જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ

    ૨૩-જૂન-૨૦૧૭


વ્યાસજી રામાયણ લખતાં હતાં અને શિષ્યોને વાંચી સંભળાવતા હતા. શ્રી હનુમાનજી પણ રામાયણ સાંભળવા આવીને બેસતા. વ્યાસજીએ લખી સંભળાવ્યું કે, ‘મારુતિ અશોકવનમાં ગયા. ત્યાં તેમણે ધોળા ફૂલો જોયા.’ આ સાંભળી હનુમાનજીએ પ્રગટ થઈ કહ્યું : મે ધોળા નહીં પણ લાલ ફૂલો જોયા હતા. તમે ખોટું લખી રહ્યાં છો. માટે સુધારો કરો. વ્યાસજીએ કહ્યું, મેં લખ્યું છે તે સાચુ છે, વાત માતા સીતા સમક્ષ પહોંચી. વ્યાસજીએ કહ્યું, ‘માતા તમે તો ત્યાં જ હતા ને ? કહો કે ફૂલ સફેદ હતા કે લાલ ? સીતાજીએ જવાબ આપ્યો; ‘સફેદ પણ નહીં અને લાલ પણ નહીં. એ ફૂલો તો પીળા હતા.’ મામલો વધુ ગૂંચવાતા ભગવાન શ્રીરામ સમક્ષ પહોંચ્યો. તેઓએ કહ્યું, વ્યાસજીએ કહ્યું છે તે સત્ય જ છે. ‘ફૂલ તો ધોળા જ હતા, પરંતુ હનુમાનની આંખો તે વખતે ક્રોધથી લાલચોળ થઈ ગઈ હતી, તેથી સફેદ ફૂલ તેમને લાલ દેખાયા.’ સીતાને ફૂલ પીળા દેખાયા, કારણ કે તેમની આંખો એ વખતે વિષાદ અને દુ:ખથી ભરેલી હતી.’ આ સૂચકપ્રસંગનો સાર એટલો જ કે, દુનિયા તરફ જોવાની આપણી દૃષ્ટિ જેવી હશે, તેવી જ દુનિયા આપણને દેખાશે...!