ડૉ. કેશવ બલિરામ હેડગેવાર

    ૨૩-જૂન-૨૦૧૭


દિનાંક ૨૧ જૂન ડૉ. હેડગેવારજીની પૂણ્યતિથિ નિમિત્તે વિશેષ
રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના આદ્યસ્થાપક

ડૉ. કેશવ બલિરામ હેડગેવાર


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય આજે પૂરા દેશભરમાં સતત પ્રવાહમાન ધારાની જેમ ગતિમાન છે. સંઘની સરિતાને જોતાં એનું ઉદ્ગમ સ્થાન જોવાની ઇચ્છા આપોઆપ જાગ્રત થાય છે. સંઘનું વિશાળરૂપ જોયા પછી એ જાણવાનું મન થાય કે એનો આરંભ કોણે કર્યો હશે ? ક્યારે થયો હશે ? કેવી રીતે થયો હશે. આ સ્વર્ગીય પ્રવાહને ધરતી પર ઉતારનાર એ ભગીરથ કોણ છે ? તો ચાલો આજે આપણે યુગપ્રવર્તક ભગીરથના જીવનકાર્યનો પરિચય મેળવીએ.


૧ ઍપ્રિલનો સન ૧૮૮૯નો એ દિવસ. જેને ગુડી-પડવા તરીકે લોકો ઓળખે છે. તે દિવસે કેશવ બલિરામ હેડગેવારનો જન્મ નાગપુરમાં થયો. માતાપિતાનું છત્ર કેશવને લાંબા કાળ સુધી મળ્યું નહીં. ૧૯૦૨ની સાલમાં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો જેમાં પ્લેગનો ભોગ બનેલ પિતા બલિરામ પંત અને માતા રેવતીબાઈ બન્ને એક જ દિવસે મૃત્યુ પામ્યાં. તે વખતે કેશવની ઉંમર માત્ર ૧૨ વર્ષની હતી.
બાળ કેશવ નાનપણથી જ દેશભક્ત હતા. ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાના રાજ્યાભિષેકને ૬૦ વર્ષ પૂરા થયા તે નિમિત્તે ગુલામ ભારતની શાળાઓના બાળકોને ખુશાલી મનાવવા અપાયેલી મીઠાઈ અન્ય બાળકોએ ખાધી પણ કેશવે પોતાના દેશને ગુલામ બનાવનાર બ્રિટિશ રાણીના આદેશથી અપાયેલી મીઠાઈ ખાવાને બદલે ગટરમાં ફેંકી દીધી. શિવાજી મહારાજની વાર્તાઓ સાંભળતો બાળ કેશવ રોમાંચિત થઈ જતો અને સ્વરાજ્ય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરનાર સૈનિકનો ભાવ અનુભવતો. સીતાબર્ડીના કિલ્લા પર ફરકતો અંગ્રેજોનો ધ્વજ ફાડી તેના બદલે ભગવો ધ્વજ ફરકાવવા માટે એકવાર કેશવે સીતાબર્ડી કિલ્લા સુધી પહોંચવા ભોંય‚ ખોદી નાખવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કરેલો.
૧૯૦૫માં અંગ્રેજોએ બંગાળના ભાગલા પાડ્યા તે વખતે વંદે માતરમ્ ગીત સમગ્ર દેશમાં ક્રાન્તિગીત બની ગયું. અંગ્રેજો આ ગીત સાંભળી ગુસ્સે થતા. ૧૪ વર્ષના કેશવે પોતાની નીલ સીટી હાઈસ્કૂલમાં અંગ્રેજ અધિકારી આવવાના હતા. ત્યારે પ્રત્યેક વર્ગખંડમાં ‘વંદે માતરમ્’ નો સુત્રોચ્ચાર કરવાની યોજના બનાવી અને એમ જ થયું તો ગિન્નાયેલા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મુકવાની ધમકી આપી. આ ધમકી સામે એક માત્ર વિદ્યાર્થી કેશવ ન નમ્યા અને વંદે માતરમ્ના સુત્રોચ્ચાર બદલ અધિકારીની માફી ન માગી, બલ્કે શાળા છોડી દીધી અને યવતમાળની રાષ્ટ્રીય શાળામાં કેશવે પ્રવેશ મેળવ્યો.


કેશવના ઘરની સ્થિતિ અતિશય ગરીબાઈની હતી. આગળ કેવી રીતે અભ્યાસ કરવો તે તેમના માટે સમસ્યા હતી. ડૉક્ટર મુંજેની મદદથી તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. કલકત્તા પહોંચી તેમણે મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. અભ્યાસ દરમ્યાન ક્રાંતિકારી સ્વભાવના કેશવરાવ દેશને આઝાદ બનાવવા ઇચ્છતા ક્રાંતિકારીઓ દ્વારા ચાલતી અનુશીલન સમિતિમાં પણ જોડાયા અને અનેક ક્રાંતિકારીઓના મદદગાર અને માર્ગદર્શક પણ બન્યા.
દરમ્યાન મેડિકલ કૉલેજના પ્રાચાર્યે કેશવરાવ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. કે બ્રહ્મદેશમાં આવેલી એક મોટી સંસ્થાને સારા ડૉક્ટરની જરૂર હતી અને પ્રાચાર્ય ઇચ્છતા હતા કે કેશવરાવે તે સંસ્થામાં ડૉક્ટર તરીકે જોડાવું જોઈએ. પ્રાચાર્યે કેશવરાવને કહ્યું, ‘કેશવ, પરીક્ષામાં સારી રીતે પાસ થવા માટે હું તમને અભિનંદન આપું છું. હવે તમારા માટે એક વિશેષ તક ઊભી થઈ છે. બ્રહ્મદેશમાં એક મોટી હૉસ્પિટલમાં એક સારા ડૉક્ટરની જરૂર છે. એ બહુ મોટો પગાર આપવાના છે. હું એમને તમારું નામ સૂચવું છું.’



કેશવરાવે કહ્યું, ‘સાહેબ ક્ષમા કરો. હું ત્યાં જઈ શકું તેમ નથી.’
પ્રાચાર્ય બોલ્યા, ‘તમે ઘેર જઈ મોટું દવાખાનું ખોલી શકો તેવી તમારી સ્થિતિ નથી. તો તમે આ નોકરી કરવાની ના કેમ પાડો છો ?’
કેશવરાવે કહ્યું, ‘મેં મારું જીવન ભારતમાતાના ચરણોમાં સમર્પિત કરવાનો નિશ્ર્ચર્ય કરી દીધો છે. હું કદી નોકરી કરવાનો નથી. આજે દેશમાં કરવા જેવા એટલા બધા કામો છે કે તે કરતાં કરતાં પોતાનો ધંધો કરવા માટે મને સમય જ મળશે નહીં.’
પ્રાચાર્ય બોલ્યા, ‘તો પછી બૈરી છોકરાંનું શું થશે ?’
કેશવરાવે શાંત ચિત્તે જવાબ આપ્યો, ‘મેં લગ્ન ન કરવાનો નિર્ણય લઈ લીધો છે.’
આમ વાતચીતનો અંત આવ્યો. ડૉક્ટર કલકત્તા છોડી નાગપુર આવ્યા અને આઝાદીની લડત લડતા કોંગ્રેસ પક્ષના કાર્યકર બન્યા. કેશવરાવનો કોંગ્રેસના રાષ્ટ્રીય મંડલમાં સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ કોંગ્રેસમાં કામ કરતા કરતાં કેશવરાવ પોતાની પ્રખર અને વિશુદ્ધ રાષ્ટ્રભક્તિ સામે પડેલા અનેક પ્રશ્ર્નો અંગે મુંઝવણ અનુભવતા હતા.



પ્રથમ વિશ્ર્વયુદ્ધમાં તુર્કી અંગ્રેજોની વિરુદ્ધ અને હિટલરના પક્ષે લડતું હતું, પણ પ્રથમ વિશ્ર્વ યુદ્ધમાં હિટલરની હાર થયા બાદ તુર્કી સામ્રાજ્ય તુટી પડ્યું. અંગ્રેજોએ ખિલાફત રદ કરી. તેના વિરોધમાં ભારતમાં મુસલિમોએ તુર્કીમાં ફરીથી ખલિફાની ગાદી સ્થાપવા માટે આંદોલન કર્યું. ગાંધીજીને આમાં હિન્દુ-મુસ્લિમ એકતાની તક દેખાઈ. તેથી ૧ ઑગસ્ટ, ૧૯૨૦ના રોજ ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખિલાફત આંદોલન શરૂ થયું. ગાંધીજીએ ખિલાફતની લડતને સ્વરાજ્ય કરતા પણ અધિક મહત્ત્વ આપી દીધું. એકવાર ગાંધીજી બોલી ઊઠ્યાં, ‘ખિલાફતના પ્રશ્ર્ને સફળતા મેળવવા માટે જરૂર પડશે તો હું સ્વરાજ્યનો પ્રશ્ર્ન પણ મોકૂફ રાખીશ.’ કોંગ્રેસ કાર્યકારણીમાં ગૌ-રક્ષા બાબતે પ્રસ્તાવ કરવાની વાત આવી ત્યારે મુસ્લિમોની લાગણી દુભાવાના ડરથી ગાંધીજીએ ગૌ-રક્ષાનો પ્રસ્તાવ મૂકવા જ ન દીધો. મુસ્લિમોના સહકાર વગર આઝાદી કદી નહીં મળી શકે તેવા દૃઢ ખ્યાલમાં રાચતા ગાંધીજીએ કટ્ટરતાવાદી મુસ્લિમોને ખુશ કરવા તિલક ફંડના તમામ પૈસા કોઈની પણ સહમતિ લીધા વિના ખિલાફત આંદોલનના મુસ્લિમો નેતાઓને આપી દીધા. ૧૯૨૧માં કેરળમાં મોપલા મુસ્લિમોએ હિન્દુઓ વિરુદ્ધ હુલ્લડ કર્યું. આમાં ભારત સેવક સમાજના અહેવાલ મુજબ ૧૫૦૦ હિન્દુઓની હત્યા થઈ, ૨૦,૦૦૦ કે તેથી વધુ હિન્દુઓનું ધર્મપરિવર્તન થયું. એક લાખથી પણ વધુ હિન્દુઓ હિંસાનો ભોગ બન્યા. આમ છતાં કોંગ્રેસ કાર્યકારણીએ મોપલાઓની હિંસાને વખોડી નાખતો પ્રસ્તાવ મૂક્યો જ નહીં અને માત્ર ત્રણ જ હિન્દુઓનું ધર્મપરિવર્તન થયું છે તેવું જણાવ્યું. હદ તો ત્યારે થઈ જ્યારે આર્ય સમાજના સ્વામી શ્રદ્ધાનંદની અબ્દુલ રશિદે હત્યા કરી ત્યારે ગાંધીજીએ હત્યાની નિંદા કરવાનો પણ ઇનકાર કરી દીધો.
ગાંધીજી અને તેમના સહયોગીઓ ભારતીય મૂળ ચેતનાને અભિવ્યક્ત કરવાવાળા પ્રતિકોનો પ્રયોગ કરતા રહ્યાં ત્યા સુધી તેઓ લોકોનું સમર્થન મેળવતા રહ્યાં. રામરાજ્ય, ગૌ-રક્ષા, વંદેમાતરમ્, ઉપવાસ, આશ્રમજીવન, ગ્રામોદ્યોગ, અહિંસા, સત્ય જેવા પ્રતિકો હતા જે ભારતીય માનસને આંદોલિત કરતા હતા, પણ જે ક્ષણે આ પ્રતિકોની સાથે વિજાતીય દ્રવ્ય ભેળવવાનું સ્વીકારાયું તે સમયે દિશાભ્રમ થયો. ડૉ. હેડગેવારને આ સહન ન થઈ શક્યું. તેમણે દેશના મૂલાધારને વેગવાન બનાવવાનું કાર્ય પોતાના હાથમાં લીધું અને તેઓ એ દિશામાં ચાલી નીકળ્યા.


લોકમાન્ય ટિળકના અવસાન બાદ કોંગ્રેસનું નેતૃત્વ કરી શકે તેવા રાષ્ટ્રવાદી નેતાની શોધ ચાલુ હતી. તે માટે ડૉ. મુંઝે અને કેશવરાવ શ્રી અરવિંદને મળવા પાંડિચેરી ગયા કે જ્યાં શ્રી અરવિંદ ૧૯૧૦થી સન્યાસી જીવન જીવી રહ્યા હતા. કોંગ્રેસની કમાન સંભાળવા માટે અનેક આજીજી કરવા છતાં શ્રી અરવિંદ માન્યા નહીં. ૧૦ ઑક્ટોબર ૧૯૨૦માં નાગપુરમાં મળેલ સ્વાગત સમિતિમાં કોંગ્રેસના અધ્યક્ષપદ માટે વિજયરાઘવાચાર્યનું નામ સૂચવાયું, પણ ડૉ. હેડગેવારે આ નામનો વિરોધ કરતાં કહ્યું કે, ‘દેશની ભાવનાઓ અને સામ્રાજ્યવાદના ચરિત્રને જે વ્યક્તિ સમજી શકતા નથી તે કોંગ્રેસના અધ્યક્ષ કેવી રીતે બની શકે ? ડૉ. કેશવરાવ હેડગેવાર માનતા હતા કે કોંગ્રેસના અધ્યક્ષનું ચરિત્ર બેદાગ હોવું જોઈએ. વિજયરાધવાચાર્ય અસહયોગની વિચારધારા સાથે સહમત ન હતા. એટલું જ નહીં. વિજયરાધવાચાર્ય છાત્રોને રાજનૈતિક આંદોલનમાં જોડવાના વિરોધી હતા. આમ છતાં તેઓ અધ્યક્ષપદે નિયુક્ત થયા. પોતાની ઇચ્છા વિરુદ્ધ નિર્ણય થયો હોવા છતાં એક વાર નિર્ણય થયા પછી પૂર્ણ હૃદયથી સ્વીકાર કરવામાં ડૉ. હેડગેવાર પાછા ન પડ્યા. નાગપુર અધિવેશનમાં ૨૦ હજાર પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ અધિવેશનમાં ડૉ. હેડગેવારે વિષય સમિતિની બેઠકમાં એક સમાન્તર પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો. આ પ્રસ્તાવમાં કોંગ્રેસના ઉદ્દેશ્યને પુન: પરિભાષિત કરતાં કહેવામાં આવ્યું હતું કે, ‘કોંગ્રેસનો ઉદ્દેશ્ય ભારતીય લોકશાહીની સ્થાપના કરવી તેમજ (બ્રિટિશરો જેવા) પુંજીવાદી અત્યાચારોમાંથી રાષ્ટ્રોને મુક્ત કરવા તે છે. જો કે ડૉ. હેડગેવારે મુકેલો આ પ્રસ્તાવ નામંજૂર થયો. સમાજવાદ, સામ્યવાદ અને પીડિત-શોષિત લોકોની સતત ચિંતા કરતા પક્ષોના નેતાઓ આ પ્રસ્તાવ વખતે કેમ ચૂપ થઈ ગયા તેનું રહસ્ય ગૂઢ જ રહ્યું, પરંતુ ડૉ. હેડગેવારે વિશ્ર્વના પીડિત, શોષિત અને ઉપનિવેશવાદી તાકાતો સામે સંઘર્ષ કરવાની કરેલી હાકલના પડઘા ચોક્કસ પડ્યા, જેની નોંધ તે વખતના મોડર્ન રિવ્યૂ જેવા સમાચાર પત્રને પણ લેવી પડેલી.
સન ૧૯૨૧માં ગાંધીજીએ અસહકાર ચળવળ શરૂ કરી. ડૉ. હેડગેવારે નાના-મોટા અનેક ગામોમાં જઈ ઉગ્ર ભાષણો કર્યા અને અનેકોને આ ચળવળમાં જોડ્યા. પરિણામે અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી. કોર્ટમાં ડૉક્ટરજીએ પોતાનો મુકદ્મો પોતે જ લડવાનું નક્કી કર્યું. ભરી કોર્ટમાં તેમણે કહ્યું, ‘ભારતમાં અંગ્રેજી શાસન ન્યાય ઉપર આધારત નથી. એ પાશવીબળ પર આધારિત છે. મારા દેશ બાંધવોના મનમાં માતૃભૂમિ પ્રત્યે ઉત્પન્ન થાય તેવો જ મેં હમેશાં પ્રયત્ન કર્યો છે. આ મારો પ્રયત્ન જો રાજ્યકર્તાઓને ગમતો ન હોય તો એમના દિવસો હવે ભરાઈ ગયા છે. એમણે અહીંથી જલ્દી જવું પડશે. એ એમણે નિશ્ર્ચિતપણે સમજી લેવું જોઈએ. મેં મારા ભાષણોમાં મારા દેશબાંધવોના હક્કોનું હંમેશાં સમર્થન કર્યું છે. એમ કરવું એ મારી ફરજ છે.’ આ નિવેદન સાંભળી ન્યાયાધીશ સ્મેલી બોલી ઉઠ્યા, ‘અરે, તમારું ન્યાયાલય સામે આપેલું આ ભાષણ તો તમારા બધા ભાષણોમાં સૌથી વધુ ઉગ્ર છે.’ તેમના આ ભાષણ બદલ ડૉક્ટરજીને એક વર્ષની સખત કેદની સજા સંભળાવાઈ.
જેલમાં તેમણે ખૂબ ચિંતન કર્યું. દિવસ દરમ્યાન જેલમાં રહેલા સહકાર્યકરો સાથે વિચાર વિનિમય કર્યો. તેમના ચિંતાના પ્રશ્ર્નો એ હતા કે ‘આપણો દેશ પુરાતન છે, ધનવાન છે, શૌર્યવાન છે છતાં આપણે ગુલામ કેમ બન્યા ? મુસલમાનોની નાની ટોળીઓએ કે વેપારી તરીકે ઘુસેલા મુઠ્ઠીભર અંગ્રેજોએ આપણને ગુલામ કેવી રીતે બનાવ્યા ? પરાક્રમી રાજાઓ, સરદારો અને સૈનિકો હોવા છતાં આપણે પરાજિત કેમ થયા ? ખૂબ ચિંતન અને વિચાર વિમર્શને અંતે તેઓ નિર્ણય ઉપર આવ્યા કે વિદેશી મુસ્લિમો કે ધૂર્ત અંગ્રેજોને કારણે નહીં પણ હિન્દુ પ્રજામાં રહેલા અવગુણો, ટૂંકી દૃષ્ટિ, આંતરિક કુસંપ, મિથ્યાભિમાન હિન્દુઓની અસંગઠિતતા, રાષ્ટ્રદૃષ્ટિનો અભાવ જ જવાબદાર છે. એટલે દેશની અધોગતિ માટે મુસલમાનો કે અંગ્રેજોને ગાળો કાઢવાને બદલે હિંદુ સમાજે પોતાનામાં રહેલા દોષોને જવાબદાર ગણી પોતાનામાં રહેલા દોષોને દૂર કરવાના પ્રયત્નોમાં લાગી જવું પડશે. પોતાના અંગત સુખ છોડી દેશ અને સમાજ માટે પૂર્ણ જીવન રાષ્ટ્ર ચરણે સમર્પિત કરનાર સેંકડો યુવાનો જ્યારે બહાર નીકળશે ત્યારે દેશમાં પરિવર્તન થશે અને આ કામની શ‚આત મારે મારાથી જ કરવી પડશે.’ તેમના આ મનોમંથનમાંથી જે માખણ નીકળ્યું એનું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેની સ્થાપના તેમણે સન ૧૯૨૫માં વિજયાદશમીના દિને કરી. સન ૧૯૧૬માં અનુશીલન સમિતિના એક પ્રમુખ નેતા શ્રી ત્રૈલોક્યનાથ ચક્રવર્તીને ડૉક્ટરજીએ કહ્યું હતું કે, ‘જ્યાં સુધી હિન્દુ સમાજની પ્રત્યેક વ્યક્તિના માનસમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી માત્ર અંગ્રેજોના ચાલ્યા જવાથી વિશેષ લાભ થશે નહીં. સમાજની વ્યક્તિ-વ્યક્તિની માનસિકતામાં પરિવર્તન લાવનાર કાર્યનો આરંભ હું જ કરવાનો છું.’
નાગપુરના મોહિતેવાડામાં શરૂ થયેલી એક શાખા અમૃતવેલની માફક દેશભરમાં જોતજોતામાં ઠેરઠેર ફૂટી નીકળી. ડૉક્ટરજીના એક ઈશારે પોતાનું સર્વસ્વ જીવન રાષ્ટ્રદેવના ચરણે સમર્પિત કરનાર નવલોહિયાઓની હારમાળા નીકળવા લાગી. ડૉક્ટરજીના અવસાન સુધી ૧૫ વર્ષમાં તો દેશના પ્રત્યેક પ્રાંતમાં સંઘશાખા હિન્દુ શક્તિના સ્વરૂપે ઓળખાવા લાગી. સંઘકાર્ય હવે ડૉક્ટરજીનું જીવનકાર્ય બની ગયું હતું, તેમ છતાં દેશની આઝાદીના આંદોલન સાથે તેઓ જોડાઈને જ રહ્યા હતા.
ગાંધીજીએ ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ સુરત પાસેના દાંડીના દરિયાકિનારે મીઠાનો કાયદો તોડી સવિનય કાનૂનભંગ કર્યો ત્યારે ડૉક્ટરજીએ પણ સંઘના અનેક સ્વયંસેવકો સાથે જંગલ સત્યાગ્રહ કર્યો. જ્યાં દરિયાકિનારો ન હતો ત્યાં કોંગ્રેસે જંગલ સત્યાગ્રહ કરવાની હાકલ કરેલી. ડૉ. હેડગેવારે સંઘનું સરસંઘચાલક પદ ડૉ. પરાંજપેને આપી વ્યક્તિગત પણે આ સત્યાગ્રહમાં ભાગ લીધો. સંઘના વરિષ્ઠ કાર્યકર્તા એવા અપ્પાજી જોશી, દાદારાવ પરમાર્ય, વિઠ્ઠલરાવ દેવ જેવા અનેકો ડૉ. હેડગેવારની સાથે હતા. ડૉ. હેડગેવાર જ્યારે ૨૧ જુલાઈએ સત્યાગ્રહ માટે નાગપુરથી નીકળ્યા ત્યારે તેમની સાથે ત્રણ-ચાર હજાર લોકો હતા અને સત્યાગ્રહ સ્થાને પહોંચતા આ સંખ્યા દસ હજારની થઈ ગઈ, જેમાં આઠસો મહિલાઓ હતી. ડૉ. હેડગેવાર સહિત ૧૨૫ સ્વયંસેવકો અકોલા જેલમાં બંધ હતા. ૨૧ જુલાઈએ ન્યાયાધીશ ભરુચાએ ડૉક્ટરજીને નવ મહિનાની સશ્રમ કારાવાસની સજા કરી હતી. જેલયાત્રા પૂરી કર્યા બાદ તેમનું સમગ્ર ધ્યાન સંઘશાળાઓ પર હતું. આ દરમ્યાન સંઘની કાર્ય પદ્ધતિ, ધ્વજ, ગુરુદક્ષિણા, પ્રતિજ્ઞા, શાખા-કાર્યપદ્ધતિ, પ્રચારક શ્રેણી, પ્રશિક્ષણવર્ગો આદિનો વિકાસ થયો.
૨૫ ડિસે. ૧૯૩૪માં સવારે છ વાગે ગાંધીજી તેમના નિવાસસ્થાનની નજીકના જમનાદાસ બજાજના બગીચામાં ચાલતા રા. સ્વ. સંઘનો શિબિર જોવા આવ્યા. શિબિરની સરસ વ્યવસ્થા, ત્યાંની શિસ્ત, પરિશ્રમતા, ગણવેશ, બેન્ડ વગેરેથી ગાંધીજી સંઘ તરફ આકર્ષાયા હતા. શિબિરમાં આવી ગાંધીજીએ સ્વયંસેવકોની જાતિ-જ્ઞાતિ જાણવા પ્રયત્ન કર્યો. તો તેમને આશ્ર્ચર્ય થયું કે શિબિરમાં બ્રાહ્મણથી માંડી અસ્પૃશ્ય ગણાતા મહાર સુધીની સઘળી જાતિઓના સ્વયંસેવકો માત્ર હિન્દુભાવથી રહેતા હતા. આ વખતે ડૉ. હેડગેવાર શિબિરમાં ન હતા તેથી ૨૬ ડિસેમ્બરે ફરીથી ગાંધીજી આ શિબિરમાં આવ્યા અને તેમનું ડૉ. હેડગેવાર સાથે મળવાનું થયું. ગાંધીજી એવું માનતા હતા કે ધનિકોના દાનથી સંઘનું કાર્ય ચાલતું હશે પણ જ્યારે વાતચીત દરમ્યાન ખબર પડી કે સંઘકાર્ય માત્ર સ્વયંસેવકોની ગુરુદક્ષિણા પર ચાલે છે, ત્યારે ગાંધીજી આશ્ર્ચર્યમાં પડી ગયા. ગાંધીજીએ સ્વયંસેવક વિષેની ધારણા સ્પષ્ટ કરવા ડૉક્ટરજીને કહ્યું ત્યારે ડૉક્ટરજી બોલ્યા, ‘રાજનીતિમાં સ્વયંસેવકની ધારણા કાર્યક્રમમાં ખુરશી-ટેબલ ઉઠાવે કે શેતરંજી પાથરે તેવા મજૂરની છે. આ ધારણાથી રાષ્ટ્રનું ઉત્થાન કરવાવાળા સ્વયંસ્ફૂર્ત કાર્યકર્તા કેવી રીતે ઉત્પન્ન થશે ? સંઘમાં નેતા અને કાર્યકર્તા-આવા બે વર્ગ નથી હોતા. સંઘમાં બધા સ્વયંસેવક છે. સ્વયંસેવકની ભૂમિકા આત્મપ્રેરણાથી રાષ્ટ્રનિર્માણના પાયાના પથ્થર બનવાની છે. સાધારણ જીવન જીવતાં જીવતાં સ્વયંસેવક અસાધારણ કાર્ય કરે છે.’ ગાંધીજી ડૉ. હેડગેવારની સ્પષ્ટ કલ્પનાથી પ્રભાવિત થયા અને ડૉક્ટરજીને સંઘકાર્યની સફળતાની શુભેચ્છાઓ આપતા ગયા. આજ રીતે ૧૯૩૮માં ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ સંઘ શિબિરની મુલાકાત લીધી હતી અને હિન્દુ ભાવથી રહી સામાજીક સમરસતા સર્જતા સ્વયંસેવકોને જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો.
સંઘ વિરોધી મુઠ્ઠીભર લોકોના પ્રચારમાં આવી જઈ સન ૧૯૩૨માં મધ્યપ્રાન્તની સરકારે એક પરિપત્ર કાઢ્યો કે સંઘ સાંપ્રદાયિક હોવાના કારણે સરકારી કર્મચારી તેમાં ભાગ લઈ શકશે નહીં.
ડૉક્ટરજીએ પરિપત્રના ‘સાંપ્રદાયિક’ શબ્દ પર આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે કોઈ સંસ્થા કોઈ વિશિષ્ટ જાતિના હિતમાં કાર્ય કરે તો તે સંસ્થા અન્ય જાતિઓના વિરોધમાં કાર્ય કરી રહી છે તેવો અર્થ કાઢવો ભૂલભરેલો છે. આ પરિપત્ર સામે લોકસમર્થન પ્રાપ્ત કરવા ડૉક્ટરજીએ ભરસક પ્રયત્નો કર્યા અને પરિણામે મુસલમાન, ઈસાઈ, પારસી, સત્તાપક્ષના, વિરોધીપક્ષના અને અપક્ષ એવા સહુનો સહકાર પ્રાપ્ત થતા સરકારને આ પરિપત્ર રદ કરવો પડ્યો. મધ્યપ્રાંતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પરિપત્ર વિરુદ્ધ ઠરાવો કરી સરકારને મોકલ્યા. આકોલા જિલ્લા પંચાયતે તો સંઘને સાંપ્રદાયિક સાબિત કરવાના સરકારના પ્રયાસોની સખત શબ્દોમાં નિંદા કરી. આના પડઘા લોકસભામાં પડ્યા. આ બાબતે પ્રશ્ર્ન પૂછાતાં સરકાર પાસે કોઈ જવાબ કે પ્રમાણ ન હોવાથી મધ્યપ્રાંતની સરકાર હાંસીપાત્ર બની ગઈ. જે અભાગી દેશમાં પાંચ લોકોને પણ એક સ્થળે લાવવા અઘરા હતા તે લોકોને ડૉક્ટરજીએ એકત્ર કર્યા, એકમત કર્યા તે ઘણી જ સૂચક બાબત હતી. આ પ્રસંગથી સંઘ જનતાના અંત:કરણમાં સ્થાન મેળવતો ગયો.
દેશના સંસદીય ઇતિહાસમાં કદાચ પ્રથમ અને છેલ્લી વખત એવું થયું કે કોઈ એક સંસ્થાની (રા. સ્વ. સંઘની) સ્થાપના, સંસ્થાપક, સ્વરૂપ, સિદ્ધાંત અને સદસ્યતા પર ત્રણ દિવસ લગાતાર ચર્ચા ચાલી. તેથી ૧૯૩૪ના બજેટ સત્રમાં દિનાંક ૩,૭ અને ૮ માર્ચની પ્રાંતિક કાઉન્સિલમાં સંઘ પર જે ચર્ચા થઈ તે સામ્રાજ્યવાદી તાકાતોના વિરુદ્ધ તેની પ્રતિબદ્ધતાને દર્શાવતો એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજ ગણાય.
ડૉક્ટર હેડગેવારે બે પ્રભાવી ઘોષણાઓ કરી હતી. એક ઘોષણા એ છે કે ‘આ હિન્દુસ્થાન હિન્દુરાષ્ટ્ર છે‘ કેટલાક નેતાઓ જ્યારે આ રાષ્ટ્રને Nation in Making કહેતા હતા તે વખતે ડૉક્ટરજીએ નિર્ભયતાપૂર્વક કહ્યું કે આ હિન્દુ રાષ્ટ્ર છે. અને બીજી ઘોષણા એટલે ‘અમારે નવું કશું કરવાનું નથી.’ ડૉક્ટરજીના સાથી અને કર્મઠ પ્રચારક શ્રી યાદવરાજી જોષીએ પોતાના એક લેખમાં લખ્યું છે કે, ‘ડૉક્ટરજી હંમેશા કહેતા કે ‘સંઘ નવું કંઈ નથી કરતો’ આ ઘોષણાનું રહસ્ય ઘણા સમય સુધી લોકોની સમજમાં નહોતું આવતું. કેટલાક કહેતા કે સંઘને નવું કંઈ કરવાનું નથી તો પછી સંઘની સ્થાપના કેમ કરવામાં આવી ? કેટલાક ટિકાકારો કહેતા કે પૂર્વજોના પુણ્યપ્રતાપને વેચીને ખાવાવાળા આ આળસુ લોકો નવું શું કરી શકવાના છે ! પરંતુ લોકોની આ બધી ટીકાઓ તરફ ડૉક્ટરજીએ ધ્યાન ન આપ્યું. કારણ કે યુગ પ્રવર્તક નવા રાષ્ટ્રનું નિર્માણ કરવાની વાત ક્યારેય નહીં કરે. તેઓ ભૂલથી પણ એવું નહીં કહે કે તેઓ નવીન ઇતિહાસનું પાનું લખવાવાળા છે. ડૉક્ટરજીએ પૂર્ણ વિચાર અને મનુષ્ય સ્વભાવના ગંભીર અભ્યાસ પછી જ તેમણે આ ઘોષણા કરી હતી. તેઓ જાણતા હતા કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ - આ ત્રણેય કાળમાં વ્યાપ્ત વિરાટ રાષ્ટ્રપુરુષના દર્શન માત્રથી જનતાના મનમાં આત્મવિશ્ર્વાસની ભાવના દૃઢ થશે.’
કાળક્રમે ડૉક્ટરજી સાચા પડ્યા. જનતામાં સંઘપ્રેમ તીવ્ર ગતિથી વધવા લાગ્યો. પ્રારંભમાં સંઘકામ માટે ઉપેક્ષા પછી ઉપહાસ (મજાક) તે પછી તટસ્થતા (એટલે કોઈ નોંધ ન લેવી) તે પછી સંઘનો વિરોધ અને પછી સંઘકામનો સ્વીકાર - આ ક્રમ જળવાતો રહ્યો. સંઘના વિરોધથી માંડી બધી બાબતો સંઘ પ્રત્યેના દૈવી પ્રેમમાં પરિવર્તિત થવા લાગી અને જનતાની સમક્ષ પ્રભાવી હિન્દુ રાષ્ટ્રનું મંગલમય ચિત્ર દેખાવા લાગ્યું. સંઘ સ્થાપના પછીના ૧૬ વર્ષો સુધી પાગલ કહીને જેમની મજાક ઉડાવી હતી તે પુરુષ (ડૉ. હેડગેવાર) લોકોને દેવદૂત જેવા લાગવા માંડ્યા - A mad cap turned to be a prophet.
હિન્દુ સમાજ માટે થતી તપસ્યાઓમાં વિઘ્ન ઊભું કરવા કેટલાક લોકોએ અપપ્રચાર પણ શરૂ કર્યો હતો. હિન્દુ મહાસભાના પ્રખર નેતા ડૉ. મુંજેની સાથે ડૉ. હેડગેવારજીના સ્નેહમય સંબંધો હતા. કેટલાક લોકોએ પોતે ભ્રમમાં હોવાના કારણે અથવા કપટબુદ્ધિ ધરાવતા હોવાના કારણે ડૉ. હેડગેવાર અને સંઘ બાબતે ગલત પ્રચાર પણ શ‚ કર્યો કે ડૉ. હેડગેવારને હિટલર સાથે સંબંધો હતા. થોડા વર્ષો પહેલાં પ્રગટ થયેલ ચેતન ભટ્ટના પુસ્તક ‘હિન્દુ નેશનાલિઝમ’માં ડૉ. મુંજેને રા. સ્વ. સંઘના સ્થાપક બતાવવામાં આવ્યા હતા. એક વિદેશી શોધછાત્રા કૈસોલરી માર્જીયાએ પોતાના શોધ નિબંધમાં ડૉ. મુંજેની મારફતે સંઘ અને ડૉ. હેડગેવારનો સંબંધ ફાસીવાદ અને મુસોલીની સાથે હતો તે સાબિત કરવાનો દુષ્પ્રયાસ પણ કર્યો છે. આ લેખિકા માને છે કે ડૉ. મુંજે સંઘના અસલી સિદ્ધાંતકાર હતા. ડૉ. મુંજે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ૧૯૩૧માં લંડન ગયા હતા. લંડનથી ભારત પાછા આવતી વખતે ૧૯ માર્ચ, ૧૯૩૧ના દિવસે ડૉ. મુંજે ઇટાલીમાં મુસોલીને મળ્યા હતા, પણ આ તેમનો વ્યક્તિગત કાર્યક્રમ હતો તેમ છતાં ડૉ. હેડગેવારનો સંબંધ મુસોલીની સાથે હતો તેવો ગલત પ્રચાર ઉપનિવેશકાળથી આજ દિન સુધી ચાલ્યો આવે છે. તે ડૉક્ટરજીના ચરિત્ર ખંડન સિવાય બીજું કશું નથી.
૧૫ વર્ષની લગાતાર અવિશ્રાંત તપસ્યાના કારણે ડૉક્ટરજી ગંભીર બિમારીનો ભોગ બન્યા. અનેક ઉપચારો કરવા છતાં ફરીથી સ્વસ્થતા પ્રાપ્ત થવાની આશા તૂટવા લાગી. પોતાની ગંભીર બિમારી હોવા છતાં ૯ જૂન, ૧૯૪૦ના રોજ ડૉક્ટરજી સ્વયંસેવકોના શિક્ષણવર્ગમાં આવ્યા. દેશભરનાં સ્વયંસેવકો આ વર્ગમાં હતા. ડૉક્ટરજીની આંખોમાં ભારતનું લઘુ-રૂપ જાણે ખડુ થયું હતું. બિમારીને કારણે અશક્ત થઈ ગયેલા અવાજે તેમણે ટૂંકુ અને અંતિમ ઉદ્બોધન કરતાં કહ્યું, ‘આપણે એક મહાન કાર્યનો નિર્ણય કર્યો છે. એ કામ કરવા માટે આપણે અહીંથી પાછા જઈ રહ્યાં છીએ. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી સંઘને ભૂલીશ નહીં એવી પ્રતિજ્ઞા લો. કોઈપણ મોહને વશ થઈ આપણો માર્ગ છોડતા નહીં. પાંચ વર્ષ પહેલાં હું સંઘનો ઘટક હતો એવું કહેવાનો વખત કદી આવવા દેતા નહીં. આપણે આજીવન સ્વયંસેવકો છીએ.... આ માર્ગે ચાલતા ચાલતા એક સોનાનો દિવસ ઉગશે તે તમે ચોક્કસ સમજજો. એ દિવસે સમસ્ત હિન્દુસ્થાન સંઘમય થયો હશે.’
૨૦ જૂન, ૧૯૪૦ના રોજ સુભાષચંદ્ર બોઝ ડૉક્ટરજીને મળવા આવ્યા હતા પણ તેમની ગંભીર અવસ્થા જોઈ માત્ર પ્રણામ કરી ચાલ્યા ગયા હતા.
૧૫ જૂન ૧૯૪૦ના દિવસે ડૉક્ટરજીએ સંઘ પ્રચારક શ્રી યાદવરાવ જોશીને પ્રશ્ર્ન પૂછ્યો કે, ‘સંઘના વરિષ્ઠ અધિકારીનું અવસાન થાય તો તમે તેમનો અંતિમ સંસ્કાર સૈનિક પદ્ધતિથી કરશો ? યાદવરાવજીની આંખો અશ્રુથી ભરાઈ ગઈ. પોતાના મૃત્યુ પછી કોઈ ગલત પરંપરા ઊભી ન થાય એટલા માટે ડૉ. હેડગેવાર ચિંતિત હતા. સંઘમાં અપાતા સૈન્ય પ્રશિક્ષણને કારણે તેમને શંકા હતી કે તેમનો અંતિમ સંસ્કાર કદાચ સૈનિકી ઢંગથી આપવામાં આવી શકે.’ તેથી ડૉક્ટરજીએ પોતાનું મંતવ્ય પ્રકટ કરતા કહ્યું કે, ‘સંઘ એક વિશાળ કુટુંબ છે, આ કોઈ સૈનિક સંગઠન નથી. તેથી કુટુંબના સભ્યના મૃત્યુ પછી જેવો અંતિમ સંસ્કાર થાય છે તેવો સાધારણ પદ્ધતિથી અંતિમ સંસ્કાર થવો જોઈએ.’ ડૉક્ટરજીએ પોતાની ગંભીર સ્થિતિ જોઈ સંઘનો કાર્યભાર ગુરુજી ગોલવલકરના હાથમાં સોંપવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી.
શુક્રવાર દિનાંક ૨૧ જૂન, ૧૯૪૦ની સવારે ૯.૨૭ મિનિટે ડૉક્ટરજી ઈહલોક છોડીને ચાલ્યા ગયા. હજારો સ્વયંસેવકોનું પ્રેમાળ શિરછત્ર અને પ્રેરણાકેન્દ્ર ચાલ્યું ગયું. કોઈ લેખકે કહ્યું છે કે મહાન કાર્યનો મંત્ર, પ્રભાવી નેતૃત્વ અને સંગઠન કુશળતા - આ ત્રણ ગુણો કોઈનામાં એકત્ર થયેલા ભાગ્યે જ જોવા મળે છે. આપણા ડૉક્ટરજીમાં આ ત્રણેય ગુણો પરમોચ્ચ કોટીના હતા. એટલે જ તેઓ યુગપ્રવર્તક હતા.
* * *
સંદર્ભ :
* ડૉ. હેડગેવાર - ના. હ. પાલકર
* ડૉ. કેશવ બલિરામ હેડગેવાર - રાકેશ સિંહા
* યુગપ્રવર્તક ડૉ. હેડગેવાર - યાદવરાવ જોષી
* ડૉ. હેડગેવાર - પુ.ગ. સહસ્રબુધ્ધે
* ડૉ. હેડગેવારકી રાષ્ટ્ર કો દેન - રાજેન્દ્રસિંહ (રજ્જુ ભૈયા)
* સ્મૃતિકણ