળવા જોઈએ તેવો આગ્રહ અસ્થાને છે. મુસ્લિમો દ્વારા લખાયેલ દસ્તાવેજો અને શિલાલેખો આ મસ્જિદના નિર્માણ અંગે હિજરી સંવત ૯૩૫ હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે. આ મસ્જિદ સુન્નીની કે શિયાની તે અંગે પણ વિવાદ થયો હતો. પ્રથમ મુગલ શાસક બાબર સુન્ની હતો. જ્યારે નિર્માણ કરાવનાર સેનાપતિ મીર બાકી શિયા હતો. આ અંગે કોર્ટે મસ્જિદ સુન્ની વાકફ બોર્ડ હસ્તક હોવાનું ઠરાવતાં તે મુદ્દાનું નિરાકરણ થયું છે. અમુક મુસ્લિમ વિદ્વાનોનો મત છે કે આ સ્થળે મસ્જિદ બન્યા પહેલાં ત્યાં કોઈ મંદિર કે ધર્મસ્થળ હતું જ નહીં. જૈન અને બુદ્ધ સમુદાયે આ જ જગ્યાએ પોતાનાં ધર્મસ્થાનો હોવાના દાવા કરેલ છે. મંદિર અગાઉથી ત્યાં હતું તેવા પુરાવા માંગવામાં આવ્યા ત્યારે હિન્દુઓની ઉગ્ર લાગણી હતી કે શ્રદ્ધાના સ્થળ અંગે આવી માગણી બેહૂદી છે. જાણીતા શાયરની પંક્તિઓ ‘શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શું જરૂર છે ? કુરાનમાં ક્યાં પયગંબરની સહી છે.’ જો કે કોર્ટે કરેલા ૨૦૦૩ના આદેશના અનુસંધાને આર્કયોલોજી સર્વે ઑફ ઇન્ડિયા (એ.એસ.આઈ.) દ્વારા થયેલ ઉત્ખનન દ્વારા એ પ્રસ્થાપિત થયું છે કે આ સ્થાને મસ્જિદની નીચે અન્ય સ્તંભ સાથેનું બાંધકામ હતું. મુસ્લિમ વિદ્વાનોએ પુરાતત્ત્વ ઉત્ખનનનાં તારણો યોગ્ય નથી તેમ કહીને તેનો અસ્વીકાર કર્યો છે. મુસ્લિમ ધર્મના પ્રચાર-પ્રસારનાં હિંસા અને વિધર્મીઓનાં પવિત્ર સ્થાનો, દેવમૂર્તિઓને ખંડિત કરવાના પ્રસંગો અગણિત છે, ત્યારે અહીં મંદિર હતું જ નહીં તેવો આ વિદ્વાનોનો દુરાગ્રહ આધારહીન છે. આવા વલણના કારણે સમાધાનની વાત ભૂતકાળમાં અટકી ગઈ છે.
ઓગણીસમી સદીથી આજ સુધી રામજન્મભૂમિ વિરુદ્ધ બાબરી મસ્જિદનો વિવાદ વારંવાર માથું ઊંચકતો રહ્યો છે. ૧૬૧૧ અંગ્રેજ મુસાફર વિલિયમ ફિન્ચે નોંધ્યું છે કે આ સ્થાને રામચંદ્રના દુર્ગના ર્જીણશીર્ણ અવશેષો છે અને લોકોની માન્યતા છે કે આ સ્થાને ઈશ્ર્વરે સૃષ્ટિની માયા નિહાળવા માનવરૂપ ધર્યું હતું. આ સ્થળે પૂજારીઓ-બ્રાહ્મણો પૂજા-અર્ચના કરે છે. વિલિયમ ફિન્ચના વર્ણનમાં, આઈને અકબરીના અને તુલસીદાસના રામચરિત માનસમાં આ સ્થળે મસ્જિદનો કોઈ ઉલ્લેખ નથી તેથી ઘણા તજ્જ્ઞો એમ માનવા પ્રેરાય છે કે બાબરના શાસન બાદ સંભવત: ઔરંગઝેબના સમયમાં બાબરી મસ્જિદનો ઢાંચો અસ્તિત્વમાં આવ્યો હશે. ઔરંગઝેબની પૌત્રીના પુસ્તક ‘સાહિફા-ઈ-ચીલીહ-નસૈહ બહાદુર શાહીમાં (૧૮મી સદીની શરૂઆતમાં લખાયેલ) આ મસ્જિદનો ઉલ્લેખ છે. હિંદુઓના કાશી, મથુરા, અવધ (અયોધ્યા)નાં ધર્મસ્થાનોનો વિધ્વંસ કરી મસ્જિદોના નિર્માણનો સ્પષ્ટ ઉલ્લેખ જોતાં આ ત્રણે સ્થળોએ મુસ્લિમ રાજ્યકર્તાઓએ મંદિરો તોડી મસ્જિદો બનાવી છે તે હકીકત સ્પષ્ટ થાય છે.’
ઈ.સ. ૧૮૫૩માં (૧૮૫૭ની ક્રાંતિનાં ચાર વર્ષ પહેલાં) નિર્મોહી અખાડાના સાધુઓએ આ જગ્યા પર કબજો જમાવી મંદિરનિર્માણનો પ્રયત્ન કર્યો હતો. આનાથી કોમી દંગલો થતાં એક દીવાલ બાંધી વહીવટીતંત્રે સ્થળનો ધાર્મિક ઉપયોગ કરવા પાબંદી લગાવી પણ મુસ્લિમોએ મસ્જિદમાં અને હિન્દુઓએ રામ ચબૂતરામાં નમાજ-પૂજા-અર્ચના ચાલુ રાખ્યાં હતાં. ફરી ૧૮૮૫માં મંદિરનું નિર્માણ રામ ચબૂતરા પર કરવાના પ્રયત્નને સ્થાનિક વહીવટી તંત્રે ૧૦ જાન્યુઆરી ૧૮૮૫ના રોજ રોક્યો. આનાથી નારાજ થઈને મહંત રઘુવર દાસ નામની વ્યક્તિએ ૨૭ જાન્યુઆરી, ૧૮૮૫ના રોજ આ જગ્યાનો મંદિર માટે દાવો કર્યો. આના સામે મુતાવલીએ (મસ્જિદના ટ્રસ્ટી) સમગ્ર જમીન મસ્જિદની જાહેર કરવા અરજી કરી. ૧૮૫૫ અને ૧૮૮૬માં મહંત રઘુવર દાસનો દાવો સબજજે અને એપેલેટ કોર્ટે નામંજૂર કર્યો. કોર્ટે યથાવત્ સ્થિતિ જાળવવા હુકમ કર્યો અને કહ્યું કે આ પ્રકરણ ખૂબ જૂનું છે તેથી તેમાં ન્યાય કરવો મુશ્કેલ છે. ફરી ઈ.સ. ૧૯૩૪માં કોમી તોફાનો થયાં. મસ્જિદને નુકસાન થયું જે બ્રિટિશ શાસને રીપેર કરી આપ્યું.
ઈ.સ. ૧૯૪૯માં અખિલ ભારતીય રામાયણ મહાસભાએ મસ્જિદ બહાર નવાન્હ પારાયણ કરી રામચરિત માનસનો પાઠ કર્યો. તા. ૨૨-૨૩ ડિસેમ્બરે લગભગ ૬૦ માણસોએ સીતા-રામની મૂર્તિઓ સ્થાપી, પૂજા-અર્ચના ચાલુ કરી. વડાપ્રધાન સરદાર પટેલની સૂચનાથી ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ગોવિંદ વલ્લભ પંતને અને ગૃહમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીને સૂચના આપી કે મૂર્તિઓ હટાવી લેવી. ફૈઝાબાદના ડેપ્યુટી કમિશનર શ્રી કે. કે. નાયરને સરકારે આદેશ કર્યો પણ તેમણે આમ કરતાં સ્ફોટક પરિસ્થિતિ સર્જાશે તેવો અભિપ્રાય આપી, આદેશ પાછો ખેંચવા સૂચન કર્યું ટૂંક સમયમાં આદેશનો અમલ ન કરવાના મુદ્દે શ્રી નાયરે રાજીનામું આપી સરકારી નોકરી છોડી તત્કાલીન મામલો શાંત પડ્યો. ૧૯૫૦માં શ્રી ગોપાલસિંહ વિશારદે અને ૧૯૫૯માં ફરી નિર્મોહી અખાડાએ કોર્ટમાં દાવાઓ કરી હિન્દુઓને પૂજા માટે છૂટ આપવા માંગણી કરી. ૧૯૬૧માં સેન્ટ્રલ વકફ બોર્ડે મૂર્તિઓ હટાવી લેવા દાવો દાખલ કર્યો. કોર્ટની રફતારમાં આ દાવાઓ ન્યાય માટે વિચારાધીન રહ્યા અને ૧૯૮૪નું વર્ષ આવ્યું. આ ઓક્ટોબર ૧૯૮૪માં વિશ્ર્વહિન્દુ પરિષદે રામમંદિર મુદ્દે આંદોલનની શ‚આત કરી. શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યાના કારણે આંદોલન મોકૂફ રહ્યું. ફરી એક વર્ષ બાદ આંદોલનનો પુન: આરંભ થયો.
૧૯૮૯માં રાજીવ ગાંધીએ સામાન્ય ચૂંટણીની પહેલાં ખાસ કરીને સુપ્રીમ કોર્ટના શાહબાનો નામની વૃદ્ધાને ઇન્ડિયન ક્રિમિનલ પ્રોસિજર હેઠળ જીવનનિર્વાહ ભથ્થું આપવાનો હુકમ કરેલો તે શરિયતની સાથે સુસંગત નથી તેમ કહીને સંસદના કાયદાથી રદ કરાવેલ હતો. ફોજદારી કાયદા હેઠળ શરિયતના નિયમોને અનુસરવાનો પ્રશ્ર્ન ન હતો તેથી હિન્દુઓમાં પ્રસરેલી નારાજગી દૂર કરવા રામજન્મભૂમિ મંદિરની મૂર્તિઓની પૂજા માટે દરવાજાનાં તાળાંઓ ખોલવાનો અને મંદિરનો શિલાન્યાસ થવાનો પ્રસંગ સંપન્ન થતાં મંદિરનિર્માણ માટેની અપેક્ષાઓમાં વધારો થયો.
તા. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૯૨ના રોજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો શ્રી લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી રામમંદિર સુધીની રથયાત્રા શરૂ કરી. આ સોમનાથનું મંદિર વારંવાર ધ્વંસ થયું હતું પણ સરદાર પટેલ, કનૈયાલાલ મુન્શી વગેરેના સંકલ્પથી તેનું નવનિર્માણ થયું હતું. ભૂતકાળમાં મુસ્લિમ શાસકોએ તોડેલાં હજારો મંદિરોની જગ્યાએ કાશી, મથુરા અને અયોધ્યાના મંદિરના પુન: નિર્માણનો પ્રયાસ દેશમાં ધ્રુવીકરણનો નિમિત્ત બન્યો. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ થયેલ તોફાનોમાં ૨૦૦૦ લોકોએ જાન ખોયા. અબજોની સંપત્તિનો નાશ થયો.
વર્ષ ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપી. ૨.૭૭ એકર જમીનના ત્રણ ભાગ કર્યા. એક ભાગ રામ લલ્લાના નામે, એક ભાગ મસ્જિદ માટે વકફ બોર્ડને અને એક ભાગ નિર્મોહી અખાડાને આપ્યો. ઘડીભર તો થયું કે આ પ્રશ્ર્ન ઉકલી જશે પણ ફરી આ ચુકાદા સામે બંને પક્ષે અપીલ કરી. આજે પણ આ પ્રશ્ર્ન ગુંચવાયેલો અને વારંવાર આક્રોશ સર્જાતો રહે છે. શું આ પ્રશ્ર્ન હિન્દુ-મુસ્લિમ માટે ધાર્મિક બાબતનો છે તેથી તેનો ઉકેલ શક્ય નથી ? શું દેશના બે મોટા સમુદાય ૨૧મી સદીમાં વિચારપૂર્વક આ કોયડો હલ ન કરી શકે ? શું આ વિવાદને કારણે દેશમાં કોમી એખલાસની સ્થાપના એક સ્વપ્ન માત્ર બની રહેશે ? આ પ્રશ્ર્નોનો ગંભીરતાપૂર્વક, તટસ્થ રીતે અને મનની ઉદારતા સાથે ઉકેલ કરી શકીએ ?
આ સઘળા સવાલોનો જવાબ ‘હા’માં છે. જરૂર છે સમજદારીને, ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં એવા ઉકેલની કે જેનાથી આપણે અને આવનારી પેઢીના સૌ સંપ, શાંતિ અને સુખથી રહી શકે.
(ક્રમશ:)