ગુજરાતની જનતાને નર્મદાના નીરનાં વધામણાં

    ૨૩-જૂન-૨૦૧૭


નવી દિલ્હીમાં મળેલી નર્મદા કંટ્રોલ ઑથોરિટીની બેઠકમાં સરદાર સરોવર બંધના દરવાજા બંધ કરવાની પરવાનગી મળતાં નર્મદા યોજના ગુજરાતની હરિયાળી ક્રાંતિ માટે નિર્ણાયક તબક્કે પહોંચી. દરવાજા બંધ કરવાની પરવાનગી મળતાં જ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ નર્મદા જળના વધામણા કરવા સાથે જ ડેમના દરવાજા બંધ કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતના નવતર વિકાસ દ્વાર ખોલનારા આ ઐતિહાસિક આનંદ-અવસર સમગ્ર રાજ્યમાં આગામી ૧૫ દિવસો સુધી ‘નર્મદા ઉત્સવ’ તરીકે ઊજવાશે. સરદાર સરોવર બંધની વર્તમાન ઊંચાઈ પૂર્ણ કક્ષાએ ૧૩૮.૬૮ મીટરે પહોંચતા; જે વધારાનું ૩.૪૮ મિલિયન એકર ફૂટ પાણી સંગ્રહ થશે તે ગુજરાતની હરિત ક્રાંતિનું છડીદાર બની રહેશે !
આઝાદી મળી તેના એક વર્ષ પહેલા ૧૯૪૬માં સમૃદ્ધ ભારતના સ્વપ્નદૃષ્ટા સરદાર પટેલે આ વિચાર-સ્વપ્નને સાકાર કરવા કમરકસી અને નર્મદા-ડેમ અંગે અભ્યાસો-ચર્ચા-વિચારણા શરૂ થઈ. આઝાદી બાદ કૉંગ્રેસની સરકારોએ નર્મદા યોજના પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું. સરદાર સાહેબે જે વિચાર ૧૯૪૬માં આપેલો તેનો શિલાન્યાસ છેક ૧૯૬૧ની પાંચમી એપ્રિલે વડાપ્રધાન પંડિત નહેરુજી કર્યો. પાયો નંખાયા પછી પણ યેનકેન પ્રકારેણ નર્મદા-યોજનામાં અક્ષમ્ય અંતરાયો અને ગુન્હાહિત બેદરકારી દાખવવામાં આવી. ૧૯૬૯માં વિસ્થાપિતોનો મુદ્દો લઈ વિરોધીઓ મેદાને પડ્યા. ત્યારબાદ મેધા પાટકરે ‘નર્મદા બચાવો’ના નામે આંદોલનો ચલાવી શુભ કાર્યમાં વિઘ્નો ઊભા કર્યા. પુનર્વસન અને પર્યાવરણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગયા. આમ ૧૯૯૬થી ૨૦૦૦ સુધીના વર્ષોમાં નર્મદા યોજનાના વિરોધીઓના પ્રપંચને કૉંગ્રેસ-શાસનમાં વેગ મળતો રહ્યો અને ગુજરાતનો વિકાસ રૂંધાતો રહ્યો.
૨૦૦૧માં ગુજરાતની શાસન ધૂરા નરેન્દ્રભાઈ મોદીએ સંભાળ્યા બાદ નર્મદાને ગુજરાતની હસ્તરેખા-ભાગ્યવિધાતાની ઉપમા આપીને ગુજરાતના પ્રારબ્ધને નર્મદા-જળના અવતરણરૂપ પુરુષાર્થથી બદલવાનો સંકલ્પ કર્યો. ૨૦૦૨માં નર્મદાના જળ પ્રથમ વાર નર્મદા-નહેર મારફતે સૌરાષ્ટ્રની બ્રાંચ કૅનાલમાં પહોંચ્યા. ૨૦૦૪માં ડેમની ઊંચાઈ ૧૧૦.૬૪ મીટર પહોંચતાં વિદ્યુત મથકોમાં વીજ-ઉત્પાદન પ્રક્રિયા શરૂ થઈ. ૨૦૦૬માં ડેમની ઊંચાઈ ૧૨૧.૯૨ મીટર સુધી પહોંચાડવાની માંગ સાથે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર ખાતે ૫૧ કલાકનાં ઉપવાસ કર્યાં.
કેન્દ્રની યુ. પી. એ. સરકારે આઠ વર્ષ સુધી નર્મદા બંધના દરવાજા મૂકવાની પરવાનગી અટકાવી. ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈએ ત્વરિત મંજૂરી આપી માત્ર ત્રણ વર્ષમાં નર્મદા મુખ્ય બંધના દરવાજા મૂકવાથી માંડીને દરવાજા બંધ કરવા સુધીની પરવાનગી આપીને જળ-સંચય ક્ષેત્રે ઐતિહાસિક કામ કર્યું છે !
નર્મદા-યોજનાનું આ ભગીરથ કાર્ય ૫૬ વર્ષોમાં ગુજરાતના ૧૬ જેટલાં મુખ્ય મંત્રીશ્રીઓના કાર્યકાળમાંથી પસાર થયેલ છે. સર્વશ્રી જીવરાજ મહેતાથી માંડીને બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ, ઘનશ્યામભાઈ ઓઝા, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશભાઈ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપભાઈ પરીખ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબહેન પટેલ અને વિજયભાઈ ‚પાણીનો આ ડેમના નિર્માણમાં ફાળો રહ્યો છે.
ચોમાસામાં નર્મદા-ડેમ ઑવરફ્લૉ થાય ત્યારે ડેમનું પાણી દરિયામાં વેડફાઈ જતું હતું, હવે ડેમનું પાણી સિંચાઈ તેમજ વીજ-ઉત્પાદનમાં વપરાશે. નર્મદા બંધ સ્થળે ૧,૪૫૦ મેગાવૉટનું રોજનું વીજ-ઉત્પાદન થઈ રહ્યું છે. આ વીજ ઉત્પાદન દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશને વીજળી મળશે. વિશ્ર્વની સૌથી લાંબી ૪૫૮ કિલોમીટર કૅનાલ દ્વારા, ગુજરાતના ૪,૦૦૦ ગામડાંને સિંચાઈનો લાભ મળશે અને ૧૦,૦૦૦ ગામડાંને પીવાનું પાણી મળશે. રાજ્યના ૧૫ જિલ્લામાં ૧૯ લાખ હૅક્ટરમાં સિંચાઈ માટે નર્મદાના નીર પહોંચશે. રાજસ્થાનને પણ લાભ મળશે. ગુજરાત અને શેષ ભારતના કૃષિ ઉત્પાદનમાં વધારો થશે. ખેડૂતોને આકાશી ખેતી પર નભવું નહીં પડે. ખેડૂતો માટે સાચા અર્થમાં ‘અચ્છે દિન’ આવ્યા છે. ચોમાસામાં નર્મદા-ડેમ ઑવરફ્લૉનો અદ્ભૂત નજારો અને નર્મદા ડેમ પર બની રહેલાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી - સરદાર પટેલની ભવ્ય પ્રતિમા - વિશ્ર્વનું સૌથી ઊંચું સ્મારક પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ! સમૃદ્ધ-સશક્ત ભારતના સ્વપ્નદૃષ્ટા સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા અને મ્યૂઝિયમ નર્મદા માતાનાં ચરણોમાં ગુજરાતને ઔર ગૌરવ અપાવશે !
ગુજરાતની જનતાને મા નર્મદાનાં નીરનાં લાખ લાખ વધામણાં...!