ભારતીય કિશોરીના નામે ઓળખાશે બ્રહ્માંડનો ગ્રહ

    ૨૩-જૂન-૨૦૧૭


પૃથ્વીથી લાખો પ્રકાશવર્ષ અંતરે આવેલ એક નાના ગ્રહને સહિતિ પિંગલી નામ આપવામાં આવ્યું છે. ભારતીય ૧૬ વર્ષની કિશોરીના સમ્માનમાં આ ગ્રહનું નામ આપવામાં આવ્યું છે. સહિતિ બેંગલુરુમાં ભણે છે. તેણે પોતાના શહેરની એક ઝીલને પ્રદૂષિત થતી બચાવવા માટે એક ઉપાય શોધી કાઢ્યો છે. તેણે એક એપ્લિકેશન બનાવી છે, જે વોટર ટેસ્ટિંગ માટે માહિતી એકત્રિત કરે છે. આ મોબાઈલ એપ ઇલેક્ટ્રોનિક સેન્સર પર કામ કરે છે, જેની મદદથી વોટર સેમ્પલના ફિઝિકલ અને કેમિકલ પેરામીટરને માપી શકાય છે. આ એપમાં કલર રિકગ્નાઈઝેશન અને મેપિંગ સોફ્ટવેર પણ ઇનબિલ્ટ છે.


દીવાળે, એ દીકરી

આ સાહસિક કાર્ય કર્યું છે છત્તીસગઢ રાજ્યની બે દીકરીઓએ અહીંના ગઢના કોરિયા જિલ્લાના કછોડના કસહિયાપરામાં શાંતિ અને વિજ્ઞાતિ નામની બે દીકરીઓની મા જુકમુલને દરરોજ બે કિમી દૂરથી પાણી લાવવામાં પડતી મુશ્કેલીઓ જોતી. છેવટે એક દિવસ બન્ને બહેનોએ ઘરઆંગણે જ કૂવો ખોદવાનું નક્કી કર્યું. કુદરત પણ તેમની સાથે હતી અને ૨૦ ફૂટના ખોદકામ બાદ જ અંદરથી પાણીની ધારા વહી. મજાની વાત એ છે કે, જ્યારે આ બન્ને દીકરીઓએ કૂવો ખોદવાની વાત કરી હતી ત્યારે તેમનાં માતા-પિતાએ મજાક સમજીને હસી કાઢી હતી, પરંતુ આ બન્ને દીકરીઓ એ કૂવો ખોદવાનું શરૂ કર્યું. તો આખું ગામ દંગ રહી ગયું અને અને કેટલાક તો તેમની મદદે પણ આવ્યા.

ગાયે આપ્યો માનવ જેવા મુખવાળા વાછરડાને જન્મ

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક ગાયે અનોખા વાછરડાને જન્મ આપ્યો હતો જેમાં તેનું મોઢું માનવ બાળક જેવું તો બાકીનું શરીર ગાયના વાછરડા જેવું હતું. આ વાતની જાણ થતાં દૂર દૂરથી લોકો આ વાછરડાને જોવા આવવા લાગ્યા હતા. કેટલાક તો તેને ભગવાન વિષ્ણુનો અવતાર માની પૂજા પણ કરવા લાગ્યા હતા. જો કે, આ વાછરડું જન્મના કેટલાક કલાકોમાં જ મૃત્યુ પામ્યું હતું. લોકો હવે તેનું મંદિર બનાવવાનું વિચારી રહ્યા છે. જો કે, વાઇલ્ડ લાઇફ એસઓએસના પ્રાણીઓના તબીબ અજય દેશમુખ કહે છે કે, આ કોઈ ચમત્કાર નથી. માત્ર વાછરડાના શરીરને વિકાસ ન થયો હોવાનું પરિણામ છે.


મંદિરમાં ૨૫૦ ટ્રોફીઓની પૂજા થાય છે, ખેલાડીઓ મૂકી જાય છે

પાણીપતના અહર ગામમાં સંભવત: દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ટ્રોફીઓની પૂજા કરાય છે. ગામનો જે કોઈ ખેલાડી મેડલ કે ટ્રોફી જીતીને લાવે છે, તેને દાદાખેડામાં મુકાય છે. ગામ વસાવતા પહેલાં જે સ્થળે બે ઈંટો મુકાય છે તેને દાદાખેડા કહેવાય છે. તેથી અહીં શ્રદ્ધાળુઓ પણ આવે છે અને ખેલાડીઓ પણ. અહીં અત્યાર સુધીમાં ૨૫૦ કરતાં વધારે ટ્રોફીઓ એકત્ર થઈ ગઈ છે. ગામનાં લોકો દાદાખેડા સાથે ટ્રોફીઓની પણ પૂજા કરીને માનતા માને છે કે ગામના વધુને વધુ બાળકો ટ્રોફીઓ જીતીને લાવે. ૧૦ વર્ષ પહેલાં અહીંની ટીમ ટ્રોફી જીતીને લાવી હતી. ખેલાડીઓએ નક્કી કર્યું કે ટ્રોફીને દાદાખેડામાં મૂકી દેવામાં આવે. તેનાથી બાળકોનો રમતમાં રસ વધશે.

જૂતાં પૉલિશ કરનારની કમાણી જાણી તમારા હોશ ઊડી જશે

કહેવાય છે કે જેવું કામ તેવા દામ, પરંતુ વિચાર કરો કે તમને કોઈ જૂતાં પૉલિશ કરવાવાળો કહે કે હું મહિને ૧૮ લાખનો વકરો કરું છું તો તમે એને ગાંડો ગણીને હસી કાઢશો, પરંતુ આ હકીકત છે. અમેરિકાના મેનહટ્ટન શહેરના ડૉન વોર્ડ નામના એક બૂટ પૉલિશ કરનારાએ દાવો કર્યો છે કે, તે આ કામ થકી મહિને ૧૮ લાખ ‚પિયા કમાય છે. તે કહે છે કે, લોકોને તેમનાં જૂતાં પોલીસ કરાવવા માટે હું તેમનાં ગંદાં જૂતાં તરફ ઇશારો કરી તેમને શરમિંદા કરું છું અને તે મારી તરફ ખેંચાઈ આવે છે. હું તેમને ટુચકા સંભળાવું છું. તેમની વાતોમાં હસું પણ છું અને એક દિવસમાં લગભગ ૯૦૦ ડૉલર કમાઈ લઉં છું જ.

પાંચ મિનિટમાં પંક્ચર બનાવી દેતી મહિલા

તમે ફેમિલી સાથે વેકેશન પર નીકળ્યા હોવ અને અચાનક તમારી કારનું ટાયર પંક્ચર થઈ જાય. એવા સમયે તમે કોઈ પંક્ચર બનાવનારને શોધી રહ્યા હોવ અને તમારી પાસે કોઈ મહિલા આવીને કહે કે એ ટાયરનું પંક્ચર રિપેર કરી આપશે તો તમે ચોંકી જાવ ખરા ને ? દિલ્હીની શાંતિદેવી મહિલા એક માત્ર એવી મહિલા છે કે જે મિનિટોમાં કારના ટાયરનું પંક્ચર રિપેર કરી આપે છે. ૫૦ વર્ષની ઉંમરે પણ શાંતિદેવી દિવસના ૧૨ કલાક કામ કરે છે અને છેલ્લાં ૨૦ વર્ષથી તે નેશનલ હાઈવે નંબર ચાર પર એક ટ્રાન્સપોર્ટની દુકાન પર કામ કરે છે. શાંતિદેવીને આ કામ કરતાં જોઈને ભલભલા લોકો ચોંકી ઊઠે છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે શાંતિદેવી ટ્રકનાં મોટાં મોટાં ટાયર પણ એકદમ સરળતાથી મિનિટોમાં રિપેર કરી નાખે છે. શાંતિદેવીના આ જોશને સોશિયલ મીડિયા પર પણ ખૂબ બિરદાવવામાં આવી રહ્યો છે. શાંતિદેવી પુરુષપ્રધાન પ્રોફેશન ગણાતા મેકેનિકલના વ્યવસાયમાં પુરુષો સાથે ખભેખબા મિલાવીને કામ કરી રહ્યાં છે અને તે દિવસના ૧૦થી ૧૫ પંક્ચર તો ખૂબ જ સરળતાથી બનાવી લે છે. શાંતિદેવીની આ સાહસિકતાને એક સલામ તો બને જ છે બૉસ !


JIO પાણીપુરી ઑફર ૧૦૦ રૂપિયામાં અનલિમિટેડ

રિલાયન્સ JIOની ધનધનાધન ઑફરે સૌને ગાંડા કર્યા છે, ત્યારે આ જ રાહે ગુજરાતના એક પાણીપુરીવાળાએ પણ ૧૦૦ રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી ઑફર કરી સ્વાદરસિયાઓને ગાંડા કર્યા છે. પોરબંદરનો રવિ જગદંબા નામનો પાણીપુરીવાળો આ પ્લાન સાથે હાલ સોશિયલ મીડિયામાં છવાઈ રહ્યો છે. તેણે પાણીપુરીને લઈ દૈનિક અને માસિક અનોખો પ્લાન શરૂ કર્યો છે, જેમાં જેટલી ખાવી હોય તેટલી પાણીપુરી ખાવાનો પ્લાન છે. પ્રથમ ૧ પ્લાનમાં ૧૦૦ રૂપિયા આપી એક દિવસમાં ગમે તેટલી પાણીપુરી આપે છે. જ્યારે મહિનાના પ્લાન મુજબ ૧૦૦૦ રૂપિયાના મહિના દરમિયાન અનલિમિટેડ પાણીપુરી ખાવાની સુવિધા છે.

પર્યાવરણ પ્રત્યેનું એવું જુનૂન કે રોપી દીધા ૩૮૦૦૦ રોપા

તમિલનાડુના યોગીનાથ નામના બસ કંડક્ટર અત્યાર સુધી ૩૮૦૦૦થી વધુ વૃક્ષો રોપી ઉછેરી ચૂક્યા છે. તેમના આ પર્યાવરણ પ્રત્યેના લગાવને જોઈ તેમના આ કાર્યને સીબીએસઈના પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવે છે.


રેકોર્ડ બ્રેક ૨.૧૩ કિલોમીટર લાંબો પીત્ઝા

અમેરિકાના ડઝનબંધ શેફે મળીને કેલિફોર્નિયામાં બે કિલોમીટરથીયે લાંબો પીત્ઝા બનાવ્યો હતો અને ગયા વર્ષે ઇટલીમાં બનેલા સૌથી લાંબા પીત્ઝાનો વિક્રમને તોડ્યો હતો. ગયા વર્ષે ઇટલીમાં ૬૦૮૨ ફૂટના પીત્ઝા બનાવવામાં આવ્યો હતો. તાજેતરમાં ઓટો ક્લબ સ્પીડ વે ઑફ કેલિફોર્નિયાના શેફે ભેગા મળીને ૨.૧૩ કિલોમીટર એટલે કે ૧.૩૨ માઈલ લાંબો પીત્ઝા બનાવ્યો હતો. એનું વજન લગભગ ૭૮૦૮ કિલો જેટલું હતું. પીત્ઝા બનાવવા માટે ૩૬૩૨ કિલો બાંધેલો લોટ, ૧૬૩૪ કિલો ચીઝ અને ૨૫૪૨ કિલો સાલ્સા સોસ વપરાયા હતા. ત્રણ જાયન્ટ ઇન્ડસ્ટ્રિયલ અવન્સ સતત આઠ કલાક સુધી ચલાવ્યા અને દર ૧૭ મિનિટે પીત્ઝાને અવનમાં શિફ્ટ કરવાનું કામ ચાલુ રાખ્યું. ત્યારે આટલો લાંબો પીત્ઝા બન્યો હતો.

લગ્નના ચાંદલાના પૈસાનું વિકલાંગ બાળકોને દાન

મુંબઈના કાંદિવલીમાં રહેતા અને મૂળ વાપીના કરવડ ગામમાં રહેતા નિખિલ ખંડુભાઈ દેસાઈની પુત્રીનો લગ્નપ્રસંગ હોવાથી તેઓને વિચાર આવ્યો હતો કે દેસાઈ પરિવારમાં તો લગ્નમાં ફરજિયાત ચાંદલા આપવાનું હોય છે, જેથી તેમના ભત્રીજા અતીત સાથે ચર્ચા કરી તેમણે નક્કી કર્યું કે પુત્રી હિમાના લગ્નમાં મળતા ચાંદલાના પૈસા પારડીમાં ચાલી રહેલી વિકલાંગ બાળકોની સંસ્થા વાત્સલ્ય સ્કૂલમાં દાન કરાશે.
જેથી ૨૧ મેના રોજ પુત્રીના લગ્નપ્રસંગે વાત્સલ્યના આચાર્ય સાધના મહેતાને બોલાવી વાત્સલ્યના બેનર સાથે એક અલગ જ કાઉન્ટર બનાવાયું હતું. જાહેરાત કરાઈ હતી કે, લગ્નમાં ચાંદલા લેવામાં આવશે નહીં. જે પણ વ્યક્તિ ચાંદલા આપવા માંગે છે તે વાત્સલ્ય કેન્દ્રને આપી શકે છે. ચાંદલા માટે વાત્સલ્ય કેન્દ્રનાં અલગ કાઉન્ટર જોઈ અમદાવાદના દેસાઈ પરિવારના એક તબીબે પ્રભાવિત થઈ ‚રૂ. ૧ લાખનું દાન કર્યું હતું.
તો લગ્નપ્રસંગમાં આવેલા બીજા લોકોએ પણ નિખિલભાઈના આ કાર્યને બિરદાવી વિકલાંગ બાળકો માટેના વાત્સલ્ય કેન્દ્રને દાન આપ્યું હતું. આ લગ્નના દિવસે ‚રૂ. ૨,૧૧,૦૦૦ એકત્રિત થયા હતા. જેમને આ વાતની જાણ થઈ તે પાછળથી આવીને પૈસા દાન કરતાં કુલ ‚રૂ. ૩ લાખ જમા થયા હતા. નિખિલભાઈની પત્ની ઉમા દેસાઈ, પુત્રી હિમા દેસાઈ અને જમાઈ ભાવિન દેસાઈ લગ્ન બાદ વાત્સલ્ય કેન્દ્ર પર જઈ વિકલાંગ બાળકોની મુલાકાત લીધી હતી. જ્યાં સંસ્થા દ્વારા કરાતા કાર્ય જોઈ નિખિલભાઈએ કેન્દ્રને ‚રૂ. ૫૦,૦૦૦ તેમના તરફથી આપવાની જાહેરાત કરી હતી.