પરદેશમાં પાવરધા પુરવાર થઈ રહેલા ભારતીયો

    ૨૩-જૂન-૨૦૧૭


વ્યવસાયે ડૉક્ટર અને હવે આયર્લેન્ડના વડાપ્રધાન લિયો વારડકર અત્યારે ખાસ્સા ચર્ચામાં છે. કોણ છે આ લિયો વારડકર અને શા માટે તેમનું નામ અત્યારે આટલું ચર્ચાઈ રહ્યું છે ? આ બંને પ્રશ્ર્નો થવા સ્વાભાવિક છે. લિયો વારડકર કોણ છે તેની વાત આપણે પછી કરીએ, તે પહેલાં આ નામ અત્યારે ચર્ચાય છે તેના કારણ વિશે વાત કરીએ, કારણ કે એ કારણમાં જ આપણો આ વખતનો વિષય રહેલો છે. લિયો વારડકરનું નામ આટલું ચર્ચામાં છે કારણ કે તેઓ આયર્લેન્ડમાં પ્રાઇમ મિનિસ્ટર બનનારા ભારતીય છે. એક ભારતીય મૂળની વ્યક્તિને વિદેશમાં વડાપ્રધાન જેવું સર્વોચ્ચ પદ મળે એ ચોક્કસપણે એક ગૌરવપદ ઘટના છે. જો કે આ ઉપરાંત બીજા બે મહાનુભાવોના નામે બે જુદા જુદા દેશોના સર્વોચ્ચ પદો જુદા જુદા સમયગાળા દરમ્યાન શોભાવવાનો વિક્રમ સત્તાવાર રીતે નોંધાયેલો છે. એ ઉપરાંત પણ વિવિધ દેશોના સત્તાવાર મંત્રીમંડળમાં પણ ભારતીયો સ્થાન પામે છે. જો કે આ લિયો વારડકર પહેલા ભારતીય નેતા તો નથી જ કે જે વિદેશમાં સર્વોચ્ચ પદ પર પહોંચ્યા હોય. હકીકતે આ યાદી ઘણી લાંબી છે, પણ અહીં સરળતા ખાતર કેટલાક પસંદગીના નેતાઓની વાત કરી છે. આ યાદીની શરૂઆત કરતાં જ યુ. કે.માં તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીનાં પરિણામો પર એક નજર કરી લઈએ. બ્રિટનમાં યોજાયેલી આ મધ્યસત્ર સામાન્ય ચૂંટણીઓમાં સૌપ્રથમ ‘ટર્બનેટર’ શીખ તરીકે તનમનજીતસિંહ ઢેસી અને સૌપ્રથમ શીખ મહિલા તરીકે પ્રીતિ કૌર બ્રિટનની પાર્લામેન્ટના ‘હાઉઝ ઑફ કોમન્સ’માં ચૂંટાઈ આવ્યાં છે.
આ યાદીને આગળ વધારીએ તો તેમાં અત્યારે યુ.એન.માં યુ.એસ.ના ૨૯મા એમ્બેસેડર નિક્કી હેલેનું નામ મોખરે આવે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ તેઓ ૨૦૧૧થી જાન્યુઆરી, ૨૦૧૭ સુધી સાઉથ કેરોલિના સ્ટેટના ૧૧૬મા ગવર્નર તરીકે રહી ચૂક્યા છે. યુ.એસ.માં એકાઉન્ટીંગના નિષ્ણાત તરીકે નિક્કીનું નામ અગ્ર હરોળમાં મુકાય છે. ગત વર્ષે નવેમ્બરમાં ટ્રમ્પ પ્રમુખ બન્યા ત્યારે તેમના વહીવટીતંત્રમાં જે કેટલાક ભારતીયોને સક્રિય ભૂમિકા મળશે તેવું લાગતું હતું તેમાં નિક્કી હેલેનું નામ મોખરે હતું અને પછી તેમને યુ.એન.માં નિમણૂક મળતાં આ ધારણા સાચી ઠરી છે. અહીં એ નોંધવા જેવું છે કે પેરિસ સંધિના બહિષ્કારના ટ્રમ્પના ફેંસલાના તેઓ પ્રબળ સમર્થક છે. ભારત અને ચીને અમેરિકાના આ નિર્ણયનો વિરોધ કર્યો ત્યારે નિક્કી હેલેએ તેનો જોરદાર જવાબ આપેલો અને તેને કારણે જ તેઓ લાઈમલાઈટમાં પણ આવેલાં. મૂળ પંજાબી માતા-પિતાનાં અમેરિકામાં જન્મેલાં પુત્રી નિક્કી આ ઉપરાંત યુ.એસ. સ્થાનિક સ્તરે સતત ચાલતી સામાજિક ચળવળો અને અભિયાનોમાં પણ રાજકારણમાં આવ્યાં, પહેલાંથી સક્રિય રહ્યાં છે. અબોર્શન રાઈટસ અને પ્રો. લાઈફ બિલ તેમજ તેના જેવાં બીજાં ઘણાં મહિલા કેન્દ્રી બિલો પાસ કરાવવામાં તેમની સક્રિય ભૂમિકા રહી છે.
વિદેશમાં વડાપ્રધાન સુધી પહોંચનારા ભારતીયોની વાત કરીએ તો જે નામ અચૂક રીતે અને કંઈક અંશે પ્રથમ ક્રમે યાદ આવે તે છે એક સમયે ફીજીના વડાપ્રધાન રહી ચૂકેલા મહેન્દ્રપાલ ચૌધરી. ૧૯૯૯-૨૦૦૦ના લગભગ એક વર્ષના સમયગાળા દરમ્યાન મહેન્દ્ર ચૌધરી ફીજીના વડાપ્રધાન રહ્યા હતા. ભારતના હરિયાણા રાજ્યના રોહતક જિલ્લાના બહુ જમાલપુર ગામમાં પોતાનાં મૂળિયાં ધરાવનાર અને ૧૯૮૭થી ફ્રીજના રાજકારણમાં એક યા બીજી રીતે સક્રિય એવા મહેન્દ્રપાલ ચૌધરી બહુ વિચિત્ર અને વિરોધાભાસી સંજોગોમાં વડાપ્રધાન બન્યા હતા. ૧૯૯૯ની સામાન્ય ચૂંટણીઓમાં તેમના ગઠબંધને બહુમત મેળવ્યા પછી તેમને વડાપ્રધાન પદ સ્વીકારવા માટે સમજાવવામાં આવ્યા હતા અને બીજી તરફ કોઈ ફિજિયન નેતાની તરફેણમાં વડાપ્રધાનપદ જતું કરવા માટે પણ તેમને સમજાવવામાં આવ્યા હતા. આમ છતાં તેઓ વડાપ્રધાન બન્યા હતા અને ખાસ કરીને વિદેશમાં ગયેલું ફીજીનું બુદ્ધિધન પાછું લાવવા માટે અને એ રીતે સ્થાનિક ફીજીયન્સમાં ઐક્યની ભાવના પ્રેરીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની સરકારી નીતિઓ સંદર્ભે ઘણા લોકપ્રિય બન્યા હતા. પણ ૨૦૦૦માં તેમની પાર્ટી તેમજ છેવટે સરકારમાં પણ આંતરિક બળવો થતાં તેમણે વડાપ્રધાનપદ છોડ્યું હતું. જો કે એક યા બીજી રીતે ફીજીના વર્તમાન રાજકારણમાં તો તેઓ આજે પણ સક્રિય છે જ.
આપણે જેમનાથી આ આખી ચર્ચાની શ‚આત કરી તે લિયો વારડકરને હવે મળીએ. ૩૮ વર્ષીય વારડકર આયર્લેન્ડના સૌથી નાની વયના વડાપ્રધાન છે. ૧૯૯૯માં માત્ર ૨૦ વર્ષની વયે વિદ્યાર્થીજીવન દરમિયાન જ સ્થાનિક ચૂંટણી લડીને સત્તાવાર રીતે હારવા છતાં રાજકારણના દ્વારે ટકોરા મારનાર લિયો વારડકર ૨૦૦૩થી વિવિધ પદો પર રહીને આયર્લેન્ડના રાજકારણમાં સક્રિય છે. તેઓ હેલ્થ મિનિસ્ટર તેમજ સોશિયલ પ્રોટેક્શન મિનિસ્ટર રહી ચૂક્યા છે. લિયો વારડકરના કાર્યકાળને આયર્લેન્ડની પ્રજાની વિચારસરણીમાં આવેલા ધરખમ, મહત્ત્વના અને સમગ્રલક્ષી પરિવર્તન તરીકે જોવામાં આવે છે. ખૂબ જ ધાર્મિક ગણાતી આયર્લેન્ડની પ્રજાએ માત્ર વારડકરની વ્યક્તિગત કામગીરી અને નીતિઓને ધ્યાનમાં રાખીને તેમને વોટ આપ્યા છે. તે ઉપરાંત ભારતીયો આયર્લેન્ડમાં લઘુમતીમાં છે એટલે લઘુમતીના પ્રતિનિધિ એવા વારડકર પીએમ બન્યા એ આયર્લેન્ડમાં પહેલી ઘટના છે. હવે બ્રિક્ઝિટના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાંથી તેઓ કઈ રીતે માર્ગ કાઢે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ યાદીમાં એક ભારતીય મહિલા પણ છે, જેમનું નામ છે કમલા પ્રસાદ બિસ્સેસર. ત્રિનિદાદમાં રહેતા કમલા પ્રસાદ બિસ્સેસર ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન ત્રિનિદાદ અને ટોબેબોના સાતમા વડાપ્રધાન રહી ચૂક્યા છે. તેઓ ત્રિનિદાદ અને ટોબેગાના પહેલાં મહિલા વડાપ્રધાન છે. જો કે હાલ તેઓ વિપક્ષના નેતા છે. ભારતના બિહાર સાથે કૌટુંબિક નાતો ધરાવનાર અને ભારતીય પરિવારમાં જન્મેલા કમલા પ્રસાદના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ વિશે વધુ કોઈ સત્તાવાર માહિતી મળતી નથી પણ એટલું ચોક્કસ નોંધાયું છે કે વડાપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ ઘણો સફળ રહ્યો હતો.
આ સાથે અત્યારની ટ્રમ્પ સરકારના આઈપીઆર ડિપાર્ટમેન્ટના વિશાલ અમિન અને ઓફિસ ઓફ ઇન્ફર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સના એડમિનિસ્ટ્રેટર નેઓની રાવનો આ યાદીમાં એટલિસ્ટ નામોલ્લેખ તો કરવો જ રહ્યો. આ ચર્ચાના સાર‚પે એમ કહી શકાય કે એક સમયે જે દેશ અને પ્રજા પર આખું વિશ્ર્વ એક યા બીજી રીતે રાજ કરતું રહ્યું હતું એ ભારતીય પર્જા વિશ્ર્વ પર રાજ કરી રહી છે. ભારતીયો પરદેશમાં પાવરધા પુરવાર થઈ રહ્યા છે. એ દૃષ્ટિએ આયર્લેન્ડમાં ભારતીય પીએમ હોય એ એક યુગપ્રવર્તક ઘટના છે.