બાળાસાહેબના કૃતાર્થ જીવનનો અંતિમ અધ્યાય

    ૨૩-જૂન-૨૦૧૭

૧૧ માર્ચ, ૧૯૯૪ના રોજ નાગપુરમાં સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક હતી. દર વર્ષે યોજાનારી આ પ્રતિનિધિ સભા એટલે એક આનંદનો અને ઉત્સાહનો, એકત્રીકરણનો કાર્યક્રમ હોય છે. દેશભરના બધા મુખ્ય સંઘ કાર્યકરો, અધિકારી તથા ભિન્ન - ભિન્ન ક્ષેત્રમાં કાર્ય કરતા પ્રાંતીય સ્તરના તથા રાષ્ટ્રીય સ્તરના કાર્યકરો આ પ્રતિનિધિ સભામાં હાજર રહે છે. બધાની પ્રવૃત્તિ પરથી સંઘકાર્યના પ્રભાવનું રાષ્ટ્રવ્યાપી ચિત્ર સાકાર થાય છે.
પ્રતિનિધિ સભાનું પહેલું સત્ર સમાપ્ત થયું અને સત્રના અંતે અચાનક એક નિર્ણય ઘોષિત થયો. આ નિર્ણય પ્રમાણે પ્રા. રાજેન્દ્રસિંહજી સરસંઘચાલક પદ પર નિયુક્ત થયા હતા. બાળાસાહેબ નિવૃત્ત થયા હતા.
નિયુક્તિની જાહેરાત અત્યંત સહજપણે એક સૂચના આપવા જેટલી સ્વાભાવિકતાથી થઈ, પણ આ ઘટના માત્ર એ ક્ષણે કોઈ માટે અપેક્ષિત નહોતી. બીજા દિવસે સાંજે નૂતન સરસંઘચાલક માનનીય રજ્જુભૈયાનું ભાષણ થયું.
ઘણા સમય પહેલાં બાળાસાહેબે આ વિચાર કરી રાખ્યો હતો. સાત વર્ષ અગાઉ બાળાસાહેબે આ વ્યવસ્થા વિચારી હતી. ૩૦ માર્ચ, ૧૯૮૭એ જ તેમણે પત્ર લખી રાખ્યો હતો.
તે પત્ર આમ હતો,
‘વર્ષ પ્રતિપદા શકાબ્દ ૧૯૦૯
દિનાંક ૩૦-૩-૧૯૮૭
હું આયુષ્યનાં ૭૨ વર્ષ પૂર્ણ કરી રહ્યો છું. મારું શરીર વ્યાધિગ્રસ્ત થઈ ગયું છે. જોકે હું સરસંઘચાલક તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું તો પણ સ્વાસ્થ્યની ચિંતા નિત્ય રહે જ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંવિધાનની કલમ ૧૨ અનુસાર વર્તમાન સરસંઘચાલકના નાતે મારી જવાબદારી છે કે અખિલ ભારતીય કાર્યકારી મંડળના સભ્યો સાથે વિચારવિનિમય કરી મારા પછી સરસંઘચાલક પદ ગ્રહણ કરનાર બંધુ અંગે નિર્ણય કરવામાં આવે.
૨૦, ૨૧, ૨૨ માર્ચ, ૧૯૮૭ દરમિયાન નાગપુરમાં અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક થઈ. એમાં અખિલ ભારતીય કાર્યકારી મંડળના ઉપસ્થિત સદસ્યો સાથે ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. એમાં આપણા એક પ્રમુખ કાર્યકર્તા તથા વર્તમાન સહસરકાર્યવાહ પ્રા. રાજેન્દ્રસિંહ (શ્રી રજ્જુભૈયા) મારા પછી સરસંઘચાલકની જવાબદારી સંભાળે એવો સૌ બંધુઓનો એકમત થયો.
આથી હું એ નિર્ણય પ્રકટ કરી રહ્યો છું કે મારા મૃત્યુ પછી શ્રીમાન્ પ્રા. રાજેન્દ્રસિંહ (શ્રી રજ્જુભૈયા) સરસંઘચાલક પદની જવાબદારી સંભાળશે.’
ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય સાથ નથી આપતું એ ધ્યાનમાં આવતાં જ તેઓ સરસંઘચાલકપદેથી નિવૃત્ત થયા અને પોતાની હયાતીમાં જ રજ્જુભૈયાને પોતાના સ્થાને નિયુક્ત કર્યા હતા.
* **
નિવૃત્ત જીવનનો નિત્યક્રમ
બાળાસાહેબની શારીરિક અવસ્થા જોઈ સ્વયંસેવકોને દુ:ખ થતું. ૧૯૯૦થી તેઓ મીઠું, મરચું અને મસાલા વગરનું પ્રવાહી અન્ન લેતા. બોલવાથી પણ તેમને ખૂબ ત્રાસ થતો. આંખો કોરી થઈ જવાથી આંખોમાં સતત દવા લગાવવી પડતી. સતત ખુરશીમાં બેસી રહેવાને કારણે પણ તેમને શરીરમાં અનેક જગ્યાએ વેદના થતી, પણ બાળાસાહેબ ફરિયાદો કરતા નહીં. અગાઉ બાળાસાહેબની સગવડ સાચવતા શ્યામ કડવેને શ્રીકાન્તજીએ બાળાસાહેબની વ્યવસ્થામાં પાછા બોલાવી લીધા. જૂના સ્વયંસેવકો, કાર્યકરો બાળાસાહેબની પાસે રહે એવી શ્રીકાન્તજીની યોજના હતી. શ્યામ કડવે આવ્યા પછી શ્રીકાન્તજીએ બાળાસાહેબને કહ્યું, ‘શ્યામુ આવ્યો છે.’
બાળાસાહેબે આંખો ખોલી. શ્યામુને જોઈને તેઓ અને શ્યામુ બંને ગળગળા થઈ ગયા. બાળાસાહેબને નવડાવવા, કપડાં બદલાવવાં કોળિયા કરી જમાડવા એ બધું જ કરવું પડતું. તેમની ઊંઘ, વાચન, દૂરદર્શન પરના સમાચાર વગેરે બાબતોનું સમયપત્રક આવી અવસ્થામાં પણ તેઓ ચોક્સાઈથી પાળતા. તેમને દવા લેવાનો કંટાળો ન હતો. આચાર્ય ધર્મેન્દ્રજીના કહેવાથી રોજ શુદ્ધ કરેલું એવું એક પ્યાલો ગોમૂત્ર પણ તેઓ લેતા.
સવારની ચા સાડાપાંચે જ થતી. પછી પથારીમાં જ તેઓ ગીતાની ધ્વનિ મુદ્રિકા સાંભળતા. પોતે પણ સાથે ગાતા. આખી ભગવદ્ગીતા, કાલિદાસનું મેઘદૂત બાળાસાહેબને મોઢે હતું. આ ઉંમરે અને વિકલાંગ અવસ્થામાં પણ બાળાસાહેબની સ્મરણશક્તિ પૂર્ણ જાગૃત હતી.
ડૉ. સુબેદાર, ડૉ. નટરાજન અય્યરનો મત એવો હતો કે બાળાસાહેબ શારીરિક વેદનાથી ઉપરની કક્ષામાં જીવે છે. યાતના, વેદનાને તેમનું મન ક્યાંય દૂર મૂકી આવતું. બાળાસાહેબની માનસિક શક્તિ વિલક્ષણ હતી. ૧૯૯૩ના મે મહિનામાં તેઓ આવી જ રીતે મૃત્યુ સામે ઝઝૂમી સ્વસ્થ થયા હતા. જાણે કે મૃત્યુને કહીને આવ્યા હોય, ‘થોભ રે જરા, મને મારા મુખથી મારા પછી સરસંઘચાલક કોણ તે કહેવા દે. પછી તું મને લઈ જા.’
૧૯૯૩ના મે માસમાં બાળાસાહેબ નાસિક હતા ત્યાં જ તેમની તબિયત લથડી. ડૉ. પરળકર અને ડૉ. હર્ષવર્ધન માર્ડીકર મુંબઈથી તાબડતોબ નાસિક આવ્યા. ડૉ. હર્ષવર્ધન માર્ડીકર એ બાલાસાહેબનો ભાણો. તેમનાં પત્ની સૌ. મંજૂષા માર્ડીકર પણ ડૉક્ટર. ડૉ. હર્ષવર્ધન માર્ડીકર અને માધવરાવ પરળકરે બાળાસાહેબને મુંબઈની જસલોક હૉસ્પિટલમાં ખસેડ્યા. પંદર દિવસ અક્ષરશ: કાળ સાથે ઝઝૂમી તેઓ ફરી પહેલાં જેટલા સ્વસ્થ થયા.
ઑગસ્ટ, ૧૯૯૪માં ડૉ. આબાજી થત્તેને દિલ્હીમાં પક્ષાઘાતનો હુમલો આવ્યો. તે સમયે બાળાસાહેબ નાસિકમાં હતા. આબાજીની પ્રકૃતિ સુધારા પર છે, પણ તેમણે થોડા દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે એમ શ્રીકાન્તજીએ પછી બાળાસાહેબને કહ્યું. બાળાસાહેબને તેનાથી ખૂબ દુ:ખ થયું. ૧૯ ઑક્ટોબરે બાળાસાહેબ નાગપુર પાછા ફર્યા. આબાજી હવે નાગપુરમાં જ હતા. તેમને ક્યારે જઈને મળું એમ બાળાસાહેબને લાગતું. હા-ના કરતાં કરતાં ચાર દિવસ પછી અંતે બાળાસાહેબને બીજા માળે આબાજીના ઓરડામાં લઈ ગયા. બંને નિસ્તબ્ધ એકબીજાને જોઈ રહ્યા. બાળાસાહેબે આબાજીને પૂછ્યું, ‘તમે કેવી રીતે માંદા પડ્યા ? તમને આવું થવું ન જોઈએ. આ બધું ક્યારે થયું ? કેવી રીતે થયું?’
આબાજીએ ધીરે ધીરે પોતાની માંદગીની હકીકત જણાવી. બંનેની આંખો ભરાઈ આવી. બાળાસાહેબ મહાપ્રયાસે ક્ષીણ અવાજમાં બોલ્યા, ‘તમે બોલી તો શકો છો, મારી તરફ જુઓ. હું તો બોલી પણ શક્તો નથી.’
દુર્દૈવે આબાજી પણ બાળાસાહેબ પહેલાં ગયા. ભાઉરાવ ગયા. માધવરાવ મુળે ગયા. એકનાથજી ગયા. પૂ. ડૉક્ટર સાહેબના કાળના બાળાસાહેબના એક એક સહકારી તેમની નજર સમક્ષ ગયા. આબાજીના મૃત્યુથી તો બાળાસાહેબના મનને વધારે જ ઠેસ પહોંચી.
યતિસમ્રાટ બાળાસાહેબ
બાળાસાહેબના જીવનમાં ‘પૂર્વાયુષ્ય’ નામની વાત જ ન હતી. જીવનના અગિયારમા વર્ષે તેઓ સંઘની શાખામાં આવ્યા અને જીવનભર સંઘરૂપ બનીને રહ્યા.
‘દેશભક્તિ પ્રારંભ જીવનનો, આત્મયજ્ઞથી અંત’ એ ઉક્તિ તેમણે સાર્થક કરી. તેમને શ્રદ્ધાંજલિ આપતાં શ્રી ભા. વર્ણેકરે કહ્યું હતું, ‘સ્વરાષ્ટ્ર’ સિવાય બીજો કોઈ દેવ તેમના માટે ન હતો અને સંઘકાર્ય સિવાય અન્ય કોઈ પણ કાર્યમાં રસ ન હતો. ‘દેવરસ’ એ કુળનામ તેમણે સાર્થક કર્યું.
‘देवः स्वराष्ट्रात् अपरो न यस्य |
रसः तथा न्यत्र न संघकार्यात् ॥
પોતાના મૃત્યુ પૂર્વે બાળાસાહેબે કહી રાખ્યું હતું કે તેમની અંતિમવિધિ રેશમબાગમાં કરવી નહીં. સામાન્ય પ્રથા પ્રમાણે સાધારણ સ્મશાનભૂમિ પર જ કરવી.
કામકોટી પીઠના શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતી, પેજાવરના સ્વામી શ્રી વિશ્ર્વેશતીર્થ અને વિશ્ર્વ હિન્દુ પરિષદમાં સહભાગી થનારા સાધુ - સંતો બાળાસાહેબને માનતા. એકવાર કોઈ કાર્યક્રમ માટે રેશમબાગમાં બધા એકઠા થયા. બાળાસાહેબ તેમના દર્શન માટે રેશમબાગમાં ગયા. તે સમયે શંકરાચાર્ય અને સાધુસંતોએ ગૌરવથી તેમને ‘યતિસમ્રાટ’ની પદવી આપી અને પોતાના મનનો ભાગ પ્રગટ કર્યો.
નવી પ્રથાઓના ઉદ્દગાતા
સંઘની વિચારધારામાં ‘એકચાલકાનુવર્તિત્વ’ એ એક મુદ્દો રહેતો. બાળાસાહેબે તે દૂર કર્યો. બધા નિર્ણયો સામૂહિક ચર્ચાને આધારે લેવા એમ તેમણે કહ્યું અને તે પ્રમાણે તેને આચરણમાં પણ મૂક્યું. એટલું જ નહીં તો સંઘ શિક્ષા વર્ગના બૌદ્ધિક વર્ગના વિષયોમાંથી પણ તે વિષય ત્યારથી નીકળી ગયો. સરસંઘચાલકનું વિજયાદશમી ભાષણ પહેલાં ચર્ચા કરી તૈયાર કરવું અને તેની એક પ્રત આગલે દિવસે પત્રકારોને આપવાની પ્રથા તેમણે શ‚ કરી. મારા નામ આગળ ‘પરમ પૂજનીય’ ‘વિશેષણ લગાવવું નહીં, ડૉક્ટરજી અને ગુરુજીની યોગ્યતાને કારણે તે તેમના માટે શોભે છે. મારે માટે નહીં. માત્ર સરસંઘચાલક પદ માટે તે વાપરવું. વ્યક્તિના નામ આગળ માનનીય લગાવવું પૂરતું છે એમ તેમણે સ્પષ્ટ સૂચના આપી. તેમનાથી શરૂ થયેલી આ પ્રથા હવે રૂઢ થઈ છે. સંઘના કાર્યક્રમમાં માત્ર ડૉક્ટરજી અને ગુરુજીના ફોટા રાખવા એ પણ તેમણે સ્પષ્ટ કર્યું.
કૃતાર્થ જીવનની પૂર્ણાહુતિ
૧૯૯૫ના માગસર સુદ પાંચમે (૨૬ નવેમ્બર, ૧૯૯૫) બાળાસાહેબને એંસી વર્ષ પૂર્ણ થયાં. તેમણે એક્યાસીમા વર્ષમાં પદાર્પણ કર્યું. બધાં સગાંવહાલાંઓએ મળીને સહસ્રચંદ્રદર્શનનો ઉત્સવ કરવાનું ઠરાવ્યું. બાળાસાહેબ તો ઉદાસીનતાના આધ્યાત્મિક સ્તર પર પહોંચ્યા હતા. હવે કોઈ ઈચ્છા રહી ન હતી, પણ તેઓ સમારંભમાં પ્રસન્નપણે સહભાગી બન્યા. સંઘ સ્વયંસેવકો તો સહભાગી હતા જ. દેશભરમાંથી તેમનું શુભ ચિંતન થયું.
તે પછી તેઓ પુણે ગયા હતા. થોડો સમય તેમનું આરોગ્ય સારું રહ્યું. તેઓ કૌશિકાશ્રમમાં હતા. પુણેમાં સંઘ શિક્ષણ વર્ગના સ્વયંસેવકોનું પથસંચલન સામેથી ખાસ કૌશિકાશ્રમમાં યોજવામાં આવ્યું, તે તેમણે જોયું. તેમનો નિત્યક્રમ કાયમ પ્રમાણે ચાલુ હતો. શ્રી અટલબિહારી વાજપેઈની વડાપ્રધાન તરીકે શપથવિધિ બાળાસાહેબે દૂરદર્શન પર નિહાળી. સંઘના એક પ્રચારકને વડાપ્રધાન થયેલા જોવાની કૃતાર્થતા તેમણે અનુભવી.
૧૫ જૂનના રોજ તેમની તબિયત અચાનક ખૂબ બગડી. પુણેની ‚બી હૉસ્પિટલમાં તેમની સારવાર શ‚ થઈ. ડૉ. હર્ષવર્ધન માર્ડીકર, ડૉ. સૌ. મંજૂષા માર્ડીકર, ડૉ. કુલકર્ણી, ડૉ. ગ્રાંટ સર્વેએ યથાશક્તિ પ્રયત્નો કર્યા, પણ હવે લડાઈનો અંત આવ્યો હતો. ૧૭ જૂન, ૧૯૯૬ના રોજ ૮ કલાક ૧૦ મિનિટે તેમની પ્રાણજ્યોતિ અનંતમાં વિલીન થઈ.
ડૉક્ટરજી અને ગુરુજીનાં અગ્નિસંસ્કાર રેશમબાગમાં થયા, પણ બાળાસાહેબે રેશમબાગને દહનભૂમિ ન બનવા દીધો. તેમણે પોતાના અગ્નિસંસ્કાર સર્વસામાન્ય સ્મશાનભૂમિમાં જ થવા જોઈએ તેવું મૃત્યુ પહેલાથી જ સુનિશ્ર્ચિત કરાવ્યું હતું અને તે પ્રમાણે જ થયું.
પૂ. ડૉક્ટર સાહેબની પ્રતિકૃતિ પૂજનીય ડૉક્ટર સાહેબને મળવા નીકળી ગઈ.
* * *
(નોંધ : આ લેખમાળા સમાપ્ત થાય છે.)