પોપટીબહેનની નિશાળ

    ૨૩-જૂન-૨૦૧૭

એક હતો પોપટ ને એક હતી પોપટી. પોપટ ભણેલો હતો ને પોપટી અભણ હતી.
એક દિવસે પોપટ કહે : ‘ચાલ પોપટી, મારે ઘેર આવવું છે ?’
પોપટી કહે : ‘ના, હું તો રાજકુમારને ઘેર જઈશ.’
પોપટ કહે : ‘અરે ઓ પોપટી ! હું રાજકુમાર જ છું. જો, મારે સો ઘર છે, સો ખેતર છે ને સો આંબા છે. એઈ... ખાશું, પીશું ને મોજ કરીશું. ચાલ ને !’
એટલું કહીને પોપટે લખણું પણ બતાવ્યું. એમાં બે મીંડાં હતાં ને પછી એકડો લખેલો હતો. પોપટી એટલું જાણતી હતી કે એકડો હોય ને બે મીંડાં હોય એટલો સો થાય. પોપટીએ પોપટની વાત સાચી માની લીધી.
પછી પોપટ કહે : ‘બોલ, હા કે ના ?’
પોપટી શરમાઈ ગઈ. આંખો પટપટાવીને તે કહે : ‘હા !’
પછી પોપટ ને પોપટી પોતાને ઘેર આવ્યાં. પોપટને તો નાનકડું ઘર હતું. એમાં બે જણાં ભીંસાતાં હતાં. પોપટીને મૂંઝારો થતો હતો. તે કહે : ‘આ ઘર તો બહુ નાનું છે. આપણાં સો ઘર ક્યાં છે ?’
પોપટ કહે : ‘એઈ...! શાનાં સો ઘર ?’
પોપટી કહે : ‘કેમ, તું કહેતો હતો ને કે મારે તો સો ઘર છે !’
પોપટ કહે : ‘અરે ! મેં ક્યાં કહ્યું છે કે મારે સો ઘર છે. જો આ લખણું. એમાં શું લખ્યું છે ?’
બાજુમાં માસ્તર સાહેબ રહેતા હતા. પોપટીએ તેમની પાસે લખણું વંચાવ્યું.
માસ્તર કહે : ‘આમાં તો ૦૦૧ ઘર, ૦૦૧ ખેતર ને ૦૦૧ આંબો એટલું જ લખેલું છે.’
એ સાંભળીને પોપટી ઝંખવાણી પડી ગઈ. પોતે અભણ હતી તેની એને શરમ આવવા લાગી. પોપટે તેની સાથે ઠગાઈ કરી હતી તેનો એને ગુસ્સો ચઢ્યો હતો. રોષ કરીને તે કહે :
જૂઠું બોલીને પોપટે મને છેતરી,
સો ઘર કહીને મને વેતરી,
લાલચમાં હું લલચાઈ ગઈ,
ભપકો ભાળીને હું ભરમાઈ ગઈ,
ઓ પોપટિયા, તારો કાંઠલો ફોડું,
ઓ પોપટિયા, તારું નાક તોડું.
પછી તો પોપટીએ નિશ્ર્ચય કરી લીધો ને પોપટને કહી દીધું : ‘હું ભણીશ, બહુ ભણીશ અને પછી ગામમાં નવી નિશાળ ખોલીશ. ગામમાં કોઈને અભણ નહીં રહેવા દઉં !’
તે પછી પોપટીબહેન તો શહેરમાં ગયાં. શહેરમાં એક મોટી નિશાળ હતી. ત્યાં જઈને મેડમને કહે : ‘મેડમજી, મેડમજી ! મારે ભણવું છે. મારું નામ લખો ને મને ભણાવો.’
મેડમ કહે : ‘ભણવા માટે પાટીપેન જોઈએ, ચોપડી જોઈએ, નોટબુક જોઈએ, ચિત્રપોથી જોઈએ.. તારી પાસે છે બધું ?’
પોપટી માથું ધુણાવીને કહે : ‘મેડમ, ના, નથી એ બધું તો !’
મેડમ કહે : ‘તો જા, એ બધું લઈને આવ, ને પછી ભણવા બેસ.’
પોપટી તો ગઈ દુકાનવાળાની પાસે ને જઈને કહે :
પાટીપેનવાળા ભાઈ, પાટીપેનવાળા ભાઈ !
આપો પાટીપેન,
જાઉં નિશાળે,
ભણું બહુ બહુ,
થાય અજવાળું.
દુકાનવાળો કહે : ‘એમ કાંઈ મફતમાં પાટીપેન ન મળે. પાટીપેન લેવાં હોય તો મારી દુકાન વાળીઝૂડીને સાફ કરી દે. પછી પાટીપેન લઈ જા.’
પોપટીબહેન એ ચોપડી પણ ઘેર મૂકી આવ્યાં, ને પછી નોટબૂકવાળાનું કામ કરીને નોટબૂક લીધી, ને ચિત્રપોથીવાળાનું કામ કરીને ચિત્રપોથી લીધી.
હવે આ બધું ભરવા માટે દફ્તર તો જોઈએ ને ? પોપટીબહેન તો દરજીની દુકાને જઈને કહે :
દરજીદાદા, ઓ દરજીદાદા !
પુસ્તકપોથી ભરવાનું આપો દફતર,
જાઉં નિશાળે,
ભણું બહુ બહુ,
થાય અજવાળું !
દરજીદાદા કહે : ‘લે, આ જાકીટને બટન ટાંકવાનાં છે તે ટાંકી દે, એટલામાં હું તારું દફ્તર સીવી દઉં.’
પછી દફ્તર તૈયાર થયું તે લઈને પોપટીબહેન ઘેર આવ્યાં, ને પાટીપેન, ચોપડી, નોટબૂક વગેરે ભરીને દફ્તર તૈયાર કરી દીધું.
બીજે દિવસે દફ્તર લઈને પોપટીબહેન નિશાળે ગયાં. પછી તે ભણ્યાં, ખૂબ ભણ્યાં ને મેડમ બનીને ઘેર આવ્યાં. પછી તો ગામમાં નવી નિશાળ ખોલી ને બધાને ભણાવ્યાં. અત્યારે તેમના ગામમાં કોઈ અભણ નથી.
પોપટીબહેન ગામની દીકરીઓને કહે છે : પહેલાં હું આંધળી હતી. આ પોપટજીએ મને આંખો આપી, ને મને દેખતી કરી. એના લીધે હું ભણી શકી છું ને તમને ભણાવું છું. પોપટજીનો ખૂબ ખૂબ આભાર.
અને બાળકો, તમે એ પણ જાણી લો કે પોપટીબહેનના ગામની ભણેલી દીકરીઓ જ્યાં જાય છે ત્યાં રાજ કરે છે.