અથ: એનડીટીવી કથા

    ૨૩-જૂન-૨૦૧૭


એનડીટીવી ભલે પોતાના ગોટાળા વિરુદ્ધની કાર્યવાહીને માધ્યમો પરનો હુમલો ગણાવી રાડારાડ કરે, પરંતુ હકીકત તો એ છે કે તેમના આ ગોરખધંધા પર યુપીએ સરકારની પણ નજર હતી, પરંતુ કોઈ કારણસર યોગ્ય કાર્યવાહી થઈ શકી ન હતી.
કેન્દ્રમાં નવી સરકારનું દેશમાં આવતા કાળાં નાણાં અને આર્થિક ગોટાળા વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે અને તેમાં હજારો નાની-મોટી કંપનીઓ અને મોટાં માથાંઓ પર તવાઈ આવી છે. અનેકો પર છાપા પણ પડ્યા છે. અને કાર્યવાહી પણ થઈ છે. આવી જ એક કાર્યવાહી તાજેતરમાં જ દેશની જાણીતી ન્યૂઝ ચેનલ પર થઈ. વાત એનડીટીવીની છે. તે કહે છે કે સરકારની આ કાર્યવાહી માધ્યમજગત પરનો હુમલો છે, તો શું એનડીટીવી પર કાર્યવાહી એટલા માટે ન થવી જોઈએ કે તે એક મીડિયા કંપની છે ? તેના કથિત ગોટાળાઓની તપાસનો મતલબ અભિવ્યક્તિની આઝાદીનું દમન કેવી રીતે હોઈ શકે ?
આ આખા મામલાને સમજવા માટે આપણે ૧૦થી ૧૫ વર્ષ પાછળ જવું પડશે. જે એનડીએ સરકાર પર આ લોકો બદલાની ભાવનાથી કાર્યવાહી કરી રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. ૨૦૦૩માં આ જ સરકારના શાસન વખતે સ્ટાર ન્યૂઝ ચેનલથી અલગ થયેલા પ્રણવ રૉયને ૨૪ કલાકની બે ચેનલ્સ ચલાવવાની મંજૂરી મળી હતી. ૨૦૦૪ સુધી કંપનીની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી. વાજપેયી સરકાર ગયા બાદ અચાનક એનડીટીવીના કારોબારને જાણે કે પાંખો આવી. અચાનક તેની પાસે મોટા પ્રમાણમાં પૈસા આવવા લાગ્યા. જેને સગે-વગે કરવા માટે કથિત રીતે દેશ-વિદેશમાં અનેક નકલી કંપની બની. હવે જે માહિતી સાંપડી રહી છે તે મુજબ આ નકલી કંપનીઓ મારફતે કરોડોની લેણ-દેણ થઈ છે. શેરબજારમાં નોંધાયેલી આવી કંપનીઓ દ્વારા આમ થવું સામાન્ય વાત તો નથી જ. કારણ કે આવી કંપનીઓએ પોતાની લેણ-દેણની પ્રક્રિયામાં પારદર્શિતા બતાવવાની હોય છે.
૨૦૦૮ની મધ્યે એનડીટીવી માટે કપરા સમયની ઘંટડી વાગી ગઈ હતી. તે સમયે આખી દુનિયા મંદીમાં હતી અને એનડીટીવીનો જે શેર ૪૦૦ રૂપિયા હતો તે ૧૦૦થી પણ નીચે આવી ગયો હતો. કંપનીની કિંમત ઘટી તો તત્કાલીન કર્જ ચૂકવવાનાં પણ ફાંફા પડવા લાગ્યા. આ દરમિયાન ‘ઇન્ડિયા બુલ્સ’ નામની કંપનીનું દેવું ચૂકવવા માટે પ્રણવ રોયે આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી ૩૫૦ કરોડ રૂપિયાની લોન લીધી, જેના પર વાર્ષિક ૧૯ ટકા લેખે વ્યાજ ચૂકવવાનું હતું. ગેરંટી રૂપે તેઓએ એનડીટીવીની પોતાની તમામ ભાગીદારી અને પોતાની પત્નીના નામે બનાવાયેલી ‘આરઆરપીઆર’ (રાધિકા રોય પ્રણવ રોય હોલ્ડિંગ્સ)ના લગભગ ૬૧ ટકા શેરોને ગીરવે મૂકી દીધા. આરોપ એવા પણ લાગ્યા છે કે, એનડીટીવીએ આ દેણદારીને પોતાની પરિસંપત્તિના રૂપે દર્શાવી છે, પરંતુ બાદમાં એવું કાંઈક થયું કે તેમને લોન પરના વ્યાજમાં પણ ભારેભરખમ છૂટ મળી ગઈ અને માત્ર એક વર્ષમાં તો એનડીટીવીએ પોતાનું તમામ દેવું ભરી પણ દીધું, પરંતુ તેવામાં વળી પાછા સમાચાર આવ્યા કે, એનડીટીવીએ પોતે ચૂકવવાની રકમથી ૪૮ કરોડ રૂપિયા ઓછી ચુકવણી કરી છે અને અહીંથી જ એનડીટીવીએ લીધેલા કર્જને લઈ સવાલો ઊઠવાનું શરૂ થઈ ગયું. તેની પર આરોપ લાગ્યા કે, આઈસીઆઈસીઆઈ બેંકથી પૈસા લઈ ગેરકાયદેસર રીતે શેરોના ભાવમાં ઊથલ-પાથલ કરાવવામાં આવી અને કંપનીના શેર ખરીદી લેવામાં આવ્યા અને બાદમાં બેંક પાસેથી લીધેલી મૂળ રકમથી ઓછી રકમ બેંકને આપી દેવાઈ. આમ કર્જ લેનાર એનડીટીવીએ એક વર્ષ સુધી પૈસા પોતાની પાસે રાખ્યા અને ૪૮ કરોડ રૂપિયાનો ફાયદો પણ કરી લીધો.
ડિસેમ્બર ૨૦૧૦માં સંડે ગાઝિયન નામના એક અખબારમાં આ ઋણને લઈ એક લેખ છપાયો, જેમાં કથિત રીતે દાવો કરવામાં આવ્યો હતો કે એનડીટીવીએ ગીરવે મૂકેલા પોતાના શેરોની કિંમત ૪૩૯ રૂપિયા બતાવી છે. જ્યારે હકીકતમાં તેની કીમત ૯૯ રૂપિયા સુધી પડી ગઈ હતી. મીડિયાની આઝાદીની બાંગો પોકારનાર એનડીટીવીએ ત્યારે અખબારના સંપાદક એમ. જે. અકબર અને અન્યો વિરુદ્ધ ૨૫ કરોડ રૂપિયાની માનહાનિનો દાવો ઠોકી દીધો હતો. એમ. જે. અકબર તે વખતે ભાજપના સદસ્ય ન હતા. એનડીટીવીની અરજી પર દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે અખબાર પર એ લેખ બીજીવાર છાપવા અને તેના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો. આ કેસ કોર્ટમાં આજે પણ ચાલે છે. આ કેસને કારણે સંડે ગાઝિયનની પત્રકારીય સ્વતંત્રતા ભલે ‚રૂંધી દેવાઈ, પરંતુ મામલો અધિકારીઓની જાણકારીમાં આવી ગયો.
એનડીટીવીના સલાહકાર રહેલા સંજય દત્તે સમગ્ર મામલે ૨૦૧૩માં રિઝર્વ બેન્કને ફરિયાદ કરી જેનો જવાબ મળ્યો કે આ કર્જ અમારા ધ્યાનમાં છે અને તેના પર નજર રખાઈ રહી છે.
એનડીટીવીએ આ છાપેમારીને લઈ એક નિવેદન આપ્યું, જેની અંતિમ લાઈનમાં કહ્યું છે કે, આ કાર્યવાહી માધ્યમોનું મોઢું બંધ કરવાનો પ્રયાસ છે. તો પછી સવાલ એ છે કે, સંડે ગાઝિયન અખબાર પર ૨૫ કરોડનો દાવો ઠોકવો શું હતું ? જો એ સમાચાર ખોટા હતા તો તેનું ખંડન કે પછી પોતાનો પક્ષ રાખવો પૂરતો ન હતો. સંડે ગાઝિયન જ નહીં અનેક નાની મોટી સમાચાર વેબસાઈટસ અને પત્રકારોને પણ એનડીટીવી - આઈસીઆઈસીઆઈ બેંકના સોદાને લઈ છાપવાને બદલે કાયદાકીય નોટિસ અને ચેતવણી મોકલવામાં આવી હતી. જેણે પણ આ ગોટાળાની ખબર છાપવાની કોશિશ કરી તે તમામ પર કરોડો ‚પિયાની માનહાનિનો દાવો કરવાનો ભય બતાવી તમામનાં મોં બંધ કરી દીધાં. આખરે શું કારણ હતું કે એનડીટીવી આ જાણકારી દબાવી દેવા એડી-ચોટીનું જોર લગાવતા હતા.
એનડીટીવીની આ દાદાગીરીને કારણે લાંબા સમય સુધી માધ્યમોમાંથી આ સોદાની ચર્ચા લગભગ ગાયબ રહી. જો કે ‘માનુષી’ પત્રિકાના સંપાદક મધુ કિશ્ર્વરે આ મામલે ખૂલીને બોલવાનું ચાલુ જ રાખ્યું. એનડીટીવીએ તેમના પર પણ ૫ કરોડ રૂપિયાની માનહાનિનો દાવો ઠોકી દીધો. તેઓ આજે પણ આ મામલે અદાલતી લડાઈ લડી રહ્યા છે. ત્યારે આ મામલે તેની પ્રતિક્રિયા મહત્ત્વપૂર્ણ છે. તેઓ કહે છે કે ‘બેન્ક ઋણ’નો કૌભાંડનો આ મામલો તો પાણીમાં તરતા બરફના એવા ટુકડા જેવો છે જે સ્પષ્ટ રૂપે બહાર દેખાઈ રહ્યો છે. અસલી મામલો તો હજારો કરોડો રૂપિયાના હવાલાનો છે. એ મામલે પણ સાફ સાબિતીઓ છે, પણ તે મામલે કોઈ કાર્યવાહી થઈ રહી નથી.
એનડીટીવી દાવો કરે છે કે, તે ઈમાનદારીના ઉચ્ચ આદર્શોનું પાલન કરે છે, પરંતુ આ મામલામાં કંપનીઓ કોઈ કારોબાર જ નથી કરતી. અને માત્ર કાગળ પર જ ચાલે છે. તેમના ખાતામાં કરોડો રૂપિયાની લેણ-દેણ ચાલતી રહી. આવી કંપનીઓને વ્યવસાયી ભાષામાં ‘ખોખા’ કે ‘શેલ’ કહેવામાં આવે છે. જે ‘આરઆરપીઆર’ હોલ્ડિંગ્સનું નામ ઊછળી રહ્યું છે તે પણ આવી જ એક ખોખા કંપની છે.
એનડીટીવી એવું કહી બચવાની કોશિશ કરી રહી છે કે, આઈસીઆઈસીઆઈ એક ખાનગી ક્ષેત્રની બેંક છે. માટે ૪૮ કરોડ રૂપિયાની ગડબડનો કોઈ જ મતલબ નથી, પંરતુ એનડીટીવી એ ભૂલી જાય છે કે ગત વર્ષે જ સર્વોચ્ચ ન્યાયાલયનો એક ચુકાદો આવ્યો હતો, જે મુજબ ખાનગી બેન્કો પણ સીબીઆઈ તપાસની સીમામાં આવે છે.
હાલ સીબીઆઈએ ૮૮ પાનાંની એફઆઈઆર દાખલ કરી લીધી છે. આશા છે કે તેના આધારે (પ્રવર્તન નિર્દેશાલય) ઈડી જલદીથી હવાલા નિરોધક કાનૂન અંતર્ગત કેસ દાખલ કરશે. ત્યાર બાદ કાયદા મુજબ સંપત્તિ કુર્ક (સીલ) કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. ૨૦૩૦ કરોડ રૂપિયાની કથિત લેણ-દેણ મામલે આયકર વિભાગે વિદેશી મુદ્રા પ્રબંધન કાનૂન ‘ફેમા’ આધારે પહેલાં જ એનડીટીવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આયકર વિભાગે ૬૦૦ કરોડ રૂપિયા ગેરકાયદેસર વિદેશ મોકલવાને લઈને એનડીટીવી પર ૫૨૫ કરોડ રૂપિયાનો દંડ પણ ઠોક્યો છે.
એનડીટીવીની કથિત આર્થિક અનિયમિતતાઓ પર ખુલ્લેઆમ બોલનારાઓમાં એક મોટું નામ આર્થિક વિચારક અને લેખક એસ. ગુરુમૂર્તિ છે. તેઓએ છાપાની કાર્યવાહી બાદ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં એક લેખ લખી આ મામલે અનેક પડો ખોલ્યાં છે. તેઓએ આઈસીઆઈસીઆઈ બેન્કના કર્જને લઈને કંપની અંદર ચાલતા પત્રવ્યવહારોને પણ સાર્વજનિક કર્યો છે. આ તમામ તથ્યો એક અપરાધિક ષડયંત્ર તરફ ઇશારો કરે છે, જેની યોગ્ય તપાસ જરૂરી છે. ધ હિન્દુ અખબારના સંપાદક રહી ચૂકેલા માલિની પાર્થ સારથિએ ગુરુમૂર્તિના લેખ પર મહોર લગાવતાં કહ્યું છે પ્રેસની આઝાદીના ઓથા હેઠળ છુપાવાને બદલે કંપનીએ તપાસમાં સહયોગ કરવો જોઈએ. વ્યક્તિગત મામલાઓમાં પ્રેસની આઝાદીને ખેંચી લાવવી યોગ્ય નથી.
જો કે, એનડીટીવીના સંદર્ભે વધુ યોગ્ય એ જ રહેશે કે, તમામ લોકો તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુએ. પોતાના બચાવનો એનડીટીવીને પૂર્ણ અધિકાર છે. તપાસ પૂર્ણ થયા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે એનડીટીવી સાચું છે કે, પછી તેણે પત્રકારિતા અને તેની સ્વતંત્રતાને ઢાલ બનાવી બીજો જ કંઈક કારોબાર કર્યો છે.
* * *
(સાભાર - પાંચજન્ય)