નસીરુદ્દીનભાઈ! આવો આપણે ભૂતકાળ ભૂલી જઈએ

    ૨૩-જૂન-૨૦૧૭

અભિનેતા નસીરુદ્દીન શાહની એક ટિપ્પણી અને લેખક શ્રી દિનકર જોષીની છણાવટ

નસીરુદ્દીનભાઈ! આવો આપણે ભૂતકાળ ભૂલી જઈએ

નસીરુદ્દીન શાહ હિંદી ફિલ્મ ઉદ્યોગનું માત્ર જાણીતું જ નામ નથી, વિવાદોથી પર એવું એક સન્માનનીય નામ પણ છે. નસીરુદ્દીનની ઝાઝી ફિલ્મો મેં જોઈ નથી. આમ છતાં એની એક ફિલ્મ નામે વેન્સડે મેં જ્યારથી જોઈ છે ત્યારથી મારા મનમાં આ કલાકારની સૂઝ, સમજ અને અભિવ્યક્તિ માટે એક ખૂણામાં ઊંચો અભિપ્રાય રહ્યો છે. જો કે લગભગ વીસેક વરસ પહેલાં મારી નવલકથા પ્રકાશનો પડછાયો ઉપરથી અંગ્રેજી ભાષામાં દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાને મહાત્મા વર્સેસ ગાંધી નાટક બનાવ્યું હતું એમાં નસીરુદ્દીને કેટલોક સમય ગાંધીજીની ભૂમિકા ભજવી હતી. એ દિવસોમાં રંગમંચ કે ગ્રીન રૂમમાં એક-બે વાર એમને મળવાનું થયેલું પણ એ પરિચય હલ્લો, હાયથી પછી આગળ વધ્યો નહોતો.
આ નસીરુદ્દીન એક અભિનેતા છે. હિંદી ફિલ્મ ઉદ્યોગમાં વરસોથી ટોચના કલાકારો પૈકી એક ગણાય છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જે નિર્માતાઓ એમને કામગીરી સોંપે છે એ પૈકી કોઈએ એમને ધર્મ પૂછીને કામ આપ્યું હોય અથવા ન આપ્યું હોય એવું બન્યું નથી. કોઈ પ્રેક્ષકો એનો ધર્મ જાણ્યા પછી એમની ફિલ્મ જોવા ન ગયા હોય એવું બન્યું નથી. પોતે મુસલમાન છે એ વાત ક્રિકેટર અઝહરુદ્દીન કરે તો કદાચ એને માટે શોભાસ્પદ લાગે. સંજય દત્ત - હિંદુ પિતા અને મુસ્લિમ માતાનું સંતાન -ચૂંટણી ટાણે લાભ ખાટી લેવા આવું બોલે - હું મુસ્લિમ માતાનું સંતાન હોવાથી મને પરેશાન કરવામાં આવે છે. - તો એ પણ ક્ષમ્ય છે. જોકે આ બન્નેને લાભો મેળવતી વખતે ક્યારેય ધર્મ સાંભર્યો નહોતો એના વિશે ઝાઝો વિચાર કરવાનો હોય નહીં. તેઓ તો એવું બોલે જ પણ જો નસીરુદ્દીન પણ આવું બોલે તો એના ઉપર હિંદુ અને મુસલમાન બધાએ ધ્યાન આપવું જોઈએ. નસીરુદ્દીનની વાતને સમજવી જોઈએ અને એને સમજાવવી પણ જોઈએ. નસીરુદ્દીને એક અખબારી નિવેદનમાં કહ્યું કે ભારતમાં પાકિસ્તાની તરફી મુસ્લિમોની વસતી કરતાં વધુ મુસ્લિમો ભારતીય અને રાષ્ટ્રપ્રેમી છે. આમ હોવાથી મુસ્લિમોની રાષ્ટ્રભક્તિ વિશે શંકા કરવી એ યોગ્ય ન કહેવાય. એમણે વધુમાં એ પણ કહ્યું કે દેશભક્તિ કોઈ ટોનિક નથી કે જેને બળજબરીથી કોઈના ગળે ઉતારી શકાય.
વિચારણા માંગી લે એવી આ વાત છે. પહેલી વાત તો એ કે ભારતમાં ભલે બહુમતી મુસલમાનો દેશભક્ત હોય પણ બહુમતીને આગળ ધરવાનો પ્રશ્ર્ન બીજી તરફ રહેલી ગુનાહિત વાતને આગળ ધરી દે છે. મોટા ભાગના મુસલમાનો ભલે દેશભક્ત હોય એનો સ્વીકાર કરીએ પણ જે નાનો ભાગ દેશભક્ત નથી એનો આ છડેચોક સ્વીકાર છે. આ સ્વીકારનો અસ્વીકાર કરવાનો કોઈ અર્થ નથી. દેશમાં બધા જ મુસલમાનો દેશભક્ત નથી એની આ ખુલ્લેઆમ કબૂલાત ભારત સરકારને અને દેશભક્ત ભારતીય નાગરિકો માટે પડકારરૂપ છે, ચેતવણીરૂપ છે. આ જોખમો સમજી લેવા જેવાં છે.
નસીરુદ્દીનની બીજી વાત પણ સાચી છે. દેશભક્તિ કોઈ ટોનિક નથી, વિટામિનની કોઈ કેપ્સ્યૂલ નથી કે જે દેશપ્રેમી ન હોય એમના ગળે ઉતારી દેવાય. દેશપ્રેમ કોઈ શૈક્ષણિક શિબિરમાં શીખવી શકાતો નથી. કોઈ દવાદા‚ મારફતે પામી શકાતો નથી. બંદૂકની અણીએ ઉપજાવી શકાતો નથી. એ તો હોવો જોઈએ અને માત્ર હોવો જોઈએ. નસીરભાઈને યાદ હશે કે નહીં એ આપણે નથી જાણતા પણ પહેલા વિશ્ર્વયુદ્ધને અંતે જ્યારે બ્રિટિશ સરકારે ઇસ્તમ્બૂલના ખલીફાને ખતમ કરી નાખ્યો ત્યારે દેશના વાયવ્ય સરહદના ઇલાકામાં વસતા મુસલમાનોએ દેશ છોડીને અફઘાનિસ્તાન જવાનું પસંદ કર્યું. એનું કારણ માત્ર એટલું જ હતું કે બ્રિટિશ વિજેતાઓ ખ્રિસ્તી હતા. દેશની વસતી હિંદુ હતી અને મુસલમાનો માટે કુરાનમાં એવો આદેશ આપવામાં આવ્યો છે કે મુસલમાનોએ દાર-ઉલ-ઇસ્લામ એટલે કે જ્યાં ઇસ્લામ સત્તા ઉપર હોય ત્યાં જ વસવું અને તે શાસન ઇસ્લામી ન હોય તો એને દાર-ઉલ-હર્બ કહેવાય. મુસલમાનોએ કાં તો દાર-ઉલ-હર્બ ભૂમિને દાર-ઉલ-ઇસ્લામ બનાવી દેવી જોઈએ અથવા એ દેશ છોડી દેવો જોઈએ. (આ વિષયમાં મુસ્લિમ પંડિતોમાં સ્થળકાળના સંદર્ભમાં વાદવિવાદ થાય છે ખરા પણ દાર-ઉલ-ઇસ્લામનું મનમોહક સ્વપ્ન મોટા ભાગના મુસલમાનોને રળિયામણું જ લાગ્યું છે.)
૧૮૫૮માં સર સૈયદ અહમદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં પગરણ માંડ્યાં ત્યારે એમણે કહ્યું હતું કે દેશના બધા મુસલમાનો હિંદુ છે અને હું પણ એક હિંદુ જ છું. કોને હિંદુ કહેવાય અને કોને મુસલમાન કહેવાય એ વાત પર સૈયદ અહમદ કરતાં અલીગઢ યુનિવર્સિટીના બે પ્રિન્સિપાલો મિસ્ટર બેકન અને મિસ્ટર આર્કિબાલ્ડ આ સારી રીતે સમજતા હતા. અને પોતાની આ સમજણ એમણે સર સૈયદ અહમદમાં ઉતારી દીધી. દેશભક્ત લાગતા સર સૈયદ અહમદ રાતોરાત કટ્ટરવાદી મુસલમાન બની ગયા. મઝહબ પહેલો, દેશ પછી.
આ પછી આવ્યા સર મહમદ ઇકબાલ. સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારાવાળા. ઇકબાલ રાતોરાત ભારતીય મટીને પાકિસ્તાની બની ગયા. ગીતની પંક્તિઓ ફરી એક વાર બદલાઈ ગઈ. હિંદી હૈ હમ, વતન હૈ હિંદોસ્તા હમારાને બદલે મુસ્લિમ હૈ હમ, વતન હૈ સારા જહાં હમારા આ ગીત કરોડો મુસલમાનોને કંઠે મઝહબી બની ગયું. આવું કેમ બન્યું ? દેશભક્તિનું કોઈ ટોનિક કે વિટામિન બહારથી આપવામાં આવતું નથી કે આપી શકાતું નથી અને આમ છતાં આ બન્યું એનું કારણ એટલું જ હોઈ શકે, પહેલાં દેખાયેલી દેશભક્તિ ખરેખર હતી જ નહીં. હોય તો એ નષ્ટ ન થાય. આજે લગભગ એક સૈકા પછી પણ ઇકબાલની આ કવિતા કરોડો દેશભક્તોના કંઠે તરોતાજા છે. આપણા દેશની પ્રાથમિક શાળાનાં પાઠ્યપુસ્તકોમાં એને ભણાવવામાં પણ આવે છે. વાત હિંદુ, મુસલમાન કે દેશભક્તિની નથી.
સુભાષચંદ્ર બોઝને બહુમતી હોવા છતાં અને કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા હોવા છતાં કોંગ્રેસ અને ગાંધી દ્વારા અન્યાયપૂર્વક હાંકી કાઢવામાં આવ્યા હતા. મુકમ્મિલ આઝાદી માટે એમણે દેશત્યાગ કરીને મોતને વહાલુ કર્યું. દેશભક્તિનો ત્યાગ નહોતો કર્યો. મહમ્મદ અલી ઝીણા કોંગ્રેસ પ્રમુખ બની શક્યા નહીં. એમની વાત (જોકે કેટલીક વાતો સાચી હોવા છતાં) ગાંધીજીએ અને કોંગ્રેસે સ્વીકારી નહોતી. પરિણામ એ આવ્યું કે ઝીણા દેશભક્ત મટી ગયા. એમના ઊંડાણમાં દેશભક્તિ હતી જ નહીં. દેશભક્તિ એ તો એમનો તકવાદી વાઘો હતો. અસલી સ્વરૂપ મુસ્લિમ લીગના ૧૯૪૦ના અધિવેશનમાં અને ૧૯૪૬ના ડાયરેક્ટ એક્શન ડેનો આદેશ આપતી વખતે છતું થયું.
આ બધું યાદ ન કરવું જોઈએ એવું નસીરુદ્દીન કહે છે. પૂર્વજોનાં દુષ્કૃત્યો માટે સાંપ્રત પેઢીને અપરાધી ઠેરવવી ન જોઈએ એવું પણ તેઓ કહે છે. એમની આ વાત પણ સાચી છે. પૂર્વજોના પાપની સજા નવી પેઢીઓને આપવામાં આવે એ ભરચક અન્યાય છે. કબૂલ, મંજૂર પણ, પૂર્વજોએ આચરેલા પાપનો સ્વીકાર કરીને એમણે આચરેલાં પાપને સુલટાવવાની પ્રક્રિયા તો વર્તમાન પેઢીએ કરવી જોઈએને ? જાપાન ઉપર અણુબોમ્બ નાખીને માનવજાતનો ઘોર અપરાધ કરનાર અમેરિકન પ્રમુ્ખ ટ્રુમેનના પાપ બદલ વરસો પછી બીજા અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગને જે કંઈ થયું હતું એનો સ્વીકાર કરીને ભૂલ કબૂલી હતી. કોઈ પણ ખંધા રાજકારણીની જેમ એમણે સીધેસીધી માફી નહોતી માગી પણ બોમ્બમારાથી પીડિત પ્રજા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
મુસલમાન બહુમતીને જો એમ લાગતું હોય કે એમના પૂર્વજોએ આ દેશની તત્કાલીન પ્રજા અને સમાજ ઉપર શાસકીય અત્યાચાર થયો છે તો એની વ્યથા હળવી કરવા કેટલાંક પગલાં ભરવાં જોઇએ. દા.ત. બાબરી ઢાંચો, મથુરા કૃષ્ણ જન્મભૂમિ અને કાશીની જ્ઞાનવાપી મસ્જિદ. આ ત્રણ સ્થાનો ઉદારતાપૂર્વક પૂર્વજોને પ્રણામ કરીને પીડિત અને અપમાનિત બહુમતી પ્રજાને સોંપાયા હોત તો કદાચ હિંદુ-મુસ્લિમ વૈમનસ્યની આ તીવ્રતા ભૂતકાળનો વિષય બની શક્યો હોત.
નસીરુદ્દીને એ પણ સાચું કહ્યું છે કે મુસ્લિમો શૈક્ષણિક રીતે પછાત છે એટલે એમણે પોતે વંચિત હોવાની ભાવનામાંથી મુક્ત થઈને શિક્ષણ મેળવવું જોઈએ. સાચી વાત છે નસીરભાઈ, શિક્ષણક્ષેત્રે મુસલમાનો પછાત છે એ ન હોવા જોઈએ પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માત્રથી આ પ્રશ્ર્ન હલ થશે ખરો ? બધા મુસલમાનો ત્રાસવાદી નથી હોતા પણ વૈશ્ર્વિક સ્તરે સુધ્ધાં પકડાયેલા તમામ ત્રાસવાદીઓ મુસલમાનો જ છે એનો ઇનકાર શી રીતે થઈ શકે ? આઇએસઆઇએસ મુસ્લિમ મુલ્કોમાં પણ જે અમાનુષી જુલ્મો કરે છે એ ત્રાસવાદીઓ શું શિક્ષિત મુસલમાનો નથી ? ક્મ્પ્યુટર વિજ્ઞાનની દૃષ્ટિએ તેઓ બહુ જ મોટી કક્ષાના શિક્ષિતો છે. નર્યા શિક્ષણથી પ્રશ્ર્ન નહીં ઉકલે. શિક્ષણ સાથે જ ધર્મની મર્યાદા, વિવેક અને માણસાઈ શીખવી પડશે.
આ સંદર્ભમાં આઝાદીના ઉગમ કાળે ગાંધી-સરદાર વચ્ચે થયેલો એક સંવાદ યાદ કરવા જેવો છે. દિલ્હીમાં ભરપૂર તોફાનો હતાં, લાહોરથી હજારો નિરાશ્રિતો બધું ખોઈને પહેરેલ કપડે દિલ્હી પહોંચ્યા હતા. વાતાવરણમાં ભયાનક હિંસા અને અત્યંત અવિશ્ર્વાસ છલોછલ ભર્યાં હતાં ત્યારે ગાંધીએ સરદારને (તેઓ ત્યારે ગૃહપ્રધાન હતા) કહ્યું - "સરદાર, લઘુમતીઓને સુરક્ષાની ખાતરી થાય એવું વર્તન બહુમતીએ કરવું જોઈએ. આ જે લઘુમતી એટલે કે મુસલમાનો, બહુમતી એટલે કે હિંદુઓ ઉપરથી વિશ્ર્વાસ ખોઈ બેઠા છે.
"બાપુ, આપની વાત સાચી છે. લઘુમતીને બહુમતી માટે વિશ્ર્વાસ પેદા થવો જોઈએ એ મને પણ ગમે છે પણ શું એ માટે લઘુમતીઓએ જ પોતાનામાં સહુ કોઈને વિશ્ર્વાસ પેદા થાય એવું વર્તન અને વ્યવહાર ન કરવાં જોઈએ ? કાશ્મીર પ્રશ્ર્ને એકેય મુસ્લિમ સંસ્થા કે નેતાએ પાકિસ્તાનને હજુ વખોડ્યું નથી.
ગાંધીજી ઉત્તર આપવાનું ટાળીને પોતાની રોજિંદી લઢણથી હસી પડ્યા હતા.
સાપથી માણસ ડરે છે. મોટા ભાગના સાપ ડરવા જેવા નથી હોતા. નિર્દોષ અને રમણીય હોય છે - હાથ ફેરવવાનું મન થાય એવા. સો પ્રજાતિમાંથી પાંચ-દશ જ ઝેરી, વેરી અને કાતિલ હોય છે. પણ આ પાંચ-દશ ક્યા છે એ આ સોમાંથી ઓળખી શકાતા નથી. આવું થતું હોય ત્યારે બાકીના નેવુંએ આ દશને ઉઘાડા પાડીને ફેંકી દેવા જોઈએ. નેવું જો આવું કરવાને બદલે પેલા દશને શત્રુ માટે સ્લીપર સેલ બનવા દે ત્યારે નેવું પણ દશની સાથે જ વગોવાઈ જાયને ?
અને છેલ્લે, મુસ્લિમ દેશભક્તો વિશેની સંખ્યા તો આપણે જાણતા નથી પણ ઊડીને આંખે વળગે એવાં ઉદાહરણો જાણીએ છીએ. ૧૯૬૫માં પંજાબના ખેમકરણ સેક્ટરમાં પાકિસ્તાની ટેંકોનું કબ્રસ્તાન બનાવી દેનાર એક ભારતીય સૈનિક નામે હમીદ મુસલમાન હતો. હમીદનું સ્મારક આજેય ખેમકરણમાં છે. આપણે એને સલામ કરીએ. ૧૯૪૭માં પાકિસ્તાની હુમલાખોરો કાશ્મીરમાં ઘૂસીને છેક બારામુલ્લા સુધી પહોંચી ગયા ત્યારે રાજા હરિસિંહે, પોતાના ડોગરા સેનાપતિ નારાયણ સિંહને પોતાની લશ્કરી ટુકડી, જેની સંખ્યા ચારસો મુસ્લિમ સૈનિકોની હતી સામના માટે તૈયાર કરી. મુસ્લિમ હોવાને કારણે રાજાએ થોડાક ડોગરા સૈનિકો એમાં ઉમેરવાનું કહ્યું ત્યારે નારાયણ સિંહે છાતી ટટ્ટાર કરીને કહ્યું - "મહારાજ, મને મારા મુસલમાન સૈનિકો ઉપર ડોગરા કરતાં પણ વધુ વિશ્ર્વાસ છે.
પરિણામ ઇતિહાસના પૃષ્ઠ ઉપર લખાઈ ચૂક્યું છે. પેલા વિશ્ર્વાસુ ૪૦૦ મુસલમાન સૈનિકો માતૃભૂમિ કાશ્મીરનો દ્રોહ કરીને બારામુલ્લા પહોંચતાવેંત એકીસાથે પાકિસ્તાન તરફી થઈ ગયા હતા. નારાયણ સિંહની કતલ કરી નાખવામાં આવી. એકેયને કાશ્મીરભક્તિ કે ભારતભક્તિ સાંભરી નહોતી.
અને બરાબર એ જ દિવસોમાં એક કાશ્મીરી મુસલમાન સૈનિક નામે બ્રિગેડિયર ઉસ્માને એકલા હાથે પાકિસ્તાની ધાડાંઓને બારામુલ્લાથી દૂર હડસેલ્યાં હતાં એનેય સલામ કરવી જોઈએ. હમીદ અને ઉસ્માનનાં સ્મારકો આજેય એ ભૂમિ ઉપર છે અને આવતાં-જતાં ભારતીય લશ્કરી દળો એને સલામ કરે છે.
નસીરભાઈ ! આવો, આપણે ભૂતકાળ ભૂલી જઈએ અને દેશનું નવું નિર્માણ કરીએ. તમે અમારા માટે વેન્સડેના હીરો છો. અમારી આ છાપ અકબંધ રહેવા દો. સરફરોશના શાયર તરીકેનું તમારું પાત્ર અમે ભૂલી જવા માંગીએ છીએ.
* * *
(સાભાર : મુંબઈ સમાચાર)