એનડીએના રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર : શ્રી રામનાથ કોવિંદ

    ૨૩-જૂન-૨૦૧૭


એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે શ્રી રામનાથ કોવિંદના નામની જાહેરાત થઈ છે. તેઓશ્રી હાલ બિહારનાં રાજ્યપાલ છે. રામનાથ કોવિંદનો જન્મ ૧ ઑક્ટોબર, ૧૯૪૫માં કાનપુરના ડેરાપુરમાં થયો હતો. દલિત કોળી સમાજ સાથે સંબંધ ધરાવતા શ્રી કોવિંદની ઓળખ એક દલિત ચહેરાનાં રૂપમાં થતી આવી છે. વિદ્યાર્થી કાળથી જ તેઓ અનુસૂચિત-જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરતા આવ્યા છે. વ્યવસાયે વકીલ શ્રી કોવિંદ બે વખત રાજ્યસભા માટે પસંદ થઈ ચૂક્યાં છે. ઇ.સ. ૧૯૯૮થી ૨૦૦૨ દરમિયાન ભાજપ-દલિતમોર્ચાના અધ્યક્ષ અને ઓલઇન્ડિયા દલિત -કોળી સમાજનાં અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યાં છે.
રાષ્ટ્રપતિપદના એનડીએના ઉમેદવાર શ્રી રામનાથ કોવિંદ, ‘સાધના’ પરિવાર આ અત્યંત સન્માનસૂચક સર્વોચ્ચપદ માટેની વરણી પ્રસંગે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે...!

કેરળની મસ્જિદની પહેલ લાઉડસ્પીકર પર દિવસની એક જ આઝાન

ધ્વનિ પ્રદૂષણ અંગે વધતી ફરિયાદો વચ્ચે કેરળના મુસ્લિમ બહુમતીવાળા માલાપ્પુરમ જિલ્લામાંની અગ્રણી એવી વાલિયા જુમા મસ્જિદે રમઝાન માસ દરમિયાન લાઉડ સ્પીકર પરથી દિવસમાં એક જ વાર આઝાન ડિલીવર કરવા નિર્ણય કર્યો છે. આ મસ્જિદ આવેલી છે તે વજક્કડ વિસ્તારની અન્ય ૧૭ મસ્જિદો તે આઝાનને કોઈ ઘોંઘાટ વિના માત્ર પુનરાવર્તિત કરશે. ભવ્ય મસ્જિદની આ પહેલ પરથી પ્રેરણા લઈ અન્ય મસ્જિદ અને મહલ સમિતિઓએ પણ તેને અનુસરવા નિર્ણય કર્યો છે.

ફતવામાં જજોને કાફિર કહેનારી જમાતને હાઈકોર્ટનો ઠપકો

એક ફતવામાં જજોને કાફિર કહેનારી તમિલનાડુની જમાતને મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે ભારે ઠપકો આપ્યો છે. ૩ તલાકના વિવાદમાં થેની જિલ્લામાં તમિલનાડુ જમાત ઉલ ઉલેમા સભાએ ગત સપ્ટેમ્બરમાં જારી કરેલા ફતવામાં કહ્યું હતું કે પીડિત મહિલાના પિતાએ હાઈકોર્ટ જવું જોઈતું નહોતું. ત્યાં બેઠેલા કાફિર જજો ઇસ્લામ અને કુરાનના આદેશો વિરુદ્ધ ચુકાદો આપે છે. જમાત હાઈકોર્ટને આવો કોઈ ખોટો નિર્ણય કરવા દેશે નહીં. આ મામલે તાજેતરમાં આપેલા ચુકાદામાં હાઈકોર્ટના જસ્ટિસ પી. એન. પ્રકાશે કહ્યું કે આ ફતવો ન્યાયતંત્રની ગરિમા ઘટાડે છે, જે પરેશાન કરનારી બાબત છે.


ચીનમાં પ્રથમ વખત ‘ભગવદ્ગીતા’નું કેલિગ્રાફિક પ્રદર્શન યોજાયું

થોડા સમય પહેલાં ચીનમાં ‘ભગવદ્ગીતા’નો ચીનની ભાષામાં અનુવાદ થયો હતો. એ પછી હવે પહેલી વખત ચીનમાં ‘ભગવદ્ગીતા’નું કેલિગ્રાફિક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનને જોવા માટે ચીનના નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચીનના જગવિખ્યાત કેલિગ્રાફર ડેઈ ડોસને ‘ભગવદ્ગીતા’ના કેલિગ્રાફિક પ્રદર્શન માટે પ્રત તૈયાર કરી આપી હતી. કેલિગ્રાફિક વર્ક્સ ફ્રોમ ભગવદ્ગીતા નામનું આ પ્રદર્શન હેગઝુઈના એક મ્યુઝિમમાં યોજાયું હતું.
કેલિગ્રાફિક આર્ટિસ્ટ ડેઈ કેલિગ્રાફિક પ્રત તૈયાર કરતી વખતે ભગવદ્ગીતાથી જ ખૂબ જ પ્રભાવિત થયો હતો. તેણે ભગવદ્ ગીતામાં રહેલા માનવતાના સંદેશની ભરપેટ પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન ભારત-ચીનના સાંસ્કૃતિક આદાન-પ્રદાન ભાગરૂપે એક કાર્યક્રમમાં યોજાયું હતું. ૬ મહિનાની મહેનત પછી આ કેલિગ્રાફિક પ્રત તૈયાર થઈ હતી અને કુલ ૮૮ પ્રતોમાં ભગવદ્ગીતાનો ચીની અનુવાદ સમાવાયો હતો.


વિશ્ર્વની ૨૦૦ શ્રેષ્ઠ યુનિ.માં ભારતની ત્રણ

ભારતીયો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જાય છે અને વસી જાય છે. બ્રેઈન ડ્રેઇનમાં વિશ્ર્વમાં ચીન પછી બીજું સ્થાન ધરાવતા ભારતમાં શિક્ષણ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા નથી તેવી ફરિયાદ છે પણ હવે વિશ્ર્વની શ્રેષ્ઠ ૨૦૦ યુનિ.માં ભારતની ત્રણ શૈક્ષણિક સંસ્થાઓને સ્થાન મળ્યું છે. ભારતની કોઈ શૈક્ષણિક સંસ્થાને આ બહુમાન પ્રથમ વખત મળ્યું છે જે ત્રણ ઇન્સ્ટિટ્યૂટ છે. તેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઈઆઈટી) બોમ્બે - આઈઆઈટી - દિલ્હી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ- બેંગ્લોરને આ સ્થાન મળ્યું છે. વર્લ્ડ યુનિ. રેન્કીંગ ૨૦૧૮ મુજબ આઈઆઈટી મુંબઈ ૨૧૯માંથી ૧૭૯મા સ્થાને આઈઆઈટી દિલ્હી ૧૭૨ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ૧૯૦માં સ્થાને છે.


વંચિતોને વિદ્યાદાન કરનારા સેવાવ્રતીઓનું મુંબઈમાં સન્માન

દેશના આર્થિક પાટનગર મુંબઈમાં આવા સેંકડો શિક્ષણ-વંચિત નિરક્ષરોને વિદ્યાદાન કરવાની સેવા રા. સ્વ. સંઘના સ્વયંસેવકો છેક ૧૯૫૬થી કરતા આવ્યા છે. આર્થિક અને શૈક્ષણિક દૃષ્ટિએ વંચિત નોકરિયાત યુવાનોને શાળાકીય શિક્ષણ મળી રહે તે માટે સંઘના સ્વયંસેવકોએ છેક ૧૯૫૬માં ‘ઉપનગર શિક્ષણ મંડળ’ની સ્થાપના કરી અને મુંબઈના ઉપનગર અંધેરીમાં એક રાત્રીશાળાનો આરંભ કર્યો. અહીં શાળાકીય શિક્ષણ અધવચ્ચેથી જ છોડીને નોકરી કરવા લાચાર બનેલા સેંકડો વંચિતોને વિનામૂલ્યે શિક્ષણ મળવા લાગ્યું. સંઘના સ્વયંસેવકોની વિદ્યાદાનની પ્રવૃત્તિને એટલો તીવ્ર પ્રતિસાદ મળ્યો કે શિક્ષણ-વંચિતોની માંગને પહોંચી વળવા માત્ર ૪ વર્ષના ટૂંકા ગાળામાં જ સ્વયંસેવકોને બીજી એક રાત્રીશાળા મુંબઈના સાન્તાક્રુઝ વિસ્તારમાં શ‚ કરવી પડી.
અહીં મુંબઈના હજારો શિક્ષણ વંચિત નોકરિયાતોને સંઘના સ્વયંસેવકો ગાંઠના પૈસા ખર્ચીને ભણાવવા આવતા હતા. નિ:સ્વાર્થભાવે વંચિતોના ઉત્કર્ષ માટે કાર્ય કરનારા સ્વયંસેવકોના સમર્પણભાવને સમાજે આવકાર્યો, જેના પરિણામે આજે વિદ્યાનિધિ શિક્ષણ સંકુલ મુંબઈનું એક નામાંકિત વિદ્યાધામ બન્યું છે. છ દાયકા પૂર્વે વંચિતોને વિદ્યાદાન કરનારા સંઘના અનેક સેવાવ્રતીઓ તો આજે સ્વર્ગવાસી થયા છે, તો કેટલાક સેવાવ્રતીઓ ૭૫ વર્ષની વય પણ વટાવી ગયા છે. આવા વયોવૃદ્ધ સેવાવ્રતીઓના સન્માનનો કાર્યક્રમ દિનાંક : ૧૪ જૂન, ૨૦૧૭ના દિવસે વિદ્યાનિધિ શિક્ષણ સંકુલના સભાગૃહમાં યોજાઈ ગયો. સંસ્થાના મંત્રી શ્રીરામ દત્તરાયાજીએ સંઘના વરિષ્ઠ કાર્યકર્તા શ્રી રસિકભાઈ શાહ સહિત સર્વ વયોવૃદ્ધ સેવાવ્રતીઓનું સન્માન કર્યંુ ત્યારે; ઉપસ્થિત સૌના હૃદયમાં કૃતજ્ઞતાનો મહાસાગર ઊમટી પડ્યો હતો.


પાકિસ્તાનમાં આવેલું દિલીપકુમારનું ઘર આખરે તૂટી પડ્યું

પાકિસ્તાનના પેશાવર શહેરમાં આવેલું અભિનેતા દિલીપકુમારનું વડીલોનું જર્જરિત ઘર આખરે જમીનદોસ્ત થઈ ગયું છે. આ ઘર માટે પહેલાંથી જ સમાચાર આવતા રહેતા કે એ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે જુલાઈ ૨૦૧૩માં આ મકાનને રાષ્ટ્રીય વિરાસત તરીકે જાહેર કર્યંુ હતું. એ છતાં આ ઘરને જમીનદોસ્ત થતાં પાકિસ્તાનની સરકાર ન બચાવી શકી. દિલીપકુમારનો જન્મ ૧૯૨૨માં પેશાવરમાં થયો હતો. તેમનું ખરું નામ યુસુફ ખાન છે. તેમના પિતા લાલા ગુલામ સરવર ૧૯૩૦માં પેશાવરથી મુંબઈ રહેવા આવી ગયા હતા. દિલીપકુમારને પાકિસ્તાનમાં પસંદ કરવામાં આવે છે. લોકોની એવી ઇચ્છા હતી કે આ મકાનને મ્યુઝિયમ બનાવી દેવામાં આવે. દિલીપકુમારે ૧૯૮૮માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ વડીલોના ઘરમાં ગયા હતા. ત્યાં પહોંચીને તેમણે એ ઘરની માટીને ચૂમી હતી.

નીરુ ચડ્ડા ‘આઈટીએલઓએસ’ની પ્રથમ ભારતીય મહિલા જજ બન્યા

કાયદા વિશેષજ્ઞ નીરુ ચડ્ડા સંયુક્ત રાષ્ટ્રની ન્યાયિક સંસ્થા ‘ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર લો ઑફ ધ સી’ના ન્યાયાધીશ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ૨૧ સદસ્ય અદાલતમાં સ્થાન મેળવનાર તે સૌપ્રથમ ભારતીય મહિલા ન્યાયાધીશ છે. તેઓને એશિયા પ્રશાંત સમૂહમાંથી સૌથી વધુ ૧૨૦ મત મળ્યા હતા. આ સમૂહમાંથી તેઓ એકમાત્ર એવા ઉમેદવાર હતાં જેઓએ મતદાનના પ્રથમ તબક્કામાં જ ચૂંટણી જીતી ગયાં હતાં. તેમના મુકાબલે ઇન્ડોનેશિયાના ઉમેદવારને ૫૮, લેબનાનના ૬૦, જ્યારે થાઈલેન્ડના ઉમેદવારને ૮૬ મત જ મળી શક્યા હતા. મતદાનમાં ૧૬૮ દેશોએ ભાગ લીધો હતો.

આર્થિક, સામાજિક મુદ્દે ભારતની સંયુક્ત રાષ્ટ્રમાં ફરી પસંદગી

સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય સિદ્ધાંતો આર્થિક, સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ અંગે તેની સમિતિમાં ભારત ફરી ત્રણ વર્ષ માટે ચૂંટાઈ આવ્યું છે. ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલની ચૂંટણી જીતનારા ૧૮ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. એશિયા પેસિફિક કેટગરીમાં જાપાન બાદ ભારત ૧૮૩ મતો સાથે બીજા નંબરે રહ્યું હતું. આ ચૂંટણી ગુરુવારે યોજાઈ હતી, જેમાં ૧૮ દેશોની સંખ્યાને ઉમેરવાની હતી. ચાલુ વર્ષે ભારતનું સભ્યપદ સમાપ્ત થતું હોવાને કારણે ભારત ફરી ચૂંટણી કરવા માટે માગ કરી રહ્યું હતું. બીજી તરફ મર્યાદા સમાપ્ત થતી હોવાથી પાકિસ્તાન પણ ફરી ચૂંટણી કરાવવા માગ કરી રહ્યું હતું, પરંતુ તેને ફક્ત એક જ મત મળવા પામ્યો હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી રાજદૂત સૈયદ અકબ‚દ્દીને ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ‘વધુ એક દિવસ, વધુ એક ચૂંટણી, ભારતનો ફરી વિજય, સંયુક્ત રાષ્ટ્રના સભ્યોનો આભાર, ભારત ઈકો સોશિયલ કાઉન્સિલમાં ફરી ચૂંટાયું.’